Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના ગલ્લામાં કારખાનાની દીવાલમાં બાકોરૂ પાડી ૬ લાખના પીત્તળના સામાનની ચોરીઃ બેના સગડ દબાવાયા

મોહનનગરમાં મકાનમાં હાથફેરોઃ મંદિરમાંથી સ્ટીલના બે ડબ્બા ઉપડ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: લાલપુરના ગલ્લા ગામમાં આવેલા એક કારખાનામાં ગયા શુક્રવારની રાત્રે પાછળની દીવાલમાં બાકોરૂ પાડી ઘૂસી ગયેલા બે શખ્સે અંદરથી કુલ ૮૦૦ કિલો પીત્તળનો સામાન ઉઠાવી લીધો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી તસ્કરોના સગડ દબાવ્યા છે. જ્યારે મોહનનગરમાં એક મકાનમાંથી સોનાની બંગડી, ત્રણ વીટી, રોકડ મળી રૂ।.૧ લાખ ૧૦ હજારની મત્તાની ચોરી થઈ છે અને મેઘપરમાં મકાનના ફળીયામાં આવેલા મંદિરમાંથી દાનપેટી જેવા સ્ટીલના બે ડબ્બા કોઈ શખ્સ ઉઠાવી ગયો છે.

જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલા જીઆઇડીસીના એપલ ગેઈટ-૨ સામે મારૂતિ રેસીડેન્સીમાં વસવાટ કરતા અને લાલપુર તાલુકાના પીપરટોડા નજીક ગલ્લા ગામમાં શ્રી બાલાજી ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ચલાવતા ભરતભાઈ બાબુભાઈ શિંગાળા નામના આસામીના કારખાનામાં શુક્રવારે રાત્રે ચોરી થઈ ગઈ છે.

ઉપરોક્ત ચોરીની ફરિયાદ લાલપુર પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ બાબુભાઈએ નોંધાવી તેમાં જણાવ્યું છે કે શુક્રવારની રાત્રે એકાદ વાગ્યે અજાણ્યા ચોર શખ્સો તેઓના કારખાના પાસે આવ્યા હતા. આ શખ્સોએ કારખાનાની પાછળની દીવાલમાં બાકોરૂ પાડયા પછી અંદર પ્રવેશ કરી કારખાનામાં રાખવામાં આવેલા સાડા પાંચ ફૂટની લંબાઈવાળા ૫૦૦ કિલો વજનના પિત્તળના સળિયા અને તૈયાર કરીને રાખવામાં આવેલો પિત્તળનો અંદાજે ૩૦૦ કિલો વજનનો સામાન મળી કુલ રૂ।.૫,૯૨,૦૦૦ની કિંમતના પિત્તળના સામાનની ચોરી કરી લીધી છે. ઉપરોક્ત ચોરીમાં થયેલી હરકતો તે કારખાનામાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ચોરીની શનિવારે સવારે ભરતભાઈને જાણ થયા પછી તેઓએ ફરિયાદ નોંધાવતા લાલપુરના એએસપી પ્રતિભાના વડપણ હેઠળની પોલીસ ટીમે તપાસ શરૂ કરી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાલપુર તાલુકાના મેઘપર ગામમાં જયશ્રી પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાન પાસે વસવાટ કરતા રવિન્દ્રસિંહ કાથડજી કંચવા નામના આસામીએ પોતાના મકાનના ફળિયામાં બનાવેલા મંદિરમાં ગયા સોમવારની સવારની સવારથી બુધવારની સાંજ સુધીમાં ચોરી થઈ છે.

તે મકાનના ફળિયામાં આવી ગયેલા કોઈ તસ્કરે મંદિરમાં દાનપેટી સ્વરૂપે રાખવામાં આવેલા સ્ટીલના બે ડબ્બા ઉઠાવી લીધા છે જેમાં અંદાજે રૂ।.૧૦થી ૧૨ હજારની રોકડ હતી. આ ચોરીની જાણ થયા પછી રવિન્દ્રસિંહે શનિવારે મેઘપર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગુલાબનગર વિસ્તાર સામે આવેલા મોહનનગરના મેઇન રોડ પર બી-૫૦ નંબરના પ્લોટમાં જય જલારામ નામના મકાનમાં વસવાટ કરતા વર્ષાબેન પ્રભુદાસભાઈ લુકકા નામના મહિલાના મકાનમાં ગઈ તા.૫ની સવારના ૧૧ વાગ્યાથી બપોરના અઢી વાગ્યા દરમ્યાન કોઈ તસ્કર ઘૂસી ગયો હતો.

ભરબપોરે આ મકાનમાં ચોરીના ઈરાદે ઘુસેલા શખ્સે અંદર રાખેલા કબાટને ખોલી નાખી તેના ડ્રોવરમાંથી સોનાની ત્રણ વીટી અને સોનાની કોપર વાળી બે બંગડી તેમજ રૂ।.૪૦ હજાર રોકડા મળી કુલ રૂ।.૧,૧૦,૦૦૦ની મત્તાની ચોરી કરી લીધી હતી. આ બાબતની વર્ષાબેને સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શનિવારે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh