Advertisement
Author: નોબત સમાચાર

દેશભરમાં મહાપ્રભુજીની ૮૪ પૈકી સાત બેઠકજી હાલારમાં છે...

શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ પર્યટન દરમિયાન જયાં જયાં કથાઓ કરી હતી ત્યાં ત્યાં 'બેઠકજી' કહેવાય છે

                                                                                                                                                                                                      

આજે ચૈત્ર વદ અગિયારસના પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો ૫૪૯મો પ્રાગટ્યોત્વ હોય જેની દેશભરની સાથે સાથે હાલાર પંથકમાં બિરાજમાન સાત બેઠકજીમાં ભવ્ય રીતે ઊજવણી શરૂ થઈ છે.

શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ દૈવી જીવોને શરણે લેવા માટે સમગ્ર ભારતની ખુલ્લાં ચરણારવિંદો દ્વારા ત્રણ વખત પરિક્રમા કરીને ૮૪ વૈષ્ણવોને શરણે લઈ 'બ્રહ્મ સંબંધ' આપી ભારતના ૮૪ સ્થળોએ ભાગવતજી, સુબોધિનીજી વાંચીને દૈવી જીવોને શરણે લીધાં અને જયાં જયાં શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ પરિભ્રમણ કરી વૃક્ષની છત્રછાંયા અને નદી કિનારે મૂકામ કર્યો હતો અને કથાઓ કરી હતી તે સ્થળો પાછળથી બેઠકજી તરીકે પ્રસિદ્ધ થયા છે. આવી ભારતમાં ૮૪ બેઠકો છે. બેઠક એટલે બીરાજીને શ્રીમદ્ વલ્લભાચાર્યજી ભાગવત, સુબોધિનીજીનું પઠન કર્યુ તે સ્થાન બેઠકજી તરીકે ઓળખાય છે. બેઠકજી એટલે પુષ્ટિ માર્ગના પ્રાણથી વધારે પ્યારા એવા શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું ધામ. આવા બેઠકજી ભારતમાંથી ૮૪ બેઠકજી પૈકી ગુજરાત રાજયમાં ૨૦ બેઠકજી બિરાજમાન છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધારે હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાત બેઠકજી જેમાં જામનગર, પીંડતારક (પીડારા), યાત્રાધામ દ્વારકા, બેટ શંખોદ્ધાર, ગોપી તળાવ, મૂળ ગોમતી અને ખંભાળીયામાં બિરાજમાન છે. ભારતભરમાં ૮૪ બેઠકજીઓ પૈકી ગુજરાતની વીસ બેઠકો પૈકી હાલારમાં આવેલી સાત બેઠકજી અનુક્રમે ભારતમાં ૫૬ થી ૬ર અને ગુજરાતમાં ૪ થી ૧૦ નંબરની બેઠકજી આવેલી છે.

જામનગરના બેઠકજી

જામનગરમાં નાગમતી નદીના કિનારે 'છોકરા'ના વૃક્ષ નીચે શ્રીમદ્ વલ્લભાચાર્યજી બિરાજીને પારાયણ કરતા હતાં. તેવા સમયે જામ-તમાચી રાજાને જાણ થતાં તુરંત શ્રી વલ્લભાચાર્યજીના શરણે આવેલા અને દંડવત પ્રણામ કરીને આશીર્વાદ માંગ્યા હતા. આ ભૂમિમાં નગરનો પાયો નાખવાની આશા કરી હતી. આ નગર ભવિષ્યમાં ખૂબ જ વિકસશે. જામ-તમાચીએ આ શહેરનો પાયો નાખ્યો હતો. ૮૪માંથી પ૬મી બેઠકજી તેમજ ગુજરાતની ચોથી બેઠકજી જામનગરમાં છે.

ખંભાળીયાના બેઠકજી

ભારતના ૮૪માના પ૭માં બેઠકજી અને ગુજરાતના પાંચમાં બેઠકજી ખંભાળીયામાં બિરાજમાન છે. ખંભાળીયા ગામમાં એક વૃક્ષ પાસે પ્રેત યોનિ ભટકતો હતો અને કોઈને અહિં રહેવા દેતો ન હતો. તે વાત એક વિપ્રએ શ્રી વલ્લભાચાર્યજીને કહેતા શ્રી વલ્લભાચાર્યજી કશું બોલ્યા નહિં. પરંતુ શ્રી વલ્લભાચાર્યજી સાથે શ્રી કૃષ્ણદાસ મેઘનજી કપડાં સુકવવા ગયા ત્યારે આ પ્રેત યોનિ ત્યાં આવ્યો અને શ્રી વલ્લભાચાર્યજીને ચરણારવિંદનું જલ છાંટવા કહૃાું. આ જલ દ્વારા આ પ્રેત યોનિનો છુટકારો થયો અને ચાલ્યો ગયો. શ્રી વલ્લભાચાર્યજીએ અહીં ભાગવત કથાનો પ્રારંભ કર્યો હતો.

પિંડતારક (પિંડારા)ના બેઠકજી

ભાટીયા પાસેના પિંડારા નામના ગામે શ્રી વલ્લભાચાર્યજીની બેઠક છે. આ ભગવાન શ્રીકૃષ્ણજીએ દ્વારકા વસાવી ત્યારે બધા તીર્થો આવ્યા હતાં. દુર્વાસા ઋષિ પણ આવેલાં અને આ બ્રાહ્મણ એટલે તીર્થરાજ પોતે પણ હતાં. તિર્થરાજની ઘણાં લાંબા સમયથી કથા સાંભળવાની મનોકામના શ્રી વલ્લભાચાર્યજીના પધારવાથી પૂર્ણ કરી અને પુરોહિતે વિનંતી કરી કે તારો ઉચ્ચાર તીર્થરાજ પોતે જ કરશે. અહીંના સરોવરમાં પીઠીકા ધરીશ કે તૂર્ત જ તે તરવા લાગશે અને આમ બન્યું. અહીં શ્રી વલ્લભાચાર્યજીએ ભાગવતજીનું પારાયણ કર્યું. ઘણાં પશુ પક્ષીઓનો ઉદ્ધાર કર્યો. ૮૪ પૈકીની ૫૮મી અને ગુજરાતની છઠ્ઠી બેઠકજીનું સ્થાન પિંડતારક (પિંડારા)માં છે.

મૂળ ગોમતીના બેઠકજી

દ્વારકા પાસે મૂળ ગોમતીની બેઠક. મૂળ ગોમતીની ઈચ્છા હતી કે મારો વિવાહ મારી ઈચ્છા મુજબ થવો જોઈએ. આથી તેમની ઈચ્છા મુજબ નદીના સ્વરૂપમાં ભળી જવું જોઈએ. જેથી પ્રભુના ચરણારવિંદોના સ્પર્શનો અલભ્ય લાભ મળે. આથી આ નદીની ઈચ્છા અનુસાર મૂળ ગોમતીને મુળ ગોમતી કહેવાય છે. મુળ ગોમતી કિનારે શ્રી વલ્લભાચાર્યજી બિરાજમાન હતા. એક સંન્યાસીએ ત્યાં આવીને કહૃાું કે મેં મારા કાળને ચાર વખત નકાર્યો છે. પ્રભુએ મને દર્શન આપ્યા છે. પરંતુ બાળ લીલાના દર્શન આપ્યા નથી. આ મનોરથ તો પ્રભુ જ પૂર્ણ કરશે. શ્રી વલ્લભાચાર્યજીએ કહૃાું કે ભગવત આશ્રમ છોડીને સાધનોનો આશ્રમ કર્યો એટલે ભગવદ પ્રાપ્તિમાં વિલંબ થયો છે. આજ પછી તારૃં ત્રીજા દિવસે મૃત્યુ થશે. ત્યાર પછી તારો જન્મ ગિરિરાજની તળેટીમાં થશે. પછી મારો પુત્ર શ્રી ગુંસાઈજી ઉચ્ચાર કરશે. ગિરિરાજની તળેટીમાં હરજી કુંડ વિદ્યમાન છે. ત્યા હરજી તરીકે તેનો જન્મ થયો હતો. આ બેઠકજીમાં ગૌશાળા તથા બીજી સામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલે છે.

ગોપી તળાવ

યાત્રાધામ દ્વારકા નજીક આવેલ ગોપી તળાવનું રહસ્ય શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ તેમના શ્રી કૃષ્ણદાસ મેઘનજીની વિનંતી અનુસાર જે વચનામૃતમાં જણાવી છે તે કથાનુસાર ભગવાન શ્રીકૃષ્ણ જયારે વેણુનાદ કર્યો ત્યારે સમગ્ર ગોપીઓ પોતાની લોકલાજ છોડીને શ્રીકૃષ્ણ પાસે આવી હતી. પરંતુ, પટરાણીઓ લોકલાજની મર્યાદા છોડી ન હતી. અને ઉગ્રસેન પાસે પાછી ચાલી ગઈ હતી. આથી અલૌકિક લીલાના દર્શન ગોપી તળાવના સ્થળે જ શ્રી વલ્લભ પ્રભુએ શ્રીકૃષ્ણદાસને કરાવ્યા હતા. આવી અલૌકિક રાસલીલાનાં દર્શન જયારે થયાં ત્યારે શ્રીકૃષ્ણદાસ મેઘનજીને તૂર્ત જ સાવધાન કર્યા હતા. આ ગોપી તળાવ પાસે શ્રી વલ્લભાચાર્યજીએ ભાગવત પારાયણ કર્યુ હતું. ગોપી તળાવના આ બેઠકજી દ્વારકાથી ૧૮ કિ.મી. થાય છે.

યાત્રાધામ દ્વારકાના બેઠકજી

ભાગવત શ્રી વલ્લભાચાર્યજીએ યાત્રાધામ દ્વારકામાં પધારી પારાયણ કરતા હતા તે વખતે ભગવાનશ્રી દ્વારકાજી પોતે પધાર્યા હતાં. શ્રી ગોવિંદદાસને દર્શન કરાવીને આજ્ઞા કરી કે જયાં સુધી શ્રી વલ્લભાચાર્યજી અહીં બિરાજશે ત્યાં સુધી મારા શ્રૃંગાર થશે. દ્વારકા જગતમંદિરની છપ્પન સીડી ઉતરતાં જ ગોમતી નદીના કિનારે આવેલી બેઠક સને ૨૦૦૧-૨૦૦૨નાં વર્ષમાં દેશના ઉદ્યોગગૃહ જામનગર જિલ્લામાં આવેલ રિલાયન્સ પરિવારે આ બેઠકનો અંદાજિત રૂ।.૧૦ લાખના ખર્ચે નવનિર્માણ કરેલ હતું. શ્રી વલ્લભાચાર્યજી શૃંગાર કરતા હતા. ભાગવત સપ્તાહ દરમ્યાન શ્રી દ્વારકાધીશજી પ્રભુ અને શ્રીનાથજી બાવા એક દિવસ પધાર્યા હતા. શ્રીનાથજીએ શ્રી દ્વારકાધીશને પોતાના નેત્ર દ્વારા સંકેત કર્યો કે ગોવિંદદાસજી દ્વારકાનો જીવ છે. અને જો દશમસ્કંધની બાળલીલા પ્રકરણમાં આસકત થઈ જશે તો તેને વાત કરવીને કથામાંથી ચિતવિચલિત કરી કથામાં વિક્ષેપ કર્યો. શ્રી વલ્લભાચાર્યજીએ કથા બંધ કરી દીધી અને વૈષ્ણવોને કથા સાંભળવાની બંધ થતાં વૈષ્ણવોએ ભોજન લેવાનું બંધ કર્યું. ત્યારે શ્રી દ્વારકાધીશજીએ આચાર્યચરણને આજ્ઞા કરી કે શ્રીનાથજીની આજ્ઞાથી મેં શ્રી ગોવિંદજીનું મન ચલિત કર્યું હતું. આ પછી શ્રી વલ્લભાચાર્યજીએ કથાનો પુનઃ પ્રારંભ કર્યો. શ્રી વલ્લભાચાર્યજીની ઇચ્છાનુસાર શેષનાગે સમગ્ર કથા મંડપને ઢાંકી દીધો અને સમગ્ર દ્વારકામાં વરસાદ વરસ્યો પરન્તુ કથા મંડપમાં કયાંય વરસાદનું ટીપુંય ન પડયું.

સોમવારે પુષ્ટિ બાલ પાઠશાળાના બાળકો દ્વારા કાર્યક્રમ

દ્વારકાની નવી હવેલીમાં સોમવાર તા.૧૩-૦૪-૨૦૨૬ ના સાંજે ૬ થી ૮ સુધી શ્રીમદ વિઠ્ઠલેશ પુષ્ટિ બાલ પાઠશાળાના બાળકો દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ જોડાશે.

જયારે શ્રી વલ્લભાચાર્ય પરિક્રમામાં દ્વારકા પધાર્યા...

જયારે મહાપ્રભુજી પ્રથમ પરિક્રમામાં દ્વારકા પધાર્યા ત્યારે શ્રીરાજવિષ્ણુસ્વામી દ્વારા દ્વારકાધીશના જગતમંદિરમાં પધરાવેલ શ્રી દ્વારકાધીશજીનું સ્વરૂપ જે તેમના પરપૌત્ર વજ્રનાભજીનું સેવ્ય સ્વરૂપ હતું તેમણે શ્રી વલ્લભને આજ્ઞા કરી કે આપ ચાતુર્માસ કરવા અહીં બીરાજો. જેના અનુસંધાને આપશ્રીએ દ્વારકામાં ચાતુર્માસ કર્યો. (અંદાજે સંવત ૧૫૫૩-૫૫)

તેઓ જયારે બીજી પરિક્રમામાં પધાર્યા એ સમયે યવનોના આક્રમણથી ડરીને ગુગ્ગુળી બ્રાહ્મણ સેવકોએ પૂર્વના સ્વરૂપ શ્રીદ્વારકાધીશજીને દ્વારકાની સાવિત્રી વાવમાં છુપાવી દીધેલ તે દરમ્યાન આપશ્રી દ્વારકા પધાર્યા અને તે સ્વરૂપના દર્શન ન થતા ખૂબજ વ્યાકુળ થઈ તાપથી જયારે આપશ્રી પોઢી રહ્યા હતા ત્યારે શ્રીદ્વારકાધીશના મુખ્ય પટરાણી રૂકમિણીજીએ આજ્ઞા કરી કે એમના વિયોગના સમયના સેવ્ય સ્વરૂપ શ્રી દ્વારકાધીશજી જે દ્વારકા પાસેના લાડવા ગામે બિરાજે છે તેમને પ્રગટ કરવાની અને પુષ્ટિ રીતીથી સેવાની આજ્ઞાઓ કરવામાં આવી. આ સ્વરૂપ પ્રથમ દ્વારકામાં સ્થાપીત કરવામાં આવ્યા અને આશરે સાત વર્ષ સુધી જગતમંદિરમાં સ્થાપીત આ સ્વરૂપનો સેવા પ્રકાર વિષ્ણુસ્વામી સંપ્રદાયની રીતીથી (પુષ્ટિ સેવા રીતીથી) ચાલ્યો.

ત્યારબાદ તેઓ ત્રીજી પરિક્રમામાં દ્વારકા પધાર્યા ત્યારે ગુગ્ગુળી બ્રાહ્મણ સેવકોએ વિનંતી કરી કે 'હે કૃપાનાથ, અમે પરાપૂર્વથી પૂર્વના સ્વરૂપને સેવ્ય માનીએ છીએ, માટે અમને એ જ સ્વરૂપની ફરીથી સેવાની આજ્ઞા આપો.' જેથી તેમની વિનંતીનો આપશ્રીએ સ્વીકાર કરીને શ્રી દ્વારકાધીશના સાવિત્રી વાવમાં બીરાજતા સ્વરૂપને ફરી પાછા દ્વારકાધીશ મંદિરમાં પધરાવવામાં આવ્યા અને શ્રી રૂકમિણીજીનું સૈવ્ય સ્વરૂપ શ્રી દ્વારકાધીશજીની આજ્ઞાનુસાર બેટદ્વારકામાં આપશ્રી દ્વારા પુષ્ટિ સેવાની રીતીથી પધરાવવામાં આવ્યું. હાલમાં આ સ્વરૂપ જે બેટદ્વારકામાં પૂ. પાદ વલ્લભવંશજ ગો. શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રી, ગો.શ્રી પિયુષજી મહારાજશ્રી જુનાગઢની અધ્યક્ષતામાં પુષ્ટિ સેવા રીતીથી બિરાજે છે.

 

સંકલનઃ- રવિ બારાઈ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh