ભારતીય શેરબજારમાં ફંડોની નવી લેવાલીએ તેજી તરફી માહોલ...!!

તા. ૧૩-૮-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે.... વૈશ્વિક અર્થતંત્રને ડામાડોળ કરી મૂકતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગેરવર્તનને લઈ વૈશ્વિક નારાજગી વધી રહી છે, ત્યારે હવે ટ્રમ્પ પોતાની નિષ્ફળતા છુપાવવા રશીયા પાસેથી ઓઈલ ખરીદીના નામે ભારત પર આકરાં ટેરિફ અને અન્ય પરોક્ષ પ્રતિબંધોની ધમકીઓ સામે ભારતે ટ્રમ્પના બેવડા ધોરણો સામે નહીં ઝુંકીને મૂકાબલો કરવાનો ઈરાદો વ્યક્ત કરી દેતાં ગઈકાલના ઘટાડા બાદ ફંડોની નીચા મથાળે નવી લેવાલી નોંધાતા આજે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ સહિત યથાવત રાખતાં અને નિકાસ મોરચે અનિશ્ચિતતા વધતાં ઉદ્યોગોના લોન ડિફોલ્ટરનું જોખમ વધવાની શકયતા સામે ફંડોએ ઘટાડે કેશમાં ખરીદી કરી હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૩%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૧.૧૩% અને નેસ્ડેક ૧.૩૯% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૨૮ અને વધનારની સંખ્યા ૨૦૨૬ રહી હતી, ૧૩૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર એફએમસીજી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ભારત ઈલેક્ટ્રોનિક, ટાટા મોટર્સ, એટર્નલ લિ., ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ., ટ્રેન્ટ લિ. અને કોટક બેન્ક જેવા શેરો ૧.૫૦% થી ૦.૫૦% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે મારુતિ સુઝુકી, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, ટાઈટન લિ., બજાજ ફિનસર્વ, એક્સીસ બેન્ક અને ટીસીએસ લિ. જેવા શેરો ૦.૫૫% થી ૦.૧૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૦૦,૨૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૦,૨૬૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૦,૧૮૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૫ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૦૦,૧૯૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૧૪,૧૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૪,૬૬૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૪,૧૯૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૮૩ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૧૪,૨૨૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ... આગામી દિવસોમાં બજારમાં તેજી મુખ્યત્વે ઔષધિ, આઈટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં જોવા મળી શકે છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ડિફેન્સિવ સેક્ટર્સ જેવી કે ફાર્મા અને એફએમસીજીમાં રોકાણકારોની રુચિ વધી રહી છે. સાથે જ,આઈટી ક્ષેત્રમાં કરારની જાહેરાતો અને સુધરતી રૂપિયા સ્થિતિથી આ ક્ષેત્ર માટે સહારો મળી શકે છે.

બીજી બાજુ, મેટલ્સ, ઓટો અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઘટાડાની સંભાવના છે, કારણ કે ચીન તરફથી ઓછી માંગ અને વૈશ્વિક ધક્કાઓ મેટલ્સ સેક્ટરને દબાવે છે, જ્યારે ઓટો સેક્ટર પર ઘટાડતી ડિમાન્ડ અને ઈનપુટ ખર્ચનો દબાણ છે. રિયલ એસ્ટેટમાં વ્યાજદર વધવાની શક્યતા તેમજ લોકલ લેવલની નીતિ અસ્પષ્ટતાનો અસર પડી શકે છે. કુલ મળીને, સ્થિર આવક અને નિકાસ આધારિત સેક્ટર્સે સારી કામગીરી આપવાની શક્યતા છે, જ્યારે કાપિટલ ઇન્ટેન્સિવ સેક્ટર્સ દબાણ હેઠળ રહી શકે છે.

બજારની ભાવિ દિશા.... મિત્રો, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર કુલ ૫૦% ડયુટી લાદવાની જાહેરાત દેશના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) માટે આંચકો હોઈ શકે છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે આનાથી ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દરમાં ૩૫ થી ૬૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે. સ્થાનિક વપરાશમાં વધારો ચોક્કસપણે અર્થતંત્રને ટેકો આપશે પરંતુ આ પગલું હજુ આંચકો લાવશે. ટ્રમ્પ ડયુટીની અસર ચીન પર લાદવામાં આવેલી ડયુટી, રૂપિયાના અવમૂલ્યનની ગતિ અને સ્થાનિક અર્થતંત્રમાં સુધારો સહિત અનેક પાસાઓ પર આધારિત રહેશે.

મોર્ગન સ્ટેનલી રિસર્ચના વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે જો તમામ માલની નિકાસ પર ૫૦% ડયુટી લાદવામાં આવે છે, તો તેની વૃદ્ધિ પર સીધી અસર ૬૦ બેસિસ પોઇન્ટ થશે. આગામી ૧૨ મહિનામાં પરોક્ષ અસર પણ લગભગ સમાન રહેશે. નાણાકીય વર્ષ ૨૦૨૫ માં, ભારતની અમેરિકામાં કુલ નિકાસ ૮૬.૫ બિલિયન ડોલર હતી, જે જીડીપીના ૨.૨% છે. ઘણા અર્થશાસ્ત્રીઓને આશા છે કે ટ્રમ્પની ટેરિફ જાહેરાત ટકશે નહીં અને ૨૧ દિવસમાં બંને દેશો વચ્ચે કરાર થઈ શકે છે. પરંતુ આજની પરિસ્થિતિમાં, જીડીપી વૃદ્ધિ ધીમી રહેશે.

જો વર્તમાન ૫૦% વેપાર ડયુટી યથાવત રહે છે, તો નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૦.૮ ટકા હોવાનો  અંદાજ પણ બગડી શકે છે. પછી તે ૫૦ બેસિસ પોઇન્ટ સુધી વધી શકે છે. પરંતુ ચલણની દ્રષ્ટિએ, મૂડી પ્રવાહ સૌથી મહત્વપૂર્ણ રહેશે. જો કોઈ કરાર ન થાય અને નિકાસકારો માટે કોઈ પેકેજ ન મળે, તો ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર ૪૦ બેસિસ પોઇન્ટ ઘટશે. ગોલ્ડમેન સક્સના એક રિપોર્ટમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે જો નવી વધારાની ડયુટી લાગુ કરવામાં આવે છે, તો આ કેલેન્ડર વર્ષ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૦.૬% સુધી ઘટી શકે છે.

close
Ank Bandh