Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓનલાઇન ઓર્ડર કરતી જેન-ઝી પેઢીએ બેબી બૂમર્સ પાસેથી રાંધણ કળા શીખવી જોઈએ
ઉજવણી આવી, ચટાકેદાર વાનગીઓ લાવી. ગુજરાતીઓ ભોજન પ્રિય છે તે છાપ જૂની થઈ ગઈ છે. સારા નરસા પ્રસંગે ભોજનની યાદીને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે. તાજેતરમાં ગોપ નાથમાં મોરારિબાપુની કથા યોજાઇ હતી. તેમાં નરસિંહ મહેતાના વડીલોના શ્રાદ્ધનો પ્રસંગ આવ્યો. મોરારિબાપુએ કહૃાું કે, શ્રાદ્ધમાં ખીર અને પૂરી ખાવામાં આવે છે, માટે આવતીકાલે આપણે નરસિંહ મહેતાના પૂર્વજોના શ્રાદ્ધની કથા કરીશું અને ત્યારે બપોરના ભોજનમાં ભક્તોને ખીર પૂરી પીરસવામાં આવે.
આવો છે આપણે ઉદર પ્રેમ!
દિવાળી આવી એટલે ખુશી અને સ્વાદ સભર આયોજનો કરવામાં આવે તે પરંપરા છે. આ દિવાળીએ થોડી નવી રેસીપી અત્રે પ્રસ્તુત છે. આરોગ્યને ધ્યાનમાં રાખીને આરોગવી.
ગુજરાતીઓ ભોજનની બાબતમાં બહુ ફ્લેક્સિબલ છે. મારૂ-તારૃં કરતા નથી. મસાલા ઢોંસા (દક્ષિણ), પાંવ ભાજી (મરાઠી) રસગુલ્લા (બંગાળી), પિઝા (ઈટાલી), બર્ગર (અમેરિકન) હવે ગુજરાતી બની ગયા છે. તે વિદેશી ભોજન છે તે આપણે ભૂલી ગયા છીએ. 'ખાઉસવે'ને સામાન્ય રીતે આપણે સુરતી વાનગી તરીકે ઓળખીએ છીએ, પરંતુ વાસ્તવમાં તે બર્મીઝ ખાણું છે. શુદ્ધ દેશી ભોજન હવે લગભગ કોકટેલ બની ગયું છે. રીંગણાના ભડથામાં પંજાબી કરી ઉમેરવામાં આવે છે.
આજે દિવાળી પ્રસંગે ગૃહિણીઓ માટે કેટલીક રાજ્ય બહારની વાનગીઓ રજૂ કરી છે. પરિવારને નવો સ્વાદ અને પ્રેમ મળશે તેવી અપેક્ષા છે.
મીઠું કોળું
હિમાચલ પ્રદેશમાં આનંદના અવસરે મીઠું કોળું રાંધવાનો રિવાજ છે. ગુજરાતીઓ કોળું બહુ ઓછું પસંદ કરે છે માટે તેની વાનગીઓ બહુ પ્રચલિત નથી. જો બજારમાં કોળું મળે તો રાંધજો. આને કોળાની મીઠાઇ પણ કહી શકાય છે. મીઠું કોળું રાંધવા માટે એક કિલો કોળું, ૭૫૦ ગ્રામ ખાંડ, બે મોટી ચમચી ઘી, અડધો કપ ડ્રાઇફ્રૂટ જરૂરી છે.
કોળાના નાના ટુકડા કરો, એક વાસણમાં ઘીને મધ્યમ ગરમ કરો, તેમાં વરિયાળી, ડ્રાઇફ્રૂટ ઉમેરો અને તે યોગ્ય રીતે તળાઈ જાય પછી તેમાં કોળાના કટકા ઉમેરો. પાંચથી સાત મિનિટ પછી તેમાં ખાંડ અને અઢી કપ પાણી ઉમેરો. ધીમી ફલેમ ઉપર પકાવો. ઘટ્ટ થઈ જાય પછી તેને હુંફાળું અથવા રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરી આસ્વાદ માણો.
કોળાની અનેક વાનગીઓ બને છે. ગુજરાતીઓ પણ હવે ધીરે ધીરે કોળા તરફ વળ્યા છે.
પોંગલ
મૂળભૂત રીતે આ તમિલનાડુના મહત્ત્વના તહેવારનું નામ છે. ખેડૂતો પાકની લલણી સમયે આ તહેવાર ઉજવે છે. જો કે આપણા શહેરી લોકોને ખેતર કે મૌસમ સાથે સંબંધ નથી. પોંગલ એક સ્વાદિષ્ટ વાનગીનું નામ પણ છે. સામાન્ય રીતે પોંગલ માગણી દાળ અને ભાતમાંથી તૈયાર કરવામાં આવે છે. પોંગલમાં મીઠાશ તરીકે શક્કરિયાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પોંગલ શુભ પ્રસંગે રાંધવામાં આવે છે.
પોંગલ રાંધવા માટે અડધો કપ મગની દાળ, એક કપ ચોખા, બે ચમચી ઘી, ડ્રાઇફ્રૂટ, જાયફળ, મરી, વરિયાળીની જરૂર પડે છે. દાળને પલાળીને અડધો કલાક રાખો. ચોખાને ૨૦ મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ બન્નેને સૂકવી નાખો. એક વાસણમાં ઘી ગરમ કરી દાળને સાંતળી નાખો. સુગંધ આવવા લાગે ત્યારે તેમાં ચોખા ઉમેરો અને કૂકરમાં અન્ય સામગ્રી સાથે ધીમી આંચે ૬ થી સાત સિટી સુધી રાંધો. કુકર ઠડું થાય એટલે તેમાં ગોળની ચાસણી ઉમેરો. છેલ્લે ડ્રાઇ ફ્રૂટ હળવા તળીને ઉપરથી ઉમેરો. તમારો પોંગલ તૈયાર.
નારિકોલ લાડુ
સેવન સિસ્ટર્સમાં આસામ મહત્ત્વનું રાજ્ય છે. અહી વાનગીઓ ભરપૂર છે. જો કે મોટા ભાગે આ સમીઓ સાદો ખોરાક રાંધે છે. નારિકોલ લાડુ અહીની બહુ લોકપ્રિય વાનગી, મિષ્ટાન છે.
નારિકોલ લાડુ બનાવવા માટે બે નારિયેળ, એક કપ ખાંડ, ઈલાયચીની જરૂર પડે છે. જો તમે તેમાં ડ્રાઇફ્રૂટ ઉમેરવા માંગતા હો તો ઉમેરી શકો છે. પરંપરાગત નારિકોલમાં તે હોતા નથી.
નારિયેળના નાના ટુકડા કરો, મિક્સરમાં રફ પીસી નાખો. બહુ પીસવાથી તેમાંથી તેલ છૂટું પડવા લાગશે તેથી બહુ કાળજી પૂર્વક અને દાણા રહે તેટલું જ પીસો. મિક્સરમાંથી બહાર કાઢી તેમાં ખાંડ અને ઈલાયચી ઉમેરો અને થોડીવાર રાખી મૂકો. ત્યારબાદ ધીમી આંચે પકાવો. સતત હલાવતા રહો. ગેસ ઉપરથી ઉતારી ઠંડુ કરો અને લાડુનો આકાર આપો. જરૂરિયાત મુજબ નાના મોટા લાડુ બનાવી શકાય છે. ગુજરાતીઓ તેને કોપરાના લાડુ પણ કહી શકે છે.
નારિકોલના નવા નામે મહેમાનોને પીરસસો તો આનંદ થશે.
ધૂધૂતિયા
નામ બહુ નાવીન્ય સભર છે. કિટ્ટી પાર્ટીમાં આ નામ બોલો તો તમારો વટ પડી જશે. ધૂધૂતિયા ઉત્તરાખંડનો મોટો તહેવાર છે. અને તહેવારના નામની જ આ વાનગી છે. આ તહેવારમાં બાળકોને ધૂધૂતિયાની માળા પહેરાવવામાં આવે છે. બીજા દિવસે આ માળા કાગડાઓને ખાવા માટે અગાસીમાં છોડી દેવામાં આવે છે. ધૂધૂતિયા એક પક્ષીનું નામ પણ છે. ધૂધૂતિયાને પ્રસાદ તરીકે પણ ખાવામાં આવે છે. આપણાં ફરસાણની જેમ ધૂધૂતિયા ઉત્તરાખંડમાં બહુ ખાવામાં આવે છે.
ધૂધૂતિયા બનાવવા માટે અડધો કપ ઘઉનો લોટ, અડધો કપ સોજી, એક ચમચી તલ, પા કપ ઘી, અડધો કપ ગોળ અથવા ખાંડ અને તળવા માટે તેલ. એક વાસણમાં લોટ અને સોજીને મિક્સ કરો. તેમાં ઘીનું મોણ નાખો. ત્યારબાદ દૂધ અથવા પાણી અને તલ નાખી ગૂંદી લો. ત્યારબાદ એક કલાક રેસ્ટ આપો. ત્યારબાદ થોડો લોટ લઈ બે હાથે દિવાની વાટની જેમ વાણી નાખો. આ વાટને ગુજરાતી ૪ ની જેમ આકાર આપો. ત્યારબાદ ધૂધૂતિયાને તળી નાખો. ક્યાંક ખારા ધૂધૂતિયા પણ રાંધવામાં આવે છે.
ગોળ ભાત
આ પંજાબી વાનગી છે. રાંધવામાં એકદમ સરળ છે. ખેતી કામમાં વ્યસ્ત હોય ત્યારે ગોળ ભાત ઝડપથી બની જાય છે અને પોષણ યુક્ત પણ ખરા.
રાંધવા માટે ૨૫૦ ગ્રામ બાસમતી ચોખા, ૨૫૦ ગ્રામ ગોળ (પાવડર), ૬૫૦ મિલી પાણી, ૬૦ ગ્રામ કિસમિસ, ૬૦ ગ્રામ કાજુ, ૫૦ ગ્રામ બદામ, થોડી વરિયાળી, લવિંગ, તજ, પિસ્તા, થોડો ફૂદીનો, ગુલાબની પાંદડી અને સૂકા નારિયેળ ણો ભુક્કો.
ચોખાને ધોઈને અડધો કલાક પાણીમાં પલાળી રાખો. એક વાસણમાં ઘીને મધ્યમ ગરમ કરી તેમાં ચોખાને ગુલાબ, નારિયેળનો ભુક્કો નાખ્યા સિવાય સાંતળો. બીજા વાસણમાં કાજુ, કિસમિસ, વરિયાળી, લવિંગ, તજને હળવા શેકી લો, બીજા વાસણમાં ગોળની ચાસણી બનાવો. તેને હલાવતા રહો. ચોખાને બાફી નાખો. ચોખા બફાઈ જાય એટલે ગોળની ચાસણી સહિતની બધી ચીજો ઉમેરી દો અને થોડી વાર ગરમ કરો. છેલ્લે ગુલાબની પાંદડી અને ફૂદીનાથી ગાર્નિશ કરી પીરસો.
ગોળભાત બહુ સ્વાદિષ્ટ વાનગી છે, તમે તેમાં તમારા ટેસ્ટ અનુસાર ફેરફાર કરી શકો છે.
શુકતો
શુક્તો એક પરંપરાગત બંગાળી મિશ્ર-શાકભાજી કઢી છે, જે તેના વિવિધ અને સંતુલિત સ્વાદ ચટાકા માટે પ્રખ્યાત છે. તે સામાન્ય રીતે અનેક સ્વાદ મિશ્રિત હોય છે, જે બંગાળી ભોજનના પ્રથમ કોર્સ તરીકે ખાવામાં આવે છે. આ રાંધવા માટે ઘણા બધા શાક ભાજી, મસાલા અને ધીરજની જરૂર પડે છે.
પુડા
આ ઓરિસ્સાની વાનગી છે. ભગવાન જગન્નાથની રથ યાત્રામાં જે ૫૬ ભોગનો મહિમા છે તેમાં પુડાનો સમાવેશ થાય છે. પુડા રાંધવા માટે બે લીટર મલાઈવાળું દૂધ, બે મોટી ચમચી લીંબુનો રસ, બે મોટી ચમચી ખાંડ, અડધો કપ સોજી, થોડી ઇલાઈચી અને બેકિંગ સોડા. રાંધવા માટે જાડા તળિયાવાળા વાસણમાં દૂધને ઉકાળો, તેમાં લીંબુનો રસ નાખો, દૂધ ફાટી જાય એટલે તેને ગાળી લો. નિતારીને મસળી લો. ત્યારબાદ તેમાં સોજી, ઇલાઈચી ઉમેરો, ત્યારબાદ બેકિંગ સોડા અને ખાંડ અને એક કપ પાણી ઉમેરો, બધું સારી રીતે મિક્સ કરો. કેળના પાનમાં તેના પેડા બનાવી કૂકરમાં પાણી વગર (સીધા) વરાળે, ધીમી આંચે એક કલાક સુધી પકાવો. અંતમાં પ્રેમથી આરોગો.
ઉમેરો
દિવાળીના પર્વમાં આનંદ ઉમેરવાની અનેક પદ્ધતિઓ અને પ્રયાસો છે, તેમાં ભોજન મુખ્ય છે. પરંપ રાગત ભોજનને બદલે કઇંક નવું રાંધો. જેન-ઝી પેઢી તો નવી રેસીપી લગભગ યુ ટ્યુબ ઉપર જોઈને જ રાંધે છે. બીજીતરફ તેને અમારા જેવી 'બેબી બૂમર્સ' (૪૬ થી ૬૪ વર્ષની વયના) પેઢીની જેમ હાથ બગાડવા તે સમય બગાડવા જેવું લાગે છે. રસોડામાં ઓછી પ્રયોગશીલ હોય છે. ચા અને કોફી પણ ઓનલાઇન ઓર્ડર કરી વેસ્ટર્ન પ્રભાતિયા લલાકારે છે! જેન-ઝી લોકોએ બેબી બૂમર્સ પાસેથી રાંધણ કળા જરૂર શીખવી જોઈએ. એક હિન્દી ફિલ્મના પ્રચલિત ડાયલોગ મુજબ, હોટેલ વાલે ખાને મેં પ્યાર નહીં ડાલતે!
ગુજરાતી ઘરોમાં પરંપરાગત રીતે મઠિયા, ઘૂઘરા, ચેવડો, પૂરી, પૂરણપોળી, ખીર, લાડુનો રિવાજ છે. મહેમાનો માટે હવે તૈયાર મીઠાઇ જ લાવવામાં આવે છે. જો કે ૯૦ ટકા શુભેચ્છકો તો કશું ખાતા જ નથી અથવા શુકન પૂરતો કટકો લઈ કામ પૂરૃં કરે છે. ઘરના સભ્યો માટે વાનગીઓનો થાળ તૈયાર કરી શકાય છે.
દિવાળીના દિવસોમાં મન અને સંબંધો પ્રફુલ્લિત રહે તેવા આયોજન કરવા જોઈએ. આ વખતે તો રાજ્ય સરકારે આખા અથવાડિયાનું વેકેશન આપી દીધું છે. ખાનગી નોકરીમાં પણ બહુ ટાર્ગેટ લક્ષી કામની અપેક્ષા રાખવામાં આવતી નથી.
'નોબત'ના વાચકો અને ચાહકોને નવા વર્ષની સ્વાદ સભર શુભેચ્છા. આરોગ્યને ધ્યાનમાં રાખીને રાંધવું અને ખાવું.
નવા વર્ષની એડવાન્સમાં શુભેચ્છા.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial