Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સહિત ૨૯ જિલ્લા મથકો પર રાજ્ય સરકાર દ્વારા શ્રી ગણેશ પંડાલ પ્રતિયોેેગીતા

જામ્યુકો દ્વારા તા. ૨૯થી ૩૧ સુધી નેશનલ સ્પોર્ટસ-ડે અને ફીટ ઈન્ડિયાની ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગર તા.૨: કલેકટર કેતન ઠક્કર અને કમિશનર ડી.એન. મોદીની અધ્યક્ષતામાં ગણેશચતુર્થી તથા નેશનલ સ્પોર્ટસ ડે અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં જામનગર સહિત રાજ્યના ૨૯ જિલ્લા મથકોએ યોજાનારી શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા-૨૦૨૫ અંગે માહિતી અપાઈ હતી. પસંદગી પામેલ પંડાલોમાંથી શ્રેષ્ઠ પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે રૂ. ૫ લાખ, રૂ. ૩ લાખ, રૂ. ૧.૫૦ લાખ તેમજ અન્ય પાંચને પ્રોત્સાહનરૂપે રૂ. ૧-૧ લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેવી જાહેરાત પણ કરાઈ હતી. અને નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં તા. ૨૯થી તા. ૩૧ ઓગસ્ટ દરમિયાન વિવિધ રમતોનું આયોજન થનાર છે. તેની માહિતી અપાઈ હતી.

જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કર અને મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદીની અધ્યક્ષતામાં ગણેશચતુર્થી તથા નેશનલ સ્પોર્ટ્સ ડે ને  અનુલક્ષીને મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ફરન્સ હોલમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

મ્યુનિસિપલ કમિશનરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગણેશચતુર્થીના તહેવારને અનુલક્ષીને તેમજ રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સિવાયનાં જામનગર સહીત ૨૯ જિલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ ૫(પાંચ) આશ્વાસન પુરસ્કારોની પસંદગી કરી તેઓને રાજ્ય સરકાર દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. રાજ્યનાં ૨૯ જિલ્લાઓમાંથી પસંદગી પામેલ પંડાલોમાંથી ૧ થી ૩ ક્રમે આવેલ ગણેશ પંડાલનાં વિજેતાઓને ગુજરાત સરકાર તરફથી પ્રથમ ક્રમે વિજેતાને રૂ.૫લાખ, દ્વિતીય ક્રમે વિજેતાને રૂ.૩લાખ, તૃતીય ક્રમે વિજેતાને રૂ.૧લાખ ૫૦ હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમજ અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે દરેકને રૂ.૧લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા ઈચ્છુક જામનગરના લોકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળે, રૂમ નં.૪૨, જામનગરથી ફોર્મ મેળવી તા.૨૮/૦૮/૨૦૨૫ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં પરત કરવાના રહેશે.

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૨૭-૮-૨૦૨૫ થી તા.૭-૯-૨૦૨૫ સુધી શ્રી ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. જેમાં શહેરના પ્લોટ નં.૯૮, હોટલ વિશાલ ઈન્ટરનેશનલ પાછળ તથા સરદાર રિવેરા, રણજીતસાગર રોડ લાલપુર બાયપાસ પાસે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવશે. લોકોએ આ વિસર્જન કુંડમાં જ મૂર્તિઓ વિસર્જિત કરવા તથા માત્ર ઇકોફ્રેન્ડલી જ મૂર્તિઓની પૂજા કરવા કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

૨૯ ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતગર્ત જામનગરમાં આયોજિત કાર્યક્રમો અંગે કમિશનરે જણાવ્યું હતું કે, જામનગરમાં તા.૨૯ થી તા.૩૧ ત્રણ દિવસ દરમિયાન વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૨૯ના શાળા કક્ષાએ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે. તા.૩૦ ઓગસ્ટના જામનગર જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા અલગ-અલગ કચેરીઓની ક્રિકેટ સ્પર્ધાનું આયોજન જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને પોલીસ હેડ ક્વાર્ટર, ક્રિકેટ ગ્રાઉન્ડ જામનગરમાં કરવામાં આવ્યું છે. તથા તા.૩૧ ઓગસ્ટના જામનગર શહેરમાં સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

કલેકટર કેતન ઠક્કરે ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની પૂજા કરવા તથા તા.૨૯ ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતગર્ત જામનગરમાં આયોજિત સાયક્લોથોનમાં સહભાગી થવા જામનગરવાસીઓને અપીલ કરી હતી.

આ પત્રકાર પરિષદમાં જામનગર જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર બી.એન ખેર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઝાલા તથા પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહૃાા હતા.

સવારે ૬:૩૦ વાગ્યે તળાવની પાળેથી પ્રસ્થાન

જામનગરમાં તા. ૩૧ ઓગસ્ટના સન્ડે ઓન સાયકલ રેલી યોજાશે

જામનગર જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત આગામી તા.૨૯ થી તા.૩૧ ઓગસ્ટ ત્રણ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૩૧ ઓગસ્ટના ફીટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સાયકલ રેલી યોજાશે. વિવિધ કચેરીઓ અને સંસ્થાઓ દ્વારા જાહેર જનતા સુધી રમતોનું મહત્ત્વ તથા લોકોને શારીરિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજાવતો સંદેશો પહોચાડવાના હેતુથી આયોજિત સન્ડે ઓન સાયકલ રેલીનું પ્રસ્થાન તા.૩૧ ઓગસ્ટના સવારે ૬:૩૦ કલાકે રણમલ તળાવના ગેટ નં.૧થી થશે. ત્યાંથી જંગલેશ્વર મંદિર રોડ, એસ.ટી.રોડ, સાત રસ્તા, શરુ સેક્શન, પંચવટી સર્કલ, પી.એન.માર્ગ, જી.જી.હોસ્પિટલ, ગુરુદ્વારા ચોકડી, લાલ બંગલો સર્કલ, જે.એમ.સી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ થઇ રણમલ તળાવના ગેટ નં.૧ પર પૂર્ણ થશે. જેમાં ભાગ લેવા માટે જામનગરવાસીઓએ ઓનલાઈન ગુગલ ફોર્મમાં પોતાની એન્ટ્રી કરાવવાની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh