Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી મુંબઈના વાશી વિસ્તારમાં છવાયો માતમ
નવી દિલ્હી તા. ૨૧: આખો દેશ જ્યારે દિવાળીના દીવડાઓ અને રોશનીથી ઝગમગી રહ્યો હતો, ત્યારે નવી મુંબઈના વાશી વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. સોમવારે મોડી રાત્રે વાશી સેકટર-૧૪માં આવેલી રહેજા રેસીડેન્સી નામની હાઈ-રાઈઝ સોસાયટીમાં ભીષણ આગ ફાટી નીકળતા ૬ વર્ષની બાળકી સહિત ઓછામાં ઓછા ચાર લોકોના દર્દનાક મોત થયા છે. આ ઘટનામાં અન્ય ૭ લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ છે.
મળતી માહિતી મુજબ, આગ બિલ્ડીંગના ૧૦,૧૧, અને ૧૨મા માળે લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેણે જોતજોતામાં ઉપરના માળને પણ પોતાની લપેટમાં લઈ લીધા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ૧૦થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. ઊંચી ઈમારત હોવાના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જો કે, ફાયર બ્રિગેડના અધિકારીઓ એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છે કે દિવાળીના તહેવારને કારણે કોઈ ફટાકડાનું રોકેટ બાલ્કનીમાં પડવાથી તો આગ નથી લાગી ને ? મૃતકોમાં ૧૨મા માળે રહેતી એક ૬ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. ઘાયલોને નજીકની મનપાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા કૂલિંગ ઓપરેશન ચાલુ છે અને પોલીસ આ દુર્ઘટનાના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે.