Advertisement
Author: નોબત સમાચાર

ઈઝરાયલ, અમેરિકા, ઈરાનની લડાઈ પ્રથમ ૧૦ દિવસમાં ૪૩૦૦ લોકોને ભરખી ગઈ : પરસ્પર હુમલાઓ યથાવત

૫શ્ચિમ એશિયાના યુદ્ધનો આજે ૧રમો દિવસઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૧: ઈઝરાયલ-ઈરાન-અમેરિકા વચ્ચે પ્રથમ ૧૦ દિવસનું યુદ્ધ ૪૩૦૦ લોકોને ભરખી ગયું છે. આજે મધ્ય-પૂર્વ સંઘર્ષનો ૧ર મો દિવસ છે. જાન-માલને ભારે નુક્સાન પહોંચ્યું છે, તો ઈરાન અને ઈઝરાયલ-અમેરિકી પરસ્પર હુમલાના દાવા કરી રહ્યા છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધમાં જાનમાલનું નોંધપાત્ર નુક્સાન થયું છે. હેંગાવ માનવ અધિકાર સંગઠન અનુસાર યુદ્ધના પહેલા ૧૦ દિવસમાં ઓછામાં ઓછા ૪,૩૦૦ લોકો માર્યા ગયા છે. આમાં આશરે ૩૯૦ નાગરિકોનો સમાવેશ થાય છે, જ્યારે આશરે ૩,૯૧૦ ઈરાની સરકારી સૈન્ય અને સુરક્ષા દળોના સભ્યો હતાં. આ આંકડા ૧ માર્ચ, ર૦ર૬ થી ૯ માર્ચ, ર૦ર૬ વચ્ચે થયેલા હુમલાઓ પર આધારિત છે.

આજે અમેરિકા-ઈઝરાયલ-ઈરાન યુદ્ધનો ૧ર મો દિવસ છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૧૪૦ અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે, જ્યારે સાતના મૃત્યુની પુષ્ટિ થઈ છે. ઈરાનનું કહેવું છે કે તેના દેશમાં થયેલા હુમલાઓમાં લલગભગ ૮,૦૦૦ ઘરોને નુક્સાન થયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂત અમીર સઈદ ઈરાવાનીના જણાવ્યા અનુસાર દેશમાં લગભગ ૯,૬૦૦ નાગરિક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતાં, જેમાં ઘરો, બજારો, હોસ્પિટલો, તબીબી કેન્દ્રો અને શાળાઓનો સમાવેશ થાય છે.

દરમિયાન ઈરાને એવો પણ દાવો કર્યો છે કે તેણે ઘણાં ઈઝરાયલી શહેરો પર મિસાઈલ હુમલા કર્યા છે. ઈરાનના મતે હાઈફા, જેરૂસલેમ અને તેલ અવીવને નિશાન બનાવવામાં આવ્યા હતાં. અહેવાલ મુજબ ર૪ ઈરાની પ્રાંતોના ૧૬૭ શહેરોમાં લશ્કરી અને સરકારી લક્ષ્યો પર હવાઈ અને મિસાઈલ હુમલાઓ કરવામાં આવ્યા હતાં. આ હુમલાઓમાં ઈસ્લામિક રિવોલ્યુશનની ગાર્ડ કોર્પ્સના બેઝ, બાસીજ સેન્ટર, લશ્કરી એરપોર્ટ, મિસાઈલ ઈન્સ્ટોલેશન, પોલીસ સ્ટેશન, ગુપ્તચર એજન્સીઓ અને લશ્કરી કેમ્પ સહિત અનેક મુખ્ય સ્થળોએ નિશાન બનાવવામાં આવ્યા હતાં. તપાસમાં જાણવા મળ્યું છે કે, મોટાભાગના માર્યા ગયેલા સૈનિકો ઈરાની સેના, વાયુસેના અને આઈઆરજીસીના હતાં. સૌથી વધુ લશ્કરી નુક્સાન તેહરાન, કરમાનશાહ, હોર્મોઝગન, કુર્દીસ્તાન પ્રાંત અને સિસ્તાન અને બલુચિસ્તાનમાં નોંધાયું હતું.

સૌથી વધુ નાગરિક જાનહાનિ હોર્મોઝગન પ્રાંતમાં થઈ હતી. પ્રાથમિક શાળા, હજારેહ તૈયબેહમાં ઘણી મહિલા વિદ્યાર્થિનીઓના પણ મોત થયા હોવાના અહેવાલ છે. તેહરાન, ફાર્સ, રઝાવી ખોરાસન, કાઝવિન, અલ્બોર્ઝ, પશ્ચિમી અઝરબૈજાન અને પૂર્વ અઝરબૈજાનમાં પણ નાગરિકોના મોત થયાના અહેવાલ છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કેટલીક જગ્યાએ ઈરાની લશ્કરી દળોએ તેમની સ્થિતિ છોડી દીધી છે અને શાળાઓ, શયનગૃહો અને મસ્જિદોમાં સ્થાન લેવાનું શરૂ કરી દીધું છે. માનવ અધિકાર સંગઠન કહે છે કે જો સૈન્ય રહેણાંક વિસ્તારોમાં હાજર રહે છે, તો તે નાગરિક જાનહાનિનું જોખમ વધુ વધારી શકે છે.

રિપોર્ટ અનુસાર સ્થાનિક રહેવાસીઓએ મારીવાનના મોસ્ક-ર વિસ્તારમાં વિરોધ કર્યો હતો અને સરકારી સૈનિકોને સ્પોર્ટસ હોલમાં બેઝ સ્થાપતા અટકાવ્યા હતાં. તપાસ મુજબ યુદ્ધના પહેલા દસ દિવસમાં ઈલમ, કરમાનશાહ, કુર્દીસ્તાન પ્રાંત અને પશ્ચિમી અઝરબૈજાનના ૩ર શહેરોમાં આશરે ૧૮૦ લશ્કરી સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો. ફક્ત આ ચાર પ્રાંતોમાં લગભગ ૯૦૦ સૈનિકો અને સુરક્ષા દળના સભ્યો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે.

માનવ અધિકાર સંગઠન કહે છે કે, ઘણાં કિસ્સાઓમાં સરકારે લશ્કરી જાનહાનિના ચોક્કસ આંકડા જાહેર કર્યા નથી. ખાસ કરીને કુર્દિશ વિસ્તારોના આંકડા છૂપાવાયા હોય તેમ જણાય છે. સંગઠને આંતરરાષ્ટ્રીય સંગઠનોને અપીલ કરી છે કે તેઓ યુદ્ધ દરમિયાન નાગરિકોનું રક્ષણ કરવા અને સચોટ માહિતી જાહેર કરવા માટે તમામ પક્ષો પર દબાણ કરે. અહેવાલમાં જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર યુદ્ધ દરમિયાન નાગરિકોનું રક્ષણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોવું જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh