Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશમાં ચોમાસુ બેસી ગયું અને વિવિધ રાજ્યોમાં મેઘમહેર થઈ. ઘણાં વિસ્તારોમાં આંધી, તોફાન સાથે અતિવૃષ્ટિ થતા મેઘમહેર કહેરમાં પણ બદલાઈ ગઈ છે. બીજી તરફ સંસદના ચોમાસુ સત્રમાં પણ પ્રારંભથી જ ચોમાસાની આંધી-તોફાન અને અતિવૃષ્ટિ જેવા દૃશ્યો ઊભા થયા, અને અંતે સરકારે ઓપરેશન સિંદૂર પર વિસ્તૃૃત ચર્ચાની વિપક્ષોની માંગણી સ્વીકારવી જ પડી. ગઈકાલે મધ્યરાત્રિ વીતી ગયા પછી પણ ચાલુ રહેલી આ ચર્ચા આજે પણ ચલાવવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ અને આજે રાજ્યસભામાં આ જ મુદ્દે ચર્ચા થયા પછી સરકારના જવાબ પર સૌની નજર રહેવાની છે.
ગઈકાલે લોકસભામાં થયેલી ચર્ચા દરમ્યાન વિપક્ષો દ્વારા સરકાર પર આક્ષેપો વરસાવ્યા અને સરકાર પક્ષ તરફથી તેનો પલટવાર થયો, તે ભારે મેઘગર્જના અને આકાશી વીજળી તથા તોફાની પવન સાથે થતા સુપડાધાર વરસાદ જેવા હતા. સણસણતા સવાલો અને તેના જુસ્સેદાર જવાબો વચ્ચે વચ્ચે થતી તેજાબી ટિપ્પણીઓ વચ્ચે પણ બધા જ પક્ષો ભારતીય સેનાની પ્રશંસા કરી રહ્યા હતા, પહલગામમાં આતંકવાદીઓના કાયરતાપૂર્ણ અને ધર્મ પૂછીને કરાયેલા નિંદનિય હૂમલામાં જીવ ગુમાવનાર પર્યટકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા હતા, એટલું જ નહીં, પડોશી દેશ પાકિસ્તાનના પ્રપંચોને પણ વખોડી રહ્યા હતા, તેમાંથી મતભેદો વચ્ચે પણ દેશભક્તિથી તરબતર એક પ્રકારની એકજૂથતા તથા ભારતીય સંસ્કૃતિની પ્રબળતા દર્શાવી રહ્યા હતા, તે જ ભારતની તાકાત છે.
ગઈકાલે સંસદમાં ચર્ચા ચાલી રહી હતી, તે દરમ્યાન જ જમ્મુ-કાશ્મીરથી એવા અહેવાલો આવ્યા કે ભારતીય સેનાએ "ઓપરેશન મહાદેવ" માં મોટી સફળતા મેળવી છે અને ત્રણ ખૂંખાર પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. આ ત્રણ આતંકવાદીઓ પૈકીનો હાશિમ મુસા ઉર્ફે સુલેમાન પહલગામમાં નિર્દોષ પર્યટકોને તેઓના પરિવારજનોની નજર સામે જ ધર્મ પૂછીને બર્બરતાથી હત્યા કરવાના ષડ્યંત્રનો માસ્ટર માઈન્ડ હોવાનું પણ જાહેર કરાયું હતું. જો કે, જે ચાર-પાંચ આતંકવાદીઓએ પહલગામમાં બર્બરતાપૂર્ણ કૃત્ય કર્યુ હતું તેઓની ઓળખ તો થઈ ગઈ છે, પરંતુ તે તમામને મોતને ઘાટ નહીં ઉતારાય, ત્યાં સુધી આ હૂમલામાં જીવ ગુમાવનાર પર્યટકોના પરિવારજનોને ન્યાય મળવાનો નથી અને ભારતીય સેના એ માટે સરહદે પ્રયત્નશીલ જ હશે, પરંતુ આ જ મુદ્દે સંસદમાં જે કાંઈ થઈ રહ્યું છે, તે જોતા મોદી સરકાર સવાલોના ઘેરામાં છે.
ગઈકાલે સંસદમાં જ્યારે ઓપરેશન સિંદૂર અંગે જોરદાર ચર્ચા થઈ રહી હતી ત્યારે સુપ્રિમ કોર્ટમાં પણ કેટલાક મહત્ત્વપૂર્ણ કેસોમાં સુનાવણી દરમ્યાન દલીલો અને અદાલતના સણસણતા સવાલોના કારણે ગરમાગરમ ચર્ચા થઈ રહી હતી.
હકીકતે સંસદમાં જસ્ટિસ વર્મા સામે તેના સળગેલા ઘરમાંથી મળી આવેલી બળી ગયેલી ચલણી નોટોના કેસમાં મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને તેમને જજના હોદ્દા પરથી હટાવવા દોઢસો થી વધુ સાંસદોની સહી સાથેનો પ્રસ્તાવ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ રજૂ થયો છે. તેવી જ રીતે રાજ્યસભામાં પણ નિયમાનુસાર ૫૦થી વધુ સાંસદોની સહી સાથે આ પ્રસ્તાવ મુકાયો છે.
આ પ્રક્રિયા અટકાવવા અને મહાભિયોગની ભલામણને રદ કરવાની જસ્ટિસ વર્માની અરજી સામે સર્વોચ્ચ અદાલતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી, અને જસ્ટિસ વર્માના વકીલ કપિલ સિબ્બલને સણસણતા સવાલો કર્યા હતા. અદાલતે પુછયું કે જો તમને સર્વોચ્ચ અદાલતે રચેલી તપાસ સમિતિ સાથે જ વાંધો હતો, તો તમે તેની સમક્ષ શું એવું વિચારીને હાજર થયા હતા કે સમિતિનો ફેંસલો તમારી તરફેણમાં જ હશે ?
વાસ્તવમાં સુપ્રિમ કોર્ટે રચેલી ત્રણ સભ્યોની સમિતિએ તપાસ કરીને આપેલા રિપોર્ટમાં સ્પષ્ટપણે જસ્ટિસ વર્માને દોષિત ઠરાવ્યા હતા અને તે પછી જ સર્વોચ્ચ અદાલતે આ રિપોર્ટ રાષ્ટ્રપતિ અને સરકારને મોકલ્યો હતો, તથા મહાભિયોગની દરખાસ્તો રજૂ થઈ હતી, તેથી હવે જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને મહાભિયોગની દરખાસ્તો સંસદમાં પેન્ડીંગ છે, તેવી સ્થિતિમાં સુપ્રિમ કોર્ટ અંતિમ નિર્ણય શું લેશે, તે સંદર્ભે સૌ કોઈની નજર આ કેસમાં આજની સુનાવણી પર મંડાયેલી હતી.
સુપ્રિમ કોર્ટમાં આજે પણ આ મુદ્દે સુનાવણી ઉપરાંત અન્ય કેટલાક મહત્ત્વપૂર્ણ કેસોની ચાલી રહેલી કાર્યવાહીના કારણે સુપ્રિમ કોર્ટ અને સંસદની ગતિવિધિઓની સીધી અસરો રાજકીય ક્ષેત્રમાં પણ પડી રહી છે.
બીજી તરફ ગઈકાલે બિહારમાં મતદાર યાદીના પુનઃ નિરીક્ષણ કરીને નવી મતદાર યાદીઓ પ્રકાશિત કરતા ચૂંટણીપંચને અટકાવવાના કેસમાં સુપ્રિમ કોર્ટે ચૂંટણીપંચને રાહત આપી દીધા પછી તેના રાજકીય પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે., સુપ્રિમ કોર્ટે અરજદારની આ અરજી ફગાવી દેવાની સાથે સાથે ચૂંટણીપંચને કેટલાક સૂચનો પણ કર્યા છે, અને આજે આ મુદ્દે નવી મુદૃત પડશે, તેવું લાગે છે, પરંતુ આ મહત્ત્વપૂર્ર્ણ મુદ્દો હવે રાષ્ટ્રીય બનવાનો છે અને આ અંગે સુપ્રિમ કોર્ટ જે કાંઈ અંતિમ ચુકાદો આપે, તેના પર જ આ પ્રકારે દેશવ્યાપી મતદારયાદી સુધારણાના ચૂંટણીપંચના માસ્ટર પ્લાનનો આધાર રહેવાનો છે.
આ મુદ્દે કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર જૂથ), શિવસેના (યુટીબી), સમાજવાદી પાર્ટી, જેએમએમ, સીપીઆઈ વગેરે પોલિટિકલ પાર્ટીઓએ સુપ્રિમ કોર્ટમાં ધા નાખી છે. બિહારની ચૂંટણી પહેલા એસઆઈઆર એટલે કે મતદારયાદીની ચકાસણી અને સુધારણાની આ કાર્યવાહીના ટાઈમીંગ સાથે પણ વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. કેટલાક વિપક્ષી નેતાઓએ વ્યક્તિગત રીતે પણ આ જ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં અરજીઓ કરી છે, અને તેની વિસ્તૃત સુનાવણીઓ પછી જ સુપ્રિમ કોર્ટનો ફેંસલો આવશે, પરંતુ હાલ સુધી તો ચૂંટણીપંચની આ પ્રક્રિયા યથાવત જ રહેશે, તેવી ચોખવટ થઈ જતા હવે રાજકીય પક્ષો આ મુદ્દે નવેસરથી રણનીતિઓ ઘડી રહેલા હોય તેમ જણાય છે.
હરિદ્વારમાં મનસાદેવીમાં ભાગદોડની ઘટના પછી આજે ૧૮ કાવડિયાઓના મૃત્યુ એક જબરદસ્ત માર્ગ-અકસ્માતમાં થયા હોવાની દુર્ઘટનાએ દેશભરમાં કરૂણાંતિકા સર્જાઈ છે. આ કરૂણ ઘટના પછી શ્રાવણ મહિનામાં દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર, સોમનાથ જેવા યાત્રાસ્થળોમાં આગામી તહેવારોમાં માત્ર મંદિરો કે દર્શનીય સ્થળો જ નહીં, પરંતુ ધોરીમાર્ગો પર પણ ગતિમર્યાદા તથા પદયાત્રીઓ માટે પ્રોટેક્શન મળી રહે, તેવી ચૂસ્ત વ્યવસ્થાઓ વધારવાની જરૂર છે અને જાહેરનામાઓ, હૂકમો, નિયમો, ગાઈડલાઈન્સ તથા સતર્કતા માટે અપાતા જુદા જુદા ક્ષેત્રના વિવિધ એલર્ટ વગેરેનો વાસ્તવમાં પૂરેપૂરો અમલ થાય, તેની તાકેદારી પણ રાખવી જ પડે તેમ છે. આ પડકાર ઝીલવા હવે તંત્રોએ તૈયાર રહેવું પડશે અને આ અંગેની જવાબદારીમાંથી સંબંધિત વિભાગો, આયોજકો કે સરકાર છટકી શકશે નહીં, કારણ કે ન્યાયતંત્ર દ્વારા હવે સુઓમોટો સુનાવણીઓ પણ ગંભીરતાથી થવા લાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial