Advertisement
Author: નોબત સમાચાર

એઆઈ સમિટ ગ્લોબલ સાઉથનું ગૌરવઃ સૌથી મોટું ટ્રેક ટેલેન્ટ પુલ છે ભારતઃ મોદી

પી.એમ. મોદી ઉપરાંત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, યુનોના મહાસચિવ ગુટેરેસ અને વિશ્વના દિગ્ગજ ઉદ્યોગપતિઓનું સંબોધન

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૯: નવી દિલ્હીમાં આયોજીત આંતરરાષ્ટ્રીય કક્ષાની એ.આઈ. સમિટનું ઉદ્ઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ, યુનોના મહાસચિવ, ઉદ્યોગપતિઓ તથા દિગ્ગજોએ સંબોધન કર્યું હતું. આ સમિટમાં વિશ્વભરમાંથી વિવિધ ક્ષેત્રના દિગ્ગજો તથા ર૦ થી વધુ દેશોના રાષ્ટ્રધ્યક્ષો ભાગ લઈ રહ્યા છે.

દિલ્હીના ભારત મંડપમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ ર૦ર૬'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટની થીમ 'સર્વજન હિતાય, સર્વજન સુખાય' (સૌનું કલ્યાણ, સૌની પ્રસન્નતા) રાખવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનાવવાનો અને માનવતાના ઉત્થાન માટે એઆઈનો ઉપયોગ કરવાનો છે.

આ ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદીની સાથે ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને વિશ્વભરના ટોચના ઉદ્યોગપતિઓએ પણ સંબોધન કર્યું હતું. આ સમિટમાં પ૦૦ થી વધુ એઆઈ લીડર્સ, ૧૦૦ થી વધારે સરકારી પ્રતિનિધિઓ, ર૦ થી વધુ રાષ્ટ્રાધ્યક્ષો, અંદાજે ૬૦ મંત્રીઓ, ૧પ૦ થી વધુ શિક્ષણશાસ્ત્રીઓ અને સંશોધકો સહિત સેંકડો એક્સપર્ટસે ભાગ લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 'આજે મશીન લર્નિંગથી લઈને લર્નિંગ મશીન સુધીની સફર જેટલી ઝડપી છે એટલી જ ઊંડી અને વ્યાપક પણ છે. તેથી આપણે આપણું વિઝન પણ મોટું રાખવું પડશે અને જવાબદારી પણ એટલી જ મોટી નિભાવવી પડશે. સાથે જ આપણે એ વાતની પણ ચિંતા કરવાની છે કે આવનારી પેઢીઓના હાથમાં આપણે એઆઈનું કેવું સ્વરૂપ સોંપીને જઈશું.' 'આજે અસલી સવાલ એ નથી કે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શું કરી શકે છે. સવાલ એ છે કે વર્તમાનમાં આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે શું કરીએ છીએ. માનવતા સામે આવા પ્રશ્નો પહેલા પણ આવ્યા છે, જેનું સૌથી મોટું ઉદાહરણ ન્યક્લિયર પાવર છે. આપણે તેનું વિનાશક સ્વરૂપ પણ જોયું છે અને સકારાત્મક યોગદાન પણ જોયું છે. એઆઈ પણ એવી જ એક પરિવર્તનકારી શક્તિ (ટ્રાન્સફોર્મેટિવ પવાર) છે.'

એઆઈ સમિટમાં પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, 'ભારત દુનિયાની સૌથી મોટી યુવા વસ્તી અને 'ટેક ટેલેન્ટ' ધરાવતો દેશ છે, જે નવી ટેકનોલોજી બનાવવામાં અને અપનાવવામાં અગ્રેસર છે. આ સમિટ ભારત અને સમગ્ર 'ગ્લોબલ સાઉથ' માટે ગૌરવ સમાન છે. વિશ્વના ૧૦૦ થી વધુ દેશોની સહભાગિતા અને ખાસ કરીને યુવા પેઢીનો એઆઈ પરનો ભરોસો અને તેની સ્વીકાર્યતા ખરેખર અભૂતપૂર્વ છે, જે ભવિષ્ય માટે નવો વિશ્વાસ પેદા કરે છે.'

આ સમિટમાં સાત મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવયું છે, જેમાં આર્થિક વિકાસ, સામાજિક કલ્યાણ, સુરક્ષિત અને વિશ્વસનીય એઆઈ, અને સંસાધનોનું લોકશાહીકરણ સામેલ છે. સાંજના સમયે પીએમ મોદી ગ્લોબલ ટેક કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેશે, જ્યાં રોકાણ, રિસર્ચ અને સપ્લાય ચેન જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ભારત માટે અને સમગ્ર ગ્લોબલ સાઉથ માટે આ સમિટનું આયોજન ગૌરવનો વિષય છે, જેમાં ખાસ કરીને યુવા પેઢીનો ઉત્સાહ એક નવો આત્મવિશ્વાસ પેદા કરી રહ્યો છે.

ઈન્ડિયા એઆઈ સમિટ દરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને એક અત્યંત સંવેદનશીલ અને મહત્ત્વના મુદ્દે વૈશ્વિક સ્તરે ભારતનો સાથ માગ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે, ભારત પણ બાળકોને સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવથી બચાવવા માટે ફ્રાન્સ જેવી કડક નીતિ અપનાવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરતા ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને જણાવ્યું કે, 'ફ્રાન્સ ૧પ વૃષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે. ગ્રીસ, સ્પેન અને અન્ય યુરોપિયન દેશો પણ આ પહેલમાં ભાગ લઈ રહ્યા છે અને ભારત પણ તેમાં જોડાય તેવી અપેક્ષા છે. મને ખબર છે, વડાપ્રધાન મોદી તમે પણ આ પહેલમાં જોડાઓ છો, જો ભારત પણ બાળકો રક્ષણ માટેના આવા પગલાંમાં જોડાય તો તે ખૂબ જ સારા સમાચાર હશે. બાળકોનું રક્ષણ કરવું એ ફક્ત નિયમો બનાવવાની બાબત નથી, પરંતુ સભ્યતાની બાબત છે.'

ઓસ્ટ્રેલિયા પહેલા જ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી ચૂક્યું છે. જો ભારત પણ ફ્રાન્સની આ પહેલમાં જોડાય છે, તો તે વિશ્વના સૌથી મોટા યુવા વસ્તી ધરાવતા દેશમાં સોશિયલ મીડિયાના વપરાશમાં ક્રાંતિકારી ફેરફાર લાવી શકે છે. મેક્રોને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, પીએમ મોદી પણ બાળ સુરક્ષાના આ મહત્ત્વના પગલામાં સહમત થશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતીએ ભારતના ડિજિટલ ઉત્ક્રાંતિની પ્રશંસા કરતા કહ્યું કે, 'ભારતે એવું સિદ્ધ કર્યું છે જે વિશ્વના અન્ય કોઈ દેશે કર્યું નથી. ૧.૪ બિલિયન લોકો માટે ડિજિટલ ઓળખ, ચૂકવણી પ્રણાલી જે હવે દર મહિને ર૦ બિલિયન ટ્રેન્જેક્શન પ્રોસેસ કરે છે. એક આરોગ્ય માળખા કે જેણે પ૦૦ મિલિયન ડિજિટલ આરોગ્ય આઈડી જાહેર કર્યા છે.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh