Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીજીના ૧૧ વ્રત... આજના સંદર્ભમાં કેટલા પ્રસ્તુત? કેટલા ઉપયોગી?
બાળપણનો સમયગાળો ભૂલાય તેવો હોતો નથી, અને એ સંસ્મરણો દરેક વ્યક્તિ માટે દિલોદિમાગને ખુશ કરી દેનાર પણ હોય છે. અપવાદરૂપ કેટલાક કમભાગી બાળકોને નાનપણથી જ અનાથ બનવું પડ્યું હોય કે પારિવારિક મુશકેલી ભોગવવી પડી હોય, તે સિવાય અમીર-ગરીબ અને દરેક દેશ-પ્રદેશના લોકો માટે હંમેશાં મધૂર ક્ષણોને મમળાવીને બાળપણના સંસ્મરણો પથદર્શક અને પ્રેરક બનતા હોય છે.
મારા બાળપણની વાત કરૂ તો હું રાવલની સરકારી પ્રાથમિક શાળામાં બીજા-ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો, ત્યારે ઘણી રમતો પણ રમાતી. જ્ઞાન સાથે ગમ્મત તથા શારીરિક તથા માનસિક પોષણ આપતી ઘણી રમતો રમાતી તે હવે મોટાભાગે લૂપ્ત થઈ ગઈ છે, અને 'આઉટ ડોર' બાળપણ હવે 'ઈનડોર' બાળકેદ જેવું બની ગયું છે.
સવારે શાળાનો ઘંટ વાગે ને દોડીને પ્રાર્થના માટે મેદાનમાં ગોઠવાઈ જવાનું, અને નિયમિત રીતે 'ઁ સહાના વવતુ' તથા 'ઁ તત્સ શ્રી નારાયણ તુ સહિતની પ્રાર્થનાઓ સાથે રામધૂનમાં મગ્ન થઈ જવાનું... ગાંધીજીના મુખ્ય વ્રતોને સાંકળતી 'સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતુ ન સંઘરવું'વાળી મુખ્ય પ્રાર્થના તો આજે પણ ઘણાંને કંઠસ્થ હશે...
ગાંધીજીએ 'સત્ય, અહિંસા ચોરી ન કરવી, વણજોતું ન સંઘરવું, બ્રહ્મચર્ય અને જાતે મહેનત, કોઈ અડે ન અભડાવું, અભય, સ્વદેશી, સ્વાદત્યાગ અને સર્વધર્મ સરખા ગણવા... એ અગિયાર વ્રત મહાવ્રત સમજી, નમ્રપણે દૃઢ આચરવા'- એ સંદેશ આપ્યો હતો, તે આજે પણ એટલો જ પ્રસ્તુત છે
સત્ય અને અહિંસા
ગાંધીજીએ સત્ય અને અહિંસાની વાત કરી હતી, ત્યારે આજે વિશ્વમાં જુઠાણાઓ, કાવતરાઓ અને વિશ્વાસઘાતની બોલબાલા છે. અસત્યનો મજબૂત આંચળો ઓઢાડીને જુઠ્ઠાણાઓને સત્યના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. આ માત્ર રાજનીતિની જ વાત નથી, અત્યારે તો ગૃહથી સભાગૃહો સુધી, ગામડાથી ગ્લોબ સુધી, પંચાયતથી પાર્લામેન્ટ સુધી, પરિવારથી સમાજ સુધી અને સરકાર સુધી હળાહળ કલિયુગની અસરો થઈ રહી હોય તેમ સત્ય, પ્રામાણિક્તા, સજ્જનતા તથા પરમાર્થી મનોવૃત્તિ ધીમે ધીમે લૂપ્ત થતી જાય છે અને દંભ, ડ્રામેબાજી, દાદાગીરી, દુર્જનતા અને લોભ, લાલચ તથા સ્વાર્થ મનોવૃત્તિ વધુને વધુ પનપી રહી છે. સત્યના નામે અસત્યનો મહિમા ગાવાની નવીનત્તમ મનોવૃત્તિ વધુને વધુ ખતરનાક બની રહી છે,તેમ નથી લાગતું?
ગાંધીજીએ અહિંસાનો મંત્ર આપ્યો હતો અને તે સમગ્ર વિશ્વમાં હંમેશાં ગૂંજતો રહ્યો છે, પરંતુ અત્યારે તો દારૂન વિપરીત સ્થિતિ છે. વિશ્વમાં ઠેર-ઠેર હિંસા ફેલાઈ રહી છે. ભારતથી પડોશમાં શ્રીલંકા અને બાંગલાદેશ પછી નેપાળમાં જે કાંઈ થયું, તે હિંસક ક્રાંતિના સ્વરૂપો જ ગણાય. રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-ઈરાન પછી હવે ઈઝરાયેલના ગાઝા પર હુમલા, કતાર પર હુમલા પછી ઊભી થયેલી તંગદિલીએ વિશ્વમાં અશાંતિ અને હિંસા વધુને વધુ ફેલાવાની આલબેલ વગાડી દીધી છે, ત્યારે સત્ય અને અહિંસાના ગાંધીજીના સિદ્ધાંતોનું વિશ્વમાં હવે કોઈ સ્થાન રહ્યું નથી, એવું લાગે છે... અત્યારે તો મારે તેની તલવારનો નવો ખતરનાક યુગ મધ્યાહ્ને સૂર્ય પહોંચ્યો હોય તેવી રીતે તપી રહ્યો હોય તેમ જણાય છે.
વણજોતુ ન સંઘરવું
સંતોષી નર સદા સુખી અને પછેડી હોય તેટલી સોડ તાણવી જેવી કહેવતો જીવનની કડવી વાસ્તવિક્તા જણાવે છે. ઘણાં લોકો ખૂબ જ ધનવાન-સંપત્તિવાન અને તંદુરસ્ત હોવા છતાં પણ વધુને વધુ કમાવાની લ્હાયમાં અત્યારે જે જીવન છે, તેનું સુખ પણ ભોગવી શકતા હોતા નથી. બીજી તરફ પોતાની ક્ષમતા કરતા વધુ ખર્ચા કરીને દેવાના ડુંગરમાં દબાઈ જતા લોકોનો અંજામ અત્યંત ખતરનાક નિવડતો હોય છે, તેથી જ ગાંધીજીએ કહ્યું હતું કે, 'વણજોતુ સંઘરવું નહીં' મતલબ કે જેટલું જરૂરી હોય તેટલું રાખવું, અને બિનજરૂરી રીતે ધન-સંપત્તિ કે ચીજવસ્તુનો સંગ્રહ કરવો ન જોઈએ.
જાત મહેનત જિંદાબાદ
ગાંધીજીએ તો બ્રહ્મચર્ય પાળવા અને જાતે મહેનત કરવાનો સંદેશ પણ પાળ્યો છે, પરંતુ અત્યારે બ્રહ્મચર્ય તો દૂર રહ્યું, પરંતુ કેટલાક વયોવૃદ્ધ વિકૃત વડીલો પણ દુષ્કર્મ કરતા હોવાની ઘટનાઓ વધી રહી છે. હવે લોકો સ્વયં મહેનત કરવાના બદલે વધુને વધુ પરાવલંબી બનવા લાગ્યા છે. આ કારણે જ વિશ્વમાં અત્યારે અંધાધૂંધી અને અરાજક્તા વધી રહી છે. જાત-મહેનત જિન્દાબાદ સૂત્ર વિસરાઈ ગયું છે, અને સ્વાદત્યાગનું સ્થાન અત્યારે ચટાકેદાર વાનગીઓએ લીધું છે. અત્યારે સ્વાસ્થ્ય પર સૌથી વધુ ખતરો અપ્રાકૃતિક અને મસાલેદાર ખાદ્યપદાર્થો, નશીલા દ્રવ્યો અને અનિયમિત જીવનપ્રણાલીના કારણે ઊભો થઈ રહ્યો છે.
કોઈ અડે ન અભડાવું
આઝાદી મળી ત્યારે આપણા દેશમાં અસ્પૃશ્યતા એટલી હદે વ્યાપક હતી કે લોકો કેટલાક અન્ય લોકોને અડવાથી પણ આભડછેટ રાખતા હતાં. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણનું આંદોલન ચલાવ્યું અને આઝાદી પછી આ બદી ક્રમશઃ ઘટતી ગઈ. આ દિશામાં કાયદાઓ ઘડાયા, સામાજિક જાગૃતિના કાર્યક્રમો ચાલતા રહ્યા અને લોકોના માનવાધિકારો માટે લડતો પણ ચાલી. આજે આપણા દેશમાં આ માનસિક્તા ઘણી જ ઘટી ગઈ છે, પરંતુ કમભાગ્યે હજુ સંપૂર્ણપણે નાબૂદ થઈ નથી, અને આ દિશામાં હજુ વધુ અસરકારક પ્રયાસો છેક છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવાની જરૂર છે, તેમ નથી લાગતું?
સર્વધર્મ સમભાવ અને અભયવચન
ગાંધીજીએ અભયવચન અથવા ભયમુક્ત રાષ્ટ્રની પરિકલ્પના પણ કરી હતી અને તે માટે રાજધર્મની વ્યાખ્યા પ્રચલિત બની હતી. આઝાદ ભારતમાં બધા નાગરિકો અભય અથવા ભયમુક્ત રહે, તે ગાંધીજીનો એક સિદ્ધાંત હતો, કલ્પના હતી અથવા વ્રત હતું.
ગાંધીજીએ સર્વધર્મ સમભાવની જે વાત કરી હતી, તે બિનસાંપ્રદાયિક્તા તથા આજે જે રીતે આ શબ્દપ્રયોગોની આડમાં બન્ને તરફથી જે પ્રકારની રાજનીતિ થાય છે, તેમાં આસમાન-જમીનનો તફાવત છે, તેવું લાગે છે. આપણા દેશમાં સર્વધર્મ સમભાવની વ્યાખ્યા કોઈ પણ ધર્મની ટિકા કરવાનો કે તેની સામે આંગળી ચિંધવાનો અધિકાર આપતી નથી. આ મુદ્દો રાજકીય નહીં, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક ઢબે વિચારવો જોઈએ, ખરૃં કે નહીં?
આંતરરાષ્ટ્રીય સ્થાપના દિનથી અશાંતિ ઘટાડવાના ઉપાયો થશે?
દર વર્ષે ર૧ મી સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ મનાવાય છે, ત્યારે એવું ઈચ્છીએ કે અત્યારે વિશ્વભરમાં જે અશાંતિ ફેલાયેલી છે, યુદ્ધો-ગૃહયુદ્ધો, સત્તાપલટા, આંદોલના તથા હિંસક તોફાનો થઈ રહ્યા છે, આતંકવાદ, નક્સલવાદ, જાતિવાદ, કોમવાદ અને પ્રદેશવાદના કારણે માનવી સ્વયં માનવીનો દુશ્મન બની રહ્યો છે, અને ચોતરફ હિંસા અને નફરતની આગ ફેલાઈ રહી છે, તેમાં ઘટાડો આવે અને સાર્વત્રિક શાંતિ સ્થપાય, તે દિશામાં આખું વિશ્વ આગળ વધે. વિશ્વશાંતિનો મૂળ સંદેશ તો પ્રાચીન ભારતમાંથી જ સમગ્ર વિશ્વમાં વ્યાપ્યો હતો ને?
આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની સ્થાપના સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અથવા યુએનએ દ્વારા વર્ષ ૧૯૮૧ માં થઈ હતી. આ દિવસ વિશ્વના તમામ દેશોમાં શાંતિની સંસ્કૃતિના પ્રસાર (ફેલાવા) ના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ઉજવાતો રહ્યો છે, પરંતુ આ વર્ષે આખી દુનિયામાં અશાંતિ વ્યાપી છે, ત્યારે માત્ર નોબેલ મેળવવાની ઘેલછાથી નહીં, પરંતુ દિલથી પ્રત્યેક રાષ્ટ્રના વડાઓ, મહાસત્તાઓ તથા વૈશ્વિક સંસ્થાઓના નેતૃત્વમાં સમગ્ર વિશ્વ સમુદાયે શાંતિની સ્થાપના માટે દિલથી પ્રયાસો કરવા જોઈએ, તેવું નથી લાગતું?
વર્ષ ર૦૦૧ માં યુએસએ દ્વારા જેવી રીતે વિશ્વશાંતિ દિવસે અહિંસા અને યુદ્ધવિરામ દિવસ તરીકે પણ આ ઉજવણી કરવાની ઘોષણા કરી હતી, તેવી જ સ્થિતિ આજે પણ છે, ત્યારે યુનોએ આ દિશામાં વધુ પ્રયાસો કરવા જોઈએ, ખરૃં ને?
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial