Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના એક આસામીના જીએસટી પોર્ટલ પર ગોબાચારી કરી રૂ.પ કરોડ ઉપરાંતની છેતરપિંડી

નગરના સીએ સામે વધુ એક ફરિયાદઃ રાજકોટમાં પણ નોંધાયો અન્ય ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના એક આસામીએ પોતાના નામે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયાએ જીએસટી પોર્ટલ પર ખરીદ-વેચાણના ખોટા બીલ બતાવી રૂ.૫ કરોડ ઉપરાંતનો વેરો ભરવો પડે તે રીતે છેતરપિંડી અને ઠગાઈ કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. આ આસામીને બેંકમાંથી લોન મેળવવી હતી અને તેના માટે બેંક ટ્રાન્ઝેક્શન જરૂરી હતા તેથી કોઈ રીતે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક થયા પછી આસામીના બેંક એકાઉન્ટમાં મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરી નાખવામાં આવ્યા હતા. તે જ રીતે રાજકોટમાં પણ આ સીએએ પોતાના મામાના દીકરાની બંધ થઈ ગયેલી પેઢી પરથી બીજી પેઢી શરૂ કરાવી તેના જીએસટી પોર્ટલ પર મોટી રકમની ખરીદી અને વેચાણ બતાવતા રૂ.૪ કરોડ ૬૨ લાખનો જીએસટી ભરવા નોટીસ ઈસ્યુ થતાં રાજકોટમાં પણ ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરમાં બે સપ્તાહ પૂર્વે અમદાવાદથી ધસી આવેલી જીએસટી વિભાગની ટીમે હિરજી મીસ્ત્રી રોડ પર આવેલી બ્રહ્મ એસોસિએટ નામની અલ્કેશ પેઢડીયાની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેઢી પર ચકાસણી હાથ ધરી હતી. આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કરવામાં આવેલા જીએસટી અંગેના વ્યવહારો ચકાસાયા પછી કેટલાક એકાઉન્ટમાં ખોટી રીતે વેરાશાખ લેવામાં આવી હોવાનું ખૂલ્યું હતું.

આ બાબતે જીએસટી ટીમે વધુ તપાસ કરતા કેટલાક વેપારીઓના નામ ઉપસી આવ્યા હતા. તે વેપારીઓના નોંધાયેલા નિવેદન પછી તેમની જાણ બહાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયાએ જે તે પેઢીના જીએસટી પોર્ટલ પર કરોડો રૂપિયાની વેરાશાખ લઈ લીધી હોવાનું જણાઈ આવતા બે વેપારીએ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.

ત્યારપછી ગઈકાલે મૂળ જામજોધપુરના સડોદરના વતની અને હાલમાં ગુલાબનગર નજીક ક્રિષ્ના પાર્કમાં વસવાટ કરતા મોહસીન સલીમભાઈ જુણેજા નામના આસામીએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. જેમાં તેણે જણાવ્યા મુજબ મે ૨૦૨૨થી માર્ચ ૨૦૨૫ દરમિયાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયાએ તેમની પેઢીના જીએસટી પોર્ટલ પર ખરીદ-વેચાણના ખોટા બીલ બતાવી રૂ.૫,૦૩,૨૯,૩૮૭નો વેરો ભરવો પડે તે રીતે ઠગાઈ અને છેતરપિંડી કર્યા છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ મોહસીન જુણેજાને એક બેંકમાંથી લોન મેળવવી હતી. તે લોન માટે બેંકમાં નાણાની હેરફેરના ટ્રાન્ઝેક્શન બતાવવાના હતા. તે માટે ત્રણેક વર્ષ પહેલાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશનો સંપર્ક થયો હતો. તે પછી મોહસીનના બેંક એકાઉન્ટમાં મોટી રકમના ટ્રાન્ઝેક્શન થયા હતા અને આ આસામીએ રૂ.પ કરોડ ઉપરાંતનો જીએસટી ભરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થતાં ઉપરોક્ત ફરિયાદ કરવામાં આવી છે.

નગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે રાજકોટમાં પણ વેપારીની જાણ બહાર મોટા ટ્રાન્ઝેક્શન કરી રૂ.૪.૬૨ કરોડની છેતરપિંડીનો ગઈકાલે ગુન્હો દાખલ થયો છે. આઠ વર્ષ પહેલાં રાજકોટના પ્રકાશ કમાણી નામના આસામીએ શરૂ કરેલી પેઢી બે વર્ષમાં બંધ કરી દેવામાં આવી હતી. તે પેઢીના જે તે વખતે લેવામાં આવેલા જીએસટી નંબર રદ્દ કરવાનું પ્રકાશે પોતાના ફઈના દીકરા અલ્કેશને કહ્યા પછી અલ્કેશે નવી પેઢી શરૂ કરાવી આ પેઢીના જીએસટી પોર્ટલ પર પ્રકાશની જાણ બહાર ખરીદ-વેચાણના બીલ મૂક્યા હતા. જેમાં રૂ.૧૧.૭ર કરોડની ખરીદી અને રૂ.૧૨.૫૯ કરોડનું વેચાણ દર્શાવાયું હતું તેથી રૂ.સવા બે કરોડ જીએસટી ભરવાનો થયો હતો અને તે પછી હાલની આલ્પાાઈન થાઈડ્રીમ્સ નામની પેઢીના નામે રૂ.૧૩ કરોડ ૩૮ લાખની ખરીદી અને રૂ.૧૩ કરોડ ૧૪ લાખનું વેચાણ દર્શાવાતા રૂ.૨ કરોડ ૩૬ લાખ જીએસટી પેટે ભરવાના થયા હતા. આમ કુલ રૂ.૪ કરોડ ૬૨ લાખની વેપારીની જાણ બહાર છેતરપિંડી થઈ ગઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh