Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે દેશના તમામ જિલ્લા મથકો પર કોંગ્રેસીઓ સડક પર ઉતરીને ગાંધીજીના પોસ્ટરો સાથે મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરવા અને આગામી તા. ૨૮મી ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપનાદિને તમામ ગામડાઓ, શહેરો તથા તાલુકા મથકો પર ગાંધીજીની તસ્વીરો સાથે મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરવા કોંગ્રેસ હાઈ કમાન્ડે સૂચના આપી છે. આ વિરોધ કેન્દ્ર સરકારે મનરેગા યોજના નાબૂદ કરી તેના વિરોધમાં થઈ રહ્યો છે, અને વધુ પ્રબળતાથી મનરેગાના સ્થાને રજૂ થયેલી નવી યોજનાના નામકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મનરેગા અને નવી યોજનામાં ઓફિશયલ લાંબા નામોના શોર્ટફોર્મમાં થતા ઉચ્ચારણોનો આ વિવાદ દર્શાવે છે કે આપણાં દેશની રાજનીતિની દશા અને દિશા બદલાઈ રહી છે અને શાસન-પ્રશાસન તથા રાજનીતિના કેન્દ્રમાં હવે દેશનો નાગરિક નહીં પણ રાજનૈતિક નફા-નુકસાનની ગણતરીઓ સાથેનું મતલક્ષી ગણિત આવી ગયું છે.
હકીકતે મનરેગાનું ફૂલફોર્મ અથવા આખું નામ "મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ" થતું હતું, જે વર્ષ ૨૦૦૫માં સાંસદે પસાર કર્યો હતો, અને આ મહત્ત્વાકાંક્ષી યોજના ગ્રામીણ સ્તરે ગરીબ લોકોને વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી આપવાની ગેરંટી આપવા માટે લાગુ કરાઈ હતી અને તે "મનરેગા" તરીકે પ્રચલીત હતી.
મોદી સરકારે આ યોજના સામે પ્રારંભમાં વાંધા-વચકા કાઢયા હતા, પરંતુ કેટલાક સુધારા-વધારા સાથે આ યોજના ચાલુ રહી હતી. આમ છતાં આ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર તથા પર્યાપ્ત રોજગાર ગેરંટી તથા તેની ફલશ્રૃતિઓ નહીં હોવાના કારણે તેમાં ધરમૂળથી ફેરફાર કરાશે તેવા દાવાઓ થતા રહ્યા હતા અને વાર્ષિક રોજગારીના દિવસો વધારવાની જરૂર, રાજ્ય સરકારોની આ યોજનાઓમાં સક્રિય સામેલગીરી તથા પેમેન્ટની પારદર્શક તથા સાપ્તાહિક પદ્ધતિ અંગે ચર્ચાઓ થતી રહેતી હતી, રજૂઆતો થઈ હતી અને માંગણીઓ પણ ઉઠી રહી હતી. આ કારણે મોદી સરકારે મનરેગા યોજના નાબૂદ કરીને તેના સ્થાને નવી વધુ પારદર્શક અને લાભાકારી યોજના અમલમાં મૂકવાના દાવા સાથે નવા નામકરણ સાથે ગઈકાલે એક નવું બીલ સંસદમાં રજૂ કર્યું હતું.
આ બીલની સામે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ જબરદસ્ત વાંધો ઉઠાવ્યો છે, આ વાંધો મૂળ યોજના કે નવી યોજનામાં સામેલ રાખેલી જોગવાઈઓ કે અન્ય સુધારા-વધારા સામે ઓછો અને નવા નામ કરણ સામે વધુ ઉઠાવાઈ રહ્યો હોવાનો દાવો એક તરફ થઈ રહ્યો છે, તો બીજી તરફ ભાજપના નેતૃત્વની એનડીએ સરકાર મહાત્મા ગાંધીની વિરોધી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ સડકો પર ઉતરી રહી છે, જ્યારે કોંગ્રેસમાં પાર્ટીલાઈનથી અલગ મંતવ્યો વ્યક્ત કરતા રહેતા તથા વડાપ્રધાન મોદીની પ્રશંસા પણ પાર્ટીલાઈનથી ઉપર ઉઠીને કરતા રહેતા શશિ થરૂરના સૂર પણ આ મુદ્દે બદલાયા હોવાનું જણાય છે, કારણ કે તેમણે આ વખતે કોંગ્રેસના "વિરોધનો વિરોધ" નથી કર્યો, પણ તરફેણ કરી હોય તેમ જણાય છે.
મીડિયા અહેવાલો મુજબ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે આને બંધારણના આર્ટિકલ-૩૪૮નું ઉલ્લંઘન બતાવીને કહ્યું હતું કે કેન્દ્ર સરકારે મનરેગાની જગ્યાએ જે નવી યોજનાનું બીલ રજૂ કર્યું છે, તેના (લાંબા) નામનું શોર્ટફોર્મ અંગ્રેજી તથા હિન્દી બંને ભાષાનું સંયોજન કરીને "જી રામ જી" જેવું કર્યું ત્યારે બાળપણનું ગીત યાદ આવી ગયું હતું, જેના શબ્દો હતા, "રામ કા નામ બદનામ ના કરો..."
વાસ્તવમાં મોદી સરકારના કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે લોકસભામાં જે "વિકસિત ભારત-ગેંરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન(ગ્રામીણ)-૨૦૨૫" બીલ રજૂ કર્યું હતું, તેમાં વર્ષ ૨૦૦૫ના રદ કરાયેલી મનરેગા એકટ હેઠળની "મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ" ના સ્થાને નવી યોજનાની જોગવાઈ હતી. આ નવા બીલ મુજબ રોજગાર ગેરન્ટી, પેમેન્ટ પદ્ધતિ તથા અન્ય સુધારા-વધારા સાથે નવી યોજના "વિકસિત ભારત-ગેંરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન" લાગુ થશે, તેવો દાવો કેન્દ્ર સરકારે રજૂ કર્યો હતો, પરંતુ તેનું શોર્ટફોર્મનું નામ "વીબી-જી રામજી" રખાયુ છે, તેનો જબરદસ્ત વિરોધ ઉઠયો છે. પ્રિયંકા ગાંધીએ પણ મોદી સરકાર સામે આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે "ગાંધીજી અમારા ગાંધી પરિવારના નથી, પરંતુ પરિવાર જેવા જ છે, અને આખા દેશની પણ એવી જ લાગણી છે, જેના નામથી ચાલતી મનરેગા યોજના બંધ કરીને મોદી સરકાર ગ્રામ પંચાયતોના અધિકારો નબળા પાડવા જઈ રહી છે."
ભાજપ તરફી લોકોનું કહેવું છે કે ગાંધીજીના અંતિમ શબ્દો પણ "હે રામ" હતા અને તેઓ રામરાજયની કલ્પના કરતા હતા, પરંતુ કોઈ યોજનાના ટૂંકા નામમાં રામનું નામ આવી જાય, તો પણ વાંધો ઉઠાવાઈ રહ્યો છે, આ પહેલાના "મનરેગા" યોજનાથી પ્રચલીત નામમાં મહાત્મા ગાંધીનું નામ ઉચ્ચારમાં આવતુ જ નહોતું, અને આખુ નામ પ્રચલીત જ નહોતુ, પરંતુ હવે મહાત્મા ગાંધીના નામે રાજનીતિ રમાઈ રહી છે. ભાજપે મહાત્મા ગાંધીનું મહાત્મય વધારવા ક્યા ક્યા પગલા લીધા અને કેટલા નવા નામ કરણોમાં ગાંધીજીને સામેલ કરાયા, તેના વિવરણો પણ અપાઈ રહ્યા છે, પરંતુ પબ્લિક નક્કી કરશે કે કૌન સચ્ચા ઔર કૌન જૂઠા ?
આ વાદ-વિવાદ વચ્ચે બાર રાજ્યોમાં એસાઆઈઆરનું કામ પૂર્ણ થવા જઈ રહ્યું છે, અને મોદી સરકારે સંસદમાં કેટલાક જૂના કાયદા રદ કરાવી નાખ્યા છે અને કેટલાક નવા બીલો પસાર કરાવી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ સડકથી સંસદ સુધી મોદી સરકાર પર તડાપીટ બોલાવી રહી છે....મેરા ભારત મહાન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial