Advertisement
Author: નોબત સમાચાર

મેઘાની મહેર ને ક્યાંક કહેર વચ્ચે, ઉખડવા લાગ્યા ભ્રષ્ટાચારના પોપડાં... જવાબદારી કરો નક્કી...

                                                                                                                                                                                                      

મેઘરાજાનો નવો રાઉન્ડ આવ્યો તેથી ખેડૂતોના જીવનમાં જીવ આવ્યો હતો અને જળાશયો ભરાવા લાગતા લોકોને આગામી વર્ષમાં પીવાના પાણીની તકલીફ પણ નહીં પડે, પરંતુ જ્યાં જ્યાં ભારે પૂર અને લેન્ડ સ્લાઈડના કારણે લોકોને નુકસાન થાય, ત્યાં ત્યાં ચિંતાત્મક સ્થિતિ પણ ઊભી થતી હોય છે, જેથી આ મુદ્દે ચર્ચા થાય અને અસરગ્રસ્તોને મદદરૂપ થવા સરકાર અને સમાજ ઝડપભેર કદમ ઉઠાવે, તેવી ઇચ્છા હંમેશા રહેતી હોય છે. વૈષ્ણોદેવી નજીક લેન્ડ સ્લાઈડથી મચેલી જીવલેણ તબાહીએ દેશવાસીઓને કંપાવી દીધા હતા. અને હવે અસરગ્રસ્તો તથા મૃતકોના પરિવારોને મદદરૂપ થવું એ સૌની ફરજ પણ છે.

ગુજરાતીઓ ઉત્સવપ્રેમી અને પર્યટનપ્રેમી હોય છે અને તહેવારોમાં મોજ-મસ્તી અને પ્રવાસ કરવાના આયોજનો પહેલેથી જ થઈ જતા હોય છે, તેથી જ વરસાદ વરસવા છતાં મેળાઓની લોકોએ મોજ માણી અને હજુ પણ મેળાના મનોરંજનનો માહોલ સમાપ્ત થયો નથી. વરસતા વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે પણ મોજમજા કરીએ તે સારી વાત છે, પરંતુ, જોખમી ઢબે સેલ્ફી લઈએ, વહેતા પાણીના પ્રવાહમાંથી જોખમી રીતે વાહન ચલાવવાનો પ્રયાસ કરીએ કે લેન્ડ સ્લાઈડ થતી હોય કે ભારે-અતિભારે વરસાદ, પૂર કે સુનામિની આગાહી થઈ હોય ત્યાં પ્રવાસ કરવાની કે એડવેન્ચર કરીએ, તે કોઈપણ રીતે ઈચ્છનિય પણ નથી અને યોગ્ય પણ નથી.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘાની મહેર થી લોકોની જીવાદોરી સમા ડેમો છલકાઈ ગયા છે, તો કેટલાક સ્થળે દરવાજા ખોલવા પડયા, તે પછી પૂરની પરિસ્થિતિ પણ ઊભી થઈ ગઈ. ઘણાં સ્થળે વીજપુરવઠો ખોરવાઈ ગયો તો ઘણાં સ્થળે માર્ગો બંધ થઈ જતા લોકો અટવાયા, પરંતુ, એકંદરે શ્રીકાર વરસાદથી લોકો ખુશ છે અને ખેડૂતો ખેતીના કામે લાગી ગયા છે. જો કે, ભારે વરસાદ, પૂર કે નહાવા જતા તણાઈ કે ડૂબી જવાની ગમખ્વાર ઘટનાઓએ કેટલાક સ્થળે આઘાત અને શોકની લાગણી પણ ફેલાવી હતી, અને આવી ઘટનાઓ લોકોને વધુ સતર્ક રહેવા, લાપરવાહ નહીં રહેવા અને કારણ વગરના જોખમ નહીં ખેડવાની શીખ પણ આપે છે.

ચોમાસાના કારણે ઘણાં માર્ગો તદૃન તૂટી-ફૂટી ગયા છે અને ખાડા ખડબાવાળા ધોરીમાર્ગો પર વાહનો ચલાવવા ઘણાં જ મુશ્કેલ બન્યા છે, તેવામાં એક તરફ તો ગણેશોત્સ્વના સંદર્ભે ગણેશજીની પ્રતિમાઓનું પરિવહન અટવાઈ ગયું હતું અથવા તો પ્રતિમાઓમાં ભાંગતૂટ થવાની સંભાવનાઓ ઊભી થઈ હતી, તો બીજી તરફ માર્ગો પરના ખાડાઓમાં પાણી ભરાઈ ગયા પછી ક્યાં ખાડો છે અને ક્યાં રોડ છે, તે નહીં સમજાતા ગંભીર અકસ્માતોની સંભાવનાઓ પણ ઊભી થઈ હતી. ઘણાં સ્થળે નાના-મોટા અકસ્માતો તથા વાહનોની અનિશ્ચિત ગતિવિધિઓના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જવા પામી હતી અને આ તમામ પરિસ્થિતિ માટે માર્ગોની હલકી ગુણવત્તા અને પ્રિ-મોન્સુન કામગીરીઓમાં રખાયેલી બેદરકારી જ જવાબદાર હોવાના પ્રત્યાઘાતો પડઘાયા હતા.

જામનગરના ઘણાં વિસ્તારો એવા છે જ્યાં જુદા જુદા વિકાસકામોના કારણે ખોદકામ થતા રહ્યા અને એક કામ પુરૃં થાય અને તેના ખાડાઓ બૂરીને માંડ જમીન સમથળ થાય કે તેની ઉપર થીગડ થાગડ કરીને રસ્તો ચાલુ થાય, ત્યાં બીજા કામ માટે ફરીથી ખોદકામ શરૂ થઈ જાય. નગરમાં ભૂગર્ભ ગટરના કામો લાંબો સમય ચાલ્યા. કેટલાક વિસ્તારોમાં પાણીની પાઈપલાઈનો માટે ખોદકામ થયા, અને થાય છે. તો મોટા ભાગના વિસ્તારોમાં ગેસની અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનો બીછાવવા માટે ખોદકામો થયા. હજુ આ બધા ખોદકામોની સમથળ થયેલી અથવા ઉબડ-ખાબડ છોડી દેવાયેલી જમીનો પર નવી સડકો બને તે પહેલા જ ચોમાસાના પ્રારંભે નવા ખાડા પડ્યા. આ ખાડાઓ બુરવા માટે અત્યાધુનિક મશીનરીની મદદથી થીગડાં મરાયા, પરંતુ તે પણ તાજેતરના વરસાદમાં ઉખડી ગયા. અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે તેમાં નગરના માર્ગો મગરની પીઠ કરતાંએ વધુ ઉબડ-ખાબડ થઈ ગયા છે, અને જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચારના પોપડાં ઉખડી રહ્યા હોય, તેવો આભાસ થાય છે. આ ભ્રષ્ટાચારના ઉખડેલા પોપડાંના કારણે માર્ગોની થયેલી દૂર્દશા દૂર કરવા હવે કથિત રીતે નવો ભ્રષ્ટાચાર ન થાય અને ચોમાસા પછી નગરના માર્ગો ગુણવત્તાવાળા થાય, તેવું ફૂલપ્રૂફ આયોજન થવું જરૂરી છે, ટેન્ડર્સ ભરીને જે કોન્ટ્રાક્ટરોએ કામ કર્યું હોય, તેમાં જો ચોક્કસ કરેલા વર્ષો સુધી નુકસાન થાય તો જે-તે કોન્ટ્રાક્ટર પાસે જ તેનું કામ કરાવવું એવા નિયમના કડક અમલ માટે ઈજારેદારની કેટલીક રકમ ડિપોઝીટ કે સિક્યોરિટી મની તરીકે સરકાર કે મહાપાલિકામાં જમા રહે, એટલું જ નહીં, નબળા કામ માટે દંડ ફટકારાય અને તે તકલાદી કામો મંજુર કરનાર નાના અને મોટા તમામ અધિકારીઓ તથા પદાધિકારીઓને જવાબદાર ગણીને તેની સામે પણ ખાતાકીય પગલાં લેવાય, તેમ જ એક સ્થળે બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટર, પેઢી કે કંપનીને અન્ય સ્થળે પણ કોન્ટ્રાક્ટ મળવામાં સરળતા રહે નહીં, તેવી જોગવાઈઓ સરકારે કરવી જોઈએ, પરંતુ ઈચ્છાશક્તિ હોવી જોઈએ ને ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh