Advertisement
Author: નોબત સમાચાર

ખિમલીયાના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી નવી રાહ કંડારીઃ 'આત્મા' પ્રોજેકટની ફલશ્રૂતિ

પ્રગતિશીલ ખેડૂતની પ્રેરણા અને ડીજીટલ માધ્યમથી ૧૦ વીઘા જમીનમાં વાવેતર

                                                                                                                                                                                                      

પ્રાકૃતિક ખેતી એ ધરતીના સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા ખેડૂતો સાથે મળીને કરવામાં આવી રહેલો એક સામુહિક પ્રયત્ન છે. જેનાથી માત્ર છોડ કે પાકનું જ સ્વાસ્થ્ય નહી પરંતુ જમીનની પણ ગુણવત્તા સુધરે છે. આ ખેતી દેશીગાય આધારિત ખેતી છે. જેમાં ખેતી પાકો માટે જરૂૂરી બધા જ પોષક તત્ત્વોની જરૂરિયાત પૂરી પડી જાય છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં પાકની વૃદ્ધિ અને ઉત્પાદન લેવા માટે જે જે સંસાધનોની જરૂરિયાત પડે છે તે ઘરમાં જ ઉપલબ્ધ થાય છે.

આવા જ ઘરગથ્થુ સંસાધનોના ઉપયોગથી અને ડીજીટલ માધ્યમના શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા વિડીઓના માધ્યમથી તેમજ અન્ય ખેડૂતની પ્રેરણા લઇ જામનગર તાલુકાના ખીમલીયા ગામે શિવાભાઈ હરસોરા નામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેઓ પોતાના ૧૦ વીઘા ખેતરમાં મગફળી, કપાસ તેમજ શાકભાજીની ખેતી કરી સારી આવક મેળવી રહૃાા છે.

શિવાભાઈ હરસોરા જણાવે છે કે, હું છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છુ. જેનાથી મને ઘણો ફાયદો થયો છે. શાકભાજીનું વાવેતર પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરું છું જેના પરિણામે મારા પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે છે. અને જમીનની પણ ફળદ્રુપતા જળવાઈ રહે છે. જામનગર જિલ્લાના ખેડૂતો માટે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત જુનાગઢ ખાતે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મેં ભાગ લીધો હતો આ ઉપરાંત મારા ગામમાં રહેતા દિલીપભાઈ સંઘાણી નામના ખેડૂતમાંથી પ્રેરણા લઈને તથા મોબાઈલમાં વિડીઓના માધ્યમથી ઘરગથ્થુ ઉપચારો તથા ખાતર અને દવાઓ બનાવવાની પદ્ધતિ દ્વારા મેં આ ખેતી અપનાવી.

ચાલુ સિઝનમાં મેં મગફળી અને કપાસનું વાવેતર કર્યું છે. પાકોને બહારથી કેમીકલયુક્ત દવાઓ લઈ છંટકાવ કરવાને બદલે હું ઘરે જ હળદર, હિંગ, અજમો તેમજ ઈયળોના નાસ માટે અગ્નિહસ્ત્ર બનાવું છું. અન્ય જીવાતો પાકમાં નુકસાન ન કરે તેના માટે ધતુરો, લીમડો, મરચી, આદુ, લસણનો ઉકાળો કરીને છંટકાવ કરું છું. તેમજ દેશીગાયનું ગૌમૂત્ર અને છાસના ઉપયોગથી જીવામૃત બનાવું છું. આ ખેતીમાં ખર્ચ થતો નથી અને જમીનનું સ્તર સુધરે છે.

ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકાર ખૂબ પ્રયત્નો કરે છે. અને ખેડૂતોને સહાય પણ આપે છે. અન્ય ખેડૂતો પણ જો પ્રાકૃતિક ખેતી અપનાવે તો તેઓને ફાયદો થશે. આ ખેતી પદ્ધતિ એક દમ સરળ છે. મારા દ્વારા અપનાવેલી ખેતી પદ્ધતિનો લાભ મારી ભવિષ્યની પેઢીને પણ અવશ્ય મળશે.

ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં દેશીગાયના ગોબર અને ગૌમૂત્રએ જમીનને જીવંત રાખવા માટે તથા તેની ફળદ્રુપતા જાળવી રાખવા માટે સુક્ષ્મ જીવાણું અને પોષક તત્ત્વોનો ખજાનો છે. આ ઉપરાંત પાકને નુકસાન કરતા જંતુઓ, બેક્ટેરિયા,વાયરસ,ફૂગ વગેરે સામે પણ રક્ષણ આપે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh