Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતો અને ગ્રાહકો બન્નેને ખુલ્લેઆમ ખંખેરવામાં આવી રહ્યા છે!
ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી સચરાચર વરસાદ વરસી રહ્યો છે. માગ્યા મેહ વરસી રહ્યા છે. ખેડ, ખાતર અને પાણી, સમૃદ્ધિ લાવે તાણી એવી એક પ્રાચીન કહેવત બહુ પ્રચલિત છે. સારો વરસાદ ખેડૂત માટે તો સમૃદ્ધિ લાવે જ છે, સાથે સાથે તમામ સામાન્ય લોકો માટે પણ મોટી રાહત સાબિત થાય છે. સમાજની મોંઘવારી મોટે ભાગે ખાધ્ય પદાર્થો આધારિત હોય છે. અંગ્રેજોના સમયમાં દેશનો મોંઘવારી આંક સિમલા આધારિત હતો. આઝાદી પછી પણ સિમલા આધારિત આંક ચાલુ રહ્યો. આજે કયા આધારે મોંઘવારી આંક નક્કી કરવાના પેરામીટર્સ છે તે લગભગ કોઈને ખબર નથી. પરંતુ, એક વાત તો ચોક્કસ છે કે, મોંઘવારીનું પ્રમાણ નક્કી કરતો આંક ચોમાસા ઉપર તો તે નિર્ભર નથી જ!
આ ચોમાસામાં સૌરાષ્ટ્રમાં ૫૫ ટકા વરસાદ થયો છે, ૬૦ ટકા જળ સંગ્રહ થયો છે અને ૮૦ ટકા ખેતી લાયક જમીનમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. એક સમયે કોરો ધાકોડ રણ વિસ્તાર ગણાતાં કચ્છમાં પણ અનરાધાર વરસે છે.
મૂળ વાત
દેશ અને ગુજરાતમાં બે દાયકાથી ચોમાસું સતત સારું રહ્યું હોવા છતાં ખેત આધારિત ઉત્પાદનો સતત મોંઘા બની રહ્યા છે. રસોડામાં કુકરની સિટી કરતાં ગૃહિણીઓના નિસાસા વધુ મોટા અવાજે સંભળાઈ રહ્યા છે. બીજી ગંભીર બાબત એ છે કે, સતત વરસાદ છતાં ખેડૂતો પણ ઓછા ભાવ મળતા હોવાની કાગારોળ કરી રહ્યા છે! ભારત સરકાર ઉપર ખેત સબસીડીઓનું મોટું ભારણ છે. ક્રૂડ, શસ્ત્રો અને ત્રીજા ક્રમે ખાતરની આયાતનું બિલ હોય છે. સારો વરસાદ થાય એટલે ખાતરની માંગ વધે તે સ્વાભાવિક છે. પરંતુ અહી ઊલટું છે, ભારત સરકાર ઉપર ખાતર ઉપર આપવામાં આવતી સબસીડીઓનું ભારણ મોટું થાય છે. એક સમયે ઈફકોના ચેરમેને કહ્યું હતું કે, આયાતી ખાતર ઉપર સરકારે દેશમાં ૭૦ ટકા જેટલી જંગી સબસિડી આપવી પડે છે.
મારો જાત અનુભવ છે કે, ટામેટાં ઉગાડતા ખેડૂતને કિલોએ માત્ર પાંચ રૂપિયા જ મળે છે, જ્યારે ગૃહિણીને તે ૫૦ રૂપિયાની આસપાસ મળે છે. આમ, ખેડૂત અને ગ્રાહક બન્ને માથે ઓઢીને રોવે છે. આમ કેમ? આજના દિવસે જામનગરમાં ટામેટાંનો ભાવ ૮૦/ રૂપિયે કિલો છે.
ખેડૂતોને કેમ પોષણક્ષમ ભાવો મળતા નથી? ગ્રાહકોને ખેત ઉત્પાદનો કેમ વ્યાજબી ભાવે મળતા નથી? બન્નેને કોણ લૂંટે છે? સરકારનો કૃષિ વિભાગ કેમ ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં છે. ગુજરાતના કૃષિ મંત્રી ખુદ એક અનુભવી ખેડૂત છે. તો ગરબડ ક્યાં છે?
જામનગરમાં શાકભાજીના છૂટક ભાવ ૬૦ થી ૮૦ રૂપિયા વચ્ચે છે. સારા ચોમાસા છતાં સિંગતેલનો ૧૫ કિલોનો નવો ડબ્બો ૩૦૦૦/ સુધી પહોંચે છે. લાગે છે કે, વરસાદ અને ખેતીને કોઈ સંબંધ રહ્યો જ નથી!
સંગઠન
અપૂરતા બજારભાવને કારણે ટેકાના વધુ ભાવો લેવા માટે ખેડૂતો લગભગ દર વર્ષે બૂમ બરાડા પાડે છે. માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે માલ વેંચવા માટે લાંબી કતારો લાગે છે. ખેડૂતોનું બહુ મજબૂત અને વિશાળ સંગઠન છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો રાજ્ય અને કેન્દ્રની સરકારોને હચમચાવી શકે છે. મહેન્દ્રસિંહ ટીકેટ તો લગભગ અડધું વર્ષ આંદોલનોમાં જ વ્યસ્ત રહે છે. દિલ્હીની બોર્ડર ઉપર પણ ખેડૂતો સતત આક્રોશપૂર્ણ આંદોલનો કરતા હોય છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતો હવે રાજકીય બની ગયા છે. અહી ખેડૂત આંદોલન ભૂતકાળ બની ગયા છે. જો કે અપૂરતા ભાવોની લાગણી ભૂતકાળ બની નથી. ખેતી ક્ષેત્રના લોકો રાજકીય ક્ષેત્રે મોટો ભાગ પડાવે છે. તે ખેત પેદાશ ોના તંદુરસ્ત ભાવો મળે તે માટે પૂરતા જાગૃત નથી. ગુજરાત પાસે ખેડૂતો માટે લડી શકે તેવો કાયમી અને મજબૂત નેતા નથી.
દેશના ખેડૂતોએ એક આંદોલન વચેટિયાઓ દ્વારા કરવામાં આવતા શોષણ વિરુદ્ધ પણ કરવાની જરૂર છે.
મૂળ સમસ્યા
ખેડૂત અને ગ્રાહકો વચ્ચેની આ કડી જ સમસ્યાઓનું મૂળ છે. તેને સામાન્ય ભાષામાં દલાલ પણ કહેવામાં આવે છે, દલાલો ઉપરાંત છૂટક વેપારીઓ પણ પાપના ભાગીદાર છે. મારા એક ખેડૂત મિત્રને તેને મળતા અપૂરતા ભાવો બાબતે પૂછ્યું, તો સાવ દેશી ભાષામાં એક વાક્યમાં જવાબ આપ્યો કે, શેઢે બેસીને ખેતી કરવી હોય પછી શું થાય. આનો અર્થ એવો થાય કે ખેતી કરવી હોય તો ચાસમાં ઊતરવું પડે. સૌરાષ્ટ્રમાં હવે મોટાભાગની ખેતી ભાગીયા જ કરે છે. જે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ છે. તેને ખેતીની ઊપજનો અમુક હિસ્સો આપી દેવાનો, તે મહેનત કરે, રખોપું કરે. ખેત માલિક સમયાંતરે પોતાના ખેતરના શેઢે ચક્કર મારી આવતા રહે. ફાલ તૈયાર થાય એટલે ગામમાં ખરીદી કરવા મા ટે દલાલો ફરવા લાગે, આ દલાલોને પાક વેંચી નાખે. ભાગીયા પણ પોતાનો ભાગ લઈ લઇલે.
ખેડૂતો હવે વિવિધ ધંધા કરવા માટે શહેરોમાં વસવાટ કરવા લાગ્યા છે. નવી યુવા પેઢીને ખેતીમાં બહુ રસ નથી. મોટી જમીનના ભાગ પડતાં નાના નાના ટુકડા થવા લાગ્યા છે તેથી ઉતારો પણ ઓછો અને નબળો આવે છે.
ખેડૂતો સરળ બેઠી આવક માટે જમીન પવનચક્કી અને સોલાર કંપનીઓને લાંબા ભાડા પટ્ટે આપવા લાગ્યા છે.
આપણાં ખેડૂતો પ્રયોગશીલ પણ નથી. પાકોની વિવિધતા અને આધુનિક ખેતી માટે બહુ ઓછા જાગૃત છે. સરકારે નવું સંશોધિત નેનો યુરિયા બજારમાં મૂક્યું તો તે મફત આપવું પડે છે. ખરીદદાર મળતા નથી. એક ગુણી યુરિયા જેટલી શક્તિ આ નાની બોટલમાં હોય છે. સમય અને શક્તિનો મોટો બચાવ થાય છે. દાયકાઓની ખેતીને કારણે જમીનના રસકસ ચૂસાઈ ગયા છે. રાસાયણિક ખતરોના બેફામ વપરાસની અસરો દેખાઈ રહી છે. બાજરા અને ઓળાના રીગણમાંથી ખુશ્બુ જતી રહી છે. સલાડ હવે તંદુરસ્તીનું પ્રતીક કે માધ્યમ રહ્યું નથી.
દલાલ
ખેતીમાં સૌથી વધુ કમાણી વચેટિયા લોકો કરે છે. પાંચ રૂપિયાના કિલો ટામેટાં ગ્રાહકને ૫૦ રૂપિયે મળે છે. ૪૫/ રૂપિયા વચ્ચેના લોકો બિન્દાસ્ત કમાય છે! સરકારે ખેડૂતોને પોષણક્ષમ અને પૂરતા ભાવ મળે તે માટે ઠેર ઠેર માર્કેટ યાર્ડ બનાવ્યા છે. મને લાગે છે કે, આ પદ્ધતિ લભાગ નિષ્ફળ સાબિત થઈ છે. આજે પણ વરસાદની આગોતરી આગાહીઓ છતાં માર્કેટ યાર્ડમાં ખેત જણસો પલળી જાય છે, બગડી જાય છે. પૂરતી અને આધુનિક સંગ્રહ વ્યવસ્થા હોય તેમ લાગતું નથી.
ખેડૂતો પોતે સંગ્રહ કરતા નથી, આથી જે ભાવ મળે તે ભાવે માલ વેંચી નાખવો પડે છે. દલાલો તેનો ભરપુર ગેરલાભ ઉઠાવે છે. ડીસામાં બટેટાં ૧૦/ રૂપિયે કિલોના ભાવે વેંચાય છે, મોટી કંપનીઓ તેની વેફર બનાવી વેલ્યૂ એડિશન કરી ૧૦૦/ રૂપિયે કિલો લેખે ભૂખ્યા લોકોને વહેંચે છે! ટોમેટો સોસ અને કેચઅપમાં પણ મોટી નફાખોરી છે.
રાજકીય વર્ચસ્વ માટે વારંવાર મેદાનમાં ઉતરતા ખેડૂતો પોતાના આર્થિક ઉત્કર્ષ માટે કેમ જાગૃત થતા નથી તે મોટો સવાલ છે. ખેતીના વ્યવહારોમાં બાંધકામ ઉધ્યોગ પછી બીજા ક્રમે કાળુ નાણું ઉત્પન્ન થાય છે.
ખેતી ક્ષેત્ર ઉપર સરકારની મોટી રહેમ નજર હોવા છતાં આ ક્ષેત્ર કાયમ કાગારોળ કરે છે. નજીકના ભવિષ્યમાં કોઈ ક્રાંતિકરી પરિવર્તનો આવે તેવી શક્યતા નથી, કારણકે ખેડૂતો અને સરકાર બન્ને ખોટા રસ્તે છે!
હવે તો જાગો
આદર્શ અર્થશાસ્ત્ર અનુસાર માંગ અને પુરવઠાના આધારે ભાવો નક્કી થતા હોય તે ઉત્તમ વ્યવસ્થા ગણાય. વર્તમાન સમયમાં આવા આદર્શ નિયમો અને નૈતિકતાનો સરેઆમ ઉલાળિયો થઈ ગયો છે. માંગ, પુરવઠા અને ભાવોને કોઈ સ્નાન સુતકનો સંબંધ રહ્યો નથી.
રાસાયણિક ખાતરો, મજૂરી, ટ્રાન્સપોર્ટેશન સહિતના અનેક પરિબળોને કારણે ખેડૂતોને ઉત્પાદન મોંઘું પડી રહ્યું છે. ખેત પેદાશોમાં બજાર સુધી પહોંચતા સુધીમાં માલમાં નુકશાની પણ વધુ આવે છે. પડતર દિવસેને દિવસે વધી રહી છે. બીજી તરફ દલીલ એવી પણ થઈ રહી છે કે, ટામેટાંની પડતર કિમત ૧૫/ રૂપિયા કિલોની હોય તો, ગ્રાહકો તો તેના ૪૦ થી ૫૦ રૂપિયા ચૂકવે જ છે. તો આ સરેરાશ ૩૦ થી ૩૫ રૂપિયા નફો કોના ગજવામાં ઘૂસી જાય છે? સુરેન્દ્રનગર વિસ્તારના મારા એક ખેડૂત મિત્રએ કહ્યું કે, તે ચણાનું વાવેતર કરે છે, પાક તૈયાર થાય એટલે અમદાવાદ બાજુના વાઘરી લોકો આવે અને આખો પાક ખરીદી લે છે. કરુણતા એ છે કે, આ ખેડૂત કરતાં વાઘરી લોકો વધુ કમાણી કરે છે! તરબૂચ વેચાણ ક્ષેત્રે પણ આ લોકોની મોનોપોલી છે.
સરકાર તેની ચોકીદાર તરીકેની ભૂમિકા ભજવવામાં સદંતર નિષ્ફળ અને નિષ્ક્રિય સાબિત થઈ છે. ખેડૂતોને કાયમ રાહત કે સબસીડીઓ આપવાથી પ્રશ્ન ઉકેલવાની પદ્ધતિ ખોટી છે. વિદેશોમાં આવી કોઈ હાલત નથી. સરકાર અને સંસ્થાઓના અનેક પ્રતિનિધિ મંડળો આધુનિક ખેતીના અભ્યાસ માટે વારંવાર વિદેશ જાય છે, શું તેઓ વેચાણ વ્યવસ્થાનો અભ્યાસ નહીં કરતાં હોય? ત્યાં ખેતરથી વપરાશકાર સુધી માલ કેમ પહોંચે છે તે નહીં જોતા હોય?
નર્મદા યોજના
ખેતી ક્ષેત્રે સચરાચર વરસાદ ઉપરાંત નર્મદા યોજનાની કેનલો થવાથી પાક ઉત્પાદનમાં સોનામાં સુગંધ ભળી છે. જ્યારે જ્યાં વરસાદ ખેંચાય કે નબળો પડે ત્યાં માં નર્મદા પહોંચી જાય છે. ગુજરાતના ખેડૂતો ત્રણ પાક લઈ શકે છે. ગુજરાતના અનેક ડેમો ઉનાળામાં તળિયા ઝાટક થાય ત્યારે સૌની યોજના દ્વારા તેમાં પાણી ઠાલવવામાં આવે છે. સરકારની પાણી લક્ષી યોજનાઓ અને અસરકારક વિતરણ એક મોટા ભગીરથ કાર્ય સમાન છે.
સારાંશ
સરકારે અને ખેડૂત સંગઠનોએ હવે સક્રિય થવાની અને નવું વિચારવાની જરૂર છે. વચેટિયા અથવા દલાલો શોષણ ન કરે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ખેતરથી ગ્રાહક સુધી માલ પંહોચે તે દરમિયાન કાળાબજારી ન થાય તેની કાળજી રાખવી પડશે. મારે તેની તલવાર જેવી બજારનીતિ સરકાર શા માટે ચલાવી રહી છે તે પ્રજાને અને ખેડૂતોને સમજાતું જ નથી!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial