Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલના એક રિસર્ચ પેપરને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ દેશના જીડીપી ગ્રોથમાં ગુજરાત ટોપ-ફાઈવમાં આવ્યું છે. ગુજરાતનો દેેશના જીડીપીમાં હિસ્સો વર્ષ-૨૦૨૦-૨૧માં ૭.૫ ટકા હતો, જે વર્ષ ૨૦૨૦-૨૧માં ૮ ટકા અને વર્ષ ૨૦૨૪-૨૫માં ૮.૧ ટકા થયો છે. મહારાષ્ટ્રનો દેશના જીડીપીમાં વર્ષ ૨૦૧૦-૧૧માં ૧૫.૨ ટકા હિસ્સો હતો, તે વર્ષ ૨૦૨૩-૨૪માં ઘટીને ૧૩.૧ ટકા થયો છે. આ રિસર્ચ પેપરમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોનું દેશના જીડીપીમાં અવ્વલ યોગદાન રહ્યું હોવાના તારણો કઢાયા છે. અને બંને રાજ્યોને શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે.
ભારત આઝાદ થયા પછી ભાષા આધારિત રાજ્યોની વર્ષ ૧૯૫૬માં રચના થઈ, તે સમયે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો નહોતા, પરંતુ મરાઠી અને ગુજરાતી ભાષા બોલતા નાના નાના રાજ્યોનો સમૂહ બૃહદ મુંબઈ રાજ્યમાં સમાવાયો હતો. રાજાશાહીના સમયના નાના મોટા રાજ્યોના વિલીનીકરણ પછી દેશમાં જ્યારે ભાષા આધારિત રાજ્યો રચાયા, ત્યારે બૃહદ મુંબઈમાં મુખ્યત્વે બોલાતી મરાઠી અને ગુજરાતી ભાષા આધારિત રાજ્યોની કોઈ કારણે રચના થઈ નહીં, પરંતુ તે પછી મહાગુજરાત આંદોલન તથા બીજી તરફ મરાઠી ભાષા બોલતા રાજ્યની રચના માટે પણ જન ચળવળો શરૂ થઈ, તે પછી અંતે વર્ષ ૧૯૬૦ના દિવસે બૃહદ મુંબઈ રાજ્ય (બોમ્બે સ્ટેટ)માંથી બે રાજ્યોની રચના થઈ, જેમાંથી એક રાજ્ય ગુજરાત અને બીજું રાજ્ય હતું મહારાષ્ટ્ર...
આ બંને રાજયોની રચના સમયે દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ ગુજરાતમાં રહેશે કે મહારાષ્ટ્રમાં, તે અંગે પણ ખેંચતાણ થઈ હતી એન છેવટે મુંબઈ મહારાષ્ટ્રમાં રહ્યું હતું. જ્યારે પશ્ચિમ રેલવેના મુખ્ય મથક સહિતના કેટલાક રાજ્યકક્ષાના એકમો અને સંસ્થાનો ગુજરાતને ફાળવવાની વાત થઈ હતી, જેમાંથી મોટા ભાગે તે પછી અમલ થયો નહોતો, જેથી એ એક અલગ વિવાદનો વિષય બન્યો હતો.
દેશની આર્થિક રાજધાની મુંબઈ મહારાષ્ટ્રમાં હોવાથી દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનું યોગદાન સર્વાધિક રહે, તે સ્વાભાવિક છે, પરંતુ ગુજરાત પણ દેશના વિકાસમાં પહેલેથી જ સહભાગી રહ્યું છે, અને પ્રવર્તમાનકાળમાં ટોચના ઉદ્યોગપતિઓ તથા બિઝનેસમેનોમાં ઘણાં ગુજરાતીઓ છે. મુંબઈ તથા મહારાષ્ટ્રમાં રહેતા મૂળ ગુજરાતના વતનીઓ પણ ત્યાંના વ્યાપાર ઉદ્યોગમાં સહભાગી છે. ગુજરાતીઓ બિઝનેસ-ઈન્ડસ્ટ્રીઝમાં પાવરધા અને પાવરફૂલ ગણાતા હોવાથી બંને રાજ્યોમાં ગુજરાતીઓની બોલબાલા જળવાઈ રહી છે, અને બંને રાજ્યો દેશની જીડીપી અગ્રતાક્રમે સહભાગી બનતા આવ્યા છે, અને ગ્લોબલ બિઝનેસ તથા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં પણ અવ્વલ રહ્યા છે.
મહારાષ્ટ્ર માથાદીઠ આવકમાં હંમેશાં ગુજરાતથી આગળ રહ્યું છે, અને બંને રાજ્યો છુટા પડયા અથવા બંને રાજ્યોની રચના થઈ, તે વર્ષ ૧૯૬૦થી વર્ષ ૨૦૧૦-૧૧ સુધી હંમેશાં મહારાષ્ટ્રની માથાદીઠ આવક ગુજરાત કરતા વધુ રહી હતી, પરંતુ છેલ્લા એક દાયકામાં ભારતે આ મામલે પણ મહારાષ્ટ્રને પાછળ છોડી દીધું છે, અને ગુજરાત માથાદીઠ આવકમાં દેશમાં ટોપ-ફાઈવમાં આવ્યું હોવાનો દાવો કરાયો છે.
અહેવાલો અનુસાર ગુજરાતે ઈકોનોમિ સેકટરમાં નવો માઈલસ્ટોન પાર કર્યા છે, અને રાજ્યની માથાદીઠ આવક (ઈન્કમ પર હેડ) રૂ. ત્રણ લાખને વટાવી ગઈ છે. દેશના તમામ રાજ્યોમાં ગુજરાત ત્રણ લાખ નવસો સતાવન રૂપિયાની માથાદીઠ આવક સાથે દેશના ટોપ-ફાઈવમાં પહોંચ્યું છે. તાજેતરના ડેટા અનુસાર વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૨૪.૬૨ લાખ કરોડના ઘરેલુ ઉત્પાદન (જીએસડીપી) સાથે દેશના ટોપ-ફાઈવ રાજ્યોમાં ગુજરાત પહોંચ્યું છે અને મહારાષ્ટ્રને માથાદીઠ આવકમાં પાછળ છોડયું છે.
વિવિધ માપદંડો મુજબ થતા રિસર્ચમાં કેટલાક ક્ષેત્રે ગુજરાત અવ્વલ રહ્યું છે. વર્ષ ૨૦૧૨-૧૩થી વર્ષ ૨૦૨૩-૨૪ના સમયગાળામાં હાંસલ કરેલો ૮.૪૨ ટકાનો ગ્રોથ રેઈટ રૂા ૧૦ લાખ કરોડથી વધુની ઈકોનોમિ ધરાવતા રાજ્યોમાં સૌથી વધુ છે. આ માપદંડોમાં ગુજરાતે કર્ણાટક અને તમિલનાડુને પાછળ છોડીને હાઈ જમ્પ લગાવ્યો છે. ગુજરાતમાં સ્ટ્રોંગ ઈન્ડસ્ટ્રીયલ એટમોસ્ફિયર, ઈન્વેસ્ટર ફ્રેન્ડલી સિસ્ટમ અને અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રકચર તથા કાર્યક્ષમ અને પ્રો-પબ્લિક તથા પ્રો-બિઝનેસ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ પોલિસીના કારણે ગુજરાતે ઈકોનોમિના ક્ષેત્રે હાઈ જમ્પ લગાવ્યો હોવાના તારણો પણ કાઢવામાં આવી રહ્યા છે.
આ નોંધપાત્ર સિદ્ધિ છે અને ગુજરાત માટે ગૌરવરૂપ છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં માથાદીઠ આવક વધુ હોય અને બંને રાજ્યો ભલે દેશની ઈકોનોમિમાં અવ્વલ હિસ્સો આપનાર ટોપ-ફાઈવ રાજ્યોમાં સ્થાન પામ્યા હોય, તો પણ બંને રાજ્યોની જનતાની મૂળભૂત જરૂરિયાતો હજુ પૂરેપૂરી સંતોષી શકાઈ નથી અને નાની નાની જણાતી સમસ્યાઓ પણ હલ થઈ શકી નથી. બંને રાજયોમાં શિક્ષણ, આરોગ્ય, પોષણની અપૂરતી વ્યવસ્થાઓ, ગરીબી, સ્થાનિક બેરોજગારીની સમસ્યાઓ છે. બંને રાજયોમાં શહેરી વિકાસની તુલનામાં ગ્રામ્ય વિકાસ ઘણો જ ઓછો છે. ટૂંકમાં જે માથાદીઠ આવક વધી રહી છે, તેમાં ધનિકો વધુ ધનવાન બની રહ્યા છે, અને ગરીબીમાં ઘટાડો થઈ રહ્યો નથી, તે કડવી વાસ્તવિકતા છે.
આ બંને રાજ્યો વચ્ચે ઘણી સમાનતા હોવા છતાં પ્રવર્તમાન રાજકીય વિરોધાભાષને કારણે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ભાષાવાદ ફરીથી પનપી રહ્યો છે. તાજેતરમાં એક ગુજરાતી પરિવારને કાર ઓવરટેઈકના સામાન્ય મુદ્દે મરાઠા પરિવાર સાથે નાનકડી તકરાર થઈ અને ગુજરાતી પરિવારને જે-તે સમયે માફી મંગાવ્યા પછી ફરિયાદ થતા આ મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ પ્રકારની ઘટનાઓ દેશની એકતા અને અખંડિતતા માટે ખતરારૂપ ગણાય.
ભાષાના આધારે ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે થયેલા આંદોલનો સમયે મુદ્દા આધારિત લડત કેન્દ્ર સરકાર સામે હતી, પરંતુ ગુજરાતીઓ અને મરાઠાઓ વચ્ચે નફરત ફેલાય, તેવી ભાવના નહોતી, પરંતુ અત્યારે જે કાંઈ બની રહ્યું છે તે બંને રાજ્યોના સહ-અસ્તિત્વ અને શાંતીમય સૌજન્ય તથા સૌહાર્દ માટે ઘાતક બની શકે તેમ છે, તેથી આ મુદ્દે તમામ રાજકીય પક્ષોની રાષ્ટ્રીય નેતાગીરીને ગંભીર ચિંતન કરીને હસ્તક્ષેપ કરવો પડે તેમ છે.
મહારાષ્ટ્રનો આર્થિક ગ્રોથ ઘટી રહ્યો હોય, તો તેની પાછળ કદાચ છેલ્લા બે દાયકાથી ચાલી રહેલી રાજકીય ઉઠાપટક જવાબદાર (કાંઈક અંશે) હોઈ શકે, પરંતુ ગુજરાતમાં તો ત્રણ દાયકાથી ભાજપની જ સરકાર છે ને ? સમસ્યાઓ ઉકેલો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial