Advertisement
Author: નોબત સમાચાર

મોબાઈલમાં બૂમો પાડીને વાત કરવાના મુદ્દે બોલાચાલી પછી રામદૂતનગરમાં પરપ્રાંતીયની બે શખ્સ દ્વારા હત્યા

એક જ લેબર કોલોનીમાં રહેતા યુવાનો વચ્ચે બોલાચાલી પછી હત્યાનો બનાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: લાલપુર તાલુકાના જોગવડ ગામ પાસે રામદૂતનગરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની એક શ્રમિક ગઈરાત્રે મોબાઈલમાં બૂમો પાડી વાત કરતા હતા ત્યારે તેની સાથે જ એક કંપનીમાં કામ કરતા બે શખ્સે ધીમે બોલવાનું કહ્યા પછી આ યુવાને દૂર જઈને વાત કરો તેમ કહેતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા બે શખ્સે લાકડી તથા ગેસની નળીથી હુમલો કરી આ યુવાનની હત્યા કરી નાખી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓના સગડ દબાવ્યા છે.

આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ જિલ્લાના વતની અને હાલમાં લાલપુર તાલુકાના જોગવડ પાસે આવેલા રામદૂતનગર નજીક સોનુ ઈન્ફ્રા. લિ.ની લેબર કોલોનીની ઓરડીમાં વસવાટ કરતા દિલીપકુમાર મંગલસિંગ શ્રીવાસ્તવ નામના યુવાન ગઈકાલે સાંજે નોકરી પરથી પરત ફર્યા હતા.

ત્યારપછી આ યુવાન પોતાના ગામના મોહન ઠાકુર સાથે મોબાઈલમાં વાત કરતા હતા. ત્યારે વાત વાતમાં દિલીપકુમાર (ઉ.વ.૩ર)નો અવાજ વધી ગયો હતો અને તેણે બૂમો પાડી મોહન ઠાકુર સાથે વાત કરી હતી. ત્યારે નજીકમાં જ રહેતા આકાશ દીપકસિંગ નામના શખ્સે ફોનમાં ધીમેથી વાત કરવાનું કહેતા આકાશ અને તેની સાથે રહેલા અવનીશ સુરેન્દ્રસિંગ સાથે દિલીપકુમારને ઝઘડો થઈ ગયો હતો.

આ શખ્સોને દિલીપકુમારે દૂર જઈને ફોનમાં વાત કરવાનું કહેતા આકાશ તથા અવનીશ ઉશ્કેરાયા હતા તેઓએ ગાળો બોલવાની શરૂ કર્યા પછી નજીકમાં પડેલી લાકડી આકાશે ઉઠાવી હતી અને અવનીશે ગેસ ભરવાની નળી ઉઠાવી હતી. ઉપરોક્ત શખ્સોએ લાકડી-નળીથી આડેધડ ફટકા મારતા દિલીપકુમારને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ યુવાનને સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી. પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલા તેનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો. મૃતક દિલીપકુમારના ભાઈ રાજીવકુમાર મંગલસિંગે મેઘપર પોલીસ સ્ટેશનમાં આકાશ દીપકસિંગ તથા અવનીશ સુરેન્દ્રસિંગ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ આરંભી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh