Advertisement
Author: નોબત સમાચાર

૧૯૦૫ની સાલની સ્વદેશી ચળવળ ૨૦૨૫માં ફરી કરવાની નોબત આવી ગઈ છે!

આઝાદીની લડાઈમાં 'સ્વદેશી ચળવળ' પણ વ્યૂહાત્મક હથિયાર હતું

                                                                                                                                                                                                      

આંબાના ઝાડને કુંડામાં પાંગરવાની આઝાદી મળતી નથી. પરંતુ જ્યારે જમીન મળે ત્યારે તો પાંગરવું જ જોઈએ. આ કુદરતનો નિયમ અને શરત બન્ને છે. આંબાના ઝાડ ઉપર હવામાન, કિટકો,  ખાતરો જેવી અનેક અસરો આવે છે, જે ઝાડ તેને પચાવી જાય તે પાંગરે છે, માલિક તેની માવજત  પણ કરે છે. જે ઝાડ ફળ નથી આપતું તે વેરહાઉસમાં વેતરાઈ જાય છે. કલમી આંબાએ પણ પોતાનું મૂળભૂત પોત અને જમીન છોડવા ન જોઈએ.

એન્જિઑગ્રાફીના વાચકોને લાગશે કે, આ વખતે લેખક ખેતીના રવાડે ચડી ગયા છે. ના.. એવું  નથી. આજના સ્વતંત્રતા પર્વ પ્રસંગે આપણા દેશ માટે ફીટ બેસે તેવો દાખલો આંબાના માધ્યમથી  આપવાનો પ્રયાસ કર્યો છે. આપણે ૧૯૪૭ માં બ્રિટીશરોના કુંડામાંથી મુક્ત થયા. વિસ્તારવા માટે  આઝાદી મળી. હવે આપણી જમીન, આપણું હવામાન, આપણું પોષણ છે અને આપણે જ માળી  છીએ! સ્વતંત્રતા સ્વછંદતા ન બની જાય તેની ખાસ કાળજી લેવાની છે. ૧૯૪૭ પહેલાં દુશ્મનો હતા  અને આજે પણ છે. માત્ર ચહેરા અને મહોરાં બદલાયા છે. ૧૯૪૭ પહેલાં આપણા ઉપર ગુલામી થોપી  દેવામાં આવી હતી, આજે આપણે જાતે સ્વીકારી લીધી છે.

સ્વદેશી

આઝાદીના જંગમાં અનેક વ્યૂહાત્મક કાર્યો કરવામાં આવ્યા હતા. માત્ર હથિયારો કે સંઘર્ષ જ લડાઈ  માટે જરૂરી નથી. ભારતની આઝાદીની લડાઈમાં 'સ્વદેશી ચળવળ' પણ વ્યૂહાત્મક હથિયાર હતું.  મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરૂ સહિતના નિતિકારોએ અંગ્રેજો સામે લડવા માટે  સ્વદેશીનું હથિયાર નક્કી કર્યું હતું. તે સફળ પણ રહૃાું. કારણ કે, લોકોનો અદ્ભુત પ્રતિશાદ મળ્યો  હતો. દેશના લોકોએ વિદેશી માલની જાહેરમાં હોળીઓ કરી હતી. ઠેર ઠેર વિદેશી માલનો વિરોધ  થયો. વિદેશી ચીજવસ્તુઓનો વિરોધ થતાં તેના પડઘા આખી દુનિયામાં પડ્યા. વિશ્વને ખબર પડી કે  ભારતમાં અંગ્રેજો વિરૂદ્ધ મોટી ચળવળ ચાલી રહી છે.

૧૯૦૫ની આસપાસ બંગાળના વિભાજનના પ્રતિભાવમાં શરૂ થયેલી સ્વદેશી ચળવળ ભારતના  સ્વતંત્રતા સંગ્રામમાં એક મહત્ત્વપૂર્ણ તબક્કો હતો. તેણે બ્રિટિશ ઉત્પાદનો અને સંસ્થાઓનો બહિષ્કાર  કરતી વખતે ભારતીય માલ અને ઉદ્યોગોના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું. આ ચળવળે ભારતીયોમાં  આત્મનિર્ભરતા અને રાષ્ટ્રવાદની ભાવનાને પ્રોત્સાહન આપ્યું, જે વ્યાપક સ્વતંત્રતા ચળવળને  આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

સ્વદેશી ચળવળનું મુખ્ય ધ્યાન બ્રિટિશ નિર્મિત ઉત્પાદનો, જેમાં કાપડ, ઉત્પાદિત ચીજવસ્તુઓ અને  અન્ય વસ્તુઓનો બહિષ્કાર કરવા પર હતું. વધુમાં ભારતીય ઉદ્યોગોનો પ્રોત્સાહન આપી આત્ મનિર્ભર બનવાનું પણ લક્ષ્ય હતું. આ ચળવળે કાપડ, હસ્તકલા અને અન્ય વ્યવસાયો સહિત  ભારતીય ઉદ્યોગોના વિકાસ અને સમર્થનને પ્રોત્સાહન આપ્યું હતું.

સ્વદેશી આંદોલન દરમિયાન વિદેશી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. અને તેના  કારણે બંગાળ નેશનલ કોલેજ અને બંગાળ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જેવી રાષ્ટ્રીય શાળાઓ અને  કોલેજોની સ્થાપના થઈ, જે સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ આપતી હતી, જે બ્રિટિશ પ્રભુત્વ ધરાવતી  શૈક્ષણિક પ્રણાલીને પડકારતી હતી. ભારતીયો હવે સ્વદેશી વિચારવા લાગ્યા. તેને અનુભવ થયો કે  વિદેશી શિક્ષણથી વ્યક્તિમાં વિદેશી ભાવનાનો જન્મ અને વિકાસ થાય છે. ગુજરાતીમાં કહેવત છે  કે, અન્ન એવો ઓડકાર. જેવું શિક્ષણ મેળવીએ તેવી વિચારસરણી જન્મે. વિદેશી વિચારોને મૂળમાંથી ખતમ કરવા માટે સ્વદેશી શિક્ષણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

બ્રિટિશરોના માળખામાં રહી ભારતીયો પણ તેની સંસ્કૃતિમાં ઢળવા લાગ્યા હતા. આથી તેના  ભારતીય આત્માને જાગૃત કરવો પણ જરૂરી હતો. તેથી સાંસ્કૃતિક ઓળખના પુનરૂત્થાન માટે  ભારતીય પરંપરાઓ અને વારસાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, આ  ચળવળમાં ભારતીય સંસ્કૃતિ, કલા અને સાહિત્યનું પુનરૂત્થાન પણ જોવા મળ્યું.

સ્વદેશી ચળવળની અસરો વ્યાપક અને ઊંડી દેખાવા લાગી હતી. તેનાથી ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું અને આપણે પગભર થવા લાગ્યા. સ્વદેશી ચળવળે ભારતીય ઉદ્યોગોને, ખાસ કરીને  કાપડ અને હાથશાળમાં, નોંધપાત્ર રીતે પ્રોત્સાહન આપ્યું, કારણ કે ભારતીય ચીજવસ્તુઓની માંગ  વધી.

સ્વદેશી ચળવળનો જે મુખ્ય ઉદેશ હતે તે રાષ્ટ્રવાદનો ઉદય થયો. તેણે ભારતીયોમાં રાષ્ટ્રવાદી  ભાવના અને રાજકીય ચેતનામાં ઉછાળો આપ્યો, જેનાથી વ્યાપક સ્વતંત્રતા ચળવળ માટે મજબૂત પાયો બન્યો. આ આંદોલનની આર્થિક અસર બહુ વ્યાપક થઈ. બ્રિટિશ માલના બહિષ્કારને  કારણે આયાતમાં ઘટાડો થયો અને વસાહતી અર્થતંત્ર પર અસર પડી, જેના કારણે મજૂર હડતાળ  અને અશાંતિ થઈ.

સ્વદેશી ચળવળના મુખ્ય પ્રણેતાઓમાં બાલ ગંગાધર તિલક, લાલા લજપત રાય, બિપિનચંદ્ર પાલ  અને અરવિંદ ઘોષનો સમાવેશ થાય છે. સ્વદેશી ચળવળમાં ગાંધીજીની ભૂમિકા પણ હદયસ્થ રહી.  આપણે આજે પણ બાપુને તેના ચરખા સાથે જ ઓળખીએ છીએ. ગાંધીજીએ એક એવા સમાજની  કલ્પના કરી હતી જે આર્થિક સ્વનિર્ભરતા અને સામાજિક સુમેળ દ્વારા વર્ગીકૃત થયેલ હોય. સ્વદેશી કાર્યકર માત્ર ચરખા અને ખાદીનું પ્રતીક જ નથી, પરંતુ સાદગી અને આધ્યાત્મિકતામાં પણ જીવે છે. ગાંધીજીના સ્વદેશી વિચારો અને આચરણમાં, અર્થશાસ્ત્રનું સ્થાન હતું. વિદેશી વસ્ત્રોનો ત્યાગ કરો  અને ખાદી અપનાવો. તેનાથી હાથશાળ કારીગરો પ્રત્યે તેમની સહાનુભૂતિ દેખાઈ હતી.

૨૦૨૫

૧૨૦ વર્ષ પછી આજે પણ સ્વદેશી અભિયાનની જરૂર પડી છે, તેનો અર્થ એવો પણ કાઢી શકાય કે  સવા સદી પછી પણ આપણે પગભર કે આત્મનિર્ભર થયા નથી! મોંઘી મોંઘી આયાતો કરી, દેવું  કરી, તમાચો મારીને ગાલ લાલ રાખી રહૃાા છીએ. દેશના ૭૯ મા સ્વતંત્રતા પર્વ પ્રસંગે 'સ્વદેશી  અભિયાન' શા માટે પ્રસ્તુત છે? આજે કેમ જરૂર પડી? આપણે કેમ સ્વદેશી ભૂલી ગયા? વિદેશના  મોહમાં કેમ ફરી અંજાઈ ગયા છીએ? આઝાદીના લાંબા સમય પછી કેમ જૂનો વિચાર યાદ આવે છે? શું ૧૯૦૫ એ ૨૦૨૫ છે? ત્યારે થયું તે અત્યારે થઈ શકે ખરૃં? સ્વદેશી આંદોલનના પ્રણેતા એવા બાલ  ગંગાધર તિલક, લાલા લજપત રાય, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ અને ગાંધીજી આજે ક્યાં  છે? પૂજાનું પાત્ર પવિત્ર હોવું જોઈએ, તેમ પ્રજાને દિશા નિર્દેશ આપનાર નેતાઓ પણ પૂજાના પાત્ર  જેવા પવિત્ર હોવા જોઈએ.

આજે અમેરિકાના પ્રમુખ રોજબરોજ નિતનવી ધમકીઓ આપ્યા કરે છે. ટેરિફ નામના હથિયારથી  હુમલાઓ કરે છે. બીજી તરફ ભારતના પરંપરાગત દુશ્મન પાકિસ્તાન સાથે ઈલુ ઈલુ કરે છે. પહલગામ આતંકી હુમલા પછી ભારતે શરૂ કરેલું ઓપરેશન સિંદુર માત્ર ત્રણ દિવસમાં આટોપી લેવું  પડ્યું. ડોનાલ્ડ ટ્રમ્પ તેનો જશ ખાટવા માટે ઉધામા કરે છે. તે કહે છે આ યુદ્ધ વિરામમાં તેમણે વેપ ાર સહાનુભૂતિનું વચન આપ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પના ભારત વિરોધી વલણ છતાં આપણું લોહી હજુ ગરમ કેમ થયું નથી? તે મોટો સવાલ  છે. ભારતની ૧૪૦ કરોડની પ્રજા જો સ્વદેશી ચળવળ શરૂ કરે તો આખા વિશ્વની અર્થવ્યવસ્થા હ ચમચી જાય! આપણી દેશભક્તિ ક્યાં ખોવાઈ ગઈ છે? શું આપણે વિદેશી માલ વગર જીવી શકીએ  તેમ નથી? શું આપણી પાસે જીવવા માટે સ્વદેશી નિર્માણ નથી? સવારે કોલગેટ થઈ શરૂ કરવી પડે  છે. કેલોગ્સનો નાસ્તો કરીએ છીએ. એન્ડ્રોઇડ અને માઈક્રોસોફ્ટ વડે ઓફિસ ચલાવીએ છીએ.  વિદેશી ટેલિવિઝન ઉપર મનોરંજન માણીએ છીએ. એડીદાસ કે નાઇકના જોડા પહેરીને કસરત  કરીએ છીએ.

તાજેતરમાં હું મુંબઈ ગયો ત્યારે તેના એક વૈભવી મોલમાં વિદેશી ચીજોના ગંજ ખડકાયેલા જોવા  મળ્યા! ત્યાં પાણીથી માંડીને ગાડી સુધી બધું આયાતી જ હતું. તેના ભાવ તો આસમાનથી પણ ઉપર  હતા. ડોનાલ્ડ ટ્રમ્પના મિત્ર એલોન મસ્કના નવા નવા ખુલેલા ટેસ્લા ગાડીના શોરૂમ ઉપર ગીર્દી  હતી! કોકાકોલા, પેપ્સી, મેક ડોનાલ્ડ, સ્ટારબકસ, હોન્ડા, સુઝુકી, હૃાુંડાઈ, બર્ગર કિંગ, વિવો,  ઓપો, એપલ જેવા હજારો નામે આપણને ફરી ગુલામ બનાવી દીધા છે. બટેટાની તળેલી કતરીને  યુવાનો હવે 'ફ્રેંચ ફ્રાય' કહે છે. દુબઈના ડયુટી ફ્રી શોપમાંથી બિન્દાસ દારૂની વિદેશી બોટલો લાવે  છે. ત્યાં પણ એક સાથે એક ફ્રીની સ્કીમ ચાલે છે! ગુજરાતમાં તે કહેવાય છે કે, રાજસ્થાન કે  મહારાષ્ટ્રનો દારૂ તો પછાત લોકો પીવે. ગુજરાતમાં ઓરિજિનલ વિદેશી બ્રાન્ડ દારૂની ખપત વધતી  જાય છે.

ક્રોકસ

આપણે બહુ મોટી કે આધુનિક ટેકનોલોજી કે અટપટી એ.આઈ. કરામતનો ઉલ્લેખ નથી કરવો.  સાદા ચપ્પલ બાબતે પણ ભારતીયો અમેરિકાના નવા ચપ્પલ પાછળ ઘેલા બન્યા છે. તે છે 'ક્રોકસ'.  કરોડો લોકો આજે આ નવી સ્ટાઈલના જૂતાં પહેરી રહૃાા છે. તે મૂળમાં અમેરિકન બનાવટ અને  સંશોધન છે. ક્રોક્સની મૂળ રચના અને સ્થાપના બ્રૂમફિલ્ડ, કોલોરાડો, યુએસએમાં કરવામાં આવી  હતી. કંપનીનું મુખ્ય મથક હજુ પણ કોલોરાડોમાં છે, આ જૂતાંનો બહુ મોટો સ્ટોર મુંબઇમાં એપલ  અને ટેસ્લા જેવી હાઇફાઈ કંપનીઓના સ્ટોર છે ત્યાં બીકેસીમાં છે. આ જૂતાં ૭ હજારથી લઈ ૧૧  હજાર સુધીના છે! હવે ભારતમાં તેની નકલો પણ બહુ બનવા લાગી છે અને સસ્તી પણ છે. ૨૦૨૫  માં પણ આપણે અમેરિકન જૂતાં પહેરીએ અને તેની નકલ કરીએ તે બહુ શરમજનક વિકાસ  કહેવાય!

સારાંશ

સ્વદેશી બનો. બાબા રામદેવ કે તેના જેવા સ્વદેશી સાહસિકોને પ્રોત્સાહન આપો. વિદેશી મોહ  છોડો. જો કે આપણી માનસિકતા અનુસાર આ બહુ અઘરૃં છે. બહુ દુઃખ સાથે કહેવું પડે કે,  ભારતમાં મોટાભાગની પ્રવૃત્તિમાં રાજકારણ છે. નવા સંશોધનો બાબતે બહુ મોટો શૂન્યાવકાશ છે. ક્રોકસ જેવા જૂતાં, ચપ્પલ પણ જો આખી દુનિયામાં ફરી વળતાં હોય તો અમેરિકા મહાસત્તા હોય તે  સ્વાભાવિક છે. ભારતમાં ટાટા નેનો ન ચાલી, ક્રાઉન ટીવી, સેલોરા ટીવી, નિરમા વોશિંગ પાઉડર, વિડીયોકોન, માઇક્રોમેક્સ મોબાઈલ જેવી હજારો સ્વદેશી કંપનીઓને વિદેશીઓ ગળી ગયા છે.

સ્વતંત્રતા પર્વ પ્રસંગે તમામ દેશવાસીઓ સંપૂર્ણ સ્વદેશી બને અને મહાસત્તાઓની ચુંગાલ માંથી છૂટી ટટ્ટાર ઊભા રહે તેવી શુભકામના.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh