Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલ્યાણપુરના નંદાણામાં ખાણમાં તરૂણનું ડૂબી જવાથી મોતઃ
જામનગર તા. ૨૯: ધ્રોલ તાલુકાના વાકીયા ગામમાં આવેલા એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિકની ચાર વર્ષની અને બે વર્ષની બે બાળકી તેમજ અન્ય શ્રમિકનો ત્રણ વર્ષનો પુત્ર ગઈકાલે રમતા રમતા પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મોતને શરણ થયા છે. એક સાથે ત્રણ બાળકોના અપમૃત્યુથી આ પંથકમાં મજૂરીકામ કરતા શ્રમિક પરિવારો શોકમગ્ન બન્યા છે. પોલીસે બનાવની નોંધ કરી તપાસ શરૂ કરી છે. જ્યારે કલ્યાણપુરના નંદાણા ગામની સીમમાં મજૂરીકામ માટે આવીને રહેતા ભાણવડના રાણપર ગામના એક યુવાનનો તરૂણ પુત્ર પણ વરસાદી પાણી ભરેલી ખાણમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો છે.
આ કરૂણ બનાવની વધુ વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ડુંગરીયા ગામના વતની વિનુભાઈ ગોરધનભાઈ ભંડોરીયા તથા તેમના પરિવારજનો થોડા વખત પહેલાં ધ્રોલ તાલુકાના વાકીયા ગામમાં આવેલા મેરાભાઈ ભુરાભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા હતા.
તે દરમિયાન ગઈકાલે બપોરે વિનુભાઈની ચાર વર્ષની પુત્રી શકીના તથા બે વર્ષની પુત્રી ટીનુ તેમજ કેશુભાઈ ભીલનો ત્રણ વર્ષનો પુત્ર વિશાલ તે ખેતર નજીક રમતા હતા.
આ બાળકો રમતા રમતા ખેતરની પાછળ આવેલા પાણી ભરેલા ખાડા પાસે પહોંચ્યા પછી કોઈ રીતે તે ખાડામાં પડી ગયા હતા. જોત જોતામાં ત્રણેય બાળકો તેમાં ડૂબવા માંડ્યા હતા. તેઓનો અવાજ સાંભળી અન્ય લોકો દોડી આવ્યા હતા અને આ બાળકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. ગણતરીની મિનિટોમાં તે ત્રણેય બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા પરંતુ તે પહેલાં વધુ પડતું પાણી પી ગયેલા આ બાળકોનું મૃત્યુ નિપજ્યું હતું.
એક સાથે ત્રણ બાળકો પાણી ભરેલા ખાડામાં ડૂબ્યાના અહેવાલ વહેતા થતા આજુબાજુની વાડીઓમાં કામ કરતા લોકો તેમજ ધ્રોલથી પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે મૃતક શકીનાબેન તથા ટીનુબેન વિનુભાઈ ભંડોરીયા અને વિશાલ કેશુભાઈ ભીલના મૃતદેહોનો કબજો સંભાળ્યા પછી અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વિનુભાઈ ભંડોરીયાનું નિવેદન નોંધ્યું છે. આ બનાવે ભારે ગમગીની પ્રસરાવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં આવેલી જીલ્લારી સીમ વિસ્તારમાં આવેલા ખાણ વિસ્તારમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ ભાણવડ તાલુકાના રાણપર ગામના પ્રતાપભાઈ નાથાભાઈ જાડેજા નામના ડફેર યુવાનનો સોળ વર્ષનો પુત્ર અનિલ ગઈકાલે બપોરે જીલ્લારી સીમમાં એક ખાણ પાસે હતો.
આ તરૂણ કોઈ રીતે વરસાદી પાણી ભરેલી ખાણમાં ખાબકી જતાં તે યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. પ્રતાપભાઈ જાડેજાએ પોલીસને જાણ કરી છે. આ તરૂણ અને અન્ય બે વ્યક્તિ તે ખાણમાં ન્હાવા માટે પડ્યા પછી તરૂણનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાનું જાણવા મળી રહ્યું છે, સાથે રહેલા અન્ય બે તરૂણને બચાવી લેવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial