Advertisement
Author: નોબત સમાચાર

બિહારમાં મતદાર યાદી સુધારણાના મુદ્દે સંસદમાં હોબાળોઃ કાળા વાવટા ફરકાવાયા

ઓપરેશન સિંદૂર પર આવતા અઠવાડિયે થશે ચર્ચા વડાપ્રધાન મોદીના સંભવિત જવાબ પર સૌનુ ધ્યાન કેન્દ્રીત

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા.૨૩: આજે ત્રીજા દિવસે પણ સંસદની કાર્યવાહી ખોરવાઈ ગઈ છે. ઓપરેશન સિંદૂરના મુદ્દે ચર્ચાની જાહેરાત થયા પછી આજે વિપક્ષોએ બિહારમાં મતદાર યાદી સુધારણાના એસઆઈઆરના મુદ્દે કાળા વાવટા ફરકાવ્યા હતા, અને ગૃહની અંદર વેલમાં જઈને વિપક્ષના સાંસદો સુત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. બીજી તરફ સંસદની અંદર અને બહાર વિપક્ષો મોદી સરકાર પર તડાપીટ બોલાવી રહ્યા છે.

ચોમાસુ સત્રના ત્રીજા દિવસે, વિપક્ષના સાંસદોએ બિહાર ચૂંટણીમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને કાળા વાવટા ફરકાવ્યા હતા. આજે બિહાર મતદાર ચકાસણી મુદ્દા પર હોબાળો થયો. વિપક્ષી સાંસદો સૂત્રોચ્ચાર કરતા વેલમાં આવ્યા હતા. અને કાળા વાવટા ફરકાવ્યા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને શાંત રહેવાની અપીલ કરી હતી, અને વિપક્ષી સાંસદોને સૂત્રોચ્ચાર કરવાની મનાઈ ફરમાવીને કહ્યું હતું કે, સંસદમાં રસ્તા પરના વ્યકિત જેવું વર્તન ન કરો. દેશના નાગરિકો તમને જોઈ રહ્યા છે. લોકસભાની કાર્યવાહી ૧૦ મિનિટ સુધી ચાલી, ત્યારબાદ સંસદની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી અને પછી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

બિહારમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝનના મુદ્દા પર વિપક્ષે સંસદના મકર દ્વાર પાસે પણ પ્રદર્શન કર્યું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સતત બીજા દિવસે પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

તેમની સાથે પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ પણ જોવા મળ્યા હતા. રાહુલ અને અખિલેશે ગળામાં કાળી પટ્ટી સાથે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આપ સાંસદ સંજય સિંહે રાજ્યસભામાં એસઆઈઆર ના 'બંધારણીય અને ચૂંટણીલક્ષી પરિણામો' પર ચર્ચા કરવા માટે પ્રસ્તાવની નોટિસ આપી છે.

બિહાર એસઆઈઆર સામે સંસદમાં વિપક્ષના વિરોધ અંગે ભાજપના સાંસદ હેમા માલિનીએ કહૃાું, *તેઓ (વિપક્ષી સાંસદો) સંસદને કામ કરવા દેતા નથી. તેના બદલે, તેમણે આ બાબતે ચર્ચા કરવી જોઈએ. સરકાર કોઈપણ બાબતે ચર્ચા કરવા તૈયાર છે.*

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું, મારી સમજની બહાર છે કે જયારે સરકાર કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર હોય, ત્યારે સંસદની કાર્યવાહી તો ચાલવા દો. વિપક્ષ હંમેશા લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે.

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહૃાું, ઈન્ડિયા બ્લોક 'હુલ્લડ' બ્લોક બની ગયો છે. સંસદની બહાર તેઓ કહે છે કે ચર્ચા થવી જોઈએ, પરંતુ તેઓ ગૃહમાં ચર્ચાથી ભાગી રહૃાા છે. ગઈકાલે મેં વિપક્ષને હાથ જોડીને ચર્ચા થવા દેવાની અપીલ કરી હતી, પરંતુ તેઓએ હોબાળો ચાલુ રાખ્યો હતો.

બિહારમાં એસઆઈઆર મુદ્દે આરજેડી સાંસદ મનોજ ઝાએ કહૃાું કે, અમારે જે કંઈ કહેવું છે તે અમે અહીં અને કોર્ટમાં પણ કહીશું. જ્યારે કોઈ પક્ષના ઈશારે આવું કરવામાં આવશે, ત્યારે લોકશાહીની હત્યા થશે. શું શાસક પક્ષ ચૂંટણી પંચનો પ્રવક્તા બની ગયો છે?

આવતા અઠવાડિયે સંસદમાં ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપશે. ચર્ચા દરમિયાન, રક્ષા મંત્રી રાજનાથસિંહ ઓપરેશન પર ઉઠાવવામાં આવેલા સવાલો પર હસ્તક્ષેપ કરશે અને ગૃહ પ્રધાન અમિત શાહ પહેલગામ હુમલા પર ઉઠાવવામાં આવેલા સવાલો પર હસ્તક્ષેપ કરશે.

ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે લોકસભામાં ૧૬ કલાક અને રાજ્યસભામાં ૯ કલાકનો સમય નકકી કરવામાં આવ્યો છે. લોકસભામાં ચર્ચા શરૂ થાય તે પહેલાં, શાસક પક્ષ દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવશે. આમાં, સેનાની બહાદુરી અને પરાક્રમની ચર્ચા કરવામાં આવશે. આ પછી ચર્ચા શરૂ થશે. આમાં તમામ પક્ષોના સાંસદોને બોલવાની તક આપવામાં આવશે.

રક્ષામંત્રી રાજનાથ સિંહ ઓપરેશનના સુરક્ષા સંદર્ભ અંગે ઊઠાવવામાં આવેલા સવાલોના જવાબ આપશે. ચર્ચા દરમિયાન પહલગામ હુમલા અંગેની ભૂલોને મુદ્દો પણ ઊઠાવવામાં આવશે. તેથી ગૃહમંત્રી અમિત શાહ વ્યવસ્થા અંગે ઊઠાવવામાં આવેલા સવાલોના જવાબ આપશે.

એવું માનવામાં આવે છે કે રક્ષામંત્રી અને ગૃહમંત્રીનો હસ્તક્ષેપ પ૦-૬૦ મિનિટનો રહેશે. સંસદીય ઈતિહાસમાં ચર્ચા દરમિયાન બહુ ઓછા પ્રસંગો બન્યા છે, જ્યારે બે વરિષ્ઠ પ્રધાનોએ કોઈ મુદ્દા પર હસ્તક્ષેપ કર્યો હોય અને પછી પીએમએ જવાબ આપ્યો હોય. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ ચર્ચાનો જવાબ આપશે અને સેનાની બહાદુરી પર રજૂ કરાયેલ ઠરાવ સમગ્ર ગૃહ દ્વારા સર્વાનુમત્તે પસાર કરવામાં આવશે.

સીઝફાયર કરાવનારા ટ્રમ્પ કોણ?

ઓપરેશન સિંદૂર ચાલુ છે, તેમ સરકાર કહે છે... દાળમાં કાંઈક કાળુ છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી તા. ર૩: આજે સંસદના ચોમાસું સત્રમાં ભાગ લીધા પછી બહાર આવેલા રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂર પર સવાલો ઊઠાવ્યા હતાં. રાહુલે કહ્યું, 'સરકાર કહે છે કે ઓપરેશન સિંદૂર ચાલુ છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે તેને રોકવાનો દાવો કર્યો છે'. ટ્રમ્પે રપ વાર કહ્યું કે તેમણે સીઝફાયર કરાવ્યું. તેઓ કહેવાવાળા કોણ છે, આ તેમનું કામ નથી, પરંતુ પી.એમ.એ આનો એક પણ જવાબ આપ્યો નહતો. એવું લાગે છે કે દાળમાં કંઈક કાળુ છે'.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh