Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણના પ્રારંભે જ જામનગરમાં એક તરફ તો શિવાલયો ઝળહળ્યા અને બીજી તરફ શ્રાવણ મહિનાના પહેલા દિવસે જ શિવમંદિરના ડિમોલીશનના અહેવાલો અને તે પછી તેની થયેલી ચોખવટની ચર્ચા ચાલી. હકીકતે અન્યત્ર નવું શિવમંદિર તૈયાર કરીને પૂરેપૂરી ધાર્મિક વિધિ કરીને ત્યાં શિવલીંગની પ્રાણપ્રતિષ્ઠા કર્યા પછી જ જૂના મંદિરનું માળખુ હટાવાયુ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી. જો કે, અખબારોમાં તો આ વિગત ટાઈમીંગને લઈને રજૂ થઈ હતી, પરંતુ સંબંધિત ટ્રસ્ટે ચોખવટ કરી દેતા ગેરસમજ ફેલાતી અટકી ગઈ હતી. એવી ચોખવટ પણ થઈ કે આ પ્રકારની પ્રક્રિયા પહેલેથી જ ચાલતી હતી અને યોગાનુયોગ જ શ્રાવણની શરૂઆતનો દિવસ આવી ગયો હતો. બીજી તરફ ઘણાં લોકો શ્રાવણી મેળાને લઈને હાથ ધરાયેલી કાનૂની કાર્યવાહીને આ ઘટના સાથે સાંકળી રહ્યા છે. આ ઘટનાક્રમ એ સૂચવે છે કે જે કાંઈ કરો તે પૂરેપૂરૂં વિચારીને કરો, વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય...
યોગાનુયોગ ભારતની નજીક જ બે દેશો વચ્ચે તાજેતરમાં ફાટી નીકળેલા યુદ્ધનો પ્રારંભ પણ શ્રાવણ મહિનાને સ્પર્શી ગયો છે અને શ્રાવણના પ્રથમ દિવસે જ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે જંગ વધુ તિવ્ર બની ગયો હતો. એ પણ ગજબનો યોગાનુયોગ છે કે શ્રાવણ મહિનામાં આ બંને ટચુકડા દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાનું મુખ્ય કારણ પણ બે શિવમંદિરો જ હોવાનું કહેવાય છે.
થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદના વિવાદમાં બે શિવમંદિરોની જગ્યાની માલિકીની ખેંચતાણ મુખ્ય છે. આ બે શિવમંદિર લગભગ એક હજાર વર્ષ જૂના છે, જેના પર બંને દેશો દાવો કરી રહ્યા છે. આ બંને દેશો પર જયારે બ્રિટીશરો અને ફ્રાન્સના શાસનો હતા, ત્યારે પણ આ વિવાદ ચાલી જ રહ્યો હતો. તવારીખ જણાવે છે કે ભૂતકાળમાં જયારે વર્ષ-૧૯૦૭માં કંબોડિયામાં ફ્રાન્સનું શાસન હતું, ત્યારે જે સીમાંકન થયું અને ૮૧.૭ કિલોમીટર લાંબી સરહદનો મેપ તૈયાર થયો, ત્યારે પ્રીહ વિહિયર કંબોડિયામાં દર્શાવાયું, તેનો થાઈલેન્ડે જબરદસ્ત વિરોધ કર્યો, તેવી જ રીતે તા મુએન થોમ મંદિર તે થાઈલેન્ડમાં દર્શાવાયું, જેના પર કંબોડિયાનો પહેલેથી જ દાવો હતો. તા મુએન થોમ જ્યાં આવેલું છે, ત્યાં સરહદી વિવાદ હોવાથી એ નક્કી થઈ શકતું નથી કે આ મંદિરની જગ્યા ક્યા દેશમાં ગણવી જોઈએ. થાઈલેન્ડ તરફ આવેલું જણાતુ આ મંદિર કંબોડિયામાં ખમેર સામ્રાજ્ય હતું, ત્યારે બન્યું હોવાનો દાવો કંબોડિયા કરી રહ્યું છે. બંને શિવમંદિરો છે, અને તે મંદિરો જ નહીં, પરંતુ મંદિરોના તાબાની જમીન પર પણ બંને દેશો દાવો કરતા રહ્યા છે, પરંતુ હવે શિવમંદિરો તથા તેની જગ્યાને લઈને બંને દેશો વચ્ચે જંગ શરૂ થઈ ગયો છે. આમ પણ થાઈલેન્ડ અને કંબોડિયાનો હિસ્ટ્રી ખમેર સામ્રાજ્ય અને સિયામ સામ્રાજ્ય એટલે કે વર્તમાન વિવાદની જેમ જ સેંકડો વર્ષોથી ચાલી આવતી સભ્યતાઓના ટકરાવ સાથે સંકળાયેલો છે, અને જે સીમાવિવાદ છે, તેમાં ભાવનાત્મક નહીં, પરંતુ આધિપત્ય અને જમીન-સંપત્તિની માલિકીની ખેંચતાણ વધુ હોય તેમ જણાય છે. જે હોય તે ખરૂં, પણ હવે આ યુદ્ધ ચીન વકરાવશે અને વિશ્વસમુદાય અટકાવશે તે તો યુએનએસસીની ઈમરજન્સી બેઠક પછી જ ખબર પડશે. પરંતુ જો કોઈપણ કારણો જ્યારે યુદ્ધવિરામ થશે, ત્યારે નોબેલ પ્રેમી ટ્રમ્પચાચા જરુર દાવો કરશે કે ટ્રેડ અને ટેરિફની ચેતવણી આપીને યુદ્ધ બંધ કરાવ્યું છે, તે પ્રકારન વ્યંગાત્મક કોમેન્ટો અને કાર્ટુનો પણ ટ્રેન્ડ થઈ રહ્યા છે.
ઈરાન-ઈરાક-ઈઝરાયલ-સીરિયા-પેલેન્ટાઈન વગેરે દેશોમાં લાંબા સમયથી યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, કેટલાક યુદ્ધો થોડા મહિનાઓથી માંડ થંભ્યા છે, તો કેટલાક દેશોમાં ગૃહયુદ્ધો પણ ચાલી રહ્યા છે. આ ઘટનાક્રમો વચ્ચે વર્ષોથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે, તેવામાં પુતિન-ઝેલેન્સ્કીની મુલાકાતની સંભાવનાઓ અંગે વૈશ્વિક ચર્ચા થવા લાગી છે, તો બીજી તરફ આ બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન વચ્ચેનો બુનિયાદી વિવાદ ઉકેલ્યા વિના પરસ્પર મુલાકાત યોજાય કે શિખર બેઠક થાય, તેવી સંભાવનાઓ ઘણી જ ઓછી છે, પરંતુ બંને દેશો હવે થોડા ઢીલા તો પડ્યા જ છે., તેથી શ્રાવણ મહિનામાં જ શાંતિસ્થાપન માટેની બુનિયાદ રચાઈ જાય, તેવું ઈચ્છીએ, કારણ કે વિશ્વશાંતિ અને વસુધૈવ કુટુંબકમ્ ને વરેલી આપણી ભારતીય સંસ્કૃતિ માવનસંહાર કે માનવતા વિરોધી હોય તેવા યુદ્ધો, ઘર્ષણો, કે કટ્ટરતાની હંમેશાં વિરોધી રહી છે, રશિયા સામે ચાલાકીપૂર્વક પરોક્ષ યુદ્ધ યુક્રેનના ખભે બંદૂક રાખીને કોણ લડી રહ્યું છે, તે ઓપન સિક્રેટ છે, તદૃુપરાંત હથિયારો-યુદ્ધ સામગ્રીના પ્રોડક્શન અને વેપલા જેવા છુપા સ્થાપિત હિતો પણ વિવિધ દેશો વચ્ચે યુદ્ધો વકરતા હોવાથી બે બિલાડીના વિવાદમાં વાંદરો ફાવી ન જાય, તે પ્રકારની કપટલીલા ભજવાઈ રહી છે.
ઓપરેશન સિંદૂરના વિષય પર સંસદ ખોરવાતી રહ્યા પછી હવે સોમવારથી ચર્ચા શરૂ થતા સંસદની કાર્યવાહી રેગ્યુલર ચાલશે, તેવા આશાવાદ વચ્ચે એક તરફ ભારતમાં રાજનીતિ ઉફાણે આવી છે, અને બિહારથી ચૂંટણી જીતવાના દાવ-પેચ વચ્ચે મતદારયાદી સુધારણાની નવી પદ્ધતિ (કે તરકીબ?) સામે પણ વિપક્ષો મોદી સરકાર સામે પ્રહારો કરી રહ્યા છે, તેવા સમયે માલદીવ્સમાં પણ ભારત અને માલદીવ્સ વચ્ચે કેટલાક કરારો થયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાંના સ્વાતંત્ર્ય પર્વમાં મુખ્ય અતિથિ છે, તેની ચર્ચાની સાથે સાથે ભારતે માલદીવ્સને પાંચ હજાર કરોડની લોન સાથે ૭૨ હેવી વ્હીકલ આપવાની પહેલ કરી, તેના પણ મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ભારતની નેબરહૂડ ફર્સ્ટની પરંપરાગત પોલિસી રહી છે, ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો ગાઢ બનવાની ઊભી થયેલી પ્રબળ સંભાવનાઓ પર ફરીથી ચીનની ચબરાકભરી ચાલનો ઓછાયો ન પડે, તો સારૂં, તેવા પ્રતિભાવો પણ સામે આવી રહ્યા છે. તે પહેલા બ્રિટન સાથે પણ ફ્રી ટ્રેડ સમજૂતિ થઈ રહી છે, જેના કારણે ટ્રમ્પના ભવા તણાયા હોવાની વાત પણ થવા લાગી છે.
આજે આપણો દેશ કારગીલ વિજય દિવસ પણ ઉજવી રહ્યો છે અને એ યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચટાડનાર ભારતીય સેનાને બીરદાવાઈ રહી છે, તે ઉપરાંત વાજપેયી સરકાર તે સમયની રાજનૈતિક એકજૂથતાને પણ યાદ કરવામાં આવી રહી છે. યોગાનુયોગ શ્રાવણ મહિનો, કારગીલ વિજય દિવસની સાથે વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધોને શાંત કરવાના પ્રયાસોનું સંયોજન પણ થયું છે, ત્યારે ભારતના વિવિધ યુદ્ધો તથા સાહસિક સલામતિ માટે વીરગતિ પામનાર તમામ શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પીએ અને યુદ્ધ લડનાર તમામ જાંબાઝોને બિરદાવીએ...સારે જહાં સે અચ્છા, હિન્દુસતાં હમારા...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial