Advertisement
Author: નોબત સમાચાર

રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે અમેરિકાના ર૦ જેટલા રાજ્યોએ ખટલો માંડ્યોઃ નિર્ણય રદ્ કરવા માગણી

એચઆઈબી વિઝા પર ફી વધારનાર

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૧૩: એચઆઈબી વિઝા પર ફી વધારી પોતાના જ દેશમાં ટ્રમ્પ ઘેરાયા છે. અમેરિકાના ર૦ જેટલા રાજ્યોએ કેસ કર્યો છે.

અમેરિકામાં એચ-૧બી વિઝાની ફીને લઈને ટ્રમ્પ પ્રશાસનનો તાજેતરનો નિર્ણય રાજકીય અને કાનૂની ચર્ચાનો મોટો મુદ્દો બની ગયો છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા એચ-૧બી વિઝા પર ૧ લાખ ડોલર એટલે કે આશરે રૂ. ૮૩ લાખની મોટી ફી લગાવવાના નિર્ણય વિરૂદ્ધ હવે ખુદ અમેરિકાના ર૦ રાજ્યોએ કોર્ટમાં કેસ કર્યો છે.

આ રાજ્યોનું કહેવું છે કે, આ નિર્ણય ગેરકાયદેસર છે અને તેનાથી શાળાઓ, હોસ્પિટલો અને અન્ય જરૂરી સેવાઓમાં સ્ટાફની અછત વધુ ગંભીર બનશે. આ કેસ હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટની તે નીતિની વિરૂદ્ધ છે, જેમાં એચ-૧બી વિઝા માટે અરજી કરનારી કંપનીઓ પાસેથી ખૂબ ઊંચી ફી લેવાની વાત કહેવામાં આવી છે. એચ-૧બી વિઝાનો ઉપયોગ સામાન્ય રીતે હોસ્પિટલો, યુનિવર્સિટીઓ અને સરકારી શાળાઓ જેવી સંસ્થાઓ વિદેશથી કુશળ કર્મચારીઓને રાખવા માટે કરે છે.

એચ-૧બી વિઝા ફીમાં વધારો કરવાના ટ્રમ્પના નિર્ણય વિરૂદ્ધ ર૦ રાજ્યોએ કોર્ટમાં મજબૂત કાનૂની દલીલો રજૂ કરી છે. તેમનું કહેવું છે કે, 'આ નિર્ણય પ્રશાસનિક પ્રક્રિયા કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે, કારણ કે આટલો મોટો નીતિગત ફેરફાર કરતી વખતે નિયત પ્રક્રિયા અપનાવવામાં આવી નથી.'

આ ઉપરાંત રાજ્યોએ ભારપૂર્વક જણાવ્યું છે કે, 'ટ્રમ્પ પ્રશાસનનો આ આદેશ અમેરિકાના બંધારણની પણ વિરૂદ્ધ છે, કારણ કે કોંગ્રેસ દ્વારા એચ-૧બી વિઝા ફી વધારવા માટે ક્યારેય પરવાનગી આપવામાં આવી નથી. અગાઉ વિઝા ફી માત્ર સિસ્ટમ ચલાવવાના ખર્ચ પૂરતી જ મર્યાદિત રહેતી હતી. (૯૬૦ થી ૭,પ૯પ ડોલર), પરંતુ ૧ લાખ ડોલરની નવી ફી કોંગ્રેસ દ્વારા નિર્ધારિત સીમાની બહાર જઈને લેવાયેલો નિર્ણય છે અને તેથી તેને રદ કરવો જોઈએ.'

ર૦ રાજ્યોના એટર્ની જનરલએ સ્પષ્ટ ચેતવણી આપી છેકે, એચ-૧બી વિઝા ફીમાં થયેલો આ અસાધારણ વધારો શિક્ષકો અને ડોક્ટરોની અછતને વધુ ગંભીર બનાવશે. શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો, ર૦ર૪-રપ ના વર્ષમાં અમેરિકાના ૭૪ ટકા શાળા જિલ્લાઓએ ખાલી પદો ભરવામાં મુશ્કેલીનો સામનો કર્યો છે. ખાસ કરીને સ્પેશિયલ એજ્યુકેશન, સાયન્સ, ઈએસટી/બાયલિંગ્યુઅલ શિક્ષણ અને વિદેશી ભાષાઓમાં કુશળ કર્મચારીઓની મોટી અછત છે.

આ જ રીતે, સ્વાસ્થ્ય ક્ષેત્રે એચ-૧બી વિઝા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ર૦ર૪ માં મેડિકલ અને હેલ્થ સેક્ટર માટે લગભગ ૧૭,૦૦૦ એચ-૧બી વિઝા આપવામાં આવ્યા હતાં, જેમાંથી લગભગ અડધા ડોક્ટર અને સર્જન હતાં. એક અંદાજ મુજબ અમેરિકાને ર૦૩૬ સુધીમાં ૮૬,૦૦૦ ડોક્ટરોની મોટી અછતનો સામનો કરવો પડી શકે છે, અને આ નવી ફી આ બન્ને આવશ્યક જાહેર સેવાઓના કર્મચારીના સંકટને વધારશે.

આ કેસની આગેવાની કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, 'ટ્રમ્પ પ્રશાસન પાસે આટલી મોટી ફી લગાવવાનો કાનૂની અધિકાર નથી. ટ્રમ્પ તરફથી લગાવવામાં આવેલી ૧ લાખ ડોલરરની એચ-૧બી વિઝા ફી બિનજરૂરી અને ગેરકાનૂની છે. તેનાથી શાળાઓ, હોસ્પિટલો અને અન્ય જરૂરી સેવાઓ પર આર્થિક બોજ વધશે અને કર્મચારીઓની અછત વધુ વકરશે.'

કેલિફોર્નિયા અને મેસેચ્યસેટ્સ ઉપરાંત એરિઝોના, કોલોરાડો, કનેક્ટિકટ, ડેલવેર, હવાઈ, ઈલિનોય, મેરીલેન્ડ, મિશિગ્રન, મિનેસોટા, નેવાડા, નોર્થ, કેરોલાઈના, ન્યુ જર્સી, ન્યુયોર્ક, ઓરેગોન, રોડ આઈલેન્ડ, વર્મોન્ટ, વોશિંગ્ટન અને વિસ્કોન્સિન જેવા ર૦ રાજ્યોએ ટ્રમ્પ સામે આ કેસ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh