Advertisement
Author: નોબત સમાચાર

ઈન્ડિગોના ફલાઈટ શેડયુલમાં કેન્દ્ર દ્વારા પાંચ ટકાનો કાપઃ ડીજીસીએ

સડકથી સંસદ સુધી પડઘા પડતા સફાળી જાગી કેન્દ્ર સરકારઃ કંપનીને શેરબજારમાં ફટકોઃ શો-કોઝ નોટિસ ફટકારાઈઃ સંકટ યથાવત

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા.૯: ઈન્ડિગો સંકટ અંગે સડકથી સંસદ તથા સિયાસતથી સુપ્રિમ સુધી પડઘા પડયા પછી સફાળી જાગેલી કેન્દ્ર સરકારે તબક્કાવાર કડક કદમ ઉઠાવવાનુ શરૂ કર્યું છે. અને પ્રથમ ચરણમાં ઈન્ડિગોના ફલાઈટ શેડયુલમાં પાંચ ટકાનો કાપ મુકીને તે અન્ય એરલાઈન્સને ફાળવવાનો આદેશ ડીજીસીએ દ્વારા કરાયો છે, જો સ્થિતિ નહીં સુધરે તો આ કાપ દસ ટકા સુધી વધી શકે છે.

ભારતની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો છેલ્લા કેટલાક દિવસથી સંકટમાં ફસાઈ છે. જેના કારણે દરરોજ સેંકડો ફ્લાઈટ રદ કરવામાં આવી રહી છે. ભારતના તમામ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં મુસાફરોએ રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે આખરે ઈન્ડિગો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. ડીજીસીએએ ઈન્ડિગો એરલાઈનની પાંચ ટકા ફ્લાઈટ્સ પર કાપ મૂકવાનો આદેશ આપ્યો છે. ઈન્ડિગો હાલ દેશભરમાં એક દિવસમાં ૨૨૦૦ ફ્લાઈટ્સ ચલાવે છે. હવે તેમાં ૧૧૦નો ઘટાડો કરાશે.

સૂત્રો અનુસાર કઈ ફ્લાઈટ્સ ઓછી કરવામાં આવશે તેની યાદી હજુ તૈયાર કરવામાં આવી રહી છે. ઈન્ડિગોની જે ફ્લાઈટ્સ પર કાપ મૂકાશે તે સ્લોટ હવે અન્ય એરલાઇન કંપનીને આપવામાં આવશે.

નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું છે કે સરકાર આ મુદ્દે ગંભીરતાથી કામ કરી રહી છે. સ્થિતિની સમીક્ષા માટે સોમવારે ઉચ્ચ અધિકારીઓની બેઠક કરવામાં આવી. સરકારે હવાઈ મુસાફરોને થતી સમસ્યા જાણવા અધિકારીઓને એરપોર્ટ પર જઈ સમીક્ષા કરવાના આદેશ આપ્યા છે.

કેન્દ્ર સરકારનો દાવો છે કે પહેલી ડિસેમ્બરથી આઠ ડિસેમ્બર સુધીમાં ૭ લાખ ૩૦ હજાર ટિકિટ માટે ૭૪૫ કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું છે. સાથે સાથે ઈન્ડિગોએ ૯ હજારમાંથી ૬ હજાર બેગ મુસાફરોને પરત પહોંચાડી દીધા છે.

બીજી તરફ ડીજીસીએએ ઈન્ડિગોને શો કોઝ નોટિસ ફટકારી હતી. જેના જવાબમાં ઈન્ડિગોએ ટેકનિકલ ખામી, શિયાળાના કારણે સમયમાં બદલાવ, ખરાબ વાતાવરણ, વધુ ભીડ અને ક્રૂને લઈને નવા નિયમોનો હવાલો આપ્યો છે.

શેર માર્કેટમાં પણ ઈન્ડિગોને નુકસાન થઈ રહૃાું છે. શેર માર્કેટમાં છેલ્લા સાત દિવસમાં ઈન્ડિગોના શેર ૧૭ ટકા તૂટ્યા છે. જેથી કંપનીની માર્કેટ વેલ્યૂ ૪.૩ અબજ ડોલર ઘટી છે.

મીડિયા અહેવાલો અનુસાર, સરકાર ઈન્ડિગોની દૈનિક આશરે ૧૧૦ ફલાઈટ્સ (કુલ શેડયુલના ૫ ટકા) છીનવીને અન્ય એરલાઈન્સને આપી શકે છે. જો પરિસ્થિતિ નહીં સુધરે તો, જરૂર પડયે વધુ ૫ ટકા ફલાઈટસનો કાપ મુકવામાં આવી શકે છે, જે કુલ ૧૦ ટકા સુધી પહોંચી શકે છે.

સરકાર દ્વારા આયોજન કરાયેલા પહેલા પગલામાં ઈન્ડિગોના શેડયૂલમાં ૫ ટકા ફલાઈટ્સનો કાપ મુકવામાં આવશે. આ સ્લોટ્સ એવી એરલાઈન્સને આપવામાં આવશે જેમની પાસે પૂરતા ક્રૂ અને એરક્રાફટની અછત નથી. એટલે કે, સરકાર આ સ્લોટ્સ આકાસા, સ્પાઈસજેટ અથવા એર ઈન્ડિયા એકસપ્રેસ જેવી એરલાઈન્સને આપી શકે છે.

ડીજીસીએ હવે ઈન્ડિગો પાસે હાજર પાઈલટ અને કેબિન ક્રૂની હાલની સંખ્યાના આધારે જ ફલાઈટ્સ માટે પરવાનગી આપશે. બાકીના સ્લોટ્સ અન્ય કંપનીઓ માટે ખોલી દેવામાં આવશે. આ ઉપરાંત, ડીજીસીએ દ્વારા ભારે દંડ અને ટોચના અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

ડીજીસીએની તપાસ ટીમ ઈન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સ અને સીઓઓ ઈસિડ્રે પોરકવેરાસને તલબ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે નવી એફડીટીએલ પોલીસી લાગુ કરવાની તૈયારીમાં ઈન્ડિગો દ્વારા આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh