Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં ફરી એક વખત પાટીદાર આંદોલનની ચર્ચા છેડાઈ ગઈ છે, અને આ કારણે, હાલમાં ભાજપના ધારાસભ્ય અને વર્ષ ૨૦૧૫માં આ અનામત આંદોલનનું નેતૃત્વ કરનાર હાર્દિક પટેલે પણ પ્રતિક્રિયા આપતા રાજયમાં પાટીદાર સમાજને પછાતવર્ગમાં સમાવવાનો એક દાયકાથી વધુ જુનો મુદ્દો ફરીથી છંછેડાયો છે, અને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવી રહેલી ચૂંટણીઓ પર પણ અસર પડી શકે છે. કદાચ, આ મુદ્દો ફરીથી સપાટી પર આવવાનું કારણ પણ "રાજકીય" જ હોઈ શકે છે. એક પાટીદાર ઉદ્યોગપતિએ આ મુદ્દો કદાચ સામાજિક દૃષ્ટિએ ઉઠાવ્યો હોય કે પછી અજાણતામાં પોતાનો દૃષ્ટિકોણ ઉઠાવી દીધો હોય તો પણ રાજકારણીઓની જમાત હવે આ મુદ્દો વધુ ને વધુ ચગાવશે, તે પણ હકીકત છે !
આ મુદ્દો છેડાયા પછી એક વધુ એવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે વિવિધ કારણે કેટલાક સમાજોની શહેરો તરફ વધતી દોટના કારણે ગામડાઓમાં તે સમાજોની ઘટી રહેલી વસતિની ચિંતાઓ પણ હવે સપાટી પર આવવા લાગી છે, અને તેના કારણે રાજ્યની તથા દેશની જ્ઞાતિ-જાતિ આધારિત વસતિ ગણતરીનો મુદ્દો પણ ફરીથી વેગ પકડવા લાગ્યો છે.
હકીકતે ગુજરાતમાં પંચાલ સમાજ બીજું સંતાન લાવનાર એટલે કે જે દંપતીને ત્યાં બીજા સંતાનનો જન્મ થાય, તેવા દંપતીને રૂ।. ૨૫ હજાર આપવાની જાહેરાતના અહેવાલો પછી રાજ્યમાં પંચાલ સમાજની ઘટી રહેલી વસતિની વાત કરી હતી. એ પછી હાલના ભાજપના ધારાસભ્ય અને વર્ષ ૨૦૧૫માં પાટીદાર આંદોલન ચલાવીને આનંદીબેન પટેલની સરકારને હચમચાવી નાખનાર યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે પાટીદારોને ગામડાઓને ધબકતા રાખવા અને ગામડાઓનું અસ્તિત્વ બચાવવા પર ભાર મુકતુ નિવેદન તો કર્યું પણ સાથે સાથે તેમણે શહેરોમાં રહેતા પાટીદારોને તેમનું ચૂંટણીકાર્ડ ગામડાઓનું જ રાખવાની અપીલ કરી હોવાના અહેવાલો પછી એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે. અને ગામડાઓમાં પાટીદાર સમાજની વસતિ પણ ઘટી રહી હોવાનો મુદ્દો છેડાઈ ગયો છે.
મીડિયા અહેવાલો મુજબ રાજ્યના સામાજિક માળખામાં થતા ફેરફારો તથા જ્ઞાતિ-સમાજ આધારિત જનસંખ્યાના મુદ્દે પાટીદાર અને પંચાલ સમાજની ચિંતાઓની સરખામણી તથા બંને દૃષ્ટિકોણ વચ્ચેના તફાવતની ચર્ચામાંથી શહેરીકરણના કારણે ગામડાઓ ખાલી થઈ રહ્યા હોવાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે, અને તેના કારણે ગામડાઓમાં ઝડપથી બદલાઈ રહેલા સામાજિક સમિકરણો તથા તેના આર્થિક અને પારિવારિક અસરોની ગહન ચર્ચા અને સામાજિક અને ગ્રામ્ય કક્ષાએ મનોમંથન શરૂ થઈ ગયું છે. હાર્દિક પટેલને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ તેમણે કહ્યું કે આજે આપણે શહેરો તરફ દોટ મૂકી રહ્યા છીએ, તેથી ગામડાઓમાં સમાજની વસતિ ઓછી થઈ રહી છે, જે આવનારા સમય માટે જોખમના સંકેતો છે. અમદાવાદ કે અમેરિકામાં સ્થાયી થનાર પાટીદાર પરિવારોને તથા તેઓના સંતાનોના ચૂંટણીકાર્ડ ગામડાઓના જ રાખવાની અપીલ કરવામાં આવી છે. આજે આ સામાન્ય લાગતી વાત દસ વર્ષ પછી ગામડાઓની સ્થિતિ બદલાશે, ત્યારે આ વાતની ગંભીરતા સમજાશે, તેમ જણાવીને ગામડાઓના અસ્તિત્વને ટકાવી રાખવા ગામડાઓમાં જ સામાજિક પ્રસંગો તથા સમૂહ લગ્નો યોજવાની અપીલ પણ કરવામાં આવી હતી.
આ મુદ્દો ચર્ચાની એરણે ચડતા વિશ્લેષકોના તારણો મુજબ પંચાલ સમાજ અને પાટીદાર સમાજની વસતિ ઘટાડાની આ ચિંતા સમાન જણાય છે. પરંતુ બંને ચિંતાઓમાં મૂળભૂત તફાવત છે. અને તેના સંદર્ભે જ પાટીદાર આંદોલન અને તેની ફલશ્રુતિઓ અંગે પણ ચર્ચા થઈ રહી છે. હાર્દિક પટેલનું મંતવ્ય એવું છે કે પાટીદાર આંદોલનના કારણે જ બિન અનામત વર્ગોને પણ ૧૦ ટકા અનામત મળી છે અને અન્ય રાહતો તથા પ્રોત્સાહનો પણ મળ્યા છે., તેથી અનામત વિરોધી આંદોલનના મુદ્દાને આગળ ધરીને પાટીદાર સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ નિષ્ફળ જવાનો છે, વગેરે...વગેરે...
હકીકતે પંચાલ સમાજની ચિંતા એવી છે કે એક જ સંતાન રાખવાનો ટ્રેન્ડ પંચાલ સમાજમાં વધી રહ્યો હોવાથી વસતિ ઘટી રહી છે, તેથી વસતિ વધારવા, સમતુલન જાળવવા અને અસ્તિત્વ ટકાવી રાખવા દંપતીઓને બીજુ સંતાન લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે, જયારે પાટીદાર અનામત, ઈડબલ્યુસી અથવા આર્થિક પછાત બિન અનામત વર્ગો માટે ૧૦ ટકા અનામત અને વર્તમાન સમયમાં શહેરીકરણ વધતા ગામડાઓમાં ઘટી રહેલી પાટીદાર સમાજની વસતિનો ઉલ્લેખ કરીને ગામડાઓ ભાંગી રહ્યા હોવાની થઈ રહેલી તર્કબદ્ધ દલીલો વચ્ચે મૂળભૂત તફાવત છે. પંચાલ સમાજમાં તો સમાજની ઘટી રહેલી વસતિની ચિંતા જ હોય તેમ જણાય છે, પરંતુ ગામડાઓ ભાંગી રહ્યા હોવાના તર્ક પાછળ કદાચ બહુહેતુક દૃષ્ટિકોણ હોઈ શકે છે, તેવા તારણો વિશ્લેષકો કાઢી રહ્યા છે.
એ હકીકત છે કે ગામડાઓ ભાંગી રહ્યા છે અને દેશનું અર્થકારણ ગામડાઓ પર વધુ નિર્ભર હોવાથી ગામડાઓ બચાવવા માટે શહેરો તરફ દોટ ઘટાડવાના અસકારક ઉપાયો કરવા જોઈએ, પરંતુ ગામડાઓમાંથી શહેરો તરફ કોઈ એક સમાજ કે સમુદાય નહીં, પરંતુ તમામ સમાજો-સમુદાયોના પરિવારો દોટ મૂકી રહ્યા છે, અને તે અટકાવવાના પ્રયાસોમાં ગ્રામ્યકક્ષાએ ભૌતિક, શૈક્ષણિક અને માળખાકિય સુવિધાઓ વિકસાવવા તથા તમામ સમાજોમાં જનજાગૃતિ ફેલાવવી જેવા ઉપાયો કરવા જ જોઈએ, અને પંચાલ સમાજની જેમ મંથન તમામ સમાજોમાં થાય, અને ગામડાઓમાંથી શહેરો તરફની દોટ ઘટે તેમાં કાંઈ ખોટું નથી, પરંતુ ગામડાઓમાં જ ચૂંટણીકાર્ડ રાખવાની અપીલને ટાંકીને આ મુદ્દે બહુહેતુક દૃષ્ટિકોણ હોવાની વાતને પણ સમર્થન મળી રહ્યું છે.
તટસ્થ વિશ્લેષકોના મંતવ્ય મુજબ પંચાલ સમાજ અને પાટીદાર સમાજની ચિંતા તથા ગામડાઓ ભાંગતા અટકાવવાની જરૂરિયાત હોવાની તમામ ચિંતાઓ વાજબી છે, અને ગામડાઓમાં જ ચૂંટણીકાર્ડ રાખવાની અપીલ થતી હોય અને તેથી ગામડાઓનું મહત્ત્વ જળવાઈ રહેતું હોય, તેમાં કાંઈ ખોટું નથી, પરંતુ આ ચિંતાની પાછળ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની આવી રહેલી ચૂંટણીઓનું ગણિત પણ હોઈ શકે છે, તેથી જ કહે છે કે "કહીં પે નિગાહેં...કહીં પે નિશાના..."
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial