Advertisement
Author: નોબત સમાચાર

ડખ્ખે ન ચડવું હોય તો આટલું કરો

                                                                                                                                                                                                      

આપણને લાભ ન થાય તો કંઈ નહીં પરંતુ ગેરલાભ ન થવો જોઇએ એટલે જીવનમાં 'ચુની'ઝ લો' અપનાવવો. 'સામ સામી ખેંચાણી અને આપણી આંખ મીંચાણી' આ એક વાક્યમાં જીવનની શાંતિનો મંત્ર છુપાયેલો છે.

વાઇફ ટીપોય સાથે ભટકાઈ હોય ત્યારે તમે એ જોયું નથી એવું રાખો તો થોડું બબડી શાંત થઇ જશે પરંતુ જો 'શું થયું? વાગ્યું? થોડું ધ્યાન રાખીને...' વાક્ય પૂરૃં થાય તે પહેલાં ટીપોય તમારા કારણે જ વાગી તે સાબીત ન થાય ત્યાં સુઘી ન જંપે. ''ત્રણ વર્ષ પહેલાં મેં કીધું હતું કે અહીં કરતા ખુણામાં ટીપોય રાખો. નો માયના એમાં હું ભટકાણી''. બોલો લ્યો, ડખ્ખો ક્યાંય લેવા થોડો જાવો પડે?

બીજો નિયમ, જમવામાં પહેલા, ફોટામાં વચ્ચે અને સભામાં છેલ્લા.

આ નિયમનો ફાયદો સમજવા જેવો છે જમવામાં પહેલા એટલે પહેલી પંગત કે જમવાની શરૂઆત થાય કે તરત બધા કામ પડતાં મૂકી થાળી પકડવી. છેલ્લે ભાવતી વાનગી ખૂટી જાય અને પ્રસંગે આશીર્વાદ દેવાની જગ્યાએ વાનગી ન મળવાના ગુસ્સાને કારણે કંઇક બીજું નીકળી જાય તેના કરતા પહેલાં જપટ બોલાવી એ વાનગી ખૂટવાનું કારણ બનવું વધારે સારૃં.

ફોટામાં વચ્ચે, આપણો સ્વભાવ પહેલેથી જ અત્યંત માયાળુ હોય એટલે ઘરધણી એવું ઈચ્છે કે ફોટામાં નહીં હોય તો જ ચાલશે. આ માટે તેણે ફોટોગ્રાફરને દરેક વખતે સમજાવ્યું હોય કે આ ગ્રુપ ફોટામાં જે બાજુ ઊભા રહે તે બાજુ ભલે બીજા બે કપાય પણ આ ફોટામાં ન આવે તે અચૂક જોવું. પરંતુ આપણે વચ્ચે જ ગોઠવાઈ જઈએ તો બેય બાજુ કપાય આપણે નહી. ફોટોગ્રાફર સાથે આપણો ફોટો જોઈને ઘરધણીને ડખ્ખો થવો જોઇએ. આપણે વચ્ચે ન પડવું.

સભામાં છેલ્લે, અત્યારે રાજનીતિમાં નીતિ નથી રહી એટલે નીતિ વગરના લોકોની સભામાં ક્યારેક પાછળથી પથ્થરમારો થતો હોય છે. વટ મારવા આગળ બેસો આપણને એમ થાય કે ગામ પણ ભલે જાણે કે આપણી પહોંચ કેટલે સુધી છે. પરંતુ જયારે પાછલી બેન્ચવાળા કાંકરી ચાળો કરે ત્યારે આગલી બેંચે અદબવાળી અને બેસાવાવાળા નિશસ્ત્ર હોય વાક્ બાણ ચલાવી શકે પથ્થર નહીં અને તોલો રંગાઈ જાય.

એના કરતા સાચા જ્ઞાન પામેલા લોકો સાથે પાછળ બેસવું જેથી મુઠ્ઠીવાળી ભાગવામાં સરળતા રહે.

ક્યારેક કવિ સંમેલનમાં ગયાં છો? છેલ્લે જ બેસાય, ભૂલે ચૂકે જો કોઇ કવિને આગળ બેસી અને દાદ અપાઈ ગઈ તો આખું ખંડકાવ્ય તમને જોઈ અને બોલે. તમે દાદ આપતા થાકી જાવ એ કાવ્યો વાંચતા ન થાકે. તમારે જો વચ્ચે બાથરૂમ જવું હોય તો પણ એક છેલ્લી રચના ખાસ તમારા માટે એમ કહી અને અડધા ઊભા થયેલા તમને ફરી બેસાડે અને એવું જબરજસ્ત લાંબુ લાંબુ કાવ્ય જીકે અને દરેક કડી બે વાર બોલે જાણે તમને ગોખાવતા હોય તેવી રીતે હથોડાની જેમ ફેકે.

આવા અમુક ધરાહાર કવિઓ, કલાકારો, ગાયકો, હાસ્ય કલાકારોને કારણે જ એડલ્ટ ડાઇપરની શોધ થઈ હશે 'ન જઈશ ન જાવા દઈશ'. આવા સમયે છેલ્લી ખુરશીમાં આરામથી બેસી સહન થાય ત્યાં સુઘી સાંભળી પછી ઊભા થઇ ખંખેરી ચાલતા થઇ જવું. આગળથી ઊભા થવું એ ગાળો આપવા વાળાઓને જાતે આમંત્રણ આપવા જેવું જ કામ છે.

ડખ્ખો થાય એટલે ચુનિયાની જેમ મીંઢા થઈ જવું. એમાં પણ જો ચુનિયો વાંકમાં હોય તો એક અક્ષર ન બોલે સામેવાળાનું બ્લડ પ્રેશર વધે પણ ચુનિયો ન બોલે.

આજકાલના જુવાનિયાઓને હાલતા ડખ્ખા થાય છે. નાની નાની વાતમાં બ્રેક અપ બોલો. અમારે જોવો બંગડીના ધોકા વાગી વાગી અને લીલ જામ થઇ જાય છે તોય બ્રેક અપ? શક્ય જ નથી. ડખ્ખામાં જીત મેળવવા પુરૂષો તરત જ સોરી બોલી પ્રયત્ન કરતા હોય છે. પણ પત્નીઓને એમાં મજા ન આવે. હમણાં એક જગ્યાએ લગ્નના ૪૦ વર્ષે એક માજીએ છૂટાછેડા લેવા કોર્ટમાં કેસ દાખલ કર્યો. જજે પૂછ્યું કે ડખ્ખો શું છે કે આટલાં વર્ષે હવે આ છૂટાછેડા? માજી કહે, 'સવારથી એની (ભાભાની) કચકચ ચાલું હોય હુ બધું સાંભળુ, મારૃં નાનું મોટુ કામ પતાવી, જમીને રાડારાડ કરવાની તાકત ભેગી કરી અને હું ચાલું પડું, જજ સાહેબ આમ મારૃં બોલવાનું ચાલું થાય કે તરત એનું સાંભળવાનું મશીન કાનમાંથી કાઢી નાખી અને બોખા મોઢે આપણી સામુ ખીખી.. ખીખી.. હસીને શેર લોહી બળાવે મારે કોઈદી આનંદ જ નહીં લેવાનો?

ડખ્ખો શબ્દ જ એવો છે કે બીજાનો હોય તો જ ગમે. પણ જીવનમાં શાંતિ જોઈતી હોય તો ડખ્ખાથી દૂર રહેવું.

વિચારવાયુઃ- આ શેનો ડખ્ખો છે?

કંઈ નહીં 'ડખ્ખાથી દૂર રહો' વિષય પર પરિસંવાદ હતો.

પહેલા કોણ બોલશે એમાં દલીલ થઇ અને...

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh