Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરને "ખાડે ગયેલું શહેર" ગણાવીને કોંગ્રેસે શાસકપક્ષ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું, અને સદ્બુદ્ધિ યજ્ઞ કરીને નગરમાં માર્ગોના કામોમાં ભયંકર ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસે "હિસાબ દો, જવાબ દો" કાર્યક્રમ રજૂ કરીને નગરમાં રસ્તાઓ તથા ભૂગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટાચારની તપાસ માંગી. બીજી તરફ મ્યુનિસિપલ કમિશ્નરના નેતૃત્વમાં એન્જિનિયરોની ટીમ રાજકોટ તરફ જતા ધોરીમાર્ગમાંથી સાત રસ્તા સુધીના આંતરિક માર્ગોનું નિરીક્ષણ કર્યા પછી "હોટ પેચ" એટલે કે ડામરથી ખાડા પુરવાની ઝુંબેશ શરૂ થવાનું હોવાના સંકેતો મળ્યા. નગરમાં આવેલા નાના-મોટા બે ડઝનથી વધુ પુલ-પુલીયાનું નિરીક્ષણ પણ થયું અને કાલાવડ નાકા બહારનો પુલ તો બંધ જ કરી દેવાયો. નગરમાં એક માતા પોતાના બાળક સાથે મનપાની કુંડીમાં પડી ગઈ, તે ખાડા પાસે મુકાયેલી આડસો કોઈએ ખસેડી નાંખી હોય, તો તેવા લોકોને પણ સદ્બુદ્ધિની જરૂર છે. આ દરમ્યાન કેટલાક કોર્પોરેટરોએ સુત્રોચ્ચાર સાથે મહાનગરપાલિકામાં પહોંચીને પદાધિકારીઓની ઓફિસો બહાર આવેદનપત્રો ચોંટાડી દીધા. આ તમામ ઘટનાક્રમો ગંભીરા દુર્ઘટના પછી રાજકીય પક્ષો જર્જરિત પુલો તથા બિસ્માર થઈ ગયેલા માર્ગોને લઈને જાગૃત થઈ ગયા હોય તેમ જણાય છે. જો કે, જામ્યુકોના સંકુલમાં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે થયેલી કથિત જીભાજોડી પણ "ટોક ઓફ ધ ટાઉન" બની છે, અને "હોટ પેચ"ની સાથે "હેટ સ્પીચ"ની ચર્ચા પણ વ્યાપક બની છે.
કોઈ પણ મુદ્દે મતભેદ ઊભા થાય, તે સ્વાભાવિક છે અને વિચારભેદ કે મતભેદ વ્યક્ત થાય તેને પ્રોત્સાહિત કરવા માટે જ લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદી હોય છે. આપણાં દેશના બંધારણે પણ અભિવ્યક્તિની આઝાદી દરેક નાગરિકને આપી છે, અને વાણી-સ્વાતંત્ર્ય જ આપણાં દેશના લોકતંત્રને વધુને વધુ મજબૂત બનાવે છે, પરંતુ આ આઝાદી કોઈને ગાલી-ગલોચ કરવાની, કોઈનું સ્વમાન હણવાથી અથવા અપમાન કરવાની કે વ્યક્તિગત, ધર્મ-વર્ગ-રંગ-સમાજ-જ્ઞાતિ કે સમૂહને લઈને મનફાવે તેવા અયોગ્ય, અનૈતિક કે અભદ્ર શબ્દપ્રયોગ કરવાની છૂટ આપતી નથી. આવા શબ્દપ્રયોગ, પોસ્ટર, ચિત્રો, કાર્ટૂન વગેરેને હેટ સ્પીચ કહેવાય છે.
આ જ વાત એક સુનાવણી દરમ્યાન દેશની સર્વોચ્ચ અદાલતે પણ કરી છે, એટલું જ નહીં. સપ્રિમકોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સોશ્યલ મીડિયા દ્વાર થતી "હેટ સ્પીચ" એટલકે કે નફરતભર્યા શબ્દપ્રયોગો, દૃશ્યો કે ચિત્રો-કાર્ટૂનો સાથેની કોમેન્ટો અને પોસ્ટપર સ્વનિયંત્રણ માટે ગાઈડલાઈન્સ ઘડવાના આદેશો પણ આપ્યા છે. આખો કિસ્સો કાર્ટૂનિસ્ટ હેમંત માલવિયને હેટ સ્પીચના મામલે વચગાળાનો આદેશ કે આગોતરા જામીન આપવાના કેસનો છે, જેમાં સુપ્રિમકોર્ટે માલવિયને તત્કાલ રાહત આપી નહીં, પરંતુ આ મુદ્દે કેન્દ્ર-રાજ્ય સરકારોને સોશ્યલ મીડિયાના માધ્યમથી મુકાતી હેટ સ્પીચને નિયંત્રણમાં લેવા ગાઈડલાઈન્સ તૈયાર કરવા સરકારોને આદેશ આપ્યો છે, એટલું જ નહીં, સોશ્યલ મીડિયાના તમામ યુઝર્સને પણ આ પ્રકારની હરકતો કરવા સામે લાલબત્તી ઘરી છે. સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમોનો દુરૂપયોગ થઈ રહ્યો હોવાનો સ્પષ્ટ અભિપ્રાય પણ સુનાવણી દરમ્યાન સ્વીકૃત થયો છે.
સરકારો પણ આ મુદ્દાનો રાજકીય ઉપયોગ કરીને સોશયલ મીડિયા પર અંકુશ રાખવાના બહાને અભિવ્યક્તિની બંધારણીય આઝાદીને નિયંત્રિત કરવાનો પ્રયાસ ન કરી શકે, તેવી જોગવાઈ પણ અદાલતે કરી છે. અદાલતે કહ્યું છે કે સરકાર કે રાજ્યો સોશ્યલ મીડિયાને અંકુશમાં રાખે, તેવું કોઈ ઈચ્છતું નથી કે તેમાં કોઈ હસ્તક્ષેપ કરવા માંગતું નથી, કે સેન્સરશીપ લાદવાની છુટ આપતું નથી, પરંતુ આ વ્યવસ્થા (જનસહયોગથી) લોકોની સ્વયંભૂ સમજ સાથે સ્વયં શિસ્તથી કેળવાવી જોઈએ.
જો કે, સોશ્યલ મીડિયાના માધ્યમથી સમાજમાં ભાગલા પડે, નફરત ફેલાય તેવી સામગ્રીને અલગ તારવીને તેના પર અંકુશ લાદવાની અદાલતે તરફેણ પણ કરી હતી. હેટ સ્પીચ માટે સેન્સરશીપ ન ગણી શકાય તેવી સ્વનિયંત્રિત વ્યવસ્થા ઊભી કરવાની જરૂર જણાવતા સર્વોચ્ચ અદાલતે આવી સ્પીચ અંગે લોકોને પણ આકરો સવાલ પુછ્યો હતો. અદાલતે લોકોને (જનતાને) ઉદૃેશીને પણ એવો સવાલ કર્યો છે કે લોકોને આ પ્રકારની હેટ સ્પીચ ધરાવતી સામગ્રી અનુચિત કે અપ્રિય શા માટે લાગતી નથી ? અદાલતે શાસકીય સેન્સરશીપના સ્થાને સ્વનિયંત્રિત સિસ્ટમની તરફેણ કરી હતી, અને લોકોને આ પ્રકારની અભદ્ર, અયોગ્ય અને ધૃણાસ્પદ સામગ્રી લાઈક, શેર કે ફોરવર્ડ કરવાથી દૂર રહેવું જોઈએ. આ વિષય પર બંને પક્ષકારોના વકીલો પાસેથી સુપ્રિમકોર્ટ સૂચનો માંગ્યા હોવાથી હવે અંતિમ ચુકાદો શું આવે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે, પરંતુ આ મુદ્દે સુપ્રિમકોર્ટ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે હેટ સ્પીચ પર અંકુશ જરૂરી છે, પરંતુ તે ગાઈડલાઈન્સ આધારિત સ્વયંશિસ્તના સ્વરૂપમાં હોવો જોઈએ, અને આ બહાને સરકાર અભિવ્યક્તિની આઝાદીમાં કાપ પણ નહીં મૂકી શકે.
સુપ્રિમકોર્ટે અભદ્ર અને નફરત ફેલાવનારી હેટ સ્પીચ પર જે ટિપ્પણી કરી છે તે માત્ર શબ્દપ્રયોગો નહીં, પરંતુ પોસ્ટર, ચિત્રો, તસ્વીરો, વીડિયો, કાર્ટૂન વિગેરે કૃતિઓને પણ લાગુ પડે છે, તેવું સમજાય છે. હવે આખરી ચૂકાદો જે આવે તે ખરો, પરંતુ એ સ્પષ્ટ છે કે સોશ્યલ મીડિયા સહિત વિવિધ રીતે ફેલાવાતી નફરત અને હેટ સ્પીચને લઈને દેશની સર્વોચ્ચ અદાલત પણ ગંભીર છે, અને આજે પણ એ જ દિશાનિર્દેશો અપેક્ષિત છે.
દેશમાં હેટ સ્પીચ જેટલી જ ચર્ચા નગર અને હાલારમાં "હોટ સ્પીચ"ની થઈ રહી છે, તેમાં પણ તાજેતરમાં બનેલા માર્ગો ધોવાઈ ગયા હોય તો તેના કોન્ટ્રાકટરો તથા તે કાર્યોને મંજૂર કરનાર અધિકારીઓ-પદાધિકારીઓને પણ સખ્ત નશ્યત થવી જોઈએ અને માત્ર નાણાકીય દંડ જ નહીં, પ્રજા સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત અને સરકારી નાણાના દૂરૂપયોગ બદલ ફોજદારી રાહે કડકમાં કડક સજા થવી જોઈએ. ખરૃં ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial