Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના ધરમપુર પાટીયા પાસે હિટ એન્ડ રનના બનાવમાં પ્રૌઢનું મૃત્યુઃ મોટરના ચાલક સામે ગુન્હો

ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર મોડપર પાસે અકસ્માતમાં વૃદ્ધાનું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: લાલપુર તાલુકાના ધરમપુર ગામના પાટીયા પાસે બે સપ્તાહ પૂર્વે પુરપાટ ધસી આવેલી એક મોટરે ચાલીને જતા મૂળ વરવાળાના અને હાલમાં રાણાવાવમાં રહેતા પ્રૌઢને હડફેટે લીધા પછી ગંભીર ઈજા પામેલા પ્રૌઢનું હોસ્પિટલના બિછાને મોત નિપજ્યું છે. હિટ એન્ડ રનના આ બનાવની પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે ગઈકાલે સવારે ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર મોડપરના પાટીયા પાસે એક વૃદ્ધાને મોટરે હડફેટે લેતા આ વૃદ્ધાનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ થયું છે.

જામજોધપુર તાલુકાના વરવાળા ગામના વતની અને હાલમાં પોરબંદર જિલ્લાના રાણાવાવમાં વસવાટ કરતા દેશુરભાઈ જીવાભાઈ મોરી (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ ગઈ તા.૯ની સાંજે ભાણવડ નજીકના ત્રણ પાટીયા પાસેથી એક બસમાં ધરમપુર ગામ તરફ આવવા માટે રવાના થયા હતા.

આ પ્રૌઢ ધરમપુર પાટીયા પાસે બસમાંથી ઉતર્યા પછી ચાલીને જતા હતા ત્યારે ત્રણ પાટીયા તરફથી એક અજાણી મોટર ફૂલસ્પીડમાં ધસી આવી હતી. તે મોટરના ચાલકે દેશુરભાઈને પાછળથી જબરદસ્ત ટક્કર મારતા રોડ પર ફંગોળાયેલા આ પ્રૌઢને કપાળ, છાતી, કમર તથા જમણા પગમાં ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે દેશુરભાઈને ૧૦૮ મારફત લાલપુર દવાખાને લઈ જવામાં આવ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જનાર મોટર સ્થળ પરથી નાસી છૂટી હતી.

લાલપુરથી વધુ સારવાર માટે દેશુરભાઈને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી સઘન સારવાર માટે આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા જ્યાં ગઈ તા.૧રના દિને દેશુરભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના પત્ની રંભીબેન મોરીએ ગઈકાલે લાલપુર પોલીસ મથકમાં મોટરચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હિટ એન્ડ રનના આ બનાવની નોંધ કરી અકસ્માત સર્જનાર મોટર તથા તેના ચાલકની શોધ આરંભી છે.

ધ્રોલ તાલુકાના દેડકદળ ગામમાં રહેતા રંભીબેન માધાભાઈ સાડમીયા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધા ગઈકાલે સવારે પોતાના ઘરેથી ઘરવખરીનો સામાન ખરીદવા માટે મોડપર ગામના પાટીયા પાસે એક દુકાને ગયા પછી નવેક વાગ્યે ત્યાંથી પરત ફરતા હતા ત્યારે રાજકોટ-જામનગર રોડ પર મોડપરના પાટીયાથી રોડ ક્રોસ કરતી વખતે આ વૃદ્ધાને જીજે-૩-પીડી ૮૫૬૭ નંબરની મોટર ફૂલસ્પીડમાં ધસી આવી હતી. તે મોટરના ચાલક રાજકોટ શહેરના ગાંધીગ્રામ પાસે શાસ્ત્રીનગરમાં રહેતા વિજય ગોવિંદભાઈ ગરોધરાએ બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરી રંભીબેનને હડફેટે લેતા આ વૃદ્ધાને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. તેઓનું સારવાર દરમિયાન ગઈકાલે બપોરે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ધીરૂભાઈ માધાભાઈ સાડમીયાએ ધ્રોલ પોલીસ મથકમાં મોટરચાલક વિજયભાઈ ગરોધરા સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh