Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રજાને પડતાને પાટુ જેવી સ્થિતિમાં
જામનગર તા. ૧૬: છેલ્લા ૧૫-૨૦ દિવસથી ઈરાન અને ઈઝરાયલ/યુએસ વચ્ચેના યુદ્ધના કારણે રાંધણગેસના બાટલાની તંગી સર્જાય તેવી શક્યતા સાથે સૌ કોઈ ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. યુદ્ધ લાંબુ ચાલે તો પેટ્રોલ-ડીઝલની સમસ્યા સર્જાઈ શકે છે અથવા ભાવ વધારો કરવાની ફરજ પડી શકે છે.
રાંધણગેસના ઘરેલુ બાટલાની અછત નથી અને લોકોને ઘરેલુ બાટલા અંગે કોઈ તકલીફ નહીં પડે તેવી રીતે પ્રાથમિકતા સાથે પર્યાપ્ત જથ્થો હોવાના દાવા સાથે સરકાર સૌને સત્તાવાર રીતે સાંત્વના આપી રહી છે.
આ સંજોગોમાં હોટલો, રેસ્ટોરન્ટો, અન્નક્ષેત્ર ચલાવતી સેવાકીય સંસ્થાઓ/ધાર્મિક સંસ્થાઓમાં કોમર્શિયલ ગેસના બાટલાની સપ્લાય બંધ કરી દેવામાં આવી છે. જેથી છેલ્લા બે-ત્રણ દિવસમાં જ નાના-મોટા શહેરોમાં હોટલો-રેસ્ટોરન્ટોના ધંધાને અસર થવાની શરૂ થઈ છે. કેટલાક અન્નક્ષેત્રોમાં પણ લાકડા વડે ચૂલાના માધ્યમથી રસોડા ચાલુ થઈ ગયા છે. કેટરીંગના ધંધાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગેસ આધારિત અનેક ઉદ્યોગોને મુશ્કેલી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. જો કે, આ તમામ ઘટનાક્રમ વચ્ચે અંદાજે એક લાખ મેટ્રિક ટન જેટલો એલપીજીનો જથ્થો બે જહાજો વડે પહોંચી રહ્યો હોવાના સમાચાર થોડા રાહતરૂપ છે અને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો દ્વારા ગેસના કાળાબજાર ન થાય, સંગ્રહખોરી ન થાય તે માટે શ્રેણીબદ્ધ કડક પગલાં લેવાઈ પણ રહ્યા છે. અને કેન્દ્ર સરકાર "સબ સલામત" ની હિંમત દેશવાસીઓને આપી રહી છે.
અત્યારે આટલી પૂર્વભૂમિકા સાથે કેટલાક વરવા અને કડવા સત્યો પણ સામે આવી રહ્યા છે. જેમાં જામનગરના બ્રાસ ઉદ્યોગ, મોરબીના સિરામીક ઉદ્યોગ, સમગ્ર રીતે હોટલ-રેસ્ટોરન્ટ અને કેટરીંગ ઉદ્યોગની જ વાત કરીએ તો કોમર્શિયલ રાંધણગેસની અસર થઈ રહી છે. પરિણામે મોટી સંખ્યામાં નાની મોટી મજુરી કરનારા, છુટક કામધંધા વગરના થઈ ગયા છે.
મોંઘવારી અને બેરોજગારીની સમસ્યા ગેસની તંગીને વધુ ગંભીર બનાવી દીધી છે અને ખાસ કરીને ગરીબ, મજુર અને નિમ્ન મધ્યમવર્ગના લોકોને આ પરિસ્થિતિની સીધી અસર થઈ રહી છે.
હવે મુદ્દાની વાત... આવી સ્થિતિમાં લોકોની ચિંતામાં રાહત થાય તેવી નીતિ અખત્યાર કરવાના બદલે જામનગર મહાનગરપાલિકા મિલકત વેરો અને પાણી વેરાની કડક વસુલાત કરવા મેદાને પડી રહી છે. મિલકતો સીલ કરવી, કડક ઉઘરાણી કરવી, પાણી વેરો ન ભર્યો હોય તેવા વિસ્તારોમાં, વોર્ડમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણી વિતરણ બંધ કરી દેવા જેવા પગલાંથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
આ ઉપરાંત વીજતંત્ર દ્વારા પણ વીજચોરી ડામવાની કામગીરીમાં નિષ્ફળ ગઈ હોવાની કાયમની ચર્ચા સાથે વીજચોરોને પકડવાને બદલે પ્રામાણિક ગ્રાહકો પાસેથી વીજબીલના નાણાં ઉઘરાવવા કનેકશનો કાપી નાખવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
૫૦૦-૧૦૦ના બીલ ભરવાનું કદાચ બાકી રહી ગયું હોય અને બે બીલના નાણાં સાથે ભરપાઈ કરવા ઉછી ઉધારા કરતા હોય તેવા લોકોને અત્યારે પ્રવર્તી રહેલી વિષમ પરિસ્થિતિમાં ભારે ચિંતામાં મુકી દીધા છે. થોડા જ સમયમાં શાળાઓ શરૂ થશે ત્યારે સ્ફૂલ ફી, યુનિફોર્મ સહિતની જંગી ખર્ચાઓની ચિંતામાં વીજબીલના નાણાની કડક અને જોડાણો કાપી નાખવાની ધમકી/કાર્યવાહીથી વધારો થયો છે.
રાજ્ય સરકાર તેમજ વીજતંત્ર અને જામનગર મહાનગરપાલિકાને હમણાં થોડો સમય લોકોને ચિંતામાં અને મુશ્કેલીમાં મુકી દેવાની રીત રસમને થંભાવી દેવાની જરૂર છે.
લોકોએ કરવેરા, વીજબીલના નાણા નિયમિત ભરવા જ જોઈએ, પણ કમ-સે-કમ અત્યારે જે રીતે વૈશ્વિક યુદ્ધના કારણે સર્જાયેલી પરિસ્થિતિના સમયમાં લોકોને સરકાર પ્રેરિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે તો તે સૌ કોઈ માટે મોટી રાહત ગણાશે.
ચૂંટણી ટાણે રાહતો-રેવડીની લ્હાણી કરનારાઓએ અત્યારે યુદ્ધના કારણે ઉદ્ભવેલી અને ક્યાં સુધી આ સ્થિતિ રહેશે તે ધ્યાને લઈને સરકારે હાલ પૂરતી આવી ઉઘરાણીની કાર્યવાહી કમ-સે-કમ યુદ્ધની સ્થિતિ થાળે પડી ત્યાં સુધી અટકાવી દેવાની જરૂર છે.
બાકી...આવી જ રીત રસમ અને ગરીબ-નાના વર્ગને પરેશાની થાય તેવા નિર્ણયો સાથેની કાર્યવાહી ચાલુ રહેશે તો તેની અસર આગામી મ.ન.પા. / ન.પા. / જિ.પં. / તા.પં / ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચોક્કસપણે શાસકપક્ષને મોટું નુકસાન કરી શકે છે. તેવો મિજાજ આમ જનતામાં જોવા મળી રહ્યો છે.
જોઈએ...સરકાર અને શાસકપક્ષ કમ-સે-કમ આગામી ચૂંટણીઓને ધ્યાને લઈને પણ લોકોને રાહત આપવાની દાનત વ્યક્ત કરે છે કે કેમ ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial