Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૩-૦૨-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે...
આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારની શરૂઆત સ્પષ્ટ ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા નરમ અને મિશ્ર સંકેતોને કારણે રોકાણકારોમાં શરૂઆતથી જ સાવચેતી જોવા મળી. નિફ્ટી ૫૦ ગેપ-ડાઉન ખુલ્યો અને ઓપનિંગ બાદ તરત જ વેચવાલીનું દબાણ વધતા પ્રથમ કલાકમાં મહત્વપૂર્ણ સપોર્ટ લેવલની નજીક સરક્યો. તે જ રીતે નિફ્ટી બેન્ક પર પણ પ્રાઈવેટ અને પીએસયુ બેન્કિંગ શેરોમાં નબળાઈ જોવા મળતા ઈન્ડેક્સ દબાણમાં રહ્યો.
ક્રૂડના મજબૂત ભાવ, ડોલર ઈન્ડેક્સમાં સ્થિરતા અને આવનારા સીપીઆઈ ફુગાવાના આંકડા પહેલાંની અનિશ્ચિતતાએ ટ્રેડર્સને રિસ્ક લેતા અટકાવ્યા. શરૂઆતમાં મિડકૅપ અને સ્મોલકૅપ સેગમેન્ટમાં પણ વેચવાલી જોવા મળી, જેનાથી માર્કેટ બ્રેડ્થ નબળી રહી.
એફઆઈઆઈ/ડીઆઈઆઈ અને વૈશ્વિક સંકેતો : વૈશ્વિક સ્તરે યુએસમાં જાહેર થનારા સીપીઆઈ ફુગાવાના આંકડા પહેલાં રોકાણકારો સાવચેત વલણ અપનાવી રહ્યા છે. એશિયન બજારોમાં નરમાઈ જોવા મળતા તેની અસર ભારતીય બજાર પર પણ થઈ.
સ્થાનિક આંકડા મુજબ, એફઆઈઆઈ દ્વારા શરૂઆતમાં મર્યાદિત વેચવાલી નોંધાઈ, જેનાથી ઈન્ડેક્સ પર દબાણ વધ્યું. જોકે, ડીઆઈઆઈ સતત સપોર્ટ આપતા રહ્યા અને નીચલા સ્તરે ખરીદી કરતાં જોવા મળ્યા. ડીઆઈઆઈ ની આ સ્થિર ખરીદી બજાર માટે પોઝિટિવ સંકેત માનવામાં આવે છે, કારણ કે તે લાંબા ગાળાના વિશ્વાસને દર્શાવે છે.
આ પરિસ્થિતિ દર્શાવે છે કે વિદેશી પ્રવાહો ટૂંકા ગાળે વોલેટાઈલ રહી શકે છે, પરંતુ સ્થાનિક સંસ્થાઓ બજારને બેલેન્સ રાખી રહી છે.
કોમોડિટી બજાર :
ક્રૂડ ઓઈલ : જિયોપોલિટિકલ તણાવ અને ઓપીઈસી દ્વારા સપ્લાય મેનેજમેન્ટને કારણે ક્રૂડના ભાવ મજબૂત રહ્યા છે. ભારત તેની જરૂરિયાતનું મોટું પ્રમાણ આયાતથી પૂરી કરે છે, તેથી વધતા ભાવ રૂપિયા અને મોંઘવારી પર દબાણ લાવી શકે છે. જો ક્રૂડ વધુ ચઢે તો તે બજાર માટે ટૂંકા ગાળે નકારાત્મક બની શકે છે.
સોનું અને ચાંદી : વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સોનું સેફ હેવન તરીકે મજબૂતાઈ બતાવી રહ્યું છે. ટ્રેડર્સ સોનામાં તબક્કાવાર ખરીદી કરી રહ્યા છે. ચાંદીમાં ભારે વોલેટિલિટી હોવાને કારણે તેમાં જોખમ વધુ છે, છતાં ઔદ્યોગિક માંગને કારણે લાંબા ગાળે પોઝિટિવ દૃષ્ટિકોણ યથાવત છે. સોનું એમસીએક્સ પર અંદાજે રૂ।. ૭૨,૦૦૦/૧૦ ગ્રામ આસપાસ જ્યારે ચાંદી રૂ।.૮૩,૦૦૦/કિલો નજીક ટ્રેડ થઈ રહ્યું છે.
બેઝ મેટલ્સ : ચીન તરફથી સ્ટિમ્યુલસની અપેક્ષા અને ઔદ્યોગિક માંગમાં સુધારાના સંકેતોને કારણે કોપર અને એલ્યુમિનિયમમાં સ્થિરતા જોવા મળી છે. કોપર ઇં ૮૫૦૦/ટન અને એલ્યુમિનિયમ ઇં૨૨૫૦/ટન આસપાસ સ્થિર છે, જે સ્થાનિક મેટલ શેરોને ટેકો આપે છે.
સ્થાનિક સ્તરે : આરબીઆઈ ની ભૂમિકા અને રૂપિયોઃ આરબીઆઈ દ્વારા રેપો રેટ ૫.૨૫% પર યથાવત રાખવાનો નિર્ણય બજાર માટે અનુમાન મુજબ રહ્યો. આરબીઆઈ એ ન્યુટ્રલ સ્ટાન્સ જાળવી રાખતા જણાવ્યું છે કે મોંઘવારી નિયંત્રણમાં રહેશે તો જ વ્યાજદરમાં ઘટાડાનો માર્ગ ખુલ્લો થશે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે જીડીપી વૃદ્ધિનો ૭.૪% અંદાજ ભારતીય અર્થતંત્રની મજબૂતી દર્શાવે છે. આ લાંબા ગાળે ઇક્વિટી માર્કેટ માટે હકારાત્મક છે.
રૂપિયો ડોલર સામે ૯૦.૭૦ નજીક ટ્રેડ થઈ રહ્યો છે. વધતા ક્રૂડ ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રૂપિયા પર દબાણ હોવા છતાં, આરબીઆઈ ની નીતિ અને ફોરેક્સ મેનેજમેન્ટથી સ્થિરતા જાળવવામાં આવી છે.
ટેકનિકલ એનાલિસીસ :
માર્કેટ બ્રેડ્થ નબળી રહી - વધનાર શેરોની સંખ્યા ઘટનાર કરતાં ઓછી હતી, જે સૂચવે છે કે તેજી વ્યાપક નથી. તેમ છતાં, પસંદગીના સ્ટોક્સમાં લોંગ બિલ્ડઅપ અને પ્રાઈસ-વોલ્યુમ બ્રેકઆઉટના સંકેતો મળ્યા છે. બેન્કિંગ અને આઈટી સેક્ટરમાં શરૂઆતમાં વેચવાલીનું દબાણ હતું, જ્યારે મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ઈન્ટ્રાડે રિકવરી નોંધાઈ.
નિફ્ટી ફ્યુચર ટ્રેન્ડ : નિફ્ટી ફ્યુચરમાં શરૂઆત ઉછાળે વેચવાલી ડાઉનટ્રેન્ડમાં જોવાં મળી છે. ટ્રેડિંગના સંદર્ભમાં જોઈએ તો ૨૫૮૦૮ પ્રથમ અને ૨૫૯૭૯ અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. ઉપરની તરફ ૨૫૬૭૬ થી ૨૫૬૦૬ ની સપાટી સ્પર્શી શકે છે. ૨૫૮૦૮ પોઈન્ટ નજીક નવી પોઝિશન બનાવતી વખતે સાવધાનીપૂર્વક કામકાજ કરવાની સલાહ છે.
સ્ટોક સ્પેશિફિક ટ્રેન્ડ : જીન્દાલ સ્ટીલ (૧૧૮૮) : આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ।.૧૧૭૬ નો પ્રથમ તેમજ રૂ।.૧૧૭૦ નો બીજો સ્ટ્રોંગ સપોર્ટ ધરાવે છે. નીચલા લેવલ પરથી ટેકનિકલ રિવર્સલના સંકેતો જોવા મળી રહ્યા છે. ટૂંકા સમયગાળે રૂ।.૧૨૦૨ થી રૂ।. ૧૨૧૨ આસપાસની ભાવ સપાટી નોંધાવવાની શક્યતા છે. રૂ।.૧૨૧૨ ઉપર સસ્ટેનિ થાય તો વધુ તેજી તરફ ગતિ મળી શકે. ટ્રેડર્સે સપોર્ટ લેવલની નીચે કડક સ્ટોપ લોસ જાળવવો.
ઓબેરોય રિયલ્ટી (૧૪૮૩) : એ/ટી+૧ ગ્રુપનો આ રિયલ્ટી સેક્ટરનો સ્ટોક રૂ।.૧૪૮૫ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ દર્શાવી રહ્યો છે. રૂ।. ૧૪૮૦ નો મહત્વપૂર્ણ સપોર્ટ જાળવાય તો રૂ।.૧૫૦૩ થી રૂ।.૧૫૨૦ સુધીનો અપસાઈડ મૂવ સંભવિત છે. વોલ્યુમ સપોર્ટ સાથેની ચાલ હોવાથી ટ્રેડીંગલક્ષી રસ જોવા મળી રહ્યો છે. સપોર્ટ નીચે ક્લોઝિંગ આવે તો પ્રોફિટ બુકિંગ શક્ય.
આઈસીઆઈસીઆઈ બેન્ક (૧૪૨૫) : રૂ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ રોકાણલક્ષી સ્ટોક રૂ।.૧૪૦૯ નો પ્રથમ તેમજ રૂ।.૧૪૦૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધરાવે છે. ટેકનિકલ સ્ટ્રક્ચર મુજબ રૂ।.૧૪૩૭ થી રૂ।.૧૪૫૦ સુધીનો ટૂંકા ગાળાનો અપસાઈડ જોવા મળી શકે છે. બેન્કિંગ ઈન્ડેક્સમાં સ્થિરતા રહે તો આ સ્ટોક લીડરશિપ દર્શાવી શકે છે. સપોર્ટ લેવલ તૂટે તો દબાણ વધી શકે.
ઝાયડસ લાઈફસાયન્સીસ (૯૧૩) : ફાર્મા સેક્ટરનો આ ટ્રેડીંગલક્ષી સ્ટોક હાલમાં રૂ।.૮૯૮ થી રૂ।.૯૩૩ ની રેન્જમાં મૂવમેન્ટ ધરાવે છે. અંદાજીત રૂ।. ૮૯૦ નો સ્ટ્રોંગ સપોર્ટ મહત્વપૂર્ણ છે. રેન્જ બ્રેકઆઉટ મળે તો તેજી અથવા મંદી દિશામાં સ્પષ્ટ ચાલ મળી શકે છે. રેન્જ ટ્રેડર્સ માટે યોગ્ય સેટઅપ ગણાય.
સેક્ટર મૂવમેન્ટ : બેન્કિંગ સેક્ટરમાં શરૂઆતમાં વેચવાલી રહી, ખાસ કરીને પ્રાઈવેટ બેન્કોમાં. આઈટી સેક્ટર વૈશ્વિક નબળાઈને કારણે દબાણમાં રહ્યો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઉનાળાની માંગની અપેક્ષાએ નીચલા સ્તરે ખરીદી જોવા મળી. એસી અને કુલિંગ પ્રોડક્ટ્સ સંબંધિત શેરોમાં ઈન્ટ્રાડે રિકવરી નોંધાઈ.
મેટલ સેક્ટરમાં ગ્લોબલ ભાવ સુધરતા અને ચીનની માંગમાં સુધારાની આશાએ પસંદગીના શેરોમાં તેજી જોવા મળી. આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે બજાર હાલમાં સ્ટોક સ્પેસિફિક છે. ઈન્ડેક્સ દબાણમાં હોવા છતાં મજબૂત ફંડામેન્ટલ અને સકારાત્મક ટેકનિકલ સ્ટ્રક્ચર ધરાવતા શેરોમાં તક મળી રહી છે.
બજારની ભાવિ દિશા :
ટૂંકા ગાળે બજારમાં વોલેટિલિટી યથાવત રહેવાની સંભાવના છે. સીપીઆઈ ફુગાવાના આંકડા બજાર માટે મુખ્ય ટ્રિગર સાબિત થઈ શકે છે. જો આંકડા અનુકૂળ આવે તો શોર્ટ કવરિંગ સાથે તેજીનો પ્રયાસ થઈ શકે છે. બાય ઓન ડીપ્સ વ્યૂહરચના હજી પણ માન્ય છે, પરંતુ દરેક ટ્રેડમાં કડક સ્ટોપલોસ અનિવાર્ય છે. લેવલ-ટુ-લેવલ ટ્રેડિંગ અને રિસ્ક મેનેજમેન્ટ પર ભાર આપવો જોઈએ.
લાંબા ગાળે ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ, સ્થિર નાણાકીય નીતિ અને વધતી ડોમેસ્ટિક લિક્વિડિટી બજાર માટે પોઝિટિવ ફેક્ટર્સ છે. જોકે, ટૂંકા ગાળે વૈશ્વિક સંકેતો, ક્રૂડના ભાવ અને ડોલર ઇન્ડેક્સ બજારની દિશા નક્કી કરશે. નિષ્કર્ષરૂપે, આજની નબળી શરૂઆત છતાં બજાર સંપૂર્ણપણે બેરિશ નથી, પરંતુ સાવચેતી અને પસંદગીયુક્ત અભિગમ જરૂરી છે. રોકાણકારોએ ઉતાવળા નિર્ણયો ટાળીને ગુણવત્તાસભર સ્ટોક્સમાં તબક્કાવાર રોકાણ કરવાની વ્યૂહરચના અપનાવવી યોગ્ય રહેશે.