Advertisement
Author: નોબત સમાચાર

'નોબત'ના અડીખમ સ્તંભ સ્વ. કિરણભાઈ માધવાણીની પ્રથમ પુણ્યતિથિ...

                                                                                                                                                                                                      

ભારે હૃદયે ભાવભરી શ્રદ્ધાંજલિ...

જામનગરના વિવિધ ક્ષેત્રોમાં દીર્ઘકાલિન સેવાઓ આ૫નાર કુશાગ્ર અગ્રણી અને "નોબત"ની કરોડરજ્જુ સમા વડીલ સ્વ. કિરણભાઈ માધવાણીની આજે પ્રથમ પુણ્યતિથિ છે. પહેલી નવેમ્બર-૨૦૨૪ના દિવસે તેઓ વૈકુંઠયાત્રાએ નીકળી ગયા.ત્યારે માધવાણી પરિવાર અને નોબત પરિવાર તથા તેઓના બહોળા મિત્રમંડળને કારમો આઘાત લાગ્યો હતો અને પત્રકાર જગતમાં, બેંકીંગ ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર, લોહાણા સમાજ સહિત સૌ કોઈને આંચકો લાગ્યો હતો. અને શોકની લાગણી પ્રસરી ગઈ હતી. વિક્રમ સંવતની તિથિ અનુસાર તેઓએ દીપોત્સવી પર્વે અનંતયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું.

સ્વ. કિરણભાઈ પાંચ દાયકાથી "નોબત"ના અડીખમ સ્તંભ તો હતા જ, પરંતુ તેઓ સામાજિક સેવાઓ તથા વિવિધ ક્ષેત્રોમાં પણ સતત કાર્યશીલ રહેતા હતા. જામનગરની અગ્રગણ્ય સહકારી બેંક-નવાનગર બેંકના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર અને લોહાણા મહાજનના ઉપપ્રમુખ તરીકે તેઓએ વર્ષો સુધી આપેેલી સેવાઓની સુવાસ આજે પણ પ્રસરી રહી છે. તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન ૧૦૦થી વધુ વખત રક્તદાન કર્યું હતું. તેઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણાં જરૂરતમંદ લોકોને રોજગારી અપાવી હતી અને સામાન્ય ગરીબ લોકોને સંકટના સમયે મદદ કરી હતી. તેઓએ તેઓના પુત્ર સ્વ. રોનક તથા નોબત પરિવારનું પથદર્શન કરીને "મેઘધનુ" સહિતના કાર્યક્રમો, નવરાત્રિના આયોજનો વગેરેમાં પણ સક્રિય યોગદાન આપ્યું હતું. તેઓ દાયકાઓથી બ્લડ ડોનેશન પ્રવૃત્તિના પ્રણેતા અને પછીથી થેલેસેમિયા પરીક્ષણના હિમાયતી રહ્યા હતા.

તેઓ બે દાયકાથી વધુ સમય માટે જામનગર લોહાણા મહાજનના ઉપપ્રમુખ રહ્યા, અને તે દરમ્યાન પંચેશ્વર ટાવર પાસેની લોહાણા મહાજનવાડીનું નવનિર્માણ, વિવિધ ઉત્સવો, જલારામ જયંતીના કાર્યક્રમો તથા રઘુવંશી સમાજના કલ્યાણ, ઉત્કર્ષ અને શૈક્ષણિક-આર્થિક વિકાસ માટે તેઓનું યોગદાન અવિસ્મરણીય રહેશે. તે ઉપરાંત તેઓના જીવનસંગિની જ્યોતિબેન માધવાણીની મહિલા ઉત્કર્ષ અને સામાજિક સેવાઓની પ્રવૃત્તિઓ પણ તેઓના પથદર્શક અને પ્રેરક રહ્યા હતા.

આઝાદી પછીના પહેલા દાયકામાં જ રાજ્યના પ્રથમ સાંધ્ય દૈનિક "નોબત" ની પ્રારંભિક યાત્રા જયારે પડકારોનો સામનો કરી રહી હતી, ત્યારે સ્વ. રતિલાલભાઈ માધવાણીની સાથે ખભેખભા મિલાવીને જ્યારે સમગ્ર પરિવારે સફળ સંઘર્ષ કર્યો હતો, તે સમયે કિરણભાઈ અખબાર વિતરણ, ફોટોગ્રાફી, બ્લોક બનાવવા, ટ્રેડલ મશીનના જમાનામાં બીબા ગોઠવવાથી લઈને માર્કેટીંગ, એડવર્ટાઈઝીંગ અને એકાઉન્ટીંગ, પ્રૂફ રિડીંગ સુધીનું કામ સંભાળતા હતા.

કિરણભાઈ પિતાના પગલે પગલે ચાલીને નખશીખ ઈમાનદાર, નિડર અને સ્પષ્ટવક્તા હતા. વિઘ્નસંતોષીઓ દ્વારા "નોબત" માંજ તેઓના પર સ્ટેબીંગ થયું, તે પછી તેઓએ જે દૃઢ મનોબળનો પરિચય આપ્યો અને જીવનના અંતિમ સમયની થોડા સમયની બીમારી સાથે પણ તેઓ ઝઝુમ્યા, તે તેઓનું પોલાદી મનોબળ અને પ્રબળ આત્મબળ દર્શાવે છે. સ્પષ્ટ વક્તા હોવા છતાં તેઓ અંદરથી મૃદુ અને ઘણાં જ સંવેદનશીલ, દયાળુ અને નરમદિલ હતા. આ કારણે જ તેઓનો બહોળો મિત્રવર્ગ આજે એક વર્ષ વિત્યા પછી પણ તેઓની વસમી વિદાયથી બહાર આવ્યો નથી. તેઓની વિદાયથી પરિવાર અને સમાજને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. નોબતના ખૂણે ખૂણે આજે પણ અમને બધાને સ્વ. કિરણભાઈની અનુભૂતિ થઈ રહી છે.

માધવાણી પરિવાર અને નોબત પરિવાર ઉપરાંત સમાજ, બેંકીંગ ક્ષેત્ર, લોહાણા મહાજન તથા વિવિધ ક્ષેત્રો માટે કિરણભાઈની વિદાય આઘાતજનક નિવડી હતી, પરંતુ ઈશ્વરની ઘટમાળ સામે પામર માનવીનું કાંઈ ચાલતું નથી. તેઓની સ્મૃતિઓ અને સત્કાર્યોની સુવાસના સ્વરૂપે તેઓ હંમેશાં આપણી વચ્ચે જ રહેવાના છે. ઠાકોરજી સ્વ. કિરણભાઈના આત્માને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે આંખમાં આંસુ અને હૃદયના વલોપાત સાથે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પીએ...

જયશ્રી કૃષ્ણ

 

જામનગર, તા. ૧-૧૧-૨૦૨૫

- માધવાણી પરિવાર - નોબત પરિવાર



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh