Advertisement
Author: નોબત સમાચાર

૨૧મી સદીના ૨૬મા વર્ષના પ્રારંભે વૈશ્વિક ઉલટફેર... મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-પરિણામોના સૂચિતાર્થો...

                                                                                                                                                                                                      

મકરસંક્રાંતિ પછી ધીમે ધીમે ઠંડી ઘટવા લાગે છે, અને દિવસ થોડો મોટો થતો જતો હોય છે. જાન્યુઆરી મહિનો નવા ઈસ્વીસનના પ્રારંભે આવતો હોવાથી આ મહિનો ૨૧મી સદીના ૨૬મા વર્ષનો પ્રથમ મહિનો ગણાય, અને ૨૧મી સદીના ૨૫ વર્ષ પૂરા થયેલા ગણાય. ૨૧મી સદીનું આ બીજું ક્વાર્ટર (ત્રિમાસિક ગાળો) પણ શરૂ થયું ગણાય.  આ ક્વાર્ટરના પ્રારંભે જ કાંઈ ઘટનાક્રમો બની રહ્યા છે, તે પૈકી કેટલાક ઘટનાક્રમો અકલ્પનિય, અણધાર્યા, આશ્ચર્યજનક અને અભૂતપૂર્વ છે.

આજે મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પછી તેની મત ગણતરી થઈ રહી છે, અને લીડ તથા પરિણામો જાહેર થઈ રહ્યા છે તેમાં સૌથી વધુ મુંબઈ મહાનગરપાલિકા, બોમ્બે કોર્પોરેશન અથવા બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી) પર સૌની નજર મંડાયેલી છે. ગઈકાલે બી.એમ.સી.ની ચૂંટણીઓના એકઝીટ પોલમાં કેટલાક અનુમાનો ત્રિશંકુ સ્થિતિ દર્શાવતા હતા, જ્યારે કેટલાક એકઝીટ પોલ્સમાં ભાજપ-શિવસેના (શિંદે)ના ગઠબંધનનો પરચમ લહેરાશે તેવા તારણો બતાવાયા હતા. તે પછી આજે જે કાંઈ થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે. આ પરિણામો આવ્યા પછી વિવિધ રાજકીય પક્ષો તેનું મનોમંથન કરશે. અને મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો પછી મહારાષ્ટ્રની સ્થાનિક રાજનીતિ તથા રાષ્ટ્રીય રાજનીતિ ઉપરાંત પડોશી રાજ્યો ગુજરાત અને કર્ણાટકની ભાવિ રાજનીતિ પર પણ પરોક્ષ અસરો પડી શકે છે.

વર્ષ ૧૯૯૬થી બી.એમ.સી.ની સત્તા કાં તો શિવસેના પાસે હતી અથવા તો બીએમસી-ભાજપ ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડયા પછી શિવસેનાએ સત્તામાં મુખ્ય ભાગીદારી કરી હતી. હવે સમીકરણો બદલાયા છે અને શિવસેનાના બે ફાડિયા થયા પછી ઠાકરે બ્રધર્સ એક તરફ છે, અને બીજી તરફ શિવસેના (શિંદે) નું ગઠબંધન છે. ગઈકાલથી જ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ચૂંટણી પ્રક્રિયાની ગરબડ અંગે ગંભીર આક્ષેપો કરી રહ્યા હતા અને ચૂંટણીપંચ તેનો જવાબ આપી રહ્યું હતું. હવે આજે પરિણામો આવ્યા પછીના વિપક્ષોના સંગઠીત પ્રત્યાઘાતો આવશે, તે નક્કી છે.

આજે પ્રારંભથી જ બીએમસી ઉપરાંત મોટાભાગની મહાનગરપાલિકાઓમાં પણ ભાજપ-શિંદેની મહાયુતિનો પરચમ લહેરાયા પછી સંજય રાઉત, ઠાકરે બ્રધર્સ અને કોંગ્રેસ તરફથી પણ ચૂંટણી પ્રક્રિયા અંગે આક્ષેપો ફરીથી દોહરાવીને બીએમસીના કમિશનર પરિણામો પહેલા જ મહાયુતિઓને મળવા ગયા હોવાના કથિત આક્ષેપો કરીને આચાર સંહિતાનો ઉલાળીયો કરાયો હોવાના નિવેદનો કર્યા હતા.

આજે પ્રારંભમાં બીએમસીમાં ભાજપ-શિંદે ગઠબંધન અને મહાવિકાસ અઘાડી પૈકીના ઠાકરે બંધુઓ સાથેના ગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર જણાતી હતી પરંતુ બપોર થતાં થતાં ચિત્ર બદલાવા લાગ્યું હતું

આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે, અને પરિણામો પછી મહારાષ્ટ્રની તર્જ પર અન્ય રાજયોમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાશે, તેમ જણાઈ રહ્યું છે.

આજે મધ્યાન્હમાં આવેલા વલણો (પરિણામોની લીડ) મુજબ નાગપુરમાં ભાજપની પ્રચંડ જીત, નાસિક-ઠાણેમાં ભાજપના ગઠબંધનો તો નવી મુંબઈ, મીરા ભાઈદરમાં કાંટે કી ટક્કર, લાતૂર માલેગાંવ, જલગાંવમાં વિપક્ષી ગઠબંધનની લીડ જોવા મળી રહી છે, તો મુંબઈ (બીએમસી)માં દાયકાઓ પછી શિવસેના (ઠાકરે) ના વળતા પાણી થતાં જોવા મળી રહ્યા છે. આ વખતે મહાવિકાસ અઘાડી અને મહાયુતિ બંને ગઠબંધનોના રાજકીય પક્ષોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાંચ જેટલા અલગ-અલગ ગઠબંધનો બનાવ્યા હતા. અને જુદી જુદી મહાનગરપાલિકાઓમાં અલગ-અલગ ગઠબંધને ચૂંટણી લડી હતી.

ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ આવી રહી છે, અને ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે, તેમ જણાઈ રહ્યું છે.

આજે મહારાષ્ટ્રમાં આવી રહેલા વલણો જોતાં મહારાષ્ટ્રમાં ભાષાવાદ તથા ભેદભાવની રાજનીતિને ત્યાંની જનતાએ નકારી છે અને ગુજરાતીઓ તથા ઉત્તર ભારતીયોનો વિરોધ કરવાનું ઠાકરે બ્રધર્સને ભારે પડી ગયું હોય તેમ જણાય છે. બીજી તરફ કોંગ્રેસ, ઠાકરે બ્રધર્સ, એનસીપી (શરદ પવાર) વગેરેએ જુદા જુદા ગઠબંધનો રચીને ચૂંટણી લડતા તેનો ફાયદો પણ ભાજપ-શિંદેના ગઠબંધનને મળ્યો હોય તેમ જણાય છે. આ ચૂંટણીઓમાં કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ પણ ચર્ચાયા હતા. હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ જ મુદ્દાઓ પર લડાશે કે નવા મુદ્દાઓ ઉમેરાશે તે જોવું રહ્યું.

સ્થાનિક રાજનીતિ ઉપરાંત રાષ્ટ્રીય રાજનીતિમાં પણ હલચલ મચી છે. સુપ્રિમકોર્ટે ગઈકાલે મમતા બેનર્જીની સરકારને નોટિસ ફટકાર્યા પછી ત્યાંનુ ભાજપ ગેલમાં છે, તો કર્ણાટકમાં કોંગ્રેસ આંતરિક વિખવાદોથી ઉપર ઉઠીને એકજૂથ થવાની દિશામાં આગળ વધી રહેલી જણાય છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન જાળવી રાખશે કે "એકલા ચલો રે" ની નીતિ અપનાવશે, તેની ચર્ચા મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી ફરીથી શરૂ થઈ ગઈ છે. બીજી તરફ તામિલનાડૂ, કેરલ અને તેલંગાણા સહિતના દક્ષિણ ભારતમાં પોતાની હાજરી નોંધાવવા ભરચક્ક પ્રયાસો કરી રહેલી ભારતીય જનતા પાર્ટી ફરીથી ત્યાં ગઠબંધનમાં સ્થાનિક પક્ષોને સામેલ કરવાની રણનીતિ અપનાવી રહેલી જણાય છે.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સૌથી વધુ ચર્ચા ટ્રમ્પના રોજે રોજના નિર્ણયો તથા ટેરિફ અને યુદ્ધ નીતિ તથા વિદેશનીતિની થઈ રહી છે. અમેરિકા પર પણ હવે ચીન જેવી સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી નીતિ અપનાવવાનો આરોપ લાગી રહ્યો છે. ઈરાને સામૂહિક ફાંસી માટેનો નિર્ણય મોકૂફ રાખ્યા પછી ટ્રમ્પ ઢીલા પડી ગયા અને ઈરાનને ચેતવણી આપીને હાલ સુધી હૂમલો કરવાનું માંડી વાળ્યું હોવાના અહેવાલો છતાં ટ્રમ્પનો કાંઈ ભરોસો નહીં, તેવા પ્રત્યાઘાતો સાથે તેની આલોચના થઈ રહી છે. ઈરાન સાથે આંખો બતાવ્યા પછી ટ્રમ્પે ઢીલું વલણ અપનાવ્યુ તેની પાછળ અમેરિકાના મિત્ર દેશો ગણાતા કેટલાક ખાડીના રાષ્ટ્રો તથા યુએઈ, કતાર વગેરે પણ અમેરિકાની વિરૂદ્ધમાં જઈ રહ્યા હોવાનું કારણ પણ જણાવાઈ રહ્યું છે.

ભારતે હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે, તો અમેરિકાએ તદૃન તાજા નિર્ણયમાં વિઝાનીતિમાં ફેરફાર કર્યો છે. આજે જ પાકિસ્તાનને ઝટકો લાગે, તેવો ટ્રમ્પનો નિર્ણય પણ ચર્ચાના આકડે ચડયો છે.

જામનગર અને હાલારમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને હલચલ થવા લાગી છે અને ભાજપ, કોંગ્રેસ તથા આમઆદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ તથા કાર્યકરો પ્રદેશ હાઈકમાન્ડના નિર્દેશોની રાહ જોઈ રહ્યા હોય તેમ જણાય છે.

આમ, વર્ષ ૨૦૨૬ના પ્રારંભે જ સ્થાનિક કક્ષાથી માંડીને પ્રદેશ, દેશ અને દુનિયામાં જે ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે, જે સંઘર્ષમય તથા અસાધારણ છે, અને તેમાંથી જ શાંતિ અને સ્થિરતાનો કોઈ માર્ગ નીકળશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh