Advertisement
Author: નોબત સમાચાર

સંસદમાં 'ઓપરેશન સિંદૂર'ના મુદ્દે જોરદાર હોબાળોઃ બન્ને ગૃહો સ્થગિત

વડાપ્રધાન મોદીએ પત્રકારોને સંબોધ્યાઃ રાજ્યસભામાં ખડગેના સરકાર પર તીખા પ્રહારોઃ સંસદમાં સુત્રોચ્ચારઃ સરકાર-વિપક્ષ આમને સામને

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૧: આજથી સંસદનુ સત્ર થતા જ વિપક્ષોએ ઓપરેશન સિંદૂરના વિષય પર હોબાળો શરૂ કરીને સુત્રોચ્ચાર કરતા બન્ને ગૃહો પ્રારંભે બપોર સુધી સ્થગિત કરાયા હતા. તે પછી પણ નારેબાજી ચાલુ રહી હતી. સંસદનું સત્ર શરૂ થતાં પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયાને સંબોધીને ઓપરેશન સિંદૂરની સફળતા વર્ણવી હતી. આ સત્ર ૩૨ દિવસ ચાલશે, અને હંગામેદાર રહેશે, તેમ જણાવ્યું છે.

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થયું છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતાં, હોબાળાને કારણે લોકસભા બપોર સુધી સ્થગિત કરવામાં આવી હતી. તે પછી પણ હંગામો થતો રહ્યો હતો અને સંસદ પરિસરમાં નારેબાજી ગુંજી રહી હતી.

વિપક્ષને ઉદેશીને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે, આપણે પ્રશ્નકાળ પછી ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરીશું. સરકાર દરેક પ્રશ્નનો જવાબ આપશે. આ પદ્ધતિ યોગ્ય નથી. આ વર્તન પહેલા જ દિવસે યોગ્ય નથી. આપણે આ માન્યતા તોડવી જોઈએ.

મીડિયાને મોદીનું સંબોધન

બીજી તરફ ગૃહ શરૂ થાય તે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધિત કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર સફળ રહ્યું આપણે ૨૨ મિનિટમાં ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો તેથી દુનિયાએ ભારતની લશ્કરી તાકાત જોઈ લીધી.

ઓપરેશન સિંદૂરમાં સેનાએ નિર્ધારિત લક્ષ્યોને હાસલ કર્યો છે. સેનાના નવા રૂપે દુનિયાને આકર્ષિત કર્યા. નકસલવાદ, માઓવાદને જડમૂળથી ઉખાડવાના સંકલ્પ સાથે સફળતા તરફ પગલુ ભરી રહ્યા છીએ. દેશમાં સેંકડો જિલ્લાઓ નકસલની ચપેટમાંથી નીકળીને મુકિતનો શ્વાસ લઈ રહ્યા છે. અમને ગૌરવ છે કે બોમ્બ, બંદૂક અને પિસ્તોલની સામે આપણા દેશનું બંધારણ જીતી રહ્યું છે.

વડાપ્રધાને કહ્યું કે, આતંકવાદ વિરૂદ્ધ તમામ દળો આગળ આવે. આપણે પાકિસ્તાનને બેનકાબ કર્યું. આ સાથે જ કહ્યું કે પહલગામના ક્રુર અત્યાચારથી આખી દુનિયા ચોંકી ગઈ. આપણે દુનિયા સામે આતંકવાદને બેનકાબ કર્યુ, આપણે સાથે મળીને સેનાના સામર્થ્યની સરાહના કરીએ ડિફેન્સ ક્ષેત્રમાં આત્મનિર્ભર થવાના પ્રયાસોને બળ આપીએ. દેશના રાજનીતિક દળોને પણ કહેવા માગુ છુ કે દેશે એકતાની તાકાત જોઈ, એક સ્વરની તાકાત જોઈ. સદનમાં તમામ માન્ય સાંસદો તેને બળ આપે, રાજનીતિક દળ અલગ અલગ છે, પરંતુ હું એ વાસ્તવિકતા સ્વીકાર કરૂ છું કે દળ હિતમાં મન ભલે ન મળે પરંતુ દેશ હિતમાં મન જરૂર મળવા જોઈએ.

ખડગેના સરકાર પર પ્રહાર

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પહલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહૃાું કે મેં ૨૬૭ હેઠળ ચર્ચાની માંગ કરતી નોટિસ આપી છે, મેં તે નિયમો મુજબ આપી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહૃાું કે પહલગામ હુમલો ૨૨ એપ્રિલે થયો હતો છતાં હજુ સુધી આતંકવાદીઓ પકડાયા નથી, ન તો તેમને ઠાર મરાયા છે. તેમના જ ન્ય્એ સ્વીકાર્યું કે ગુપ્તચર નિષ્ફળતા છે. અમને માહિતી આપો. ખડગેએ કહૃાું કે યુએસ પ્રમુખ ટ્રમ્પે ૨૪ વાર કહૃાું કે મારા હસ્તક્ષેપને કારણે યુદ્ધ સમાપ્ત થયું. આ દેશ માટે અપમાનજનક છે. 

જે.પી. નડ્ડાનો જવાબ

વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેની માંગ પર, ગૃહના નેતા જેપી નડ્ડાએ કહૃાું કે એવો સંદેશ ન જવો જોઈએ કે સરકાર ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માંગતી નથી. સરકાર તેની ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહૃાું કે અમે બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં સમય ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમે દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. ઓપરેશન સિંદૂરના આઠ દિવસમાં જે બન્યું તે આઝાદી પછી દેશમાં કોઈપણ ઓપરેશન દરમિયાન ક્યારેય બન્યું ન હતું.

સરકાર યોગ્ય જવાબ આપશેઃ કિરેન રિજિજુ

ઇન્ડિયા અલાયન્સે આગ્રહ કર્યો છે કે વડાપ્રધાન મોદીએ આ બાબતે તેમજ પાકિસ્તાન સાથેના અમેરિકન રાષ્ટ્રપતિના યુદ્ધવિરામના દાવાઓ અને બિહાર (એસઆઈઆર) પર જવાબ આપવો જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદમાં આ મુદ્દાઓ પર વડાપ્રધાન પોતે જવાબ આપે તેવી શક્યતા ખૂબ ઓછી છે. જોકે, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે પણ ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓની ચર્ચા કરવામાં આવશે, ત્યારે સરકાર યોગ્ય જવાબ આપશે.

ચોમાસુ સત્રમાં સરકાર દ્વારા રજૂ થનારા બીલો

ચોમાસું સત્રમાં કેન્દ્ર સરકાર ગૃહમાં મણીપુર જીએસટી સુધારા બિલ-૨૦૨૫ જાહેર ટ્રસ્ટ (જોગવાઈઓમાં સુધારો) બિલ-૨૦૨૫), મણિપુર જીએસટી સુધારા બિલ, ૨૦૨૫, જાહેર ટ્રસ્ટ (જોગવાઈઓમાં સુધારો) બિલ, ૨૦૨૫, ભારતીય વ્યવસ્થાપન સંસ્થા (સુધારા) બિલ, ૨૦૨૫, કરવેરા કાયદા (સુધારા) બિલ, ૨૦૨૫, ભૌગોલિક વારસા સ્થળો અને ભૂ-અવશેષો (સંરક્ષણ અને જાળવણી) બિલ, ૨૦૨૫, ખાણ (વિકાસ અને નિયમન) સુધારા બિલ, ૨૦૨૫, રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલ, ૨૦૨૫, રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) બિલ, ૨૦૨૫, રજૂ કરીને પાસ કરાવી શકે છે. તે ઉપરાંત ગોવા રાજ્યના વિધાનસભા મતવિસ્તારોમાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વનું પુનર્ગઠન બિલ, ૨૦૨૪, વેપારી શિપિંગ બિલ, ૨૦૨૪, ભારતીય બંદરો બિલ, ૨૦૨૫,  અને આવક વેરા બિલ, ૨૦૨૫. પણ લોકસભામાં પસાર થઈ જશે તેમ જણાય છે.  સંસદનું ચોમાસું સત્ર ૩૨ દિવસ ચાલશે. તે દરમિયાન ૧૮ બેઠકો યોજાશે. સરકાર મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા કરાવી શકે છે. જયારે વિપક્ષો પાસે સરકારને ઘેરવા જેવા મુદની ચર્ચા નહીં થાય તો ચોમાસું સત્ર તોફાની (હંગામેદાર) બની શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh