Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'બેબી બૂમર્સ' નેતાઓના ઉધામા આખી દુનિયામાં ઉથલ પાથલ કરી રહૃાા છે!
આવતીકાલે વેલેન્ટાઇન ડે છે. યુવાનો રંગે ચંગે ઉજવે છે. વેલેન્ટાઇન ડે પ્રેમનો સંદેશ આપલે કરવાનો બહુ સારો અને અર્થસભર દિવસ છે. સંત વેલેન્ટાઇનનો પ્રેમનો સંદેશ જેન ઝી માટે જ સર્જાયો હોય તેવી આપણી માન્યતા છે. યુવાન લોકો એક સપ્તાહ સુધી જુદા જુદા પ્રેમના પ્રતીક સમાન દિવસો ઉજવે અને અંતે ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે આવે.
શું પ્રેમનો સંદેશ માત્ર યુવાનો માટે જ આજના સમયે સમયોચિત છે? મારા જેવા ૬૦ પ્લસ જેવડા લોકો માટે 'પ્રેમ' ફિટ નથી? ૬૦ પ્લસ લોકોને 'બેબી બૂમર્સ' કહેવામાં આવે છે. આમ આજની યુવા પેઢી એટલે જેન ઝી અને મારા જેવા બાલ વગરની ટાલ વાળા એટલે 'બેબી બૂમર્સ'. મારૃં માનવું છે કે, પ્રેમનો સંદેશ યુવાનો કરતા વૃદ્ધો માટે બહુ જરૂરી અને મહત્ત્વનો છે. બધા વૃદ્ધો મારા તમારા જેવા સાદા સીધા અને ભજન કીર્તન કરતા લોકો નથી. આજે દુનિયાને કેટલાક બુઢા લોકોની માનસિકતા અને ઉધામા બહુ પજવે છે. આ આખા લેખ માટે ડોનાલ્ડ ટ્રમ્પ એક માત્ર નામનો ઉચ્ચાર કાફી છે. ડોનાલ્ડ દાદા ઠંડા પડે એટલે ચારે તરફ શાંતિ જ શાંતિ!!
યુવાન લોકો તો ખૂણે ખાંચરે પ્રિય પાત્ર સાથે ગોષ્ઠી કરી સંત વેલેન્ટાઇનના આત્માને શાંતિ મળે તેવા કાર્યો કરે અને લાગણીઓની આપલે કરે! પરતું બેબી બૂમર્સ વયના ડોનાલ્ડ દાદા, પુતીન દાદા, શી પિંગ દાદા, મદૂરો દાદા ખુલ્લેઆમ અશાંતિના ખેલ ખેલે છે. આ દાદાઓ જો શાંતિ પાળે તો ધરતી ઉપર સ્વર્ગ ઉતારી આવે. સંત વેલેન્ટાઇનના આત્માને ચીર શાંતિ મળે!
સંત વેલેન્ટાઇન
વેલેન્ટાઇન ડે, જેને સેન્ટ વેલેન્ટાઇન ડે અથવા સેન્ટ વેલેન્ટાઇનનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે દર વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. તેનો ઉદ્ભવ વેલેન્ટાઇન નામના શહીદના સન્માનમાં ખ્રિસ્તી તહેવાર તરીકે થયો હતો, અને પછીની લોક પરંપરાઓ દ્વારા તે વિશ્વના ઘણાં પ્રદેશોમાં રોમાંસ અને પ્રેમનો એક મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક, ધાર્મિક અને વ્યાપારી ઉજવણી પણ બની ગયો છે.
૧૪ ફેબ્રુઆરી સાથે સંત વેલેન્ટાઇન સાથે અનેક શહાદત કથાઓ સંકળાયેલી છે, જેમાં ત્રીજી સદીમાં રોમન સામ્રાજ્ય હેઠળના ખ્રિસ્તીઓની સેવા કરવા બદલ રોમના સંત વેલેન્ટાઇનને કેદ કરવામાં આવ્યાનો અહેવાલ પણ શામેલ છે. એક પ્રારંભિક પરંપરા અનુસાર, સંત વેલેન્ટાઇનએ તેમના જેલરની અંધ પુત્રીને દૃષ્ટિ પાછી આપી હતી. દંતકથામાં પાછળથી થયેલા અસંખ્ય ઉમેરાઓ તેને પ્રેમની થીમ સાથે વધુ સારી રીતે જોડે છે. સંત વેલેન્ટાઇન ખ્રિસ્તી સૈનિકો માટે લગ્ન કરાવતા હતા જેમને રોમન સમ્રાટ દ્વારા લગ્ન કરવાની મનાઈ હતી; દંતકથાને ૧૮મી સદીમાં માનવામાં આવે છે, જે દાવો કરે છે કે તેમણે ફાંસી પહેલાં જેલરની પુત્રીને વિદાય તરીકે ''તમારા વેલેન્ટાઇન'' કહી હસ્તાક્ષરિત પત્ર લખ્યો હતો.
૮મી સદીના ગેલેશિયન સેક્રામેન્ટરીમાં ૧૪ ફેબ્રુઆરીના સંત વેલેન્ટાઇનના તહેવારની ઉજવણી નોંધવામાં આવી હતી. ૧૪મી સદીમાં આ દિવસ રોમેન્ટિક પ્રેમ સાથે સંકળાયેલો બન્યો, જ્યારે વસંતઋતુના પ્રારંભના ''પ્રેમી પક્ષીઓ'' સાથે અગાધ પ્રેમની કલ્પનાઓ ખીલી. ૧૮મી સદીના ઇંગ્લેન્ડમાં, તે યુગલો માટે ફૂલો આપીને, મીઠાઈઓ અર્પણ કરીને અને શુભેચ્છા કાર્ડ (જેને ''વેલેન્ટાઇન'' તરીકે ઓળખવામાં આવે છે) મોકલીને એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાનો પ્રસંગ બન્યો. આજે ઉપયોગમાં લેવાતા વેલેન્ટાઇન ડે પ્રતીકોમાં હ્ય્દય આકારની રૂપરેખા, કબૂતર અને પાંખવાળા કામદેવની આકૃતિનો સમાવેશ થાય છે. ૧૯મી સદીમાં, હાથથી બનાવેલા કાર્ડ્સે મોટા પાયે શુભેચ્છાઓનો નવો માર્ગ સ્થાપ્યો. ઇટાલીમાં, સંત વેલેન્ટાઇનની ચાવીઓ પ્રેમીઓને ''રોમેન્ટિક પ્રતીક અને આપનારના હ્ય્દયને ખોલવા માટે આમંત્રણ તરીકે'', તેમજ બાળકોને વાઈ (જેને સેન્ટ વેલેન્ટાઇન રોગ કહેવાય છે)થી બચવા માટે આપવામાં આવે છે.
સંત વેલેન્ટાઇનનો સંદેશ મુખ્યત્ત્વે હિંમત, બલિદાન અને બિનશરતી પ્રેમનો છે. જ્યારે આધુનિક ઉજવણીઓ રોમાંસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે સંત વેલેન્ટાઇનનું ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ વ્યક્તિત્વ શ્રદ્ધા અને અન્ય લોકોના કલ્યાણ પ્રત્યે ખૂબ ઊંડી પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે.
એંગ્લિકન કોમ્યુનિયન અને લ્યુથરન ચર્ચમાં આ સ્મૃતિ દિવસ છે. પૂર્વીય રૂઢિચુસ્ત ચર્ચના ઘણાં ભાગ ૬ જુલાઈએ રોમન પ્રેસ્બીટર સંત વેલેન્ટાઇનના માનમાં સેન્ટ વેલેન્ટાઇન ડે ઉજવે છે, અને ૩૦ જુલાઈએ ઇન્ટરમ્નાના બિશપ હિરોમાર્ટિર વેલેન્ટાઇનના માનમાં ઉજવે છે.
વેલેન્ટાઇન સપ્તાહના દિવસો કયા છે?
તે છે રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે અને વેલેન્ટાઇન ડે.
આમાં એક વધુ દિવસ પણ ઉમેરવો જોઈએ.. પીસ ડે (શાંતિ દિવસ)!!! શાંતિ હશે તો જ 'પ્રેમ' થશે.
વર્તમાન
વર્તમાન સમયમાં આ પ્રેમ પ્રતિક દિવસના મૂળ ઉદેશો લુપ્ત થઈ રહૃાા છે. અમારા એક વડીલ મિત્ર ફરિયાદ કરતાં કહે છે કે, આ દિવસ પ્રેમને બદલે છાકટા બનવાનો દિવસ બની ગયો છે. સંત વેલેન્ટાઇન 'શુદ્ધ પ્રેમ'ના હિમાયતી હતા, તેના વિચારમાં વાસના ન હતી. વેલેન્ટાઈ ડે હૃદય સાથે જોડાયેલો પ્રસંગ છે જ્યારે આજે તેને શરીર સાથે જોડી દેવામાં આવ્યો છે.
આપણી આજની ચિંતા સાવ જુદી છે. સંત વેલેન્ટાઇનનો પ્રેમ માત્ર યુવાનો માટે જ છે?
ના.. વડીલોએ પણ પ્રેમની આપલે કરવી જોઈએ. દુનિયાના સંચાલક હોય તેવા નેતાઓ પ્રેમ ભૂલી ગયા છે. દુનિયાના શક્તિશાળી લોકો હવે પોતાની સત્તા અને મહત્તા વધારવામાં વ્યસ્ત થયા છે. અમેરિકા, રશિયા, ચીન અને ભારતના નેતા બેબી બૂમર્સ વયમાં જીવી રહયા છે. ઉધામાં કરતાં નેતાઓને કારણે દુનિયા ઊંધી ચતી થઈ રહી છે. વૃદ્ધ ઓસામા બિન લાદેને આખા અમેરિકાને હચમચાવી નાખ્યું હતું! ૭૫ વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ આખી દુનિયાને પાઠ ભણાવવા નીકળ્યા છે. ૭૫ વર્ષના રશિયન પ્રમુખ પુતીન યુક્રેન જીતવા નીકળ્યા છે. ચીનના પ્રમુખ પણ ૭૫ પ્લસ છે. તેની સેના પણ લડવા માટે જગ્યા શોધી રહી છે. આપણા પીએમ નરેન્દ્ર મોદી પણ ૭૫ વર્ષને આંબી ગયા છે અને અટવાયા કરે છે. વેનેઝુએલાના પ્રમુખ મદુરોને ટ્રમ્પની સેના અપહરણ કરી ગઈ. આ મદુરો પણ દૂધે ધોયેલાં નથી. આખી દુનિયામાં નશીલા પદાર્થોની નિકાસ કરે અને અબજો રૂપિયા ગજવે ઘાલી દેતા હતા. ઇરાનના બેબી બૂમર્સ નેતા અમેરિકા સાથે બાથ ભીડે છે. ડોસા ડોસાઓની લડાઈમાં આખી દુનિયાનો ખો નીકળી રહૃાો છે.
શું આ યુદ્ધખોર નેતાઓને સંત વેલેન્ટાઇનના શાંતિ કે પ્રેમના સંદેશની જરૂર નથી!
વડીલો
માત્ર વૃદ્ધ નેતાઓ જ શા માટે? સામાન્ય વૃદ્ધો પણ જતી જિંદગીએ માનસિક પરિતાપ ભોગવતા જોવા મળે છે. વયોવૃદ્ધ લોકો પણ ઈર્ષા, સંઘર્ષ, દેખાદેખી, સંતાપ શા માટે કરતા હશે? ધીમે ચાલતા વાહનોએ વધુ ગતિશીલ વાહનોને આગળ જવા જગ્યા કરી આપવી જોઈએ. સાસુઓએ વહુ સાથે શાબ્દિક કે શારીરિક ખેંચતાણ શા માટે કરવી જોઈએ. વિશ્વમાં હથિયારોથી લડાતા યુદ્ધો કરતાં જીભથી સર્જાતાં સંઘર્ષો વધુ વ્યાપક અને અશાંતિ સર્જે છે.
સંત વેલેન્ટાઇન જ શા માટે? મહાત્મા ગાંધીજી પણ અહિંસાના પ્રખર હિમાયતી હતા. પ્રેમનો સંદેશ સાંભળવો સહેલો છે, પરંતુ પચાવવો બહુ કપરો છે! કારણ કે, આપણી પાચન શક્તિ મંદ પડી ગઈ છે. ૬૦ પ્લસ વડીલો માટે શરીર સાથ આપતું નથી, ત્યારે સમાજ સાથ ન આપે તો નગુણો કહેવાય. વડીલોએ પણ 'ચાલશે, ફાવશે અને ભાવશે' નું સૂત્ર આત્મસાત કરી લેવું જોઈએ. મદદ ન કરી શકે તો કહી નહીં, નડવાની માનસિકતા છોડી દેવી જોઈએ. બધા ધર્મોથી ઉપર 'છોડી દેવાનો ધર્મ' મહાન ગણવો જોઈએ.
સારાંશ
દુનિયા ક્ષણભંગુર છે. શાંતિની વાતો કરનારા અને યુદ્ધની વાતો કરનારા, બન્ને ચાલ્યા ગયા. માણનાર અને સહન કરનાર બન્ને પણ ઉપર જતા રહૃાા! ફરક એટલો જ છે કે, માણનાર માણી ને ગયા, અને લડનાર પીડાઈને ગયા! શરીરમાં રોગ પ્રવેશે ત્યારે તંદુરસ્તીની કિંમત સમજે. ખિસ્સા ખાલી થાય ત્યારે નાણાની કિંમત સમજાય. ૫૦ની ઉમર થાય ત્યારે યુવાનીની કિંમત સમજાય. 'જગ્યા ત્યારથી સવાર' બહુ મોડું મોડું સમજાય છે. શરીરની ચરબી ઉતરી શકે છે, પરંતુ મગજમાં ઘૂસેલી ચરબી આજીવન ટકે છે.
સંત વેલેન્ટાઇનનો પ્રેમ સંદેશ માત્ર જેન ઝી માટે જ ન સમજવો. બીજો ખાસ ખુલાસો કરવાનો કે, પ્રેમ એટલે માત્ર વાસના જ નહીં. પ્રેમ લાગણી પણ હોવો જોઈએ. પતિ-પત્ની, માં-બાપ, ભાઈ-બહેન, પરિવાર, સમાજ, જ્ઞાતિ, મિત્રો, પરિચિતો, રાજ્યો અને દેશ દેશ વચ્ચે પણ પ્રેમ શક્ય અને જરૂરી છે.
સંતાનોને મોકળાશ આપવી તે વડીલોની ફરજ છે. સમાજમાં સુમેળ રહે, એકતા જળવાય, સમાનતા જળવાય તે માટે વડીલોની ભૂમિકા આધારસ્થંભ સમાન હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પ, પુતીન અને શી જિંગ પિંગ.. દુનિયામાં આ ત્રણ વડીલો સંત વેલેન્ટાઇનને ફોલો કરે તો શાંતિ પથરાઈ જાય.
'નોબત'ના સૌ વાચકો અને ચાહકોને અશાંતિ દૂર કરવા, પ્રેમ સંદેશ ફેલાવવા માટે હાર્દિક અનુરોધ છે.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial