Advertisement
Author: નોબત સમાચાર

જામનગરનો લોકમેળો 'ઝીરો કમ્પ્લેઈન, ઝીરો હેરેસમેન્ટ-ઝીરો હાર્ડશીપ' સાથે યોજાવો જોઈએ

પ્રેસ-મીડિયા વિરોધી નથી, માત્ર જનતાનો અવાજ રજૂ કરે છેઃ

                                                                                                                                                                                                      

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળા આપણી પરંપરાની ધરોહર છે. લોકજીવનને ધબકતું રાખવું મહત્ત્વનું પરિબળ છે. નાન-જાત, ધર્મ કે ઉચ્ચ-નીચનો ભેદભાવ રાખ્યા વગર સમસ્ત માનવ સમુદાય બાળકો, પરિવાર સાથે મુક્તપણે આનંદ માણે છે તે આ લોકમેળાની સૌથી મોટી ઉપલબ્ધિ છે. સમાજમાં આટલો મોટો જનસમુદાય એક જ સ્થળે આનંદ-પ્રમોદ માણવા એકત્ર થાય ત્યારે આ પ્રકારના લોકમેળા સમાજની એક્તાનું પણ મહાપર્વ અને શ્રેષ્ઠ પ્રતીક બની રહે.

જામનગર સહિત સૌરાષ્ટ્રમાં અનેક નાના-મોટા શહેરોમાં નિશ્ચિત મહિનામાં લોકમેળા યોજાતા રહ્યા છે. તેમાં ય પવિત્ર શ્રાવણ મહિનામાં યોજાતા લોકમેળામાં ધાર્મિક આસ્થાનો પણ સમન્વય થતો હોવાથી આખો મહિનો ભક્તિમય અને મેળામય બની જાય છે. શિવમંદિરોમાં શિવભક્તિ, મંદિરોના શણગાર સાથે શ્રાવણ મહિનો સમગ્ર વર્ષનો મહામહિનો બને છે.વર્ષાની ઋતુ, વરસાદ, ચારે તરફ લીલુ છમ્મ વાતાવરણ, વર્ષ સારુ જવાનો વિશ્વાસ વગેરેના કારણે પણ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડે છે.

જામનગરના લોકમેળા અગાઉ નદી કિનારે અને સિદ્ધનાથ, નાગેશ્વર જેવા મંદિરોના સાનિધ્યમાં યોજાતા... નદીમાં સઢવાળા વહાણ ચાલતા-લાકડાના ખાનાવાળા ફજેતફાળકા, હાથથી ચાલતી ચકરડી જેવા મનોરંજનના સાધનોના માધ્યમથી પણ લોકો ભરપૂર આનંદ માણતા હતાં. જામનગરના લોકમેળાની સૌથી વિશેષ ખાસિયત એ રહી હતી કે તેમાં ગરીબ વર્ગથી લઈ નગરના તવંગર લોકો પણ પરિવાર સાથે ઉમટી પડતા હતાં.

કાળક્રમે મેળાના સ્થળો બદલાતા રહ્યા છે, પણ આપણાં જામનગરનો શ્રાવણી મેળો 'આનંદ મેળો' નહીં પણ આજની તારીખે પણ લોકમેળા તરીકે જ વખણાય છે, સુપ્રસિદ્ધ છે અને ઉત્સવની જેમ ઉજવાય છે, જો કે છેલ્લા થોડા વર્ષોથી જામનગરના લોકમેળામાં શ્રીમંત-અતિ શ્રીમંત વર્ગ આવતો ઓછો થયો છે અને થઈ રહ્યો છે, બીજા અર્થમાં આપણો મેળો ગરીબ, નિમ્ન મધ્યમવર્ગ, મધ્યમવર્ગના પરિવરો માટે વર્ષ દરમિયાન સૌથી વધુ આનંદ મેળવવાનો અવસર બની રહે છે.

જામનગરના લોકમેળાની અન્ય નોંધપાત્ર બાબત એ છે કે કદાચ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આયોજન મહાનગરપાલિકા દ્વારા થતું હોય તેવો એકમાત્ર લોકમેળો છે.

લોકમેળા યોજાવા જ જોઈએ. તેનો કોઈ વિરોધ હોય જ ન શકે. અખબારોમાં-મીડિયામાં લોકમેળાના આયોજન અંગે આયોજક મહાનગરપાલિકા, તંત્રનું ધ્યાન દોરવાનો અખબારી ફરજ તરીકે નમ્ર પ્રયાસ થાય છે. અગાઉના આયોજનોની ત્રુટીઓ, પ્રજાને પડેલી મુશ્કેલીઓ, આ વખતના આયોજનમાં ધ્યાન રાખવા જેવા મુદ્દા, સંભવિત સમસ્યાઓ કે પ્રશ્નો સાથેના અહેવાલોનો માત્રને માત્ર આયોજકો દ્વારા ખૂબ જ વ્યવસ્થિત, સુચારૂ આયોજન થાય તેવો હોય છે.

જામનગરમાં આ વર્ષે યોજાનારા લોકમેળાના સ્થળ અંગે તેમજ ત્યાં કાર્યરત હંગામી બસ સ્ટેન્ડ, ફ્લાયઓવરનું કામ, વધી ગયેલી વસતિ, વાહનો વગેરેને ધ્યાનમાં રાખીને લોકમેળા નિર્વિઘ્ને યોજાય અને આમજનતા મનભરીને કોઈપણ જાતનો ભય કે શંકા રાખ્યા વગર મેળા માણે તેવા તમામ દૃષ્ટિએ ફૂલપ્રૂફ આયોજન સાથે યોજાય તે પણ એટલું જ જરૂરી છે.

આશા રાખીએ કે પ્રજાના અવાજ રૂપે, જામનગરમાં ચર્ચાઈ રહેલી વિગતો મુજબ ઉદ્ભવેલા પ્રશ્નોને અખબારો-મીડિયાએ રજૂ કર્યા છે તે અંગે સકારાત્મક અભિગમ સાથે વિચારણા કરવામાં આવે અને મેળા 'ઝીરો કમ્પલેઈન', 'ઝીરો હેરેસમેન્ટ', 'ઝીરો હાર્ડશીપ' સાથે તેમજ તમામ જરૂરી સુવિધાઓ સાથે આયોજન થાય...

મેળાના આયોજકોને ઓલ ધી બેસ્ટ... ઓન બીહાફ ઓફ ઓલ જામનગરીસ

જામનગરમાં અડધા પ્રદર્શન મેદાનમાં લોકમેળા યોજાનાર છે. અડધા જેટલા મેદાનમાં એક હજાર બસોની અવરજવર અને ૪૦-પ૦ હજાર ઉતારૂઓની વ્યસ્તતાવાળું હંગામી બસ સ્ટેશન ચાલુ છે, ત્યારે બસોના આવા-ગમનના રૂટ, ઉતારૂઓ માટેના રિક્ષા કે ખાનગી વાહનોની અવર-જવર, પાર્કિંગની વ્યવસ્થા ખૂબ જ ચોક્કસાઈપૂર્વક કરવી પડશે અને તે અંગેની સુનિશ્ચિત કરેલી ટ્રાફિક વ્યવસ્થા, ક્યા માર્ગો ચાલુ રહેશે, ક્યા માર્ગો બંધ રહેશે, ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોના પાર્કિંગની વ્યવસ્થા વગેરે અંગે 'વેલ-ઈન એડવાન્સ' સત્તાવાર જાહેરાત કરવાની પણ જરૂર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh