Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહાનગરપાલિકા તંત્ર શ્રાવણિયા લોકમેળાના આયોજનની વિગતો જાહેર કરવામાં હજી પણ અવઢવમાં

                                                                                                                                                                                                      

રાજકોટના લોકમેળાના ફૂલપ્રૂફ આયોજનની વિગતો જાહેર થઈ... જામનગર મનપા તંત્ર ક્યારે કરશે?

જામનગર તા. ૩૧: સૌરાષ્ટ્રમાં રાજકોટમાં શ્રાવણ મહિનામાં યોજાતા જન્માષ્ટમીના મેળા કદાચ હાલના સમયગાળામાં સર્વાધિક લોકપ્રિય બન્યા છે. દર વર્ષે પાંચ-છ લાખ કે તેનાથી વધુ લોકો મેળાનો આનંદ માણે છે.

રાજકોટના લોકમેળાનું આયોજન જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવે છે, અને પરિણામે સંપૂર્ણપણે જિલ્લા વહીવટી તંત્રની જવાબદારી અને માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા કલેક્ટર દ્વારા મેળાના આયોજનમાં રાઈડ્સનો મુદ્દો હોય કે સુરક્ષાનો મુદ્દો, આરોગ્યવિષયક બાબત હોય કે ટ્રાફિક નિયમન હોય, દરેકે દરેક બાબતોમાં ક્યાંય જરાપણ બાંધછોડ કર્યા વગર ફૂલપ્રૂફ આયોજનની સંપૂર્ણ વિગતો જનતા સમક્ષ જાહેર કરી છે.

વિશાળ મેદાનમાં રાજકોટના લોકમેળા યોજાય છે, જ્યાં આવવા-જવાના તમામ માર્ગો પર ટ્રાફિક જામ ન થાય તે માટે સતત ટ્રાફિક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મેળાના સ્થળની આસપાસ આડેધડ પાર્કિંગ ના થાય કે અન્ય લારી, પાથરણાના દબાણો ના થાય તેવી કડક બંદોસ્ત સાથેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

મેળાના પરિસરમાં ચાર ઊંચા વોચ ટાવર ગોઠવવામાં આવશે, જેના પરથી મેળાની સમગ્ર પરિસરમાં ચાંપતી નજર રાખવામાં આવશે. તેમજ સમગ્ર વિસ્તારમાં ર૪ કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવશે.

રેવન્યુ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ૧૦૦ સભ્યોની ટીમો બનાવી મેળામાં ભાવબાંધણા સહિતની તમામ બાબતો અંગે સતત ચેકીંગ કરતા રહેશે. મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની પણ ટીમો મેળામાં ખાણી-પીણીના સ્ટલો પર દર બે-ત્રણ કલાકે ખાદ્ય પદાર્થોની શુદ્ધતા-ગુણવત્તા અંગે ચેકીંગ કરશે. ખાણીપીણીના ભાવના બોર્ડ લગાડવાની સૂચના આપવામાં આવી છે.

મેળામાં ખાસ કરીને તમામ ખાણીપીણીના સ્ટોલ તેમજ તંત્રના પાણીના સ્ટેન્ડ પર મહાનગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે તેનો જ ઉપયોગ કરવાની તાકીદ કરવામાં આવી છે. પીવાના પાણીની પ્લાસ્ટિકની બોટલોના પાણીનું પણ ચેકીંગ કરવામાં આવશે.

મનોરંજનના સાધનોવાળા માટે રાઈડ્સ પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવ્યા છે, તે મુજબ જ ભાવ લઈ શકશે. જો વધુ ભાવ લેવાની ફરિયાદ થશે તો રાઈડ્સવાળા વિરૂદ્ધ લાયસન્સ રદ્ કરવા સુધીની કાર્યવાહી કરવાની પણ તાકીદ તંત્રએ આપી દીધી છે.

આ વિગતો માત્ર ટેન્ટેટીવ છે. બાકી ડીટેઈલમાં વિગતવાર આયોજનના તમામ મુદ્દાઓ રજુ થયા છે અને તે માટે પોલીસ વિભાગ, ટ્રાફિક પોલીસ, ફાયરબ્રિગેડ, મનપા તંત્ર, વીજતંત્ર સહિતના તમામ વિભાગોને ચોક્કસ જવાબદારી સોંપી દેવામાં આવી છે.

રાજકોટના લોકમેળાના આયોજનની આ વિગતો રજૂ કરવાની પ્રસ્તાવના ભલે લાંબી હોય, પણ... તેની સરખામણી જામનગરના લોકમેળાના આયોજન સાથે કરવી પડે.!!

જામનગરમાં લોકમેળાનું આયોજન મહાનગરપાલિકા કરે છે. પરિણામે ચૂંટાયેલા શાસકોના નિર્ણયો સાથે આયોજન થાય છે. આ મેળાના આયોજન અંગે મનપા દ્વારા હજી સુધી રાજકોટના આયોજક તંત્ર દ્વારા જે રીતે વિગતો-સૂચનાઓ-જાહેર થઈ છે તે મુજબ અહીં હજી કાંઈ ઠેકાણા નથી.

અડધા પ્રદર્શન મેદાનમાં વોચ ટાવર સહિતની સુરક્ષાની વ્યવસ્થા અંગે ભલે નક્શામાં દર્શાવાયું હોય, પણ અન્ય તમામ ગંભીર મુદ્દાઓ અંગે મનપા તંત્ર હજી કાં તો અવઢવમાં છે, અથવા જાહેર કરતા ક્ષોભ અનુભવે છે.

જામનગરમાં લોકમેળા દરમિયાન મેળાના સ્થળે મનપા તંત્ર કે વહીવટી તંત્રના કોઈ જવાબદાર અધિકારી ફરકતા સુદ્ધા નથી. ખાણીપીણી અંગે ફરિયાદ હોય તો વહીવટી તંત્ર હાથ ઊંચા કરી દ્યે છે, જ્યારે ભાવ વધારો કરી લૂંટ ચલાવનારા અંગે ફરિયાદ હોય તો મનપા તંત્ર હાથ ઊંચા કરી દ્યે છે, કે આ અમારી સત્તામાં નથી. ટેન્ડરની શરતોમાં શું ભાવ બાંધણાની શરત હોતી નથી.

આપણે સૌ ઉત્સવ પ્રેમી, શોખીન નગરજનો લોકમેળાનું સુંદર, વ્યવસ્થિત આયોજન નિર્વિઘ્ન પાર પડે તેવી આશા રાખવા સાથે પ્રભુને પ્રાર્થના પણ કરીએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh