Advertisement
Author: નોબત સમાચાર

જમીન એ અધિકાર છે, જેલ એ અપવાદ... સત્ય મેવ જયતે...

                                                                                                                                                                                                      

આપણાં દેશમાં અદાલતોના માધ્યમથી ન્યાય મેળવવાનો દરેક નાગરિકને બંધારણીય અધિકાર છે અને આરોપીઓને પણ કેટલાક બંધારણીય અધિકારો અપાયા છે, તથા, જ્યાં સુધી આરોપી પર લગાવેલા આરોપો અદાલતની સંપૂર્ણ હિયરીંગ અને ન્યાયિક પ્રક્રિયા પછી પુરવાર ન થઈ જાય, ત્યાં સુધી તેને અપરાધી નહીં, પરંતુ આરોપી કહેવામાં આવે છે., પરંતુ એ જ બંધારણે સામાન્ય ન્યાય તથાા કાયદો-વ્યવસ્થા અને જન-સામાન્યના હિતમાં તથા સાક્ષી-પૂરાવાઓને સુરક્ષિત રાખવા માટે ગૂન્હાના ઈન્વેસ્ટીગેશન તથા ઈન્ક્વાયરી માટે ઈન્વેસ્ટીગેશન એજન્સીઓ, પોલીસતંત્ર તથા ફરિયાદીઓને પણ કેટલાક અધિકારો આપ્યા છે. આ બંને તરફના અધિકારોનું નિયમન, નિયંત્રણ અને સમતુલન ન્યાયતંત્ર કરતું રહ્યું છે, તથા ઘણી વખત કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને ચોક્કસ કેસના સંદર્ભે ન્યાયોચિત નિર્ણય લેવા અંગેનું સમતુલન પણ આપણી હાઈકોર્ટો તથા સર્વોચ્ચ અદાલતો દ્વારા અપનાવાયુ છે.

આપણાં દેશમાં ન્યાયતંત્ર પર લોકોનો વિશ્વાસ ટકી રહ્યો છે, પરંતુ વિલંબીત પ્રક્યિાઓ, કેસોનો ભરાવો તથા વર્ષોના વર્ષો સુધી ચાલતી સુનાવણીઓના કારણે "તારીખ પે તારીખ" જેવા ડાયલોગો પણ સંભળાતા રહે છે.

બીજી તરફ આઝાદી મળી ત્યારથી આજપર્યંત ગરીબી ઘટી નહીં, અને અમીરો વધુ અમીર થતા રહ્યા છે, તથા દેશની આર્થિક પ્રગતિના લાભો માત્ર અમીરોને મળતા રહે અને ગરીબો ગરીબ જ રહે છે, તે પ્રકારનું કડવું સત્ય નીતિન ગડકરી અનાયાસે બોલી ગયા કે તેની પાછળ કોઈ ચોક્કસ ગૂપ્ત રણનીતિ છે કે પછી આર.એસ.એસ.નો મોદી સરકારને સંદેશ છે, તે પ્રકારની ચર્ચા બે દિવસથી થઈ રહી છે, ત્યારે એવું પણ કહી શકાય કે ગરીબી અને ન્યાયમાં વિલંબ-એ બંને એવી સમસ્યાઓ છે, જેને આઝાદી પછી કોઈપણ સરકાર કે બંધારણીય સંસ્થાઓ હલ કરી શકી નથી.

ગરીબો માટે ન્યાય મોંઘો છે. ન્યાયતંત્રમાં ગરીબ તો ઠીક, કસાબ જેવા આતંકવાદીને પણ બચવાની તક મળી રહે, તે માટે સરકારી વકીલનો પ્રબંધ થઈ શકે તેવી વ્યવસ્થા આપણા બંધારણ હેઠળ છે, અને આ જોગવાઈઓનો લાભ ઘણાં ગરીબોને મળી રહ્યો છે, તેમ છતાં આપણાં દેશમાં ધીમે-ધીમે એવી છાપ પણ ઊભી થવા લાગી છે કે કોર્ટમાં કેસ લડીને જીતવા માટે વકીલોની ફોજ ઊભી કરવા તથા સંલગ્ન ખર્ચાઓ ઉઠાવવાની તાકાત માત્ર ધનાઢયો પાસે જ છે., અને તેથી જ ધનવાન આરોપીઓ તથા ગરીબ આરોપીઓ જેવા વર્ગીકરણો પણ હવે થવા લાગ્યા છે. જો કે, આપણાં દેશના તટસ્થ અને જનલક્ષી ન્યાયતંત્રના કારણે ન્યાય આપવામાં ભેદભાવ રખાતો નથી, પરંતુ અદાલતો સુધીની પહોંચ માટે ગરીબો ધનવાન પક્ષકારોથી પાછળ રહી જતા હોવાની વાસ્તવિકતા પણ હવે ઊભરીને સામે આવી રહી હોય તેમ જણાય છે.

આપણાં દેશમાં ઘણાં એવા કેદીઓ હશે, જેને જામીન નહીં મળતા લાંબો સમય સુધી જ્યુડિશ્યલ કસ્ટડીમાં રહેવું પડ્યું હશે. દેશના ચિફ જસ્ટિસ સી.આર.ગવઈએ એક કાર્યક્રમ દરમ્યાન આ મુદ્દે જે કાંઈ કહ્યું છે, તે હકીકતે દેશના ન્યાયતંત્ર અને સામાન્ય જનતા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

વાસ્તવમાં કેરળની હાઈકોર્ટમાં જસ્ટિસ બી.આર.કૃષ્ણ ઐયર મેમોરિયલ લેકચરમાં ચિફ જસ્ટિસ ગવઈએ જસ્ટિસ કૃષ્ણ ઐયરના એ સિદ્ધાંતને યાદ કર્યો હતો, તેઓ માનતા હતા કે અંડર ટ્રાયલ લોકોને લાંબો સમય જેલમાં રાખવા જોઈએ નહીં. તેઓ કહેતા કે જામીન એ અધિકાર છે, જ્યારે જેલ એ અપવાદ છે.

સી.જે.આઈ.એ કહ્યું કે "જસ્ટિસ કૃષ્ણ ઐયરે ઘણી એવી ચીજો બદલી હતી જે પરંપરાઓની જેમ ચાલી આવતી હતી. તેઓએ જામીન મેળવવાનો લોકોનો અધિકાર ગણાવ્યો હતો અને જેલનો વિકલ્પ માત્ર અપવાદરૂપ કિસ્સામાં જ અપનાવાય, તેના પર ભાર મૂક્યો હતો. તેમણે એવી ટકોર પણ કરી કે અદાલતો ભલે આ સિદ્ધાંત ભૂલવા લાગી હોય પરંતુ પ્રબિર પુરકાયસ્થ, કે.કવિતા અને મનિષ સીસોદીયાના કેસોમાં મેં આ સિદ્ધાંત યાદ કરાવ્યો, તેનો મને આનંદ છે. એ કેસની સુનાવણી વખતે પણ જસ્ટિસ કૃષ્ણ ઐયરનો સિદ્ધાંત યાદ કરાવ્યો હતો."

સી.જે.આઈ. ગવઈએ જસ્ટિસ બી.આર.કૃષ્ણ ઐયરે લિંગ અસમાનતા દૂર કરવા લીધેલા પગલાં  તથા કેદીઓની સ્થિતિ તથા ગરીબોને સરળતાથી જામીન નહીં મળવા જેવી સમસ્યાઓ માટે અપનાવેલા અભિગમની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ હંમેશાં એ વાતનું ધ્યાન રાખતા કે લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ન થાય. લોકોેને પૂરતી આઝાદી મળે અને ગરીબો ગરીબીમાંથી બહાર આવીને ગરિમા સાથે જીવન વ્યતિત કરે. તેઓ હંમેશાં કહેતા કે એવા સમાજની રચના થાય, જ્યાં ઉત્પીડનની સમસ્યા જ ન હોય. તેઓ એવા જજ હતા, જેમણે નિયમોની વચ્ચેથી પણ વચલો રસ્તો શોધી કાઢીને ગરીબોને જામીન આપ્યા હતા.

દેશના ચિફ જસ્ટિસે જસ્ટિસ બી.આર.કૃષ્ણ ઐયરે ગરીબીમાંથી ગરીબો બહાર આવે, તે અંગે અપનાવેલા અભિગમની વાત કરી હોય, ત્યારે પ્રવર્તમાન કેન્દ્ર સરકારના જ વરિષ્ઠમંત્રી ગરીબીની સમસ્યા વધી રહી હોવાનો એકરાર કરતા હોય, તે ગજબનો યોગાનુયોગ છે, નહીં ?

હકીકતે નીતિનભાઈ ગડકરીના સત્યવચનો પછી ભાજપ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયો છે, પણ શું થાય ? સત્યમેવ જયતે..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh