Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં આતંકનો ઓછાયો ? આતંકી પરિબળોને પ્લેટફોર્મ પૂરી પાડતી ગુનાખોરી નાથવી જરૂરી...

                                                                                                                                                                                                      

કુદરત જ્યારે મહેર કરે છે, ત્યારે જીવસૃષ્ટિ અને સંસાર સોહામણા લાગે છે, પરંતુ જ્યારે એ જ કુદરત જ્યારે કહેર કરે ત્યારે બિહામણા પણ લાગે છે. લોખંડમાંથી તલવાર પણ બને છે અને ઓજાર પણ બને છે. બંદુક, દારૂગોળો અને હથિયારો રક્ષણનું કામ પણ કરે છે અને ખોટા હાથમાં હોય, ત્યારે વિનાશક પણ બની જાય છે, તેવી જ રીતે વિદ્યા પણ જો યોગ્ય રીતે વપરાય, તો તે જીવનને ઉપયોગી અને હેતુલક્ષી પૂરવાર થાય છે, પરંતુ તે જ વિદ્યા એટલે કે કૌશલ્ય, ડિગ્રી કે જ્ઞાન જ્યારે ખોટા માર્ગે વપરાય, ત્યારે તે વિનાશક અને વિકૃત બની જાય છે અને પોતાને તથા સમાજને પણ નુકસાન પહોંચાડે છે. આ જ રીતે એમબીબીએસ કરેલા લોકો જ્યારે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાનું બહાર આવે, ત્યારે એવું પ્રતિત થાય છે કે માનવ કલ્યાણ માટે કરાવાતા તબીબી અભ્યાસ પણ હવે ખતરનાક બનવા લાગ્યા છે.

ગુજરાત એટીએસ દ્વારા કેન્દ્રીય એજન્સીએ સાથે મળીને ચલાવાયેલા અભિયાનમાં આપણાં શાંતિપ્રિય ગણાતા વ્યાપારિક છાપ ધરાવતા ગુજરાતમાંથી ૩૫ વર્ષના ડોક્ટર સહિત ત્રણ કથિત આતંકીઓને ઝડપી લીધા હોવાના જ્યારે અહેવાલો આવ્યા, ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હશે, એવું પણ બહાર આવ્યું કે આ ત્રણેય શખ્સો અમદાવાદ,  દિલ્હી અને લખનૌ વગેરે સ્થળે આતંકી હૂમલાની તૈયારી કરી રહ્યા હતા, અને સૌથી ચોંકાવનારી વાત એ બહાર આવી હતી કે ડોક્ટરનું ભણેલો એક શખ્સ સાઈનાઈડથી પણ ખતરનાક ઝેર રાયઝિન બનાવી રહ્યો હતો. હવે આ ઝેરનો તે કેવી રીતે ઉપયોગ કરવાનો હતો, તે તપાસ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે.

આ પ્રકારના અહેવાલો સુત્રોને ટાંકીને અથવા અન્ય માધ્યમો દ્વારા આવતા હોય છે, પરંતુ આ પ્રકારના અહેવાલો જ્યારે જ્યારે આવે, ત્યારે ત્યારે એક પ્રકારની સનસનાટી ફેલાઈ જતી હોય છે, અને જ્યારે આ અંગે સત્તાવાર રીતે જાહેરાત થતી હોય કે માહિતી અપાતી હોય છે, ત્યારે જ લોકોને થોડી રાહત થતી હોય છે, અને વાસ્તવિક તથ્યો જાણવા મળતા હોય છે,  હવે આ ત્રણ શખ્સોની તપાસ પછી શું બહાર આવે છે અને કેવા કદમ ઉઠાવાય છે, તે જોવું રહ્યું...

એ.ટી.એસ.ની કાર્યવાહીને આવકારવી જોઈએ, અને સાથે સાથે આ પ્રકારની હિંસક અને ઘાતક માનસિકતા આપણાં રાજ્ય અને દેશમાં પનપી રહી હોય, તો તેના મૂળમાં જઈને તેને અટકાવવી જ પડે અને આ પ્રકારના પરિબળોને ઝેર કરવા જોઈએ, એ ખરૃં પરંતુ આપણાં રાજ્યમાં વધી રહેલી વિવિધ પ્રકારની ગુનાખોરીની ચિંતા પણ કરવી જ પડે તેમ છે. છોટા ઉદેપુરના બોડેલીમાં બુટલેગરની ગાડીનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યા પછી અકસ્માત થયો અને બૂટલેગર નાસી છૂટ્યો તથા કારમાં ભરેલો શરાબનો જથ્થો લૂંટાઈ ગયો, તે પ્રકારના અહેવાલો શું સૂચવે છે ?

જો કે, પાછળથી પોલીસે એકાદ બૂટલેગરને દબોચી લીધો અને અન્ય ફરાર શખ્સોની શોધખોળ આદરી, પરંતુ આ પ્રકારે દારૂની બેફામ અને બેરોકટોક હેરાફેરી થતી રહેતી હશે, તેવું પણ તારણ નીકળી શકે છે. અને દારૂબંધી ધરાવતા રાજ્યમાં દારૂની હેરાફેરીનો આ આઈસબર્ગની ટોચ જેવી આ ઘટનાઓ સપાટીની નીચેથી થઈ રહેલી વિરાટ હેરાફેરી તરફ પણ અૂંગલી નિર્દેશ કરે છે. આ પ્રકારે કોઈ જંગી જથ્થો પકડાય, ત્યારે ભલે લાપરવાહી થાય અને ગૃહમંત્રી પોતાની અને પોલીસતંત્રની પીઠ થાબડતા હોય, પરંતુ જ્યારે બૂટલેગરો હાથતાળી આપીને નાસી છૂટે, દારૂનો જંગી જથ્થો લૂંટાઈ જાય કે મોટો જથ્થો પકડાયા પછી પણ તેની હેરાફેરી કરનારા પરિબળોને વર્ષો સુધી કોઈ સજા જ  થતી હોય તો આ બધી કવાયતનો અર્થ શું ? તેવા સવાલો સ્વાભાવિક રીતે જ ઉઠે ને ?

રાજ્યમાં ગુનાખોરી વધી રહી હોય અને નાગરિકો માટે ફરિયાદો નોંધાવવાની પ્રક્રિયા જ દુષ્કર થઈ ગઈ હોય કે પછી ગુંડાગીરી, દાદાગીરી, લુખ્ખાગીરી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરનારાઓને કાનૂનનો ડર જ લાગતો ન હોય, તેવી ઘટનાઓની સમીક્ષા કરીને રાજ્યના ગૃહવિભાગે ગુનાખોરી સામે પરિણામલક્ષી પ્રિવેન્ટીવ કદમ ઉઠાવવા જ પડે તેમ છે.

બીજી તરફ ગુજરાત સુધી પહોંચેલા આતંકી ઓછાયાને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ગણાવીને અવગણી શકાય નહીં, કે તેને કોઈપણ દૃષ્ટિએ જસ્ટીફાય પણ કરી શકાય નહીં, કારણ કે વર્ષ ૨૦૦૮માં અમદાવાદ અને સુરતમાં થયેલા શ્રેણીબદ્ધ આતંકી હૂમલાઓમાં 'સિમી'માંથી ઈન્ડિયન મુઝાહિદિન નામક સંગઠનનો હાથ હોવાનું બહાર આવ્યું હતું, તે સમયે દેશભરમાં આતંકી ઘટનાક્રમોમાં સેંકડો નિર્દોષ લોકોના જીવ ગયા હતા અને આ તમામ વિવિધ આતંકી સંગઠનોનું પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને/અથવા પાક. સ્થિત આતંકી સંગઠનો કે આતંકી આકાઓ સાથે સંકળાયેલું હતું. ગુજરાતમાં પકડાયેલા આ ત્રણેય શખ્સો અંગે ઉંડી તપાસ થશે, ત્યારે તેની વાસ્તવિકતા બહાર આવશે અને ન્યાયની દેવડી તેને સજા કરશે અને ન્યાય કરશે, પરંતુ જ્યારે લોકલ ગુનાખોરી વકરી રહી હોય ત્યારે આતંકી પરિબળોને પોતાનો ખતરનાક ઉદૃેશ્ય પાર પાડવા માટે સ્થાયી પ્લેટફોર્મ મળી જતું હોય છે, અને તેની આડમાં દેશવિરોધી તત્ત્વોને પનપવાની તક મળતી હોય છે, હવે ફરીથી ગુજરાતમાં "બીનવારસુ ચીજવસ્તુને અડકવું નહીં." તેવી ચેતવણીઓ આપવી જ ન પડે, તે માટે આતંકી કાવતરાઓને ઝડપી પાડવાની સાથે સાથે સ્થાનિક ગુંડાગીરી અને ગુનાખોરી પર વધુ મજબૂત સકંજો કસવાની જરૂર પણ જણાવાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh