Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે નિડર પત્રકારિત્વ, રજવાડી ઈતિહાસ અને સુગમ સાહિત્યસર્જનના ત્રિવેણીસંગમ સમા અમારા પથદર્શક, પ્રેરણાસ્ત્રોત અને પૂજનીય પિતાશ્રી સ્વ. રતિલાલભાઈ માધવાણીની પુણ્યતિથિ છે.
તેઓએ વર્ષ ૧૯૮૭ની ૨૨ જૂલાઈના દિવસે અંતિમવિદાય લીધી, એ દિવસે અમને વજ્રઘાત થયો હોય, તેવો આંચકો લાગ્યો હતો, અને અમે છત્રછાયા ગુમાવી દીધી હતી. માધવાણી પરિવાર તથા નોબત પરિવારનો આધારસ્તંભ જ જાણે ગુમાવી દીધો હોય, તેવી વેદના અનુભવાઈ હતી.
સેવા, સંઘર્ષ અને સત્યના ત્રિગુણી સંકલ્પો અને નિડર રિપોર્ટીંગ, સ્પષ્ટ અને સચોટ પ્રસ્તૂતિ તથા હાલારના ગામડે-ગામડે જઈને લોકોના અવાજને શાસન-પ્રશાસન અને સર્વોચ્ચ સત્તા સુધી પહોંચાડવાના એ પડકારરૃપ ભગીરથ કાર્યોના પ્રતાપે જ આઝાદીના પહેલા દાયકાથી ટાંચા સાધનો અને અલ્પ સુવિધાઓ સાથે પરિશ્રમના પરસેવાથી સિંચાયેલુ "નોબત" સાંધ્ય દૈનિક આજે ડિજિટલ પાંખે સાત-સમંદર પાર પણ પહોંચ્યુ છે અને ગામડાઓ ગલીઓ તથા શહેરોની શેરીઓ-મહોલ્લાઓમાં મૂળ સ્વરૃપે પણ વધુ ને વધુ પાંગરી રહ્યું છે. તેઓ ખોટું કરનારા માટે અત્યંત કઠોર હતા અને દીન-દુઃખીયા-પીડિતો માટે ખૂબ જ સંવેદનશીલ હતા. ગામડા, ગરીબો અને પીડિતો તેઓના પત્રકારિત્વના કેન્દ્રમાં જ રહેતા હતા, અને તેથી જ દાયકાઓ પહેલાથી તેઓ જન-જનમાં પ્રિય બન્યા હતા.
આજે પણ "નોબત"ની લોકપ્રિયતા અકબંધ છે, અને "નોબત સાંજની સોબત" નું સુત્ર એટલું જ પ્રસ્તુત છે. નવા યુગને અનુરૃપ ઈ-પેપર, બ્રેકીંગ ન્યુઝ, વીડિયો સમાચાર, ફેસબૂક-યુ-ટ્યુબ વેબસાઈટના માધ્યમથી "નોબત" આજે ગ્લોબલ બન્યું છે, તો બીજી તરફ આજે પણ એવા ઘણાં લોકો એવું કહેતા સંભળાય છે કે નોબત ન વાંચ્યુ હોય, ત્યાં સુધી ચેન પડતું નથી. આ પ્રકારની લોકપ્રિયતા તથા પ્રગતિ અમારા પૂ. પિતાશ્રીને જ આભારી છે.
તેઓ સાહિત્યકાર પણ હતા, અને આજે તેઓએ લખેલા પુસ્તકો અને ગ્રંથો દુર્લભ બન્યા છે. જામનગરની યશગાથા અને મહાગુજરાતની યશગાથા જેવા માહિતીપ્રદ ગ્રંથો તે જમાનામાં લખીને પ્રકાશિત કરવા અને તેમાં સચોટ વાસ્તવિકતા લખવી, એ કપરૃં કાર્ય તો રતિલાલભાઈ જ કરી શકે, તેવું તે સમયે પણ ચર્ચાતુ હતું., તેઓ હંમેશા કુદરતી આફતો, યુદ્ધ, ગંભીર અકસ્માતો જેવા સમયે હંમેશાં જરૃરતમંદોની પડખે ઊભા રહેતા હતા અને રક્તદાન કેમ્પ, તથા ખેલકૂદની પ્રવૃત્તિઓને પણ પ્રોસ્તાહિત કરતા રહેતા હતા. જ્ઞાતિઉત્કર્ષ, સમાજસેવા અને માનવસેવા તેઓનો મૂળ મંત્ર હતો. તેઓ અને અમારા પૂ. બા અમારા બધાના પ્રેરકબળ હતા. અખબાર ચલાવતા ચલાવતા અને પરિવારની જવાબદારીઓ સંભાળતા સંભાળતા તેઓએ ઘણો જીવન-સંઘર્ષ કર્યો, પરંતુ તેઓ ક્યારેય અટક્યા નહોતા, થાક્યા નહોતા કે ચમરબંધીઓ સામે પણ ઝુક્યા નહોતા. આજે પણ તેઓ અમારા પ્રત્યેક શ્વાસમાં ધબકે છે. તેઓના ઘડતરના કારણે જ અમે પણ મોટા મોટા પડકારોને પણ પડકારી શકીએ, તેવી ક્ષમતા ધરાવીએ છીએ.
તેઓ દેહસ્વરૃપે દાયકાઓ પહેલાથી વિદાઈ લઈ ગયા, પરંતુ પ્રેરણા, સંસ્કારો અને સદ્ભાવના સ્વરૃપે આજે પણ અમારી વચ્ચે ધબકે છે., તેઓની સ્મૃતિઓ જ અમારી પ્રેરણા અને તાકાત છે. આજે કોટિ-કોટિ વંદન સાથે તેઓને ભાવભરી શ્રદ્ધાંજલિ.
જામનગર
તા. ૨૨-૦૭-૨૦૨૫
- માધવાણી પરિવાર, નોબત પરિવાર