Advertisement
Author: નોબત સમાચાર

રણજીતસાગર રોડની સોસાયટીમાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૪૬૮ બોટલ સાથે એક ઝડપાયોઃ બેના નામ ખૂલ્યા

સમર્પણ સર્કલ, ગુલાબનગર, જામજોધપુરમાંથી પણ ઝડપાયો દારૂનો જથ્થોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના રણજીતસાગર રોડ પર એક સોસાયટીમાં ગઈકાલે પોલીસે પૂર્વ બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૪૬૮ બોટલ ભરેલી ૩૯ પેટી કબજે કરી છે. આ જથ્થા સાથે ઝડપાયેલા શખ્સે બેના નામ આપ્યા છે. સમર્પણ સર્કલ પાસેથી એક શખ્સ પાંચ ચપલા સાથે પકડાયો છે. ગુલાબનગરમાં એક મકાનમાંથી ૧ર ચપલા મળી આવ્યા છે. જામજોધપુરમાંથી પણ ત્રણ ચપલા ઝબ્બે થયા છે. નિકાવા પાસેથી બાઈકમાં પાંચ બોટલ લઈને જતા એક શખ્સે સાગરિતનું નામ આપ્યું છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ગોકુલ દર્શન સોસાયટીના ગેઈટ નજીક એક શેરીમાં આવેલા મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના ઋષિરાજસિંહ, કિશોર ગાગીયા, પ્રદીપસિંહ જાડેજાને મળતા પીઆઈ એન.એ. ચાવડાને વાકેફ કરાયા પછી ગઈકાલે બપોરે ગોકુલ દર્શન સોસાયટીના ૧ નંબરના દરવાજા પાસે શેરી નં.પમાં કપિલ ધર્મેન્દ્રભાઈ મંગી નામના શખ્સના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

આ મકાનની તલાશી લેવામાં આવતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાંડની ૪૬૮ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે કપિલ મંગીની ધરપકડ કરવામાં આવી છે અને દારૂ, મોબાઈલ મળી કુલ રૂ।.૪,૨૮,૬૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

ઉપરોક્ત આરોપીની પૂછપરછ કરાતા તેણે પોતાના સાગરિત હવાઈચોક નજીક ભાનુશાળી વાડમાં રહેતા કૌશિક ઈશ્વરભાઈ કનખરા તથા સંદીપ રાજેશભાઈ સોમૈયાના નામ આપ્યા છે. આ બંને શખ્સની શોધ કરાઈ રહી છે.

જામનગરના સમર્પણ સર્કલ પાસેથી ગઈકાલે સાંજે પસાર થતાં મેહુલનગર નજીકના પ્રગતિ પાર્ક-૧માં વસવાટ કરતા નિરવ બાબુભાઈ અજુડીયા નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમે રોકાવી ચેક કરતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ મળી આવી હતી. જમાદાર શિવભદ્રસિંહ જાડેજાએ ખુદ ફરિયાદી બની સિટી સી ડિવિઝનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જામનગરના ગુલાબનગર નજીકના સંજરી ચોકમાં એક શખ્સ પોતાના ભાડાના મકાનમાં દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરતો હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ પી.પી. ઝાની સુચનાથી દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા ફિરોઝ જુમાભાઈ સુધાગુનીયા નામના શખ્સના મકાનની જડતી લેવાતા ત્યાંથી ઈંગ્લીશ દારૂના ૧ર ચપલા મળી આવ્યા હતા.

જામજોધપુર શહેરના મીની બસ સ્ટેન્ડ પાસેથી ગઈકાલે સવારે જઈ રહેલા અનિલ જીવણભાઈ કવૈયા નામના શખ્સને રોકી પોલીસે તેને ચેક કરતા તેની પાસેથી દારૂના ત્રણ ચપલા મળી આવ્યા હતા.

કાલાવડ તાલુકાના નિકાવા ગામથી પાતા મેઘપર ગામ તરફ જવાના રસ્તા પર ગઈકાલે રાત્રે જીજે-૩-જેએસ ૪૬૯ નંબરના મોટરસાયકલ પર જતા નિકાવાના શેખર સુરેશભાઈ વિષ્ણુસ્વામી ઉર્ફે લાલા નામના શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમે રોકી ચેક કરતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તથા મોટરસાયકલ કબજે કરી લઈ પૂછપરછ કરતા આ શખ્સે પોતાના સાગરીત કાલાવડના આણંદપર ગામના ધર્મેશ રાજેશભાઈ બગડાનું નામ આપ્યું છે.

જામનગરમાં દિગ્વીજય પ્લોટ વિસ્તાર નજીક આવેલી ઓશવાળ હોસ્પિટલવાળા રોડ પરથી ગઈકાલે બપોરે પસાર થતાં શંકરટેકરીના વાલ્મિકીવાસમાં રહેતા સાવન ભરતભાઈ વાઘેલા નામના શખ્સને પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ સાથે પકડી લીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh