Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા મંડળના મંદિરોમાં ઉભરાતી ભાવિકોની ભીડઃ 'ફૂલડોલ'ની તૈયારી

હવે કાયમી ધોરણે દર્શનાર્થીઓની ભીડ રહે છે, જે વિકેન્ડ અને વાર-તહેવારે વધી જતી હોય છે... ભાવુક દૃશ્યો સર્જાય છે

                                                                                                                                                                                                      

યાત્રાધામ દ્વારકામાં હવે કાયમી ધોરણે યાત્રિકોનો પ્રવાહ વહેતો હોય છે, પરંતુ તહેવારો, ઉત્સવો તથા વિશેષ પ્રસંગોના સમયે ભીડ અત્યંત વધી જાય છે. આ શનિ-રવિના વિકેન્ડમાં પણ 'નોબત'ની ટીમના કેમેરાની આંખે શ્રદ્ધાળુઓથી ઉભરાતા યાત્રા સ્થળોના દૃશ્યો કંડારાય છે, જેમાં યાત્રાધામ દ્વારકાનું જગતમંદિર, દ્વારકાધીશ મંદિરને જોડતા સ્થળો, ગોપી તળાવ, દ્વાદશ જ્યોતિર્લિંગમાં મનાતા નાગેશ્વર મંદિરો અને બેટદ્વારકાના માર્ગે ઉભરાતી ભાવિકોની ભીડ દૃષ્ટિગોચર થાય છે. આ ઉપરાંત હૂતાશણીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે હોળી-ધૂળેટીના પર્વે દ્વારકાના જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવમાં રાજ્યભરમાંથી તથા રાજ્ય બહારથી પણ પદયાત્રીઓ પહોંચતા હોય છે. જેનો પ્રવાહ હવે ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે, તો હવે કાયમી ધોરણે યાત્રિકોથી ઉભરાતા યાત્રાધામ દ્વારકા મંડળના મંદિરોમાં અત્યારથી જ વિવિધ પરિવહન દ્વારા મોટી સંખ્યામાં યાત્રિકોનો પ્રવાહ શરૂ થયો છે. આ પદયાત્રીઓનો પ્રવાહ દિવસે દિવસે ઘણો જ વધવાનો હોવાથી આખા માર્ગે ઠેર-ઠેર પદયાત્રીઓની સેવા-સુવિધા માટે કેમ્પો ઊભા થઈ રહ્યા છે, અને કેટલાક સેવાકેમ્પો શરૂ પણ થયેલા જોવા મળી રહ્યા છે. દૂર-દૂરથી આવતા પદયાત્રીઓની સુરક્ષા-સલામતી માટેની સુરક્ષા વ્યવસ્થાના પ્રબન્ધો પણ થઈ રહેલા જોવા મળ્યા હતાં.

ફૂલડોલ ઉત્સવ દરમિયાન દ્વારકા અને બેટદ્વારકામાં અબીલ-ગુલાલની છોળો ઊડાડીને વિશેષ ઉજવણી થાય છે, અને વિશેષ પ્રકારના શણગાર, સુશોભન અને રંગરસિયાના સુમધુર ગીત-સંગીત સાથે ભવ્ય દર્શનનો લ્હાવો લેવાનો અવસર ઊભો થતો હોય છે, જેમાં દૂર-દૂરથી લાખો ભાવિકો હૂતાશણી પર્વના સમયગાળા દરમિયાન દ્વારકા પહોંચતા હોય છે. દરરોજ હજારો પદયાત્રીઓ ઉપરાંત પોતાના વાહનો, ટેક્સી, બસ, ટ્રેન અને નજીકના વિમાન મથકો સુધીની હવાઈયાત્રા કરીને પણ શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે. ભગવાન દ્વારકાધીશની રાજધાની દ્વારકા અને ભગવાનનું નિવાસસ્થાન (રાણીવાસ) ગણાતા બેટદ્વારકામાં વિશેષ સ્વરૂપે દર્શન સાથે ઉત્સવો ઉજવાય છે, જેમાં વૈષ્ણવો પણ ઉમંગભેર જોડાય છે, અને અત્યારથી હૂતાશણી સુધી દ્વારકા અને બેટદ્વારકામાં થતી વિશેષ આરતીઓ તથા ઉજવણીઓનો લાભ દર્શનાર્થીઓ લેતા હોય છે.

યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવતા લગભગ બધા યાત્રિકો દ્વાદશ જ્યોતિર્લિંગમાં ગણાતા નાગેશ્વરની મુલાકાત અવશય લેતા હોય છે અને ત્યાં વિશાળકાય શિવજીની પ્રતિમા સાથે સેલ્ફી તથા આજુબાજુના મનોરમ્ય આહ્લાદક વાતાવરણનો અલૌકિક આનંદ મેળવતા હોય છે. દ્વારકાથી લગભગ ૧૭ કિ.મી. દૂર નાગેશ્વર પછી આવતા ગોપીતળાવમાં વૈષ્ણવ સંપ્રદાયના બેઠકજી, ગોપીનાથથી અને મહાદેવના મંદિર ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણનું ગોકુલથી મળવા આવેલી ગોપીઓની પૌરાણિક કથાઓને સાંકળતા ગોપીતળાવની મુલાકાત યાત્રિકો લેતા હોય છે અને ભગવાન શ્રીકૃષ્ણની ચરણરજ સમાન તળાવની માટીમાંથી બનેલા ગોપીચંદનની ખરીદી કરતા હોય છે. એમ કહેવાય છે કે, આ તળાવની માટીના કોઈપણ ઢેફામાં સુદર્શનચક્રની છાપ દેખાય છે. ગોપી તળાવથી થોડા જ અંતરે ભગવાન દ્વારકાધીશનું નિવાસસ્થાન દ્વારકાધીશનું મંદિર હવેલી જેવું છે, જ્યાં રાણીવાસ છે. બેટદ્વારકામાં પણ હનુમાનદાંડી, ચોર્યાસી ધૂણા, શંખેશ્વર તળાવ, બેઠકજી, ગુરુદ્વારા વિગેરે આવેલા છે. બેટદ્વારકા જવા દરિયામાં નિર્માણ કરાયેલો સુદર્શન બ્રિજ પણ વૈશ્વિક ટુરિઝમ માટે એક નજરાણું બન્યો છે, જ્યાંથી માણસો સેલ્ફી તથા ફોટોગ્રાફીનો લુત્ફ ઊઠાવતા હોય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh