Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવા ઉપરાષ્ટ્રપતિ અંગે અટકળો તેજઃ હરિવંશ નારાયણસિંહનું નામ મોખરે
નવીદિલ્હી તા. ૨૨: ગઈકાલે ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે ચોમાસું સત્ર શરૃ થતા જ અચાનક આ રાજીનામાની ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. વિપક્ષોએ પણ સરકાર પર પ્રહારો શરૃ કર્યા છે. જો કે, ધનખડે સ્વાસ્થ્યનું કારણ આપ્યું છે, પરંતુ તે કોઈને ગળે નહીં ઉતરતા ઘેરૃ સસ્પેન્સ સર્જાયું છે.
સંસદનું ચોમાસું સત્ર ગઈકાલે જ શરુ થયું અને પ્રથમ દિવસની કામગીરી પછી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આરોગ્યનું કારણ આપીને ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું છે.
જોકે વિપક્ષ તથા રાજકીય પંડિતોને આ વાત ગળે નથી ઉતરી રહી. જોકે હાલ તેમના ઉત્તરાધિકારીની શોધ શરૃ થઈ ગઈ છે. સત્તાધારી ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ પાસે લોકસભા અને રાજ્યસભાના સભ્યો સહિતના ચૂંટણી મંડળમાં બહુમતી છે. ધનખડના રાજીનામા પછી, આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે તે અંગે અટકળો થવા લાગી છે.
નિયમો મુજબ જો ઉપરાષ્ટ્રપતિનું પદ રાજીનામા, મૃત્યુ, પદ પરથી હટાવવા અથવા અન્ય કોઈ કારણસર ખાલી પડે, તો ખાલી જગ્યા ભરવા માટે શક્ય તેટલી વહેલી તકે ચૂંટણી યોજાય છે. ભાજપ પાસે ઉપરાષ્ટ્રપતિના પદ માટે ઘણાં નેતાઓ છે. જેમાં રાજ્યપાલ અથવા સંગઠનના અનુભવી નેતાઓ અથવા કેન્દ્રીય મંત્રીઓમાંથી કોઈપણને પસંદ કરી શકાય છે.
જનતા દળ (યુનાઇટેડ) ના સાંસદ અને બિહાર રાજ્યથી રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહનું નામ હાલ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચર્ચાઈ રહૃાું છે. હરિવંશ નારાયણસિંહનો જન્મ ૩૦ જૂન, ૧૯૫૬ના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં થયો હતો. તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી અને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું છે. તેઓ લાંબા સમય સુધી પત્રકારત્વમાં સક્રિય રહૃાા હતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખરના મીડિયા સલાહકાર પણ હતા. વર્ષ ૨૦૧૪માં, જેડીયુએ તેમને રાજ્યસભામાં મોકલ્યા અને ૨૦૧૮માં તેમને રાજ્યસભાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેઓ જેપી ચળવળ સાથે પણ સંકળાયેલા છે, જેના કારણે તેમની સ્વચ્છ અને વૈચારિક નેતાની છબિ બની છે.
ભારતના બંધારણ મુજબ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ૬૦ દિવસની અંદર થવી જરૃરી છે. લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો મતદાન કરે છે, જેમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ અપનાવવામાં આવે છે. હરિવંશ નારાયણ સિંહ સિવાય, રાજનાથ સિંહ, આરિફ મોહમ્મદ ખાન, મનોજ સિંહા જેવા અન્ય સંભવિત નામો પણ ચર્ચામાં છે. જોકે, અત્યાર સુધી કોઈ પણ પક્ષ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
બીજી તરફ ગઈકાલે અચાનક ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યા પછી કહૃાું કે, 'હું હવે મારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માંગુ છું.' ૭૪ વર્ષીય જગદીપ ધનખડ વર્ષ ૨૦૨૨થી ઉપરાષ્ટ્રપતિ પદ પર હતા અને કાર્યકાળ પૂર્ણ થતા પહેલા જ તેમણે રાજીનામું આપી દેતા અનેક પ્રશ્ન ઉભા થઈ રહૃાા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના રાજીનામા પર પુનર્વિચાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. એવું કહેવામાં આવી રહૃાું છે કે તેમણે આ નિર્ણય તેમના પરિવાર સાથે સલાહ લીધા પછી લીધો છે અને ફક્ત સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત તેમણે એવો પણ નિર્ણય લીધો છે કે તેઓ વિદાઈ ભાષણ પણ નહીં આપે.
સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસે તેમનું રાજીનામું ખૂબ જ આશ્ચર્યજનક છે. દિવસ દરમિયાન, તેઓ રાજ્યસભામાં હાજર હતા, જ્યાં ગૃહના નેતા જેપી નડ્ડા અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ઓપરેશન સિંદૂર અને પહલગામ હુમલા અંગે ઉગ્ર ચર્ચા થઈ હતી. આ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિને એમ કહેતા સાંભળવામાં આવ્યા કે, હું આ અંગે ખાતરી કરીશ કે આ મુદ્દાના તમામ પાસાઓ પર ચર્ચા થાય. બાદમાં તેમણે વિપક્ષ અને શાસક પક્ષની બેઠક બોલાવી, જેમાં એવું કહેવામાં આવી રહૃાું છે કે શાસક પક્ષના સાંસદો પહોંચ્યા નહતા. આ પછી મોડી સાંજે જગદીપ ધનખડે રાજીનામાંની જાહેરાત કરી હતી.
ધનખડના રાજીનામાં બાદ ઉઠી રહૃાા છે સવાલ તેમનો ૨૩ જુલાઈનો જયપુર પ્રવાસ પહેલેથી જ નક્કી હતો, જેનો સીધો અર્થ છે કે રાજીનામાનો નિર્ણય અચાનક જ લેવાયો. જો આરોગ્યના કારણે રાજીનામું આપ્યું હોય તો સંસદ સત્રના પ્રથમ દિવસે તેઓ સક્રિય હતા અને કોઈ સમસ્યા જણાતી નહોતી. આરોગ્ય આટલું જ ખરાબ હતું તો ચોમાસું સત્ર શરૃ થાય તે પહેલા જ રાજીનામું કેમ ન આપ્યું?
અહેવાલો મુજબ કોંગ્રેસ માને છે કે ઉપરાષ્ટ્રપતિ ધનખડ સ્વસ્થ છે. કોંગ્રેસના અખિલેશ પ્રસાદ સિંહ, પ્રમોદ તિવારી અને જયરામ રમેશે સોમવારે સાંજે ૫.૪૫ કલાકે જગદીપ ધનખડ દ્વારા ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. તેમના મતે ઉપરાષ્ટ્રપતિ સ્વસ્થ હતા. વિપક્ષના આ દાવા પર પણ પ્રશ્નો ઉભા થઈ રહૃાા છે. ઘણા નિષ્ણાતો અને વિપક્ષી નેતાઓ જગદીપ ધનખડના સ્વાસ્થ્યના દાવાઓ પર શંકા વ્યક્ત કરી રહૃાા છે. હકીકતમાં, જગદીપ ધનખડે રાજીનામું આપ્યાના થોડા કલાકો પહેલા વિપક્ષી સાંસદોને મળ્યા હતા અને સંસદની કાર્યવાહી ચલાવી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ફરિયાદ વ્યક્ત કરી ન હતી. આ ઉપરાંત, ૨૩ જુલાઈના જગદીપ ધનખડની જયપુર મુલાકાત પણ પ્રસ્તાવિત હતી, જે રદ કરવામાં આવી ન હતી. એક યોગ્ય પ્રેસ રિલીઝ બહાર પાડવામાં આવી હતી.
કોંગ્રેસના નેતા જયરામ રમેશ કહે છે કે તેઓ સાંજે ૫ વાગ્યા સુધી તેમની સાથે હતા અને સાંજે ૭:૩૦ વાગ્યે ફોન પર વાત કરી હતી. તેમનું અચાનક રાજીનામું ફક્ત સ્વાસ્થ્યના કારણોસર મર્યાદિત હોય તેવું લાગતું નથી. કેટલાક નેતાઓએ અનુમાન લગાવ્યું હતું કે આ ટોચના નેતૃત્વ સાથેના કેટલાક સંઘર્ષનું પરિણામ હોઈ શકે છે.
હવે બધાની નજર આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે તેના પર છે. ભારતીય બંધારણ મુજબ, ૬૦ દિવસની અંદર નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી થઈ જાય ત્યાં સુધી, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણસિંહ કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળશે. જગદીપ ધનખડના રાજીનામાથી માત્ર રાજકીય ચર્ચાઓ જ નહીં, પણ સંસદ સત્રના સંચાલન પર પણ પ્રશ્નો ઉભા થયા છે.
પી.એમ. મોદીએ શુમકામના પાઠવી ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરી
ઉપરાષ્ટ્રપતિ પદ્દેથી ધનખડનું રાજીનામું મંજુર
નવી દિલ્હી તા. રરઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગઈકાલે સાંજે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે સ્વાસ્થ્યને પ્રાથમિક્તા આપતા આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. આજે મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું રાજીનામું સ્વીકાર્યું છે.
રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું મંજુર કર્યું છે, અને આગામી કાર્યવાહી માટે ગૃહ મંત્રાલયને રાજીનામું મોકલવામાં આવ્યું છે, જેના પર થોડી વારમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર એક્સ પર પોસ્ટ કરી તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. તેમણે કહ્યું કે, જગદીપ ધનખડજીને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અન્ય ભૂમિકાઓમાં દેશની સેવા કરવાની અનેક તક મળી હતી. તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે હું શુભકામના પાઠવું છું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial