Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
''એલા... આ કોણ રાગડા તાણે છે? આને કો'ક બંધ કરો, આના કરતા તો રૂબરૂ આવી અને એક એક ઢીકો મારી લે તો સારું. શરદભાઈ આનું ગળું....''
વધુ કાંઈ બોલવા જાઉં ત્યાં તો શરદભાઈ બોલ્યા ''આજે જરા બેસી ગયું છે. બાકી ગળું સારું જ છે. મારો સાળો ગાય છે.''
જરાકમાં સરકતું ગયુ. હું તરત જ ગાય જેવો થઈ ગયો. ''અરે સવાલ જ નથી ને ખુલ્લુ ગળું છે. પણ શું છે કે તબલા વાળો ફગી જાય છે. ગાયકની સાથે તાલમાં રહેતો નથી.''
શરદભાઈ એ તરત જ ન્યુટનના નિયમો મુજબ એક્શનની સામે રિએક્શન આપ્યું ''ના.. ના.. એવું નથી. મારા સાળાનો છોકરો જ વગાડે છે. મારો ભાણેજ. બાપ દીકરા ની જુગલબંધી ફરતા ગામમાં વિશ્વવિખ્યાત છે.''
પહેલું બટન ખોટું દેવાય એટલે છેટ લગી મેળ ના આવે.
મેં તરત જ કહૃાું કે શરદભાઈ તમે કાંઈ કામ અર્થે આવેલા?
''હા મારે ઢોલક ચડાવવા માટે પાનું જોઈએ છે.''
મેં કહૃાું ''પાછળની શેરીમાં ચુનીલાલ રહે છે તેની પાસે પહોંચી જાવ પાનું પણ મળશે અને બની શકે કે ઢોલક પણ મળે.''
શરદભાઈ સર્વ દુઃખ ભૂલી ઉતાવળા પગે ચુનિયાના ઘરે પહોંચ્યા. એ પહેલા તો મેં ચુનિયાને જરૂરી સૂચનાઓ આપી દીધી હતી.
શરદભાઈએ વાતનો ઉપાડ કર્યો. ''આ ઢોલક નમાલુ નમાલુ વાગે છે... મિલનભાઈ એ કહૃાું છે ચુનીલાલ કંઈક રસ્તો કાઢશે તેની પાસે પાના પકડ હોય.''
ચુનીલાલે ઉન્ડો નીસાસો નાખ્યો. આ વર્ષના વચલે દહાડે ઢોલક વાગતું હોય ત્યાં પાનું કાઢવું ક્યાંથી? ચાલો મારી સાથે કાંઈક જુગાડ કરીએ. ગોતતા ગોતતા ઉઘાડા પગે શેરીમાં નીકળ્યા તો પેલા તરુણ માસ્તરનું ઘર પડે ત્યાં માસ્તરનો દરવાજો ખખડાવ્યો ''માસ્તર..એ...માસ્તર સાહેબ..'' ચારપાંચ રાડે માસ્તર દરવાજો ઉઘાડતા જ ચુનિયો બોલ્યો, ''પાનું આપજો ને'' એટલે માસ્તરે પૂછ્યું ''નાનું આપું કે મોટું?'' ''નાનું હાલશે'' તો માસ્તર અંદરથી નોટબુકમાંથી પાનું ફાડી આવ્યાં. શરદચંદ્ર કે ''અરે ભાઈ આ પાનું નહીં ઢોલક ચડાવવું છે''. માસ્તર માથાભારે, કહે ''હા હો ચડાવી દ્યો ઉભા રહો હું સીડી આપું'' ઘરધણી મૂંઝાયા. ત્યાં માસ્તરે વધુ એક ટપકું મૂક્યું ''ચડાવી દ્યો ને માળિયે આ પાછલી શેરીમાં કોકના ઘરે નગારા નહીં ને તગારા ઉપર પાણા પડતા હોય એવું કોક વગાડે છે'' શરદભાઈ કહે, ''મારો સાળો ગાય છે અને ભાણેજ વગાડે છે.''
જો કે શરદચંદ્રને હાશકારો થ્યો ને ગુસ્સો પણ આવ્યો કે હાલો કોઈક તો છે કહેવા વાળું કે તમારો સાળો બહું ભંગાર ગાય, વગાડે છે.
ત્યાંથી હાલતા હાલતા પાનાની શોધમાં શેરીના નાકે જઈ ચઢ્યા તે રજાના દિવસે માંડ એક ગેરેજ વાળો મળ્યો. ગેરેજવાળાને કીધું ''ભાઈ પાનું આપજો ને'' ત્યાં તો સામેથી નંબરના બોમ્બ છૂટ્યા ''કયું આપું? એક નંબર, બે નંબર, ત્રણ નંબર, ચાર નંબર?'' ''અરે ભાઈ ઢોલક ચડાવવું છે એટલે ઈ પાનું આપો'' તો ઓલા ગેરેજ વાળાએ આખો સેટ આપ્યો ''જાઓ લઈ જાઓ'' ત્યાં આખા સેટને ઉંચકી ને ઘરે આવ્યા તો ઢોલક વાળો ભાણો કહે ''આ તો મેં સાણસીથી ચડાવી લીધું'' ભર શિયાળામાં કોઈક એકનું એક ગોદડું ખેંચી જાય અને અંદરથી જે સુવાક્યો નીકળે તેવા જ સુવાક્યો મનમાંથી નીકળ્યા પણ ભાણાને કહેવાય તો નહીં.
ઢોલક ચડાવ્યું,
માથે પાવડર-બાવડર છાંટી ને લિસ્સું કર્યું,
એક થાપ મારીને ધોળા ડિબાંગ પાવડરના ધુમાડા હવામાં ગોથા મારતા નીકળ્યા હો.
અમુક હરખ પદુડા કોરસ સિંગર બોલ્યા ચાલો હવે નોન સ્ટોપ ગરબાની રમઝટ જામશે.
''મગનચંદ્રકુમાર તમે કંઈક ગાઓ''
અને ત્યાં તો ભાઈ મગનચંદ્ર રંગમાં આવ્યાં. જિંદગીમાં આ જણે હરામ છે કોઈ દિવસ સુરમાં ગાયું હોય તો. એક વાજિંત્ર વગાડ્યું હોય તો.
બાપ દીકરાએ એક કલાકમાં ફેલાવાય એટલો ત્રાસ ફેલાવી દીધો.
પાડોશી આવી અને શરદભાઈના પગમાં લાકડી પડે એમ લાંબા થઈ અને પડ્યા. ''ભલા માણસ મને ખબર નહીં કે મારા મકાન માલિક આટલા બધા પહોંચતા છે. મેં તો એમ જ કહૃાું હતું કે અમુક વર્ષો પછી મકાન ભાડુવાતનું થઈ જાય. પરંતુ તમે એમને કહી દેજો હું આવતીકાલે જ ખાલી કરી અને જતો રહીશ. એક અઠવાડિયું ધર્મશાળામાં રોકાઈને બીજે મકાન શોધીશ.''
જે મકાન માલિક આટલા વર્ષોથી ભાડુઆત પાસે મકાન ખાલી કરાવી નહોતો શકતો તે શરદના સાળાએ એક કલાકમાં કરાવી નાખ્યું. આ છે સંગીતની બીજી બાજુની તાકાત.
ચાલો હવે વાંચવાનું પૂરૃં કરો નહીં તો હું ગાવાનું શરૂ કરીશ.
વિચારવાયુઃ હાય... હું સિંગર છું. તમે? હું બહેરો છું.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial