Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૯-૦૨-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે....
આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારાની ચાલ અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ રહ્યો.
આઈટી સેક્ટરમાં યુએસ માર્કેટના ટેક શેરોમાં નબળાઈ અને ઓર્ડર ફ્લો અંગેની ચિંતાને કારણે વેચવાલી જોવા મળી. ઓટો અને મેટલ સેક્ટરમાં પણ શરૂઆતથી જ મિશ્ર વલણ રહ્યું. એફઆઈઆઈ દ્વારા હળવી વેચવાલી અને ડીઆઈઆઈ દ્વારા પસંદગીની ખરીદી વચ્ચે બજારમાં વોલેટિલિટી ઊંચી રહી.
ડોમેસ્ટિક લિક્વિડિટી બજારને સંપૂર્ણ રીતે તૂટવાથી બચાવી રહી છે, પરંતુ ટૂંકા ગાળે દબાણ યથાવત્ રહેવાની શક્યતા છે. કોમોડિટી બજારમાં ક્રૂડ ઓઈલના મજબૂત ભાવ અને સોનાની સ્થિરતા રોકાણકારોના રિસ્ક-ઓફ મૂડને દર્શાવે છે. રૂપિયા ડોલર સામે નબળો ટ્રેડ થતાં ઇમ્પોર્ટ આધારિત કંપનીઓ પર દબાણ જોવા મળી શકે છે.
એફઆઈઆઈ/ડીઆઈઆઈ અને વૈશ્વિક સંકેતો :
- એશિયન બજારોમાં નરમાઈ અને યુએસમાં વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહેવાની શક્યતાએ સેન્ટિમેન્ટને અસર કરી.
- પ્રારંભિક આંકડા મુજબ એફઆઈઆઈ તરફથી હળવી વેચવાલી નોંધાઈ, જ્યારે ડીઆઈઆઈએ નીચલા સ્તરે પસંદગીના લાર્જકૅપ શેરોમાં સપોર્ટ આપ્યો.
- ડોમેસ્ટિક લિક્વિડિટી બજારમાં સ્થિરતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
કોમોડિટી બજાર :
ક્રૂડ ઓઈલ : જિયોપોલિટિકલ તણાવ અને સપ્લાય સંબંધિત ચિંતા વચ્ચે ભાવ મજબૂત રહ્યા. વધતા ક્રૂડ ભાવ મોંઘવારી અને રૂપિયા પર દબાણ ઊભું કરી શકે છે.
સોનું અને ચાંદી : વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સોનું સેફ હેવન તરીકે સ્થિર રહ્યું છે. એમસીએક્સ પર સોનું અંદાજે રૂ।.૧,૫૬,૩૦૧/૧૦ ગ્રામ આસપાસ અને ચાંદી રૂ।.૨,૪૫,૮૮૯/કિલો નજીક ટ્રેડ થઈ રહી છે.
બેઝ મેટલ્સ : કોપર અને એલ્યુમિનિયમમાં મર્યાદિત હલનચલન જોવા મળ્યું, જે મેટલ સેક્ટરને મર્યાદિત સપોર્ટ આપે છે.
સ્થાનિક પરિબળો :
- રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ડેટા આધારિત અભિગમ યથાવત્ છે, જે બજારમાં લાંબા ગાળે સ્થિરતા માટે સકારાત્મક છે.
- રૂપિયા ડોલર સામે નબળો ટ્રેડ થઈ રહ્યો છે, જોકે આરબીઆઈના સંકેતોને કારણે અતિરિક્ત વોલેટિલિટી નિયંત્રિત છે.
- જીડીપી વૃદ્ધિ અંગેનો અંદાજ મજબૂત રહેતા લાંબા ગાળાનો વિશ્વાસ યથાવત્ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ, કેપેક્સ સાયકલમાં તેજી અને મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિમાં સુધારો દેશની આર્થિક ગતિને સપોર્ટ આપી રહ્યા છે.
- ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ ઇનફ્લો અને એસઆઈપી દ્વારા આવતી નિયમિત લિક્વિડિટી બજાર માટે મજબૂત આધાર પૂરું પાડે છે, જે એફઆઈઆઈ વેચવાલી વચ્ચે બફર તરીકે કાર્ય કરે છે.
- આવનારા સમયમાં મોંઘવારીના આંકડા, ઔદ્યોગિક ઉત્પાદન અને કોર્પોરેટ અર્નિંગ્સ બજારની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ રહેશે. જો મેક્રો આંકડા અનુકૂળ રહે તો બજારમાં વિશ્વાસ મજબૂત રહી શકે છે.
ટેકનિકલ એનાલિસીસ :
માર્કેટ બ્રેડ્થ નબળી રહી. વધનાર શેરોની સંખ્યા ઘટનાર કરતાં ઓછી રહી, જે વ્યાપક નબળાઈ દર્શાવે છે. બેન્કિંગ અને આઈટી સેક્ટરમાં શોર્ટ બિલ્ડઅપના સંકેતો મળ્યા, જ્યારે મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં નીચલા સ્તરે પસંદગીની ખરીદી જોવા મળી.
નિફ્ટી ફ્યુચર ટ્રેન્ડ : નિફ્ટી ફ્યુચરમાં શરૂઆત ઉછાળે વેચવાલી ડાઉનટ્રેન્ડમાં જોવાં મળી છે. ટ્રેડિંગના સંદર્ભમાં જોઈએ તો ૨૫૬૭૬ પ્રથમ અને ૨૫૬૦૬ અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. ઉપરની તરફ ૨૫૮૭૮ થી ૨૫૯૦૯ ની સપાટી સ્પર્શી શકે છે. ૨૫૮૦૮ પોઈન્ટ નજીક નવી પોઝિશન બનાવતી વખતે સાવધાનીપૂર્વક કામકાજ કરવાની સલાહ છે.
સ્ટોક સ્પેશિફિક ટ્રેન્ડ : ગોદરેજ કન્ઝ્યુમર (૧૧૯૫) : પર્સનલ કેર સેક્ટરની આ અગ્રણી કંપનીનો શેર હાલમાં રૂ।.૧૧૯૦ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. રૂ।.૧૧૮૦નો સ્ટ્રોંગ સપોર્ટ મહત્વપૂર્ણ માનવો. આ લેવલ જળવાઈ રહે તો ટૂંકા ગાળામાં રૂ।.૧૨૦૮ થી રૂ।.૧૨૨૦ સુધી રિકવરી જોવા મળી શકે છે. રૂ।.૧૨૨૩ ઉપર ક્લોઝિંગ મળે તો વધુ તેજી તરફી મોમેન્ટમ સર્જાઈ રૂ।.૧૨૪૦+ તરફ મૂવમેન્ટ શક્ય બની શકે છે. સપોર્ટ તૂટે તો ટૂંકા ગાળે દબાણ વધી શકે છે.
ઝાયડસ લાઈફ (૯૧૬) : ફાર્મા સેક્ટરના આ સ્ટોકમાં રૂ।.૯૦૬ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ જોવા મળ્યો છે. રૂ।.૮૯૮નો સપોર્ટ જાળવાય તો રૂ।.૯૩૩ થી રૂ।.૯૪૦ સુધી અપસાઈડ સંભાવના છે. વોલ્યુમ સપોર્ટ સાથે ૯૪૦ ઉપર ટકાઉ બ્રેકઆઉટ મળે તો આગળના લેવલ્સ ખુલ્લા થઈ શકે છે.
એસબીઆઈ કાર્ડ્સ (૭૭૮) : એનબીએફસી સેક્ટરના આ રોકાણલક્ષી સ્ટોકમાં રૂ।.૭૬૭ પ્રથમ અને રૂ।.૭૬૦ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે ધ્યાનમાં લેવા યોગ્ય છે. આ સપોર્ટ ઝોનથી બાઉન્સ મળ્યા બાદ રૂ।.૭૯૩ થી રૂ।.૮૦૦ સુધી રિકવરી શક્ય છે. રૂ।.૮૦૦ ઉપર મજબૂત ક્લોઝિંગ વધુ તેજી માટે સકારાત્મક ગણાશે.
એચડીએફસી લાઈફ (૭૨૩) : લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટરના આ સ્ટોકમાં ટ્રેડિંગલક્ષી વોલેટિલિટી જોવા મળી રહી છે. રૂ।.૭૯૭નો સ્ટ્રોંગ સપોર્ટ મહત્વપૂર્ણ છે. ઉપર તરફ રૂ।.૮૦૮ થી રૂ।.૮૩૮ સુધી રેન્જ મૂવમેન્ટ શક્ય છે. રૂ।.૮૩૮ ઉપર બ્રેકઆઉટ મળે તો મધ્યમ ગાળે તેજી વધુ મજબૂત બની શકે છે.
સેક્ટર મૂવમેન્ટ :
બેન્કિંગ : પ્રાઈવેટ બેન્કોમાં ઊંચા લેવલ્સ પરથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધારાથી ફાઇનાન્શિયલ્સ પર દબાણ રહ્યું. લાર્જકૅપ બેન્કોમાં શોર્ટ ટર્મ ટ્રેડર્સ દ્વારા પોઝિશન લાઈટ કરવામાં આવી.
આઈટી : યુએસ ટેક શેરોમાં નબળાઈ અને ઓર્ડર ફ્લો અંગેની અનિશ્ચિતતા ભારતીય આઈટી શેરોમાં અસરકારક રહી. કરન્સી મૂવમેન્ટને કારણે માર્જિન અંગે ચિંતા યથાવત્ છે.
મેટલ : આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિરતા વચ્ચે મેટલ સેક્ટરમાં મર્યાદિત રિકવરી જોવા મળી. શોર્ટ કવરિંગના સંકેતો કેટલાક સ્ટોક્સમાં દેખાયા.
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ : ડોમેસ્ટિક માંગ મજબૂત રહેવાની અપેક્ષા વચ્ચે સેક્ટરે મર્યાદિત સપોર્ટ દર્શાવ્યો. પસંદગીના સ્ટોક્સમાં નીચલા લેવલ્સે ખરીદી જોવા મળી.
ઓટો : વેચવાલીનું દબાણ જોવા મળ્યું, ખાસ કરીને ટૂ-વ્હીલર અને કમર્શિયલ વાહન સેગમેન્ટમાં. વધતા ઇનપુટ કોસ્ટ અને નિકાસ બજારમાં અનિશ્ચિતતા સેન્ટિમેન્ટ પર અસર કરે છે. તેમ છતાં ફેસ્ટિવલ સીઝન ડિમાન્ડ માટે આશાવાદ યથાવત્ છે.
ફાર્મા : ડિફેન્સિવ બાયિંગ જોવા મળ્યું. યુએસએફડીએ સંબંધિત અપડેટ્સ અને કરન્સી મૂવમેન્ટ સેક્ટર માટે મુખ્ય ટ્રિગર છે. વોલેટિલિટી વચ્ચે ફાર્મા સેક્ટર તુલનાત્મક રીતે સ્થિર રહ્યો.
રિયલ એસ્ટેટ : વ્યાજદર અંગેની અનિશ્ચિતતા વચ્ચે મિશ્ર વલણ જોવા મળ્યું. મોટા શહેરોમાં રહેણાંક માંગ મજબૂત હોવાને કારણે સેક્ટર લાંબા ગાળે સપોર્ટેડ છે.
બજારની ભાવિ દિશા :
ટૂંકા ગાળે બજારમાં વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે. યુએસ મોંઘવારી આંકડા, બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સની ચાલ ભારતીય બજાર માટે મહત્વપૂર્ણ ટ્રિગર રહેશે. જો વૈશ્વિક યીલ્ડ સ્થિર થાય અને ડોલરમાં નરમાઈ આવે તો ઈન્ડેક્સમાં શોર્ટ કવરિંગ સાથે ટેકનિકલ રિકવરી જોવા મળી શકે છે. પરંતુ ક્રૂડમાં તેજી અને ડોલરમાં મજબૂતી યથાવત્ રહે તો ઉપરના લેવલ્સ પર ફરી વેચવાલી સક્રિય બની શકે છે. લેવલ-ટુ-લેવલ ટ્રેડિંગ, યોગ્ય પોઝિશન સાઇઝિંગ, ટ્રેઇલિંગ સ્ટોપલોસ અને રિસ્ક-રીવોર્ડ રેશિયોનું પાલન અતિ આવશ્યક છે. લાંબા ગાળે ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ અને ડોમેસ્ટિક લિક્વિડિટી બજાર માટે સકારાત્મક પરિબળ છે, છતાં ટૂંકા ગાળે સાવચેતી અ ને સંયમિત રણનીતિ જ સફળતાની ચાવી રહેશે.