Advertisement
Author: નોબત સમાચાર

બધી ખાવાની મગજમારી છે

                                                                                                                                                                                                      

આ કોઈ સરકારી અધિકારી પ્રત્યેનો આક્રોશ નથી. સાચોસાચ ખોરાક ખાવાની વાત છે. સવારના જાગી બ્રેકફાસ્ટથી માંડી રાત્રે અંકરાંતિયા જેમ ખાધેલું પચાવવા ખાવામાં આવતા ચૂર્ણ ખાવા સુધીની જર્નીની રામાયણ છે.

'અમારો રોકી તો એપલ જ ઇટ કરે'. આવા વાક્યો ગુજરાતી મીડિયમમાં ભણેલી અને અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવતી રામપરા ગામનું કેમ્બ્રીજ વર્જન ધરાવતી ઘણી માતાઓ સ્પીકતી હોય છે ત્યારે આપણને એમ થાય કે અંગ્રેજીનું ચલણ પણ નથી ઘટતું અને વેચાણ પણ નથી ઘટતું. વેચાણમાં તો હજી પણ એકાદ ડ્રાય ડે હોય પણ આ મરૃભૂમિમાં કાયમી અંગ્રેજી વિરડો ફૂટતો જ રહે. તમે પણ ખરા છો મને વિષયાંતર કરાવી નાખો છો. અહિંયા થોડો હું પીવાની વાત લઈને આવ્યો છું. હજુ ગયા શનિવારે તો પીવાની મજા માણી, કંઈક ખાવું કે નહીં? ચાલો ગુજરાતીનો પ્રિય વિષય ખાધા ખોરાકીની વાત કરીએ...

વાત કરવી છે ખાધોડકી બાયો અને ભૂખડી બારસ ભાઈઓની. લેડીઝુ પહેલા. હવે કહો સૌથી વધારે લેડીઝુને શું ભાવે? જગત આખુ એક જ અવાજે બોલી શકે ''પાણીપૂરી''. આ પાણીપૂરીનો ઇતિહાસ ઉત્તર પ્રદેશના કોઈ ગામમાં હશે એવું હાલના વેપારી મંડળને જોતા લાગે છે. જ્યાં સુધી એ પૂરીના લોટને વેપારીના ચરણ સ્પર્શ ના થાય ત્યાં સુધી એ કરકરી નથી બનતી એવું જાણકાર ખાધોડકાઓનું કહેવું છે. પુરૃષોનો સૌથી ઇર્ષાપાત્ર આ વેપારી છે. મધમાખી મધપૂડાની આસપાસ જેમ વિંટળાય રહે એમ જ આ વેપારી સતત સારી સારી સ્ત્રીઓ અને છોકરીથી ઘેરાયેલ રહે છે. પુરૃષો સામાન્ય રીતે સ્કૂલમાં હિન્દી શીખે છે પછી જેવું આવડે તેવું જેમ કે 'ઇધર સે વળાંક લે લેના', 'જમણી બાજુ વળ જાના', 'હમારે ઘર મેં તો બધા સંપીને રહેતે હૈ' વિગેરે વિગેરે પણ બહેનો (તમારી) પાણીપૂરીના ભૈયા પાસેથી શીખે છે. ધનૂર ઉપાડે એવું હિન્દી ચાલુ કરે. 'મોટી મોટી પૂરી દેના'. સામે ભૈયો 'મોટીઇઇઇ, આપ બોલો વૈસી હી દુંગા' આપણને એમ થાય કે આ બહેનને મોટી કહૃાું કે પૂરી મોટી દેવાની વાત કરી! 'મસાલા જાજા નાખના', 'કાણા વાળી નો દેના', 'પાણી ઢોળાતા હૈ તો કોણી બગડતી હૈ, રૃમાલ સે લૂછના પડતા હૈ ઔર સાસુ કો ખબર પડ જાતી હૈ' આ સ્ટેટમેન્ટની અંદર ઘુસો તો ખબર પડે કે ૧૦૦ રૃપિયા શાક માટે સાસુએ આપ્યા હોય અને શાકવાળા સાથે ધડ કરી ૯૦ રૃપિયામાં મામલો પતાવ્યો હોય પછી જે પાછળ ૧૦ રૃપિયા કટકીના વધે તેમાંથી પાણીપૂરીનો જુગાડ કર્યો હોય. પાણીપૂરી ખાધા પછી વટથી રોકડા આપે પણ છેલ્લી બે મસાલાવાળી મફતમાં તો ખાવી જ પડે...

આવું જ બીજુ સ્વાદિષ્ટ વ્યંજન જેને ભૂખાળવાઓ પીઝા તરીકે ઓળખે છે. ફરક એટલો છે કે પગેથી કણેક ન ગુંદતા મશીનમાં ફેરવવામાં આવે છે. આમ જુઓ તો મહેંદામાં પોતાનો કોઈ સ્વાદ જ નથી પણ ઇટાલીયનના નામે આપણી ગુજરાતી બટાલીયનને લસણ-ડૂંગળી અને ચીઝના થર સાથે બેખૂબી પધરાવી દેવામાં આવે છે. બહારના સારા પીઝા ખાધા પછી ઘેર ક્યારેક પત્નીઓ વર પર પ્રયોગ કરે ત્યારે પીઝા નહીં અને ગોદડા ચાવતા હોય એવો અહેસાસ થાય પણ બહાર થોડીક ચૂંકમાં હોટલ વાળાને ખખડાવી નાખતા આ મજબૂત પુરૃષો પીઝા જેટલા જ સોફ્ટ થઈ ઘેર ચૂપચાપ આ ગોદડા ચાવી જતા હોય છે અને રાત્રે સમૂહમાં પેટ સાફ કરવાની ફાકીનું સેવન કરતા હોય છે. બહુ ભણેલા કુટુંબમાં તો અઠવાડિયે ત્રણ ચાર વાર ફાસ્ટફૂડનું નિયમિત સેવન થતું હોય પણ હવે તો નાના ગામડાં સુધી આ ચલણ પહોંચ્યું છે. હમણાં ગામડાની એક માનૂની શહેરના એક છેલબટાઉ રોમિયોના પ્રેમમાં પડી, છોકરો પહેલીવાર જ ડેટ પર છોકરીને લઈ ગયો અને પીઝા ખાવા એક સારા રેસ્ટોરન્ટમાં બંને બેઠાં. છોકરીને પૂછ્યું 'શું ખાવું છે?' છોકરીએ તરત જ કહૃાું 'ઉપર શાકભાજી પાથરેલો જાડો રોટલો'...

આવું જ એક વ્યંજન એટલે 'હોટડોગ'. બનાવવામાં સહેલું, ખાવામાં ઝડપી અને જો ગુજરાતમાં ફરો તો સૌથી સહેલાઈથી દરેક રોડ પર મળી રહે એવો આહાર. બહેનો રાંધણ કળા ભૂલતી જાય છે છતાં રસોઈ શોની ટી.આર.પી. સૌથી વધારે હોય છે. આપણને એમ થાય કે શું ન બનાવવું એ જોતા હશે! હમણા રસોઈ શોના એક એક્સપર્ટ બહેનની ઘેર હું ગયો તો તેમના પતિ રસોઈ કરતા હતાં. બહેન તો લગભગ રોજ ટી.વી. પર રસોઈ બનાવતા જ હોય છે. ક્યારેક કોઈ બહેનને હૈયે રામ વસે અને રસોઈ શો જોઈ પ્રયોગ કરે તો તેનો પહેલો ભોગ સર્વ સ્વિકાર્ય રીતે પતિને જ બનવાનું હોય છે. હમણાં એક મિત્રને હું મળ્યો તો આગલા બે દાંત નહોતા. મેં દાંત વિસે પૂછતા તેણે ખીસ્સા માંથી સુખડીનું બટકુ કાઢ્યું. મેં હાથમાં લીધા પછી ખબર પડી કે બેય દાંત સુખડીમાં ચોંટેલા હતા!!!

સામાન્ય રીતે બહેનો શનિ-રવિ તો રસોડે તાળુ જ મારી દેતા હોય છે અને પતિ સાથે એવું ફૂલ્લીના એક્કા જેવું મોઢું કરી ઊભી રહે જાણે પઠાણકોટનો હુમલો એકલા હાથે લડીને થાકી ગઈ હોય. વાતની રજૂઆત થવાને બદલે ઓર્ડરની જેમ સાંભળવા મળે કે 'બહાર જમવા લઈ જાવ, અમે થાકી ન ગયા હોય?' પુરૃષ પણ બચારો ના નથી પાડતો ૫-૬ દિવસ ઓફિસમાં કે પેઢી પર મગજમારી કરી થાકી ગયો હોય ત્યાં ઘેર ક્યાં મોરચો ખોલે? અને તેના નસીબમાં પણ એક-બે દિવસ તો સારૃ જમવાનું લખ્યું હોય કે નહીં? રોજબરોજમાં બપોરે ફીક્સ મેનુ હોય. રોટલી, દાળ, ભાત, શાક અને નસીબ સારા હોય તો એકાદ સંભારો. જો કે દાળના ભાવે માઝા મુકતા ઘણા ઘેર બહેનોને રાંધવામાં રાહત મળી છે એટલે ખાલી રોટલી શાકથી ચલાવી લેવામાં આવે છે પરંતુ સાંજે શાંતિ મંત્રણાનો મુદ્દો જેટલો ચર્ચામાં નથી એવડો મુદ્દો બહેનો મીસ કોલ કરી અને પતિ સાથે ચર્ચતા હોય છે અને યક્ષ પ્રશ્ન પૂછે 'શું બનાવું?' મારો અનુભવ એમ કહે છે કે આજ સુધીમાં પતિનું કહૃાું કંઈ જ બન્યું નથી. ભાખરી શાકના મૂડમાં ઘેર પહોંચો તો થાળીમાં ખીચડી શાક ઠલવાય પણ આપણને પૂછવામાં તો આવે જ કે 'સાંજે શું બનાવું' તમે એક પછી એક વિકલ્પ આપતા જાવ તેની સામે પાકિસ્તાનના વડાપ્રધાન જેમ સફાઈ આપે એ રીતે સફાઈ આપતા જાય અને ભારત જેમ નીચી મૂંડી કરીને સ્વીકારી લે છે એમ પતિ સ્વીકારતો જાય...

જે કહો તે પણ ગુજરાતીથી વધારે ખાવાની શોખીન પ્રજા તમને ક્યાંય નહીં મળે. ફરવા જવાના સ્થળે તમે માર્ક કરજો કે આખું ઘર આવે, પાથરણું પાથરે અને બસ તરત જ ડબ્બાઓ ખૂલવા લાગે. ખાઈ અને તરત જ કુટુંબ ઘરતરફ રવાના થઈ જાય એટલે આ ફરવાનો પ્રોગ્રામ પૂરો! તાજમહાલ જોવા ગયા હોય અને આગ્રાની કોઈ સારી હોટલમાં જમીને પાછા ફર્યા હોય એવા અનેક ગુજરાતીના દાખલા છે. જ્યાં જે વસ્તુ ન મળતી હોય એ વસ્તુ શોધીને ખાવી એ આપણી લાક્ષણિકતા છે. થાઈલેન્ડ જઈને ગુજરાતી ફૂડ શોધીને ખાશે પણ ઘેર હોય તો ગુજરાતી ખાવાને બદલે થાઈ વાનગી શોધતા હોય. ઘણીવાર તો પર રાજ્યના રેસ્ટોરન્ટના રસોડા પર કબજો કરી આપણા વ્યંજનો તબિયતથી રાંધીને ખાતા ગુજરાતીઓ ક્યારેય ફૂગાવાની જેમ વધતી જતી ફાંદની ચિંતા કરતા નથી. ઓહોહો.. આખી વાતમાં પુરૃષના ખોરાકની વાત તો રહી જ ગઈ! પણ પુરૃષને માટે કહી શકાય કે જે થાળીમાં આવે એ ચૂપચાપ ગમતી વાનગી કરી હંસતા મોઢે ખાય લેતી આ નિર્દોષ પ્રજાતી છે. અને ખાય લેવું જ પડે નહિતર આ ખાધા ખોરાકી પાછળ ઊભી થતી ખાધા ખોરાકીની હાલાકી સહન કરવાની તૈયારી રાખવી પડે....

વિચારવાયુઃ શબ્દો પણ ખાઈ ગયો છું.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh