Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તિરૂપતિ મંદિરમાં પ્રસાદ માટે નકલી ઘીનું કૌભાંડ શું સૂચવે છે?
જામનગર તા. ૧૧: આજે ઓનલાઈન છેતરપિંડી સહિતના ઘણાં સ્કેમ બહાર આવે છે અને ઠગો, દગાબાજો અને ધૂતારાઓ શોર્ટકટથી નાણા કમાવા માટે હવે માનવી તો ઠીક, ભગવાનને પણ છોડતા નથી, તેવા અહેવાલો વિવિધ માધ્યમોમાં વહેતા થયા પછી દેશભરમાંથી ફિટકાર વરસી રહ્યો છે. આ પ્રકારે ભગવાનના પ્રસાદમાં વર્ષો સુધી ભેળસેળયુક્ત પદાર્થો વાપરીને કરાયેલી ઠગાઈનો કિસ્સો આપણી ભારતીય સંસ્કૃતિ પર કઠૂરાઘાત છે, અને શ્રદ્ધાળુઓ સાથેનો વિશ્વાસઘાત છે. સીબીઆઈની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે દેશના સૌથી મોટા તીર્થસ્થાનો પૈકીના એક યાત્રાધામ તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાન સાથે ઉત્તરાખંડની પેઢી દ્વારા પાંચ પાંચ વર્ષ સુધી કરેલી કરોડો રૂપિયાની છેતરપિંડીના અહેવાલો વહેતા થતા જ અચંબિત શ્રદ્ધાળુઓ આ કૌભાંડિયાઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે અને અત્યંત કડકમાં કડ સજા થાય, તેવી આક્રોશભરી માગણી ઊઠી રહી છે.
અઢીસો કરોડનું કૌભાંડ
ગઈકાલે અઢીસો કરોડ રૂપિયાના કૌભાંડના અહેવાલો વહેતા થયા અને વર્ષ ર૦૧૯ થી વર્ષ ર૦ર૪ વચ્ચે તિરૂપતિ મંદિરમાં ધરાવાતા લાડુમાં ૬૮ લાખ કિલો જેટલું નકલી ઘડી ચઢાવાયું હોવાના તારણો સીબીઆઈએ કાઢ્યા હોવાની વાતો વહતે થઈ હતી, તે પછી એવા પ્રત્યાઘાતો સામે આવવા લાગ્યા હતાં કે નફ્ફટ ઠગો હવે માનવી તો ઠીક, પણ ભગવાનને પણ છોડતા નથી. ઉત્તરાખંડની એક ડેરીએ પાંચ વર્ષ સુધીમાં એક લીટર પણ દૂધ કે માખણ દહીં-છાશ ખરીદ્યા વગર આટલું જંગી ઘી કેવી રીતે સપ્લાઈ થયું, તેની તપાસમાં ઊંડી ઉતરતા એસઆઈટીએ શોધી કાઢ્યું કે, બીજી કંપની નામે આ કંપનીએ પામ ઓઈલનો જંગી જથ્થો ખરીદ્યો હતો અને તેમાં જુદા જુદા કેમિકલ્સ, કલર અને એસન્સ ભેળવીને નકલી દેશી શુદ્ધ(!) ઘી બનાવાતું હતું. એસઆઈટીએ આ પ્રકારના રસાયણો પૂરા પાડનાર એક આરોપીને દબોચી લીધો, અને અન્ય ઠગો સામે પુરાવા શોધવામાં આવી રહ્યા છે, ત્યારે માત્ર ઉત્તરાખંડ ખહીં, સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે, અને દેશના જુદા જુદા યાત્રાધામોમાં છેલ્લા કેટલાક વર્ષોથી બહાર આવતા પ્રસાદ કૌભાંડોએ આસ્થાળુઓની ધાર્મિક લાગણીઓને ઠેંસ તો પહોંચાડી જ છે, સાથે સાથે વિશ્વસનિયતા અને શ્રદ્ધાને પણ ડગમગાવી દીધી છે.
ગત્ વર્ષે ઊભો થયો હતો વિવાદ
ગયા વર્ષે જ્યરે તિરૂપતિ મંદિરના પ્રસાદમાં નકલી ઘી વપરાતું હોવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે પણ જબરો વિવાદ ઊભો થયો હતો અને કૌભાંડિયાઓના સમર્થકો પણ આ પ્રકારનો દુષ્પ્રચાર કરીને ધર્મવિરોધી પ્રવૃત્તિઓ થઈ રહી હોવાના પ્રતિઆક્ષેપો પણ થયા હતાં. આખરે મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો અને દૂધનું દૂધ અને પાણીનું પાણી પૂરવાર થઈ ગયું અને નકલી ઘી ના આ પૂર્વઆયોજીત અને અવિરત ચાલતા રહેલા કૌભાંડની કડીઓ મળતી ગઈ. હજુ પણ આ મુદ્દો તપાસને આધીન ગણાય, પરંતુ જો આ કૌભાંડ ન્યાયની દેવડીમાં પૂરવાર થાય, તો કૌભાંડિયાઓને જરૂર પડ્યે નવો કાયદો ઘડીને પણ ફાંસીના માચડે ચડાવી દેવા જોઈએ, તેવી ઊઠી ઉગ્ર જનભાવનાઓમાંથી શ્રદ્ધાળુઓના આર્તનાદ પ્રગટે છે. હવે આ સમગ્ર મુદ્દો રાજ્ય અને કેન્દ્ર સરકારો જ નહીં, પણ સંબંધિત તંત્રો અને તમામ રાજનેતાઓ કેવું વલણ દાખવે છે, તેના પર લોકોની નજર રહેવાની જ છે.
નાયડુએ કર્યો હતો પર્દાફાશ
ફ્લેશબેકમાં થઈએ તો આંધ્રપ્રદેશમાં રેડ્ડી સરકારની વિદાય પછી ચંદ્રબાબુ નાયડુએ સત્તા સંભાળ્યા પછી તિરૂપતિ મંદિરમાંથી પ્રસાદમાં અપાતા લાડુમાં ભેળસેળની આશંકા વ્યક્ત કરી, ત્યારે પણ ખળભળાટ મચી ગયો હતો અને લાડુમાં વપરાતા ઘીનું પરીક્ષણ કરવા નમૂના ગુજરાત સ્થિત ડેરી વિકાસ બોર્ડ (એનડીડીબી) ને મોકલ્યા હતાં. તે સમયે ચેન્નાઈની એક કંપનીનું નામ ચર્ચામાં આવ્યું હતું. તે સમયે લેબની રિપોર્ટમાં ચોંકાવનારી ભેળસેળ બહાર આવી હતી, પરંતુ ચેન્નાઈની કંપનીએ પોતાનો બચાવ કર્યો હતો. તે પછી આ મામલો હાઈકોર્ટમાં ગયો, અને સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
હવે ભૂતકાળમાં થયેલા આક્ષેપો મુજબ નકલી ઘીમાં ચરબીની ભેળસેળ થઈ હતી કે કેમ? તે અંગેની ચર્ચા પણ ફરીથી શરૂ થઈ ગઈ છે, જો કે આ આખું કૌભાંડ અને ગત વર્ષ થયેલો વિવાદ એક જ સિક્કાની બે બાજુ છે કે અલગ અલગ છે, તે તો તપાસ પછી સત્તાવાર જાહેરાત થાય ત્યારે જ ખબર પડશે.
આ કૌભાંડ પરથી જે જે યાત્રાધામો-મંદિરોમાં કોન્ટ્રાક્ટ લેઈક ઉપર પ્રસાદ સામગ્રી કે તેમાં વપરાતા પદાર્થો મોટા જથ્થામાં મંગાવાના હોય, તો તેની નિયમિત લેબ તપાસણી થવી જોઈએ, તેવો જનમત પણ ઘડાઈ રહ્યો છે.
આપણા ગુજરાત રાજ્યમાં તો 'નકલી'ની બોલબાલા છે. અહીં તો સીએમ કાર્યાલયના અધિકારી, જજ, વકીલ અને કેન્દ્રિય અધિકારીઓ સહિતના 'નકલીઓ' ભૂતકાળમાં ઝડપાયા જ છે, તેવી જ રીતે નકલી ઘી, નકલી દૂધ, નકલી ખાદ્યચીજો તથા પીણા અને નકલી ડોક્ટરો દ્વારા અપાતી નકલી દવાઓના કિસ્સાઓ પણ બન્યા છે, ત્યારે ગુજરાતમાં માત્ર પ્રસાદ જ નહીં, ચોખ્ખા ઘી-દૂધના નામે પધરાવાતા નકલી પદાર્થોની ઊંડી તપાસ પણ સતત થતી રહેવી અત્યંત જરૂરી છે.
હાલારમાં પણ હરકત!
જામનગર સહિત હાલારમાં હમણાથી નકલી ઘી-દૂધનું પ્રોડક્શન વધી ગયું હોવાની લોકચર્ચાઓમાં જો થોડુક પણ તથ્ય હોય તો તે જાહેર આરોગ્ય માટે ખતરનાક છે. એવું કહેવાય છે કે, દૂધમાં તેટલું જ પાણી ઉમેરીને તેમાં એવા કેમિકલ્સ નાંખવામાં આવે છે કે જેથી દૂધ ઘાટું રગડા જેવું લાગે, પરંતુ હકીકતે તે સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય છે. જો આ પ્રકારની મિલાવટ થતી હોય તો તે સંબંધિત તંત્રો સાથે પણ મિલીભગની શંકા ઊભી કરે છે. મિલાવટમાં તંત્રની મિલીભગત હોય, તો તે પણ સમાન ગુન્હો અને મહાપાપ પણ છે. લોકોની આસ્થા-શ્રદ્ધા સાથે ખિલવાડ અને આરોગ્ય સાથે ચેડાં કરતા પરિબળોને નાથવા મોદી સરકાર વધુ કડક કાયદાઓ બનાવે, તેવી માગ પણ ઊઠી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial