Advertisement
Author: નોબત સમાચાર

"યુનેસ્કો" શું છે ?... દિવાળીને મળ્યું વૈશ્વિક ગૌરવ,

                                                                                                                                                                                                      

નગરમાં ઝળહળાટ, દેશમાં ઉલ્લાસ, 'રામરાજ્ય'ની પરિકલ્પના સાકાર થશે ?

ગઈકાલે છોટી કાશી ગણાતું રજવાડીનગર જામનગર રાત્રિના સમયે વધુ ઝળહળી ઉઠયું હતું અને દીપોત્સવી પર્વ પછી ફરીથી દિવાળીની ઉજવણી શરૂ થઈ રહી હોય, તેમ રંગોળીઓ દોરવામાં આવી હતી, નગરના મ્યુઝિયમમાં એક હજાર દિવળાઓ પ્રજજવલીત થયા હતા, જેથી "દીપોત્સવી" પર્વ જેવો માહોલ સર્જાયો હતો. રંગબેરંગી રોશની, રૂપાળી રંગોળીઓ અને દીપોત્સવ નો ત્રિવેણી સંગમ થતા લાખેણું લાખોટા તળાવ ઘણું જ આકર્ષક, મનમોહક અને સોહામણું લાગી રહ્યું હતું.

જામનગરમાં કરોડોના ખર્ચે નિર્માણ થયેલો ફલાય ઓવરબ્રિજ તાજેતરમાં જ ખુલ્લો મુકાયો છે, અને તેમાં અંગ્રેજોને હંફાવનાર રાણી લક્ષ્મીબાઈની ઘોડેશ્વાર સ્વરૂપની તલવાર ધારણ કરેલી પ્રતિમાની ફરતે થયેલા સુશોભન અને તેને ફરતે નવનિર્મિત ફલાય ઓવરબ્રિજને રંગબેરંગી રોશનીથી ઝળહળતો કરાયો છે, તેની સાથે નયનરમ્ય કલરફૂલ ફૂવારાઓનો સંગમ તથા અદ્ભુત દૃશ્યો સર્જાય છે. આ સ્થળે રોશનીનો ઝગમગાટ કાંઈક અલગ જ ભાત પાડી રહ્યો હતો, અને દિવાળીના પર્વે થતા સુશોભન અને રોશની જેવા જ આબેહૂબ દૃશ્યો ખડા થયા હતા.

આ ઉપરાંત જામનગરમાં ઠેર ઠેર સુશોભનો તથા રંગબેરંગી અદ્ભુત અને આકર્ષક રોશનીના ઝળહળાટથી ઐતિહાસિક અને પ્રવર્તમાન સમયમાં વ્યૂહાત્મક તથા વિકાસની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ એવું જામનગર કાંઈક અલગ જ ભાત પાડતું જણાતુ હતું. અનેક સ્થળોએ વિશેષ રંગોળીઓ દોરવામાં આવી હતી અને તેની ફરતે દિવડાઓ ગોઠવીને સુંદર કલાત્મક દૃશ્યો ઊભા કરાયા હતા. કલેકટરની કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી જેવા સરકારી કાર્યાલયો પણ ઝળહળી રહ્યા હતા અને જિલ્લા સેવા સદનો ઉપરાંત લાલબંગલા સર્કલ, કેટલાક મંદિરો તથા નગરના મુખ્ય સંકુલોમાં સુશોભન, અને કલરફૂલ લાઈટીંગ સાથે દિવડાઓ પ્રગટાવાયા હતા અને રંગોળીઓ દોરવામાં આવી હતી.

આ ઝળહળાટ જોઈને કોઈને પણ સવાલ ઉઠે કે ફરીથી દિવાળી આવી ગઈ કે શું ? આવી રીતે આખું નગર કેમ સુશોભિત અને ઝગમગતું કરાયું છે ? તો તેનો જવાબ પણ એવો મળ્યો કે, હા, જામનગરમાં આ વર્ષે ફરીથી દિવાળી ઉજવાઈ રહી છે, અને જામનગરમાં ગઈકાલે 'ઈન્ટેન્જિબલ દિવાળી'ની ઉજવણી થઈ હતી અને તેના સંદર્ભે આજે સવારે પણ ટાઉનહોલમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

હકીકતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે સંકળાયેલી સંસ્થા યુનેસ્કોની આ વર્ષે દિલ્હીના લાલ કિલ્લામાં યોજાયેલી બેઠક દરમ્યાન દિવાળીના તહેવારને "અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત" માં સામેલ કરવાની જાહેરાત થઈ, તેના સંદર્ભે થઈ રહેલી દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે જામનગરમાં પણ ગઈકાલે આ ઉજવણી થઈ હતી, અને એ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આપણાં દેશના આ તહેવારને મળેલા ગૌરવના વધામણાં થયા હતા. યૂનેસ્કોએ ભારતના ગૌરવભર્યા સાંસ્કૃતિક વારસા તરીકે દિવાળીના તહેવારનો સ્વીકાર કર્યો હતો, તેને વિશ્વભરમાં વસવાટ કરતા ભારતીયો દ્વારા પણ આવકાર અપાઈ રહ્યો છે, અને તદ્ વિષયક પ્રશંસાત્મક પ્રતિભાવો આવી રહ્યા છે.

હકીકતે યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્ર સંઘને સંલગ્ન સંસ્થા છે, જેનું ફૂલફોર્મ "યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન" છે, એટલે કે "સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન" તેવો તજુરમો કરી શકાય.

યુનેસ્કો વિશ્વના દેશોમાં શિક્ષણ, સાંસ્કૃતિક અને વિજ્ઞાનના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગને વિસ્તારવા અને પ્રોત્સાહિત આપવાનું કામ કરે છે. યુનેસ્કોનું મુખ્ય મથક ફ્રાન્સના પેરિસમાં છે. યુનેસ્કોના પ્રમુખપદે વર્ષ-૨૦૧૭થી સેવા આપતા મહિલા અગ્રણી ઓડ્રે અકોલેના સ્થાને નવેમ્બર-૨૦૨૫માં ચૂંટાયેલા ખાલિદ અલ એનાની હવે કાર્યભાર સંભાળવાના છે, તેવા સમયે ભારતને મળેલું આ ગૌરવ આપણાં દેશના તહેવારોની વૈશ્વિક ઓળખ પણ પ્રસ્થાપિત કરે છે. યુનેસ્કોમાં ૧૯૪ દેશ સામેલ છે, અને બીજા ૧૨ દેશો સહયોગી છે. એટલે કે લગભગ આખી દુનિયામાં સકારાત્મક અને સર્વવ્યાપી દૃષ્ટિએ કાર્યરત આ સંસ્થા ઘણી જ મહત્ત્વપૂર્ણ છે, આ સંસ્થાના પ્રમુખને મહાનિર્દેશક કહેવામાં આવે છે. આ સંસ્થાની સ્થાપના આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહિત કરવાના ઉદૃેશ્યથી ૧૬ નવેમ્બર ૧૯૪૫ના દિવસે થઈ હતી, અને ભારત આઝાદી પહેલાથી જ વર્ષ-૧૯૪૬થી આ સંસ્થાનું સભ્ય છે. આ વૈશ્વિક સંસ્થાએ આપણાં દેશના હવે સાર્વજનિક તહેવાર જેવા બની ચૂકેલા ફેસ્ટિવલને "અમૂર્ત સાંસ્કૃતિક વારસો" જાહેર કર્યો છે, જેની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. દિવાળીના પર્વે વનવાસ પછી "રામરાજ્ય" ની અયોધ્યામાં પુનઃ સ્થાપનાનો ઈતિહાસ છે.

આ દેશવ્યાપી ઉજવણી હતી, અને આપણે તેની ઉજવણી દિવાળી અને રાષ્ટ્રીય પર્વની જેમ જ જામનગર સહિત હાલારમાં ભલે કરી હોય, પરંતુ આ ઝળહળાટ પાછળ છુપાયેલી કેટલીક કડવી વાસ્તવિકતાઓને પણ સ્વીકારવી પડે અને દેશના પ્રત્યેક નાગરિકના જીવનમાં આ જ પ્રકારનો ઝળહળાટ આવે, સામાન્ય જનતાના જીવનમાં રોનક આવે અને હવાઈ સિદ્ધિઓના ગુબ્બારાના ગ્લેમરમાં ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓ વિસરાઈ ન જાય, તેનું ધ્યાન રાખીએ. દિવાળીના તહેવારને મળેલા વૈશ્વિક ગૌરવને આવકારીએ અને દિવાળીના પર્વે સ્થપાયેલા "રામ રાજ્ય"ની પરિકલ્પનાને સાર્થક કરવા માટે આશાવાદી બનીએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh