Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાં વેપારીની નજર ચૂકવી છએક લાખના દાગીનાની ઉઠાંતરીઃ રાજકોટનું દંપતી ઝડપાયું

અન્ય એક મહિલાની શોધખોળ જારીઃ રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: કાલાવડની મુખ્ય બજારમાં જવેલર્સની દુકાન ચલાવતા એક વેપારી પાસે સોમવારે બપોરે ગ્રાહક બનીને આવેલા એક મહિલાએ વેપારીની નજર ચૂકાવી રૂપિયા છએક લાખની કિંમતના સોનાના દાગીના ભરેલા ડબ્બાની ઉઠાંતરી કરી હતી. જેની પોલીસમાં ફરિયાદ થયા પછી શરૂ થયેલી તપાસમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. રાજકોટમાંથી પોલીસે એક શખ્સ તથા તેની પત્નીની રૂ.૫,૫૬,૫૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આ શખ્સની માતા તથા બાકીના મુદ્દામાલની શોધ આદરી છે.

કાલાવડ શહેરમાં મુખ્ય બજાર નજીક સ્વામીનારાયણ શેરીમાં વસવાટ કરતા અને કાલાવડની મુખ્ય બજારમાં મંગલમ્ જવેલર્સ નામની દુકાન ચલાવતા જયેશભાઈ નવીનચંદ્ર ઝીંઝુવાડીયા નામના વેપારી સોમવારે સવારે નિત્યક્રમ મુજબ પોતાની દુકાને આવ્યા હતા. જ્યાં બપોરે પોણા બારેક વાગ્યે એક મહિલા ગ્રાહક તરીકે દુકાનમાં પ્રવેશ્યા હતા.

આ મહિલાએ જયેશભાઈને દાગીના બતાવવાનું કહ્યા પછી ભાવતાલ શરૂ કર્યા હતા. તે દરમિયાન જયેશભાઈને કોઈ વ્યક્તિનો મોબાઈલ પર કોલ આવતા ઓનલાઈન પૈસા મોકલી આપવાની વાતમાં મશગુલ બનેલા જયેશભાઈની નજર ચૂકાવી આ મહિલાએ કાઉન્ટરની સામેની તરફ અન્ય ટેબલ પર પડેલો સોનાના દાગીના ભરેલો પ્લાસ્ટિકનો ડબ્બો ઉઠાવી પોતાના થેલામાં મૂકી દીધો હતો અને તે પછી ભાવ ઓછો કરવાનું કહી આ મહિલા મારી દીકરીને પૂછી લઉં તેમ કહી દુકાનમાંથી ચાલી ગઈ હતી.

ત્યારપછી સાંજે જ્યારે જયેશભાઈએ દુકાનમાં ચેક કરતા પ્લાસ્ટિકનો દાગીના ભરેલો ડબ્બો જોવા ન મળતા તેઓએ હાંફળાફાંફળા બની તપાસ કરી હતી જેમાં દુકાનમાં રાખેલા સીસીટીવીમાં બપોરે પોણા બારેક વાગ્યે ગ્રાહક બનીને આવેલી મહિલાએ મોબાઈલમાં વાત કરતા બેધ્યાન બનેલા વેપારીની નજર ચૂકાવી તે ડબ્બાની ઉઠાંતરી કરી લીધાનું જણાઈ આવ્યું હતું.

તે ડબ્બામાં રાખવામાં આવેલી જુદી જુદી ત્રણ ડબ્બી જેમાં સોનાનો પેંડલ સેટ, ઝુલા જોડી, રૂદ્રાક્ષના ત્રણ પારા, બાળકો માટેની સોનાની લક્કી, નજરીયાની ચાર જોડી, સોનાનું છત્તર, સોનાના ૨૩ ઓમકાર, બાળકોની નવ વીટી, નાકની ૧૦૭ બાલી, કાગળના પેકેટમાં વીંટીને રાખેલા સોનાના નાકના ૭ર દાણા મળી ૭૯.૩૦૦ ગ્રામ સોનાના દાગીના હતા. આમ કુલ રૂ.પ,૯૩,૮૫૪ની કિંમતના સોનાના દાગીના આ મહિલાએ ચોરી કરી લીધાનું જણાઈ આવ્યું હતું.

ઉપરોક્ત બનાવની પોલીસને જાણ કરાયા પછી કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ એન.વી. આંબલીયાના માર્ગદર્શન હેઠળ જમાદાર ધાનાભાઈ મોરી, જીતેન પાગડાર, આર.એચ. જાડેજા, પ્રકાશ મકવાણા તથા ભારતીબેન વાડોલીયાએ જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસે તે દુકાનના સીસીટીવી ફૂટેજ ચકાસતા તેમાં દેખાતા મહિલાના સગડ મળ્યા હતા. તે સગડ દબાવતી પોલીસ રાજકોટ સુધી તપાસનો દૌર લઈને પહોંચી હતી.

તે દરમિયાન રાજકોટના સંતકબીર રોડ પર આંબાવાડી કવાર્ટરમાં રહેતા કિશન ભૂપત સોલંકી અને તેની પત્ની પૂજા કિશન સોલંકી ઝડપાઈ ગયા હતા. આ દંપતીની સઘન પૂછપરછ કરવામાં આવતા ચોરીના આ બનાવ પરથી પરદો ઉંચકાઈ ગયો છે.

આ વ્યક્તિઓએ પોલીસ સમક્ષ પોપટ બની જઈ ગુન્હાની કબૂલાત આપી છે. જેમાં ખૂલ્યા મુજબ આ દંપતી પૈકીના કિશનની માતા કિરણબેન ભૂપતભાઈ સોલંકી સોમવારે મંગલમ્ જવેલર્સમાં ગ્રાહક બનીને ગઈ હતી. જ્યાં તેણીએ દાગીના બતાવવાનું વેપારીને કહી દાગીના જોવાનું શરૂ કર્યું હતું ત્યારે જ વેપારીને મોબાઈલ પર કોલ આવી જતા અને તે વેપારી વાતોમાં મશગુલ બનતા કિરણબેને સોનાના દાગીના ભરેલો ડબ્બો ડીસ્પલે ટેબલ પરથી ઉઠાવ્યો હતો અને પોતાના બ્લુ રંગના થેલામાં સેરવી દીધો હતો. ઉપરોક્ત બનાવ વેળાએ તેનો પુત્ર કિશન તથા પુત્રવધૂ પૂજા દુકાનની બહાર રિક્ષામાં બેઠા હતા. ડબ્બો લઈને આવેલા કિરણબેનની સાથે ત્રણેય વ્યક્તિ રિક્ષામાં ત્યાંથી રવાના થઈ ગયા હતા. પોલીસે સીસીટીવીમાં દેખાતી મહિલાના દબાવેલા સગડ વચ્ચે કાલાવડની મુખ્ય બજારમાંથી નીકળેલી રિક્ષા જુદા જુદા સ્થળે થઈ કાલાવડની બહાર જતી જોવા મળી હતી અને પોલીસે ધીરજથી તે તમામ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા પછી આરોપીઓના સગડ પામી લીધા હતા અને ગણતરીની કલાકોમાં દબોચી પણ લીધા હતા.

પોલીસે હાલમાં એક લક્કી, એક પારો, ૪૪ નંગ દાણા, એક બુટી, બાળકોની નવ વીટી, ૨૩ નંગ ઓમકાર, છ કડી, ત્રણ બુટી, બે મોબાઈલ અને જીજે-૩-સીટી ૫૪૭૯ નંબરની રિક્ષા અને રૂ.૧ લાખ ૪૦ હજાર રોકડા કબજે કરી પૂજા તથા કિશનની ધરપકડ કરી છે અને કિરણબેનની શોધ યથાવત રાખી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh