Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈપણ પ્રકારની ચૂંટણીમાં વિજય મળ્યા પછી જન-પ્રતિનિધિ તેના મત વિસ્તારોના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી એક વખત ચૂંટાઈ ગયા પછી ચૂંટણી સમયે ઓછું સમર્થન મળ્યું હોય તેવા વિસ્તારો, વિચારધારાનો મતભેદ ધરાવતા લોકો કે પછી કોઈપણ પ્રકારના મત-મતાંતરોને લક્ષ્યમાં લીધા વગર "જનસેવા" કરવી જોઈએ. અને શાસક પક્ષના નેતાઓએ સમાન ધોરણે વિકાસ અને લોક-કલ્યાણના કાર્યો કરવા જોઈએ, તથા વિપક્ષના નેતાઓએ પણ લોકોની સમસ્યાઓ તથા જરૂરિયાતોને લઈને પોતાના મત વિસ્તારના તમામ લોકો માટે અવાજ ઉઠાવવો જોઈએ, અને ચૂંટણીમાં પ્રતિસ્પર્ધીઓને વધુ મતો આપ્યા હોવાની આશંકા કે પ્રચાર દરમ્યાન પોતાને કે પોતાના પક્ષને ઓછું સમર્થન મળ્યું હોય તેવા વિસ્તારો પ્રત્યે દુર્લક્ષ ન સેવવું જોઈએ.
દેશની આઝાદી મળી ત્યારથી જ આ બંધારણીય વિભાવના રહી છે, છતાં પંચાયત, પાલિકા, મહાપાલિકા, રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષા સુધીના જન-પ્રતિનિધિઓ ચૂંટણી આધારિત રાજનીતિ કરતા રહ્યા છે, અને તેના આધારે વિકાસ અને જન-કલ્યાણના કામો થતા રહ્યા છે, એટલું જ નહીં, વિપક્ષો પણ આ જ રીતે "સિલેકટીવ" એપ્રોચ (વલણ) અપનાવતા રહ્યા છે, જે લોકતાંત્રિક ભાવનાઓ તથા આપણાં દેશની બંધારણીય જોગવાઈઓને અનુરૂપ નથી, આ મુદ્દે રાજકીય પક્ષો આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરતા રહે છે, પરંતુ આત્મ નિરીક્ષણ કરતા નથી, અથવા જાણી જોઈને પોતાના સમાન પ્રકારના વલણ અંગે ડ્રામેબાજી કરે છે.
તાજેતરમાં પડેલા વરસાદ પછી રાજ્યમાં તૂટી-ફૂટી ગયેલા માર્ગોને તત્કાળ થીગડાં મારવાની જે ઝુંબેશ ચાલી રહી છે, તેમાં પણ વહાલા-દવલાની નીતિ અપનાવાઈ રહી હોવાની રાજ્યના કેટલાક સ્થળે ચર્ચા થવા લાગી છે. બીજી તરફ વિપક્ષો દ્વારા પણ "સિલેકટીવ" વિસ્તારો માટે જ અવાજ ઉઠાવાઈ રહ્યો હોવાની છાપ પણ ઉપસી રહી છે.
મહાનગરપાલિકાઓમાં એક વોર્ડ દીઠ એક થી વધુ કોર્પોરેટરો ચૂંટાયા હોય, તો તે તમામ કોર્પોરેટરોની જવાબદારી આખા વોર્ડ માટેની જ ગણાય., અને કોઈપણ વિકાસ કે લોકકલ્યાણના કામો માટે જો આખા વોર્ડમાં સમાન જરૂરિયાત કે સ્થિતિ હોવા છતાં માત્ર કેટલાક વિસ્તારોમાં જ વધુ ધ્યાન અપાય, અને બીજા વિસ્તારોની અવગણના થાય, ત્યારે એવી આશંકાઓ ઉઠે કે આવું થવા પાછળ ક્યાંક ચૂંટણી સમયે મળેલા મતો કે સમર્થનના માપદંડોને તો ધ્યાને લેવાયા નહીં હોય ને ?
એવી જ રીતે વિપક્ષના નગરસેવકો (કોર્પોરેટરો) જો પોતાના વોર્ડમાં ચારે તરફ માર્ગોની મરામત, ભૂગર્ભ ગટરના કામો કે અન્ય માળખાકીય સુવિધાઓની સમાન જરૂરિયાત હોવા છતાં જો માત્ર કેટલાક વિસ્તારો માટે જ "સિલેકટીવ" અવાજ ઉઠાવે, અને ખૂબજ તત્કાળ જરૂરિયાત હોય તેવા કેટલાક વિસ્તારોનો તેમાં ઉલ્લેખ જ ન કરે, ત્યારે પણ એવી જ આશંકાઓ ઉઠે કે ક્યાંક ચૂંટણી ટાણે પૂરૃં સમર્થન ન મળ્યું હોય, પોતાની વોટબેંક ન ગણાતી હોય કે તે વિસ્તારમાંથી પોતાને ઓછા મત મળ્યા હોવાનો ડંખ રહી ગયો હોય, તેવા માપદંડો તો અપનાવાઈ રહ્યા નથી ને ?
ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓનો પણ ઉભયપક્ષે આ જ પ્રકારના શંકાસ્પદ વલણો જોવા મળતા હોય કે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ વોટબેંક કે વિચારધારા આધારિત ભેદભાવો રખાતા હોય, તો તે બંધારણીય ભાવનાઓને અનુરૂપ તો નથી જ, પરંતુ અમાનવીય અને અનૈતિક પણ ગણાય.
આપણો દેશ વિવિધતામાં એકતા અને વસુધૈવ કુટુંબકમ્ની પ્રાચીન સંસ્કૃતિ ધરાવે છે, જેનો પ્રભાવ આપણા દેશના લિખિત બંધારણ તથા સામાજિક-સાંસ્કૃતિક પરંપરાઓ પર પણ પડયો છે. આ સંજોગોમાં ભેદભાવથી ગ્રાસિત રાજનીતિ, શાસન કે પ્રશાસન વજર્ય ગણાય, પરંતુ આ સિદ્ધાંતો હવે ધીમેધીમે વિસરાઈ રહ્યા હોય અને માત્ર રોકડીયા પાકની જેમ મતો લણવાની લ્હાયમાં ફળદ્રુપ જમીન જેવી આપણી લોકશાહીની વેરાનભૂમિની જેમ દૂર્દશા કરવામાં આવી રહી હોય, તેવો આભાસ ઊભો થાય છે.
એક કેસમાં સુપ્રિમ કોર્ટે પણ ટકોર કરી છે કે જ્ઞાતિ-જાતિના ભેદભાવ યોગ્ય નથી. દેશમાં જ્ઞાતિ-જાતિના નામે થતી રાજનીતિ સામે લાલબત્તી ધરતા સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે આ પ્રકારની રાજનીતિ દેશ માટે ખતરનાક પૂરવાર થઈ શકે છે. એ.આઈ.એમ.આઈ.એમ.નું રજીસ્ટ્રેશન રદ કરવાના કેસની સુનાવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી, અને અરજદારની માંગણી ફગાવતા કહ્યું હતું કે કોઈ એક પક્ષ માટે નહીં, સર્વગ્રાહી ટ્રાન્સપરન્ટ પિટિશન હોય, તો વિચારી શકાય, આ સુનાવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટે અવલોકન કર્યું હતું કે દેશમાં કેટલાક રાજકીય પક્ષો એવા છે કે જેઓ જાતિના નામે રાજનીતિ કરે છે, જે દેશની બંધારણીય વિભાવનાને અનુરૂપ નથી, સુપ્રિમ કોર્ટનું આ અવલોકન દેશની રાજનીતિની વરવી વાસ્તવિકતા છે, અને આ ટકોર દેશના રાજનેતાઓ તથા રાજકીય પક્ષો સામે લાલબત્તી સમાન છે.
મૂળ વાત એ છે કે મતદારો પોતાના જનપ્રતિનિધિને ચૂંટે છે અને તેના આધારે શાસકપક્ષ અને વિપક્ષની ભૂમિકામાં જનસેવકોએ કોઈપણ ભેદભાવ કે પૂર્વગ્રહ રાખ્યા વિના પોતાના સમગ્ર વિસ્તારમાંથી ચૂંટાયેલા જનપ્રતિનિધિ માત્ર પોતાના મતક્ષેત્ર નહીં, પરંતુ જનતાના પ્રતિનિધિ ગણાય. પ્રત્યેક કોર્પોરેટર સમગ્ર મહાનગરપાલિકા વિસ્તાર એટલે કે આખા શહેરની જનતાનો અવાજ ઉઠાવી શકે છે. પ્રત્યેક જનસેવકો પોત-પોતાના મતક્ષેત્રનો સામૂહિક રીતે અવાજ ઉઠાવે તેનો પ્રભાવ પણ વજનદાર હોય છે.
કેટલાક નેતાઓ એવા પણ હોય છે, જેઓ વૈચારિક રીતે સમર્પિત મતદારો કે વિસ્તારોના મત પોતાને મળવાના જ છે, તેમ માનીને અન્ય વિસ્તારો પર વધુ ધ્યાન આપે, ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ પોતાના સમર્પિત વિસ્તારોને તદૃન ભૂલી જાય કે અવગણના કરે, તે પણ યોગ્ય નથી. આવું વલણ રાખનાર જન-પ્રતિનિધિઓ ઘણી વખત તરત ફેંકાઈ પણ જતા હોય છે, કારણ કે કાયમ માટેે બધાને મૂર્ખ બનાવી શકાતા હોતા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial