Advertisement
Author: નોબત સમાચાર

ગાંધી-શાસ્ત્રી જયંતી અને દશેરાનો ત્રિવેણી સંગમ... વિજ્યાદશમીની મંગલ શુભકામનાઓ...

                                                                                                                                                                                                      

આજે ગાંધી જયંતી છે અને લાલબહાદુર શાસ્ત્રીની જયંતી પણ છે. તેની સાથે દશેરા હોવાથી આજે ગરિમામય ત્રિવેણી સંગમ પણ યોજાય છે. ગાંધીજીએ અંગ્રેજો સામે સત્યાગ્રહ કરીને બે સદીથી ચાલતા આઝાદીના આંદોલનને સફળ બનાવીને દેશને આઝાદી અપાવી, તો પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ઓપરેશન જિબ્રાલ્ટર દ્વારા કાશ્મીરના મુદ્દે ભારત સરકાર સામે વિદ્રોહ કરાવનાર પાકિસ્તાનને તેની ઔકાત દેખાડી દીધી અને ભારતીય સેનાએ ૧૭ દિવસના યુદ્ધમાં પાકિસ્તાનને ઘૂંટણીયે પાડી દીધું હતું. તે સમયે સોવિયેટ યુનિયનના હસ્તક્ષેપથી યુદ્ધવિરામ થયું હતું, જેને તાશ્કંદ ઘોષણા તરીકે ઓળખવામાં આવે છે. દશેરાનું પ્રાચીનકાળથી જે મહાત્મય છે, તે આજે પણ પ્રસ્તુત છે. આ ત્રિવેણી સંગમનો મુખ્ય પ્રવાહ અસત્ય પર સત્ય અને આસૂરીવૃત્તિ પર દૈવીવૃત્તિના વિજયના સ્વરૂપમાં આજે પણ એટલો જ સુસંગત અને પ્રસ્તુત છે. આજે જ્યારે અસત્ય અને આસૂરીવૃત્તિનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં વહી રહ્યો છે, ત્યારે ભગવાન શ્રીરામ, ગાંધીજી અને શાસ્ત્રીજીને અનુસરીને તેને અટકાવવાના સહિયારા અને સાચુકલા, પરંતુ બિનરાજકીય પ્રયાસો થવા અત્યંત જરૂરી છે. આજે રાષ્ટ્રનિર્માણ, રાષ્ટ્રભક્તિ તથા રાષ્ટ્રપ્રેમની જેવાતો થઈ રહી છે, તેમાં ગાંધીજીની સત્ય નિષ્ઠા, શાસ્ત્રીની સાહસિક મક્કમતા અને સૌથી વધુ ભગવાન શ્રીરામ જેવી ધૈર્યપૂર્ણ શુરવીરતા અને વ્યુહાત્મક રણનીતિનું સંયોજન થવું અત્યંત જરૂરી છે.

ગાંધીજીએ બ્રિટિશરોને હંફાવવા અને આપણા જ કાચા માલમાંથી વિદેશમાં થયેલા ઉત્પાદનોને અનેકગણા ભાવે ભારતમાં જ વેંચવાની તે સમયની શોષણનીતિ સામે ગાંધીજીએ 'સ્વદેશી' ચળવળને પ્રજ્જવલિત કરી અને વિદેશી ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો હતો. 'રેંટિયો' સ્વદેશી ચળવળનું એવું ઓજાર બની ગયું હતું કે બ્રિટિશ ઉત્પાદકો સામે પડકાર ઊભો થઈ ગયો હતો, એ જ પ્રકારની સ્વદેશી ચળવળ આપણા દેશમાં ફરીથી શરૂ થઈ રહી છે, અને આજે ગાંધી જયંતીના દિવસે સ્વદેશી ચળવળને યાદ કરીને સ્વીકારવું જ પડે કે દીર્ઘદૃષ્ટા ગાંધીજીના શાંત પ્રતિકારોની રણનીતિ આજે પણ દેશવાસીઓને ઘણી જ ઉપયોગી બની રહી છે.

ગાંધીજીએ અંગ્રેજો સામે સહિનય કાનૂન ભંગનું આંદોલન છેડ્યું હતું, અને અંગ્રેજોની આર્થિક દાદાગીરીને પડકારી હતી, તેવી જ રીતે આજે ટ્રમ્પટેરિફની દાદાગીરી સામે એકજુથ થઈને લડવું પડે તેમ છે. તે સમયે તો આખો દેશ નિમક પરના કરવેરાના વિરોધમાં સવિનય કાનૂન ભંગ કરવા દરિયાકાંઠે ઉમટી પડ્યો હતો, તેવી જ રીતે આજે ટ્રમ્પટેરિફનો સામનો પણ સાથે મળીને કરવો જ પડે તેમ છે, અને ગાંધીજીની જેમ નમ્રતાપૂર્વક તમામ દેશવાસીઓને સાથે લઈને ચાલવું પડે તેમ છે. આજની આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ વિગેરે ઝુંબેશોની બુનિયાદ પણ ગાંધીજી પ્રેરિત સ્વદેશી ચળવળમાંથી જ રચાઈ છે ને? આથી ગાંધીજીની દીર્ઘદૃષ્ટિ કેટલી વ્યાપક હતી, તે પણ પૂરવાર થાય છે.

વામન છતાં વિરાટ લાલબહાદુર શાસ્ત્રીજીની મજબૂત નિર્ણયશક્તિ, સાદગી અને પ્રામાણિક્તાને દૃઢતાપૂર્વક અનુસરવાની જરૂર છે. પાકિસ્તાનને પાઠ ભણાવનાર શાસ્ત્રીજી કદાચ જે પરિબળોના ષડ્યંત્રોનો ભોગ બન્યા હતાં, તેવા પરિબળોથી ચેતવાની પણ જરૂરી છે.

ગાંધીજી પણ જેના આદર્શો અપનાવીને જીવન જીવ્યા, તે ભગવાન શ્રીરામ પાસેથી તો રાજનીતિ, ધૈર્ય, સમજદારી, ત્યાગ, તપશ્ચર્યા, મર્યાદા, શૂરવીરતા, નિર્ણયશક્તિ અને સૌને સાથે રાખીને ચાલવા તથા સમાજના છેલ્લામાં છેલ્લી હરોળમાં ગણાતા વ્યક્તિ કે સમાજ પર ભરોસો મૂકવા જેવા પ્રજાલક્ષી અભિગમો માત્ર આજના નેતાઓએ જ નહીં, આપણે બધાએ શીખવાની જરૂર છે.

આજથી જ વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચેની ક્રિકેટ ટેસ્ટમેચની શ્રેણીનો પણ પ્રારંભ થયો છે, તે પણ એક સંયોગ છે, કારણ કે ટીમ ઈન્ડિયા એશિયા કપ જીતીને આવી, તે પછી ટ્રોફી લઈને ભાગી ગયેલા પાકિસ્તાનના ગૃહમંત્રી અને પીસીબીના અધ્યક્ષે માફી માંગવી પડી છે. વર્ષ ૧૯૬પ થી પ્રત્યક્ષ યુદ્ધોમાં હારતું રહેલું પાકિસ્તાન ઈન્દિરા ગાંધીના સમયગાળામાં બે ભાગમાં વહેંચાઈ ગયું અને બાંગલાદેશ સ્વતંત્ર દેશ બન્યો, તે પછી આતંકવાદીઓ મારફત પરોક્ષ યુદ્ધ લડી રહેલા નાપાક પડોશી દેશની હરકતો એવીને એવી જ રહી છે. હવે પીઓકેમાં પાકિસ્તાન સામે અને ખાસ કરીને પાક.ની નાપાક સેના સામે વિદ્રોહ થઈ રહ્યો છે, તે જોતા એવું લાગે છે કે હવે 'રાવણવધ' કરી નાંખવાનો સમય આવી ગયો છે. જરૂર છે, શાસ્ત્રીફેઈમ મજબૂત નિર્ણય શક્તિ, ગાંધીજી જેવી દીર્ઘદૃષ્ટિ અને ભગવાન શ્રીરામ જેવી નિપુણતાની...

આજે દેશમાં શસ્ત્રપૂજનો થઈ રહ્યા છે, ઘણં મંગલકાર્યો-શુભકાર્યો થઈ રહ્યા છે, સાંજે રાવણદહ્નના કાર્યક્રમો પણ યોજાનાર છે. દેશમાં આનંદનો માહોલ છે. સૌરાષ્ટ્રમાં ગાંઠિયા-જલેબીની મહેફીલો થઈ રહી છે. ગુજરાત સહિત દેશમાં મીઠાઈઓ વહેંચાઈ રહી છે, અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ શતાબ્દી ઉજવી રહ્યો છે. આજથી જ ક્રિકેટ ટેસ્ટ મેચ શરૂ  થઈ છે. તેથી આજે દશેરાના દિવસે વૈવિધ્યસભર મસ્ત માહોલ સર્જાયો છે, ત્યારે પ્રિય વાચકો, ગ્રાહકો, વિજ્ઞાપનદાતાઓ સહિત સૌ કોઈને વિજ્યાદશમીની શુભકામનાઓ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh