Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિતના હિમાલયના ક્ષેત્રો પછી હવે જમ્મુ-કશ્મીર પર મેઘો કહેર બનીને વરસી રહ્યો છે અને વાદળો ફાટતા તબાહી મચી છે. વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરી દેવી પડી છે અને ભૂસ્ખલનના કારણે ઘણાં યાત્રાળુઓના જીવ ગયા છે. જ્યારે કેટલાક ઈજાગ્રસ્ત લોકોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલોમાં ખસેડાયા છે. આ કુદરતી કોપના કારણે સંદેશાવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને સંખ્યાબંધ લોકો ઠેર-ઠેર પૂર, કાટમાળ કે દુર્ગમ સ્થળે ફસાયા હોવાના અહેવાલો પછી દેશવ્યાપી હાહાકાર મચી રહ્યો છે.
મેઘાવી માહોલ અને અતિવૃષ્ટિ તથા પૂરના કારણે એક તરફ તારાજીના દૃશ્યો વાયરલ થઈ રહ્યા છે, તો બીજી તરફ એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક તંત્રો ઉપરાંત સેનાની મદદ પણ રાહત અને બચાની કામગીરી માટે લેવી પડી રહી છે. હવે જ્યારે ગણેશોત્સવનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે અને ગુજરાત-મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ગણેશજીની પ્રતિમાઓ સ્થાપીને વાજતે-ગાજતે તેઓને આવકાર અપાઈ રહ્યો છે, ત્યારે વિઘ્નહર્તાને આપણે વિકટ સ્થિતિમાંથી બચાવવા અને અસરગ્રસ્તોને સહાયભૂત થવાની પ્રાર્થના કરીએ. ગણેશજીની કૃપા સમગ્ર સૃષ્ટિ પર વરસતી રહે અને પ્રવર્તમાન વિઘ્નો તથા સંકટોમાંથી દુંદાળા દેવ સૌને ઉગારે, તેવી પ્રાર્થના સાથે ગણેશજીને આવકારીએ, અને સર્વમંગલ માંગલ્યની કામના કરીએ.
કેવડા ત્રીજ, ગણેશ ચતૂર્થી અને રખપાંચમના સળંગ ત્રણ વ્રતોનો મહિમા અને સંલગ્ન કથાઓ ભિન્ન-ભિન્ન હોવા છતાં ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ ત્રણેય વ્રતોમાં શ્રદ્ધાળુઓ વિશેષ સેવા, પૂજા-અર્ચના અને દાનપુણ્ય કરે છે તથા કેટલીક પરહેજીનું ચૂસ્ત પાલન કરીને વ્રત, કથા-કીર્તન કરે છે. બહેનો આ દરમ્યાન ઘર-પરિવાર, પતિ, સંતાનો અને સૌ કોઈના કલ્યાણ તથા સુખ-શાંતિ-સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. દેશમાં એક તરફ કુદરતી આફતોના કારણે હાહાકાર મચ્યો છે, ત્યારે બીજી તરફ દેશ અને દુનિયાની રાજકીય ઉઠાપટક અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રવાહોના એકશન-રિએક્શનના કારણે ખળભળાટ મચ્યો છે. ખાસ કરીને ટ્રમ્પે ભારત પર વધુ ૨૫ ટકા સાથે ટેરિફ ૫૦ ટકા કર્યો તેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.
ગુજરાતમાં તો ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદીના વાયદાઓ સાથે સત્તારૂઢ થયેલી રાજ્યની ભાજપ સરકાર પર પ્રચંડ પ્રહારો કરીને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ગોપાલ ઈટાલીયાએ વિસાવદરથી રાજ્યમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હોવાના દાવા સાથે યોજેલી સભામાં ઉમટેલી જનમેદની તથા મોટી સંખ્યામાં લોકો આમઆદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા હોવાની વાત કરી, તે પછી રાજ્યમાં ભાજપ-કોંગ્રેસના વિકલ્પ તરીકે આમઆદમી પાર્ટીને ગુજરાતની કંટાળેલી જનતા સેવાની તક આપશે ? તેવા વિશલેષણો થવા લાગ્યા છે, અને ગોપાલભાઈએ કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હોવાથી ગુજરાતમાં હવે રાજકીય ક્ષેત્રે ત્રિપાંખીયો જંગ જામશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ગુજરાતમાં પુનઃ વરસાદ પછી એક તરફ કેટલીક નદીઓમાં પૂર આવતા ખેતીને નુકસાન થયું હોવાના અહેવાલો આવી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યમાં ૯૫ ટકા વાવેતર થઈ ચૂક્યું છે અને આ વખતે મગફળીનું વાવેતર સર્વાધિક થયું હોવાનું કહેવાય છે. આ વર્ષે કઠોળ અને તેલીબીયાંનું વાવેતર થોડું વધ્યું છે અને કપાસનું વાવેતર પણ ૮૦ ટકાથી વધુ થયું હોવાના આંકડા બહાર આવ્યા છે. આ વર્ષે ખેડૂતોએ ફરીથી મગફળી અને કપાસ જેવા રોકડિયા પાકો તરફ ઝોક દર્શાવ્યો છે અને શાકભાજી, ઘાસચારો તથા કેટલાક પરંપરાગત સ્થાનિક પ્રયોગાત્મક વાવેતરો પણ થયા હોવાનું બહાર આવ્યુ છે. આ વર્ષે કેટલાક સ્થળે પૂરપ્રકોપથી અને જલભરાવ થતા ખેતીપાકને માઠી અસર પહોંચી છે, તેવા વિસ્તારોના અપવાદ સિવાય એકંદરે ખેત-ઉત્પાદન સારૃં થશે, તેવી આશા રખાઈ રહી છે.
આ વર્ષે ચોમાસામાં કેટલીક માનવસર્જિત કહી શકાય તેવી દુર્ઘટનાઓ પણ બની છે. દીવાલો ધરાશયી થતા, ગેસ ગળતરથી, કરંટ લાગવાથી કે ડૂબી કે તણાઈ જવાથી મૃત્યુના કિસ્સાઓ વધી રહ્યા છે. જામનગરમાં પણ થોડા દિવસો પહેલા દીવાલ પડવાથી ઘટના જીવલેણ પૂરવાર થઈ હતી.
ખાનગી મકાનો હોય કે સરકારી-અર્ધસરકારી સંકુલો હોય, જર્જરિત ઈમારતો એન બાંધકામો જોખમી સ્તરે પહોંચ્યા હોય, ત્યારે તેનાથી સતર્ક રહેવા અને તેવા જોખમો સામે તકેદારીના પગલા તત્કાળ લેવાની કાળજી હવે સૌ કોઈએ રાખવી જ પડશે. કારણ કે, "હોતી હૈ, ચલતી હૈ" અથવા જેમ ચાલે છે તેમ ચાલવા દેવાની મનોવૃત્તિથી ઘણી વખત પસ્તાવું પડે, તેવી જીવલેણ દુર્ઘટનાઓમાં પરિણમતી હોય છે.
ગઈકાલની મોડી રાત્રે જ મુંબઈના વિરારમાં કરૂણાંતિકા સર્જાઈ છે. એક નાની બાળકીનો ચોથા માળે જન્મદિવસ ઉજવાઈ રહ્યો હતો, ત્યારે જ ચાર માળની જર્જરિત એ ઈમારત ધડામ દઈને તૂટી પડતા બૂમાબૂમ થઈ ગઈ હતી. આ જર્જરિત ઈમારતનો એક હિસ્સો તૂટી પડતા કેટલાક રહેવાસીઓના જીવ ગયા હતા, તો કેટલાક લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવા પડ્યા હોવાના અહેવાલોએ હાહાકાર મચાવ્યો છે. આ પ્રકારની દુર્ઘટનાને માનવસર્જીત આફત અથવા માનવીની ઘોર બેદરકારીનું પરિણામ જ ગણી શકાય, આ ઈમારતમાં ડઝનેક પરિવારો વસવાટ કરે છે, જે પૈકી રાહત-બચાવ ટીમોએ ઘણાંને બચાવી લીધા હશે, પરંતુ આ દુર્ઘટના જર્જરિત અને જોખમી સ્થળે રહેતા લોકો માટે લાલબત્તી સમાન છે.
જામનગર સહિત હાલારમાં પણ ઘણાં સ્થળે તદૃન જોખમી અને જર્જરિત થયેલી ઈમારતોમાં જો લોકો રહેતા હોય, તો તેઓએ ચેતી જવાની જરૂર છે. આ પ્રકારની ઈમારતોમાં રહેતા લોકોને મોટા ભાગે મજબૂરીવશ થઈને ત્યાં રહેવું પડતુ હશે, કારણ કે જેઓને નિવાસ કરવા માટે કોઈ વિકલ્પ હોતો નથી અને નવું મકાન ખરીદી શકે, તેવી સ્થિતિ હોતી નથી, તેઓ જાય તો ક્યાં જાય ?
આ પ્રકારની સ્થિતિમાં રહેતા લોકો ગરીબીની રેખા હેઠળ જીવતા હોય તો તેઓને વિવિધ આવાસ યોજનાઓનો યોજનાકીય લાભ અપાવીને તત્કાળ અન્યત્ર ખસેડવા જોઈએ અને યોજનાકીય લાભો મળવાપાત્ર ન હોય, તેવા લોકો માટે સરકારે જ કોઈ નવી યોજના વિચારવી જોઈએ અને ત્યાં સુધી સમાજ અને સેવાભાવી સંસ્થાઓએ સહાયભૂત થવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial